ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધપુરુષો થઈ ગયા છે. કેટલાકે પોતાની મૂળ ગુરુપરંપરાની સાધના કે પંથ-સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો પણ કરીને પોતાના નવા સિદ્ધાંતો સ્થાપ્યા છે. પ્રથમ પોતાની જાતની ઓળખ કરીને, પોતાની જાતને સુધારીને, સાધના દ્વારા પિંડશોધન કરીને, જગતના કલ્યાણ માટે આગવા સાધનામાર્ગની કેડી કંડારી છે. અવધૂત-મસ્ત દશાના મહાપુરુષો કે જે પોતાનો પંથ- સંપ્રદાય ઊભો નથી કરતા પણ સમસ્ત જગતને પોતાના જીવન અને કર્મદર્શન તથા સેવાકાર્યોથી માર્ગદર્શન આપતા રહે છે. તો કેટલાક પોતાના ઉપદેશ-આદેશના પ્રચાર માટે પંથ-સંપ્રદાયની સ્થાપના કરે છે અને પોતાના સાધનામાર્ગને વિશાળ શિષ્ય સમુદાય સુધી પહોંચાડે છે.

આવા સિદ્ધપુરુષોમાં ઘણા પ્રકારભેદ જોવા મળે. અત્યંત પ્રાચીન એવી શૈવશાક્ત-તંત્ર ઉપાસના સાથે, શિવ, શક્તિ, મહાકાલી વગેરે દશ મહાવિદ્યાઓ કે અન્ય દેવીદેવતાના ઉપાસકો, વેદાંતી-જ્ઞાનવર્તી આત્મચિંતન કરનારા મહાપુરુષો , હઠયોગી સાધના કરનારા કબીરપંથી કે અન્ય સંતસાધનાને અનુસરનારા સંતકવિઓ, લોક દેવ-દેવીઓની ઉપાસના કરનારા, ભૈરવ આદિ ઉગ્ર તાંત્રિક સાધના કરનારા, પ્રાણની સાધના, મનની સાધના, શબ્દની સાધના, નામવચનની સાધના, ક્રિયાયોગ, નામ-જપ કે સંકીર્તન કરનાર, સૂફી-મુસ્લિમધારાના સંતો. આમ અનેક સાધના-પરંપરાઓ દ્વારા આત્મચિંતન અને પરમાત્માના સાક્ષ્ાત્કાર સુધી પહોંચનારા મહાપુરુષો થયા છે. પરંતુ આવા તમામ સંતો-ભક્તોના જીવન વિશે વિગતવાર પ્રમાણભૂત માહિતી નથી મળતી.

જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. ત્યાં વિ.સં. 190પમાં લોહાણા જ્ઞાતિના ભક્ત ત્રિકમજીભાઈને ત્યાં દવારામનો જન્મ થયેલો. ત્રિકમજીભગતનું આખું જીવન સંતસેવામાં જ વ્યતીત થયેલું. રોજ સવારના પહોરમાં વહેલા ઊઠી ભાણવડના વેપારીઓ પાસેથી ખોબો ખોબો અનાજ માગી લાવે. એને દળાવી સાધુ-સંતો-અભ્યાગતોને ટુકડો આપે, કૂતરાને રોટલા ખવરાવે, વધેલા અનાજની પક્ષીઓને ચણ નાખે. રોજ રોજ જેટલું અનાજ મળે એનો સદુપયોગ જીવમાત્રની સેવા કરવામાં કરે. ત્રિકમજીભાઈને ત્યાં ત્રણ સંતાનો થયાં – પુરુષોત્તમ, દવારામ ને ગોવરધનદાસ. પિતાના અવસાન પછી મોટા દીકરા પુરુષોત્તમે ભાણવડમાં મીઠાઈની દુકાન માંડી. આજુબાજુના ગામડાઓમાં ક્યારેક ક્યારેક મીઠાઈનો કરંડિયો ભરી વેચવા નીકળે. અનાજના બદલામાં મીઠાઈ આપે. દવારામની ઉંમર નાની, પણ ક્યારેક એને પણ ધંધાનો અનુભવ લેવા દુકાને બેસાડે કે કરંડિયો ભરી ગામડે મીઠાઈ વેચવા મોકલે. દવારામના અંતરમાં લગની લાગી છે પોતાના પિતાએ શરૂ કરેલી સેવાજ્યોત ફરી ચેતાવવાની. મીઠાઈ વેચવા નીકળ્યો હોય ને બાળકોને ભાળે તો પ્રસાદીરૂપે મીઠાઈ વહેંચી આપે. કીડીઓ દેખે તો મીઠાઈનું કીડિયારૂં પૂરવા બેસી જાય. મોટાભાઈનો સ્વભાવ બહુ ગરમ. અવારનવાર દવારામને ધંધામાં પલોટવા ઠપકો આપ્યા કરતા. પણ આ તો અલગારી ઓલિયો ! મનમાં હરિસ્મરણ કરતો મોડી રાત્રે ઘેર આવ્યો. ભાઈને આજ બરોબરની દાઝ ચડી છે. માથેથી કરંડિયો હેઠો મૂક્યો ત્યાં પુરુષોત્તમ કહે; ‘દવલા! ક્યાં હતો અટાણ લગી? કેટલી કમાણી કરી ?’ ‘ભાઈ ! આજ તો અલખ ધણીને ચોપડે કમાણી લખાવી છે. આ દકાળના દવલા દિ,’ કીડિયુંને કણ જોવા મળતા નથી, મેં તો આજ કરોડ જીવને પરસાદી આપી છે…’

કરંડિયો ઉપાડીને નજર કરે છે તો જેટલો ભરીને આપેલો એટલો જ ભર્યો છે. દવારામ વિનવણી કરે છે, ‘ભાઈ ! મને રજા દ્યો, મારાથી વેપાર નૈં થાય, હવે તો હરિનામનું હાટ માંડવું છે…’ અને દવારામે ત્યારથી દુકાન છોડી. સવારના પહોરમાં ખભે કાવડ લઈ લોટ માગવા નીકળે. જે કંઈ ભિક્ષ્ા મળે એમાંથી દવારામનાં મા રોટલા ઘડી આપે. સદાવ્રત ફરી ચાલુ થયું છે, સાધુ-સંતોની વણઝાર આવ્યા જ કરે. એવામાં માનું અવસાન થયું. ભાભીએ રોટલા ઘડી આપવાની ના પાડી. એટલે દવારામે ભાણવડ ગામની બહાર એક ઝૂંપડી બાંધી ધરમની ધજા ખોડી.

દવારામ પોતે અનાજ માગી લાવે, દળણાં દળે, પાણી ભરે ને સાધુ-સંતોની સેવા કરે. અનેક સંતો-મહાત્માઓનો પરિચય થતો જાય. સેવાની સાથોસાથ ભક્તિ ને જ્ઞાન વધતાં જાય છે. ત્યાં ભાણવડથી એકાદ ગાઉ આઘે વરતુ, વેરાડી ને સોનમતી નદી જ્યાં ભેળી થાય છે, ત્યાં ત્રિવેણીએ એક ખાખી સાધુ નરસંગદાસજી પધાર્યા. નરસંગદાસજીએ દવારામની ખ્યાતિ સાંભળેલી, અવારનવાર દવારામને મળવા ભાણવડ આવે. દવારામ પણ નરસંગદાસજી સાથે સત્સંગ કરવા ત્રિવેણી પહોંચી જાય. એક્વાર નરસંગદાસે દવારામને હાથે રોટલા ઘડતાં, દળણાં દળતાં જોઈ મનમાં વિચારી લીધું કે આનું ઘર અજવાળે એવા ભંડારી મળે તો દવારામ વધુ સાધુ-સંતોની સેવા કરી શકે.

જ્ઞાતિ દ્વારા તો દવારામનો બહિષ્કાર થયેલો. પણ નરસંગદાસજીએ દવારામના મોટાભાઈને મળીને જામજોધપુર ગામના કાનાણી કુટુંબના એક ભક્ત લોહાણાની દીકરી જમનાબાઈ સાથે દવારામને પરણાવ્યા. પછી તો ભગત ને ભંડારી, જતિ ને સતીએ સેવા કરવામાં પાછું વાળીને જોયું નહીં. લાલજી મહારાજનું સ્મરણ ને હરિહરની હાકલું થાવા માંડી. થોડો વખત જતાં નરસંગદાસજીએ સમાધિ લીધી. ભાણવડ ગામ એ સમયે જામનગર રાય નીચે. એક્વાર જામસાહેબ ભાણવડ આવ્યા. ભગતની ઝૂંપડીએ આવી એમની સંતસેવા જોઈ. પોતે સંતો સાથે પ્રસાદ લેવા બેસી ગયા.

અંગરક્ષકોએ આનાકાની કરી, ‘બાપુ ! રાજના નિયમ પ્રમાણે આપનાથી બહારની વસ્તુ ચકાસ્યા વિના ન ખવાય.’ પણ જામ વિભાજીએ (ઈ.18પર-189પ) પ્રેમથી પ્રસાદી લીધી. એ પછી દર વરસે બે ગાડી અનાજ જગ્યામાં મોકલતા. ગામગરાસ આપવા જામસાહેબે પ્રયત્ન કરેલો, પણ દવારામે તેનો અસ્વીકાર ર્ક્યો. દવારામની ખ્યાતિ વધતી ચાલી. જામનગર નજીક રંગમતી નદીને કાંઠે રહેતા મૂંડિયા સ્વામીએ સંતમેળો ર્ક્યો ત્યારે યાત્રાળુઓ માટે સાકરવાળા મીઠા પાણીનું પરબ દવારામજીએ ખોલાવ્યું. ત્રણ દિવસ સુધી અનેક સંત, ભક્ત, મહંત, યોગી, સિદ્ધોને, યાત્રાળુઓને દવારામે શરબત પાયું. દવારામજીને ત્યાં સંતાન તરીકે વલ્લભરામનો જન્મ થયેલો. તેઓ પણ પિતાને પંથે ચાલીને સદાવ્રતની સેવા કરતા. આમ કરતાં વિ.સં.198રની સાલ આવી. કારતક મહિનો પૂરો થવાનો હતો, ત્યાં દવારામજીએ મહાત્મા ત્રિકમાચાર્યજીને બોલાવ્યા. સત્સંગ કરી, પોતાના પુત્ર, ભાઈ, ભત્રીજાઓ અને સંત-સેવકોને બોલાવી દ્વારકાની છેલ્લી યાત્રા કરી લીધી. ગોમતીમાં સ્નાન કરી છેલ્લાં રામરામ કરતાં આટલું બોલ્યા : ‘મારા મૃત્યુ પછી મારા દેહને ભૂમિસમાધિ દેતા નહીં, મારાં અસ્થિ(ફૂલ)ને પણ સમાધિ દેવાની નથી. શરીરને અગ્નિસંસ્કાર પણ ન કરવો, કારણ કે લાકડાં સાથે હજારો જીવ બળી મરે. પણ દેહને દરિયામાં પધરાવી જલદાહ આપજો.’ વિ.સં.198રના માગશર સુદ 4 ને ગુરુવારે દવારામજીએ 77 વર્ષનું આયુષ્ય ભોગવી પોતાની જીવનલીલા સંકેલી લીધી. એમના વંશજોએ એમની આજ્ઞા પ્રમાણે જલદાહ આપ્યો અને તેમની સેવા-ભક્તિની પરંપરા જાળવી રાખી, જે આજ સુધી સતધરમની ધજા ફરકાવતી ભાણવડને આંગણે દવારામજીની સેવાસુવાસ ફેલાવી રહી છે.

Total Views: 183
By Published On: January 1, 2018Categories: Niranjan Rajyaguru, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram