એક પંખી ઊડે છે ને દૂર જાય છે, તમે એ પંખીને પકડીને એના પગ તપાસો તો ત્યાં કાદવ ચોંટેલો જોવા મળશે અને એ કાદવમાં કોઈ છોડનાં બીજ બાઝેલાં પણ જોવા મળશે. એ કાદવ અને એ બીજ ધરતી પર જ્યાં પડશે ત્યાં અંકુર ફૂટશે. પંખીને એની જાણ નથી. આ મહાન પ્રસરણ માટે અને પ્રકૃતિમાં પદાર્થોના આંતરસંબંધની વિભાવના માટે પંખી સાધન છે. એ જ રીતે તમે એક જીવયોનિનો નાશ કરો છો, ત્યારે એની સાથે કૃષિનો પણ નાશ કરો છો. સાવ ક્ષુદ્ર અળસિયાનું ઉદાહરણ જીવશાસ્ત્ર આપે છે; જમીનને પોષણ પૂરું પાડીને અને એની ફળદ્રુપતા વધારીને એ ખૂબ સારું કાર્ય કરે છે. પણ વૈજ્ઞાનિક આપણને કહે નહીં ત્યાં સુધી એની કામગીરીનો ખ્યાલ આપણને આવતો નથી. અળસિયાં અતિ ઉપયોગી કાર્ય કરે છે. લોભના માર્યા આપણે પ્રકૃતિનો નાશ કરીએ છીએ અને પાછળથી આપણે પીડા ભોગવીએ છીએ. અજ્ઞાનથી આપણે જગતના પરિસ્થિતિ વિજ્ઞાન-સંતુલનનો નાશ કરીએ છીએ. યજ્ઞની એ પ્રાચીન વિભાવના આજે પરિસ્થિતિ સંતુલનનાં સત્યોનું રૂપ લઈ રહી છે.

વિશ્વનો પ્રક્ષેપ કરનાર પ્રજાપતિએ પ્રથમ આ વિશ્વનો પ્રક્ષેપ કર્યો અને પછી આ વિશ્વના નિભાવ માટે એણે આ યજ્ઞનું સર્જન કર્યું : सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति:  ‘(પોતાની જાતમાંથી) આ સૃષ્ટિનો, યજ્ઞ સાથે, પ્રક્ષેપ કરીને પ્રજાપતિએ યુગો અગાઉ કહ્યું, શું કહ્યું એમણે ? ‘હે યજ્ઞ, આ સર્વ પ્રાણીઓ માટે તું આશીર્વાદરૂપ બન; તારે લીધે એ લોકો સરસ રીતે જીવી શકશે.’ अनेन प्रसविष्यध्वं ‘આ યજ્ઞની સહાયથી તમે સુખ પામો’, एष वोऽस्त्विष्टकामधुक् તમને સૌને માટે આ કામધેનુ બનો.’ આમ યજ્ઞભાવનાને પરિપુષ્ટ કરવાનું આપણને સૌને કહેવામાં આવ્યું છે. પછી સમાજમાં વધારે સુખ પ્રવર્તશે. આજે આંતરરાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી આપણે એને વધારે સારી રીતે સમજીએ છીએ; આંતરરાષ્ટ્રીય સહકાર, આંતરરાષ્ટ્રીય સહાય આજની ભાષા છે.

માનવસંબંધોમાં અભિવ્યક્ત થતી, ગીતાકથિત યજ્ઞભાવના આપણને અહીં જોવા મળે છે. સમાજમાં તમે એકમેકને સહાય કરો. રાષ્ટ્રીયસમાજ આજે આંતરરાષ્ટ્રીય સમાજ બન્યો છે જ. એમાં વનસ્પતિ અને પ્રાણીઓના જગતના પર્યાવરણનો સમાવેશ થાય છે. આ સર્વસમાવિષ્ટ દર્શનમાં બધાંનો સમાવેશ થાય છે.

આ વિષય બાબત, 1897માં મદ્રાસમાં આપેલા, ‘ભારતીય જીવનમાં વેદાંત’, તે વિષય પરના પોતાના પ્રવચનમાં (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – 4.168) સ્વામી વિવેકાનંદે કહ્યું હતું :

‘સર્વ દુ:ખનું મૂળ અજ્ઞાન છે; અને જિંદગીમાં સામાજિક કે આધ્યાત્મિક હરકોઈ અવસ્થાને તે લાગુ પાડવામાં આવે ત્યારે એની પ્રતીતિ થાય છે. આપણે એક બીજાને ધિક્કારીએ છીએ, તેનું કારણ અજ્ઞાન છે, આપણે એકબીજાને ઓળખી શક્તા નથી કે એકબીજાને ચાહી શક્તા નથી તેનું કારણ પણ અજ્ઞાન જ છે. આપણે એકબીજાને ઓળખવા લાગીએ કે તરત પ્રેમ ઉત્પન્ન થાય છે, થવો જ જોઈએ, કારણ કે છેવટે શું  આપણે બધા એક જ નથી ? આમ, ઐક્યભાવ આપોઆપ આવતો આપણે જોઈએ છીએ. રાજકારણમાં તેમજ સમાજશાસ્ત્રમાં, વીસ વર્ષ ઉપર જે પ્રશ્ન માત્ર રાષ્ટ્રીય હતા તેમનું હવે કેવળ રાષ્ટ્રીય ભૂમિકા ઉપર નિરાકરણ લાવી શકાય એવું રહ્યું નથી. તેમનાં પ્રમાણ, તેમના આકાર વિશાળ રાક્ષસી થતા જાય છે. તેમને જ્યારે આંતરરાષ્ટ્રીય ભૂમિકાની વિશાળ દૃષ્ટિથી હલ કરવામાં આવે ત્યારે જ તેમનું નિરાકરણ થઈ શકે. આજનો સૂર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો, આંતરરાષ્ટ્રીય સંગઠનોનો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો છે. એ ઐક્યભાવનાનું નિદર્શક છે.’

અંગ્રેજીમાં ‘સર્જન’ શબ્દ વપરાય છે, કારણ કે ચાકડા ઉપરથી વાસણો ઉતારતા કુંભારની જેમ લોકો દ્વૈતમાં માનતા હતા. સ્રષ્ટા જુદો છે, સાધન જુદું છે અને નીપજ પણ જુદી છે. એને સર્જન કહેવાય છે. પણ આ પ્રકારના સર્જનને વેદાંતમાં સ્થાન નથી. સૃષ્ટિ શબ્દને ‘સર્જન’ (Creation) તરીકે ખોટી રીતે ઓળખવામાં આવ્યો છે; એનો ખરો અનુવાદ પ્રક્ષેપ (Projection) થવો જોઈએ. ઈશ્વરે પોતાની જાતમાંથી સૃષ્ટિનો પ્રક્ષેપ કર્યો છે; પ્રથમ બ્રહ્માંડ, પછી તારામઢયું આકાશ અને બધી જીવસૃષ્ટિ અને અંતે મનુષ્યયોનિ. એ એકમાંથી જ બધું ઊપજ્યું છે અને એકમાં જ એ પાછું જવાનું છે. સર્જનની પ્રક્ષેપ તરીકેની એ ભારતીય વિભાવના છે. ઉપનિષદો ત્રણ દૃષ્ટાંતો આપે છે : (1) પહેલાં કરોળિયો પોતાની લાળ રૂપે જાળ કાઢે છે, પછી તેમાં એ રહે છે અને અંતે એને પાછી ખેંચી લે છે; (2) પૃથ્વીમાંથી વનસ્પતિનું અંકુરિત થવું; (3) જીવંત મનુષ્યદેહમાંથી વાળનું ફૂટવું. આ સર્વમાં સ્વયંભૂપણા સિવાય બીજું પરિબળ નથી; એ જ રીતે એકમાંથી અનેકનો ઉદ્ભવ થયો છે. एकोऽहं बहुस्याम् – ‘હું એક છું, મારે અનેક થવું છે.’યજ્ઞનો સિદ્ધાંત સમાજને પ્રેરણા આપે તો સમાજ બળવાન થાય છે અને લોકો પ્રગતિશીલ બને છે. અરસપરસ આપલેનો ભાવ ન હોય તો સમાજ ક્ષીણ થતો જાય છે અને તેનું પતન થાય છે.

देवान् भावयतानेन ते देवा भावयन्तु व:।

परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ॥11॥

‘દેવોને આ વડે તૃપ્ત કરો અને એ દેવો તમને તુષ્ટ કરે; આમ પરસ્પરને તુષ્ટ કરીને તમે પરમ શ્રેયને પામશો.’ અમેરિકામાં લખાયેલા ‘ધી સિક્રેટ લાઈફ ઓફ પ્લાંટ્સ’ પુસ્તકમાં દેવ શબ્દ વારંવાર વપરાયેલો જોવા મળે છે; પ્રકૃતિનાં પરિબળોનું એ સજીવારોપણ છે. देवान् भावयतानेन, ‘આ યજ્ઞ વડે દેવોને સહાય કરો’; ते देवा: भावयन्तु व:,  ‘એ દેવો પણ તમને સહાય કરશે.’ પછી શ્રીકૃષ્ણ કહે છે, परस्परं भावयन्त:  ‘પરસ્પરને તુષ્ટ કરીને (પોષણ આપીને) श्रेय: परमवाप्स्यथ,

‘સૌ પરમ શ્રેયને પામશો.’ નોખા તરીને નહીં, ઝઘડીને નહીં, શોષણથી નહીં, પરસ્પરના આધારથી પ્રગતિ સાધી શકાય છે. આપણે કુદરતનું ખંડન કરીએ છીએ અને આપણે કુદરત વડે ખંડિત બનીએ છીએ. આમ ન બનવું જોઈએ. કુદરત કોઈ નાશ કરવા માટેની વસ્તુ નથી. કુદરતનો ઉપયોગ કરી શકાય, પરંતુ એને પાછી પરિપૂર્ણ કરવી ઘટે. એમ ન થાય તો આપણે તકલીફમાં આવી પડીએ. આજે આખું જગત આ પ્રશ્ન પરત્વે સભાન બન્યું છે. ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કરેલી યજ્ઞની આ રજૂઆતને આ સંદર્ભમાં આપણે જોવી જોઈએ. વૈદિક સંદર્ભમાંથી વિચારો લઈને પોતાના તત્ત્વદર્શનના મંડન માટે ભગવાન તેમનો ઉપયોગ કરે છે અને એ વિચારો પૂરા માનવીય બની જાય છે. તેમજ આપણા સૌને માટે આજે પણ એ ઉપયોગી નીવડે છે. આથી, परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ,

‘પરસ્પરને સહાય કરીને તમે બન્ને પ્રગતિ કરી શકશો’, એ સાચું. પરંતુ જો તમે પરસ્પરને ખતમ કરવા મંડશો તો બંને નાશ પામશો.                                 (ક્રમશ:)

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.