મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન વ્યક્તિને જ પૂછે કે તેમનો કયો વિચાર વધારે પ્રેરણાદાયી છે, તેનો ગાંધીજી જવાબ આપે છે, ‘મારું જીવન એ જ મારો સંદેશ કે પ્રેરણા.’ આ જવાબ આપે ભલે ગાંધીજી, પણ તે વિશ્વના બધા જ મહાન લોકો વતી જવાબ આપતા હોય છે. હકીકતે મહાન લોકોનું જીવન પ્રેરણાદાયી હોય છે. એટલે એમની વાણીમાં આ પ્રેરણા વ્યક્ત થતી હોય છે. એમના જીવનમાં અનેક બનાવો બનતા હોય છે. આ બનાવો બાહ્ય રીતે કદાચ સાદા હોય છે, પણ જો તેમનો ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે, તો તે બધા જ પ્રેરણાદાયી બની શકે છે. અનેક મહાન લોકોના જીવનમાં બનેલા આવા બનાવો આની સાક્ષી પૂરે છે.
આવા પ્રેરણાદાયી જીવન જીવનારાઓમાં સ્વામી વિવેકાનંદ અગ્રણી છે. તે જીવ્યા તો બહુ જ ટૂંકું જીવન, પણ જે કંઈ જીવ્યા, તેની પળેપળ ઉત્તેજક હતી, વિશ્વને હલાવનાર હતી, વિશ્વને નવી જ દિશા આપનાર હતી.
વિવેકાનંદના જીવનમાં અનેક ગુણો જોવા મળે છે, જે પૂરતી પ્રેરણા આપે છે. તેનું તો એક સ્વતંત્ર પુસ્તક થઈ શકે તેમ છે. અહીં આપણને જબરદસ્ત પ્રેરણાનું ભાથું પૂરું પાડનાર તેમની નિર્ભયતા અને મનની મક્કમતાના ગુણના બે ચાર દાખલા જ પૂરતા થશે.
તેમના ગુરુ શ્રીરાકૃષ્ણદેવની મહાસમાધિ પછી બધા શિષ્યોએ ટૂંકા પ્રવાસો શરૂ કર્યા. તેનો હેતુ બધાએ સ્વાવલંબી બનવાનો હતો. વિવેકાનંદે પણ પ્રવાસ શરૂ કર્યા. તેઓ પ્રવાસ કરતાં-કરતાં કાશી આવી પહોંચ્યા. ત્યાં દુર્ગામાતાનું મંદિર જોવા ગયા. ત્યાંથી પાછા વળતા હતા, ત્યારે જંગલમાંથી પસાર થતી વખતે અચાનક થોડા વાનરોનું ટોળું તેમની પાછળ પડ્યું. અચાનક આ હુમલો જોઈને તેઓ ગભરાઈ ગયા અને દોડવા લાગ્યા. આ દૃશ્ય એક સંન્યાસીએ જોયું. તેમણે બૂમ મારી, ‘અરે યુવાન, ભાગ નહીં. વાનરોનો સામનો કર.’ આ શબ્દોની સ્વામીજી પર જાદુઈ અસર થઈ. તેઓ દોડતાં અટકી ગયા અને વાનરો સામે છાતી કાઢીને ઊભા રહી ગયા. તેમને આ રીતે સામનો કરતા જોઈને વાનરો નાસી ગયા. આ પ્રસંગ તેમના મનમાં બરાબર ચીતરાઈ ગયો હતો અને તેનો પડઘો તેમણે પોતાના ન્યૂયોર્કના એક પ્રવચનમાં પાડતાં કહ્યું, ‘કુદરત સામે થાઓ, અજ્ઞાનનો સામનો કરો, માયાની સામે થાઓ. કદી તેનાથી ભાગો નહીં.’
સ્વામીજીમાં જેવી નિર્ભયતા હતી, તેવી જ લોખંડી નિશ્ર્ચયાત્મકતા પણ હતી. એક વાર તેઓ વૃંદાવનમાં હતા, ત્યારે તેમણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે કોઈની પાસે ભિક્ષા માગવી નહીં. સહેજે મળે તો જ ભોજન કરવું.
તેઓ બપોરે ફરતા હતા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી. વરસાદ વરસવા લાગ્યો. તેઓ ચાલતા જ રહ્યા. અચાનક કોઈએ તેમને બૂમ મારી. પણ તેઓ ન અટક્યા. તેઓ દોડવા લાગ્યા. પેલી વ્યક્તિ પણ પાછળ પાછળ દોડવા લાગી. એકાદ માઈલ પછી તેણે સ્વામીજીને પકડી પાડ્યા અને આગ્રહ કરીને ભોજન કરાવ્યું. સ્વામીજી ગળગળા થઈ ગયા.
પછી રાધાકુંડમાં તેમણે પોતાનું કૌપીન ધોયું. પાસે સૂક્વ્યું. સ્નાન કરીને આવ્યા તો કૌપીન ન મળે. એક વાંદરો ઉપાડી ગયો હતો. સ્વામીજી તો મનમાં ને મનમાં ગુસ્સે થયા અને રાધાજી પર ગુસ્સે થઈને બોલ્યા, ‘તમારી ભૂમિમાં આવી સ્થિતિ ? હવે હું ભૂખ્યે મરીને શરીર ત્યાગીશ.’ આમ કહીને તેઓ આગળ ચાલવા લાગ્યા. ત્યાં સામેથી એક વ્યક્તિ આવી. તેના હાથમાં નવું વસ્ત્ર અને ભોજન હતાં. સ્વામીજીને તો નવાઈ લાગી. તેમણે તેનો સ્વીકાર કર્યો. ભોજન કરીને પાછા વળ્યા અને કુંડ પાસે આવ્યા, ત્યાં જોયું તો પેલું કૌપીન પડ્યું હતું !
વ્યક્તિની મહત્તા એ છે કે તેનો પ્રભાવ પડવો જોઈએ. આમ તો સુંદર કપડાં પહેરીએ, તોપણ પ્રભાવ પડે, પણ આ પ્રભાવ ક્ષણિક હોય છે. સાચો પ્રભાવ તો વ્યક્તિના વ્યક્તિત્વનો હોય છે. વ્યક્તિની ઉપસ્થિતિ કે તેની વાણી પ્રભાવક હોવી જોઈએ. સ્વામીજીના જીવનમાં આ બાબતો જોવા મળતી.
સ્વામીજી અમેરિકામાં હતા, ત્યારે તેમનો પ્રભાવ સર્વત્ર પ્રસરી રહ્યો હતો. ત્યાંનાં એક પ્રખ્યાત કવિયત્રી ઇલા વ્હીલર વીલકોક્ષે સ્વામીજીની મુલાકાત લીધી. તેમના પર સ્વામીજીનો જબરો પ્રભાવ પડ્યો હતો. પછીથી તેમણે લખ્યું હતું, ‘બાર વર્ષ પહેલાં એક સાંજે મેં સાંભળ્યું કે ભારતથી એક વિવેકાનંદ નામના તત્ત્વજ્ઞાની મારા ઘરથી થોડે દૂર પ્રવચન આપવા આવવાના હતા. અમે તો કુતૂહલથી તેમને સાંભળવા ગયાં. હજી દશ મિનિટ જ બેઠાં કે અમને વિરલ અનુભવ થવા લાગ્યો. અમે જાણે કે અદ્ભુત વાતાવરણમાં ઊંચે જઈ રહ્યાં હતાં. પરિણામે સમગ્ર પ્રવચન અમે મંત્રમુગ્ધ થઈને સાંભળ્યું. વ્યાખ્યાન પૂરું થયું, ત્યારે જીવનની રોજબરોજની ઉથલપાથલનો સામનો કરવા અમે નવી હિંમત, નવી આશા, નવું સામર્થ્ય અને નવી શ્રદ્ધા લઈને બહાર નીકળ્યાં. મારા પતિ બોલ્યા, ‘આનું નામ તત્ત્વજ્ઞાન. એ જ છે ઈશ્વર વિષયક સાચો ખ્યાલ. જે ધર્મને હું શોધી રહ્યો છું, તે આ જ ધર્મ છે.’
તેવી જ રીતે સ્વામીજી ઇંગ્લેન્ડમાં હતા ત્યાં પણ તેઓ પોતાના પ્રભાવથી બધા પર છવાઈ જતા. આ પ્રભાવનો પડઘો ત્યાંનાં વર્તમાનપત્રોમાં પડતો. એક વર્તમાનપત્રે લખ્યું, ‘રાજા રામમોહનરાય પછી એક કેશવ સેનના અપવાદ સિવાય મંચ પર પ્રિન્સેસ હોલમાં અંગ્રેજી વ્યાખ્યાન આપનાર ‘હિંદુ યોગી’ જેવું આકર્ષક અને પ્રભાવક વ્યક્તિત્વ ધરાવનાર બીજો કોઈ ભારતવાસી આવ્યો નથી.’ બીજા વર્તમાનપત્ર ‘લંડન ડેઈલી ક્રોનિકલે’ લખ્યું હતું, ‘જેમની મુખમુદ્રા બુદ્ધના સુવિખ્યાત ચહેરાની ઘણી જ આશ્ચર્યકારક રીતે મળતી આવે છે, તે લોકપ્રિય સંન્યાસી વિવેકાનંદે આપણી વ્યાપારી સમૃદ્ધિઓ, ખૂનખાર લડાઈઓ અને ધાર્મિક અસહિષ્ણુતાઓ પર આકરા પ્રહારો કર્યા અને જાહેર કર્યું કે આટલા ભોગે તો શાંત હિંદુઓ આપણી બડાઈખોર સંસ્કૃતિને હરગીજ પસંદ ન કરે.’
હવે આપણે સ્વામીજીની અત્યંત તીવ્ર માનસિક શક્તિનું ઉદાહરણ જોઈએ : તેમના જીવનનો અંત જેમ જેમ નજીક આવતો હતો, તેમ તેમ તેમની તબિયત બગડતી જતી હતી. તેમની સારવાર ચાલતી હતી. તેમને કડક પરહેજી પાળવી પડતી. એ વખતે તેમના દૃઢ મનોબળનો પરિચય બધાને થતો.
એક વાર તેમના એક શિષ્યે તેમને પૂછ્યું, ‘સ્વામીજી તમે પહેલાં એક કલાકે પાણી પીતા. હવે આવી ભયંકર ગરમીમાં સાવ પાણી જ નથી પીતા આ કેવી રીતે શક્ય બને?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘જ્યારે મેં સારવાર લેવાનું નકકી કર્યું, ત્યારે મેં મારી જાત પણ સ્વનિયમન લાદી દીધું કે હવે મારા ગળામાં પાણી જઈ શકશે નહીં. એકવીસ દિવસથી હું પાણી પીતો નથી. એટલે જ્યારે હું કોગળો કરું, ત્યારે મને એવો અનુભવ થાય છે કે કદાચને પાણીનું એક પણ ટીપું પ્રવેશ કરે તે પહેલાં મારા ગળાના સ્નાયુઓ આપોઆપ બંધ થઈ જાય છે. શરીર તો મનનું માત્ર દાસ જ છે.’
Your Content Goes Here