રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે બાંગ્લાદેશથી સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ધ્રુવેશાનંદ અને સ્વામી સર્વસ્થાનંદની સાથે પમી ડિસેમ્બરે પધાર્યા હતા. 6ઠ્ઠી ડિસેમ્બરે મંત્રદીક્ષાનો કાર્યક્રમ હતો. તે જ દિવસે સાંજે 6 વાગ્યે ‘શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ના નવનિર્મિત ત્રીજા અને ચોથા માળના ભવનનું મંગલ ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.

સાંજે આરતી પછી વિવેકહૅાલમાં સ્વામી સુહિતાનંદજી મહારાજના આશીર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ સેરેબ્રલ પાલ્સીનાં બાળકોના ખ્વાજા મોહ્યુદ્દીનના પ્રાર્થનાગીત અને નૃત્યથી થયો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતા જન્માંધ ઉત્તમ મારુએ ‘તૈત્તિરીય ઉપનિષદ’માંથી બ્રહ્માનંદ લહરીમાંથી શ્ર્લોકનું પઠન કયુર્ર્ં હતું. સ્વામી સુહિતાનંદજી મહારાજે શાલ અને ઠાકુર-મા-સ્વામીજીની છબી અર્પણ કરીને તેનું સન્માન કર્યું હતું.

ત્યાર પછી રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે, ઢાકા(બાંગ્લાદેશ)ના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદે; સ્વામી સર્વસ્થાનંદે મહારાજશ્રીનું પુષ્પહારથી અભિવાદન કર્યું હતું. પુરુષભક્તો વતી દિનેશભાઈ દેવધરે અને બહેનો વતી હર્ષાબહેન ત્રિવેદીએ મહારાજશ્રીનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું કે બાર કલાકની લાંબી વિમાનયાત્રા કરીને આ કાર્યક્રમમાં મહારાજશ્રી પધાર્યા તે ખરેખર શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની કૃપાવૃષ્ટિ અને મહારાજશ્રીની આશ્રમ પ્રત્યેની અમીભરી ભાવનાનું પરિણામ છે. મહારાજશ્રીના આગમન માટે હું પ્રણામ સાથે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.

સ્વામી સર્વસ્થાનંદજીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે ‘શિવ જ્ઞાને જીવ સેવા’ના આદર્શ સાથે પ્રારંભાયેલા ‘સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ના વિકાસથી આધુનિક સુવિધાઓ આ કેન્દ્રને સાંપડી છે. ‘શ્રી જટાશંકર ત્રિભુવન પાઠક અને શ્રીમતી જયાલક્ષ્મી પાઠક ટ્રસ્ટ’ના શ્રીઅમીતભાઈ પંડ્યા અને એમનાં માતુશ્રી હંસાબહેન પંડ્યા દ્વારા સંસ્થાને વિવેક હૅાલમાં ‘વાચન ખંડ’ અને ‘ગ્રંથાલય’ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઊભી કરવા અને સી.પી.કેન્દ્રના વિકાસ માટે રૂપિયા 2 કરોડ અને 10 લાખનું માતબર દાન મળ્યું છે. એને લીધે સી.પી.કેન્દ્રમાં ગુજરાતમાં ન હોય તેવી અદ્યતન સુવિધાઓ ઊભી થઈ છે. એ માટે એ ટ્રસ્ટનાં આ બન્ને સંવાહકો અને ટ્રસ્ટીઓનો તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો.

સ્વામી ધ્રુવેશાનંદે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે નેત્ર ચિકિત્સાલય, ફિઝિયોથેરપી અને સી.પી.કેન્દ્ર એક જ ભવનમાં ચાલતાં. પણ પંડ્યા કુટુંબના માતબર દાનથી, ઠાકુર-મા અને સ્વામીજીના આશીર્વાદથી આજે અદ્યતન સુવિધાવાળાં ભવનો ઊભાં થયાં છે. આ કાર્યમાં સાથ સહકાર માટે સ્વામી ઇષ્ટમયાનંદ, ગિરીશભાઈ મારુ અને હિંડોચાભાઈનો ઋણ સ્વીકાર કર્યો હતો.

શ્રીમત્ સ્વામી સુહિતાનંદ મહારાજે દાતા શ્રીઅમીતભાઈ પંડ્યાનું શાલ અને શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબી અર્પણ કરીને તેનું અભિવાદન કર્યું હતું.

શ્રી અમીતભાઈ પંડ્યાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટનું સેવાકાર્ય માતુશ્રી હંસાબહેને ઉપાડી લીધું અને આ સેવાકાર્ય આગળ ધપાવ્યું. અમને આવી ઉમદા તક આશ્રમે આપી એ માટે હું આશ્રમનો આભાર માનું છું. અમે આ દિવ્યકાર્ય માટે કૃતજ્ઞભાવે  અને યથાસ્થાને દાન આપ્યું છે, એવી લાગણી હું અનુભવું છું.

ત્યાર પછી ભવનના બાંધકામના સહાયક ગિરીશભાઈ મારુ, હિંડોચાભાઈ, કિશોરભાઈ રૂપાપરા અને આશ્રમ માટે મથુરબાબુ જેવું દાન આપવા-અપાવવાનું ઉમદા કાર્ય કરનાર કિશોરભાઈ શાહ, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના આરંભકાળથી પોતાનું મૂલ્યવાન પ્રદાન આપનાર અને પ્રકાશન વિભાગમાં પોતાની સેવા આપનાર શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી અને શ્રીમનસુખભાઈ મહેતાનું શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે શાલ અને ઠાકુર-મા-સ્વામીજીની છબી આપીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે કેશવલાલ શાસ્ત્રીના ‘ગીતા’ વિશેના ચોખંબા પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલ ગ્ંરથનું વિમોચન શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.

શ્રીમત્ સ્વામી સુહિતાનંદ મહારાજનાં આશીર્વચન

આવી ઉમદા તક મળી એ મારું સદ્ભાગ્ય છે. લગભગ ભગવાન ભરોસે જીવતાં અને માતપિતાની લાચારી સાથેની ચિંતાનો વિષય બની જનાર આ બાળકોની સેવા માટે કાર્ય કરનાર ડોક્ટર્સ અને અન્ય સૌને હું ધન્યવાદ પાઠવું છું.

સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં લગભગ 11 માસ રહ્યા અને સ્વામી અખંડાનંદજી મહારાજે ઘણો સમય ગુજરાતમાં વિતાવ્યો હતો. એ બન્નેએ આપણને નવાં સૂત્રો આપ્યાં, ‘મૂર્ખ દેવો ભવ’, ‘દરિદ્ર દેવો ભવ’, ‘ચાંડાલ દેવો ભવ’ અને ‘રુગ્ણ દેવો ભવ’. આ આદર્શો અહીં ચરિતાર્થ થાય છે, એ જાણીને હું આનંદ અનુભવું છું.

સ્વામીજીએ અમેરિકાના ધનપતિ રોકફેલરને કહ્યું હતું કે તમારી પાસેનું ધન તમારું નથી, તમે તો તેના રક્ષક છો, ટ્રસ્ટી છો. એમ શ્રીઅમીતભાઈ અને હંસાબેન પંડ્યાએ આ ઉદાર દીલની સહાય આપી છે એ ધન્યવાદને પાત્ર છે. બીજાંનાં કલ્યાણ માટે દાન આપવું એ સંપત્તિનો સદુપયોગ છે અને ઈશ્વરકૃપા સિવાય આવું શક્ય બનતું નથી. સી.પી.નાં બાળકોએ જે કાર્યક્રમ રજૂ કર્યો તે ઈશ્વરના આશીર્વાદ સિવાય સંભવ નથી. કાશીપુરમાં પાસે આવનાર સદ્ગૃહસ્થોને શ્રીરામકૃષ્ણ કહેતા કે અમે ભગવાં પહેર્યાં છે, સંન્યાસી છીએ અને તમે સંસારી છો છતાં તમે સંન્યાસી જેવા નથી એમ નથી, કારણ કે તમે તમારું સર્વસ્વ ધન બીજાંનાં કલ્યાણ માટે વાપરો છો. તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવાકાર્યમાં મદદ કરો છો. તમે સૌ અસામાન્ય છો.

ગુરુદાસ મહારાજ – સ્વામી અતુલાનંદજી અમેરિકામાં સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા. તેઓ નેધરલેન્ડના હતા. તેમની ઇચ્છા સંન્યાસી બનવાની થઈ. દીક્ષાની તીવ્ર ઇચ્છાથી બાબુરામ મહારાજે તેમને શ્રીશ્રીમા પાસે મોકલ્યા. મા બંગાળી જાણે અને ગુરુદાસ મહારાજ ડચ અને અંગ્રજી જાણે. એટલે દુભાષિયા રૂપે એમની સાથે સ્વામી નિખિલાનંદજીને મોકલ્યા. શ્રીમાને વાત કરતાં ગુરુદાસ મહારાજને અંદર બોલાવ્યા અને તેમને મંત્રદીક્ષા આપી. ગુરુદાસ મહારાજ ડચ એ બંગાળી ન જાણે અને મા બંગાળી સિવાય બીજી ભાષા ન જાણે! છતાંય એમણે મંત્રદીક્ષા દીધી અને આમણે લીધી ! એટલે કોઈકે પૂછ્યું કે તમે આ બધું કેવી રીતે સમજી શક્યા? ગુરુદાસ મહારાજનો જવાબ આવો હતો : જન્મેલા બાળકને ખોળામાં લઈને મા કાલીઘેલી વાણીમાં અને જે ભાષામાં એની સાથે વાત કરે છે, એ જ ભાષામાં શ્રીમાએ વાત કરી અને હું સમજ્યો !

એક ગુજરાતી કવિ કહે છે- ‘પ્રેમપંથ છે પાવક જ્વાળા, મહીં પડ્યા તે માખણ પામે’ અને ‘રણ તો ધીરાનું નહીં કાયરનું’ એટલે માથું મૂકીને મોતી લેવા જનાર કોઈ દિવસ ખોટમાં ન રહે. ગુરુદાસ મહારાજના અંતરમાં પ્રેમભક્તિની હેલી ઊભરાઈ હશે, એટલે જ એમને બધું જ સમજાઈ ગયું.

બીજી એક ઘટનાની વાત કરતાં તેમણે કહ્યું કે હું રાહરામાં મિશનની શાળામાં આચાર્ય હતો અને ત્યારે કોમ્યુનિસ્ટનું વાતાવરણ, મારફાડવાળો નક્સલવાદ. યુવાનોને એ પ્રવાહમાં તણાઈ જતાં વાર ન લાગે. એક વિદ્યાર્થી પણ નક્સલના રંગે રંગાયો. એક દિવસ સાયકલ ઉપર આવ્યો અને નીચે ઊતરીને શાળાની માટીને સ્પર્શીને શ્રીઠાકુરની છબીને પ્રણામ કર્યા. મારાથી પુછાઈ જવાયું, ‘અલ્યા, તું તો નક્સલવાદી છો અને શ્રીરામકૃષ્ણને પ્રણામ કરે છે !’ તેણે તરત જ જવાબ આપ્યો, ‘શ્રીરામકૃષ્ણ તો અમારા ગામડાંના સૌથી વધારે શાણા અને પ્રજ્ઞાવાન માણસ છે !’

દરરોજ સાયકલ પર આવીને દર્શન કરતાં એક બાળકને કોઈએ બોલાવ્યો. તેણે કહ્યું કે – હમણા નહીં જઉં અને જઈશ તો તેઓ(શ્રીરામકૃષ્ણદેવ) ગુસ્સો કરશે! કેવો ભાવ સંબંધ હોય છે શ્રી ઠાકુર પ્રત્યે !

આર્જેન્ટિનામાં એક કેથેલિક ધર્મ પાળતું કુટુંબ મને અવારનવાર મળતું. એક દિવસ તેના વડિલે કહ્યું કે કાલે  શનિવાર છે. આ ભાઈ ધ્યાન રાખશે. તમે મારે ત્યાં આવજો. ચાપાણી લીધા પછી વાતવાતમાં તેમણે કહ્યું કે તેઓ કેથોલિક ધર્મ પાળે છે, ચર્ચમાં જાય છે અને શ્રીરામકૃષ્ણને ભજે છે. જન્મથી હું કેથોલિક છું અને હવે શ્રીરામકૃષ્ણની ભક્તિ કરું છું ! ક્યાંય દેખાય છે સંપ્રદાયવાદ કે મિથ્યા ધર્મવાદ ? શ્રીઠાકુરના સર્વધર્મ સમન્વય ભાવમાં કેટકેટલા લોકો ભળી જાય છે, એમાં ઓગળી જાય છે !

ફીજી આશ્રમના અંતેવાસી સાધુઓની સંભાળ લેતાં અને મંદિર, રસોઈઘર, બગીચાનું કામ કરતાં એક બહેન હતાં. મેં એક દિવસ પૂછ્યું, ‘તમે શું કરો છો ? ક્યાં રહો છો?’ તેમનો જવાબ આ હતો, ‘હું ઈરાનની છું.’ મેં ફરી પૂછ્યું, ‘તમે અહીં કેમ આવો છો ?’ તેમણે કહ્યું, ‘મહારાજ, મારા હાથમાં ‘શ્રીરામકૃષષ્ણ કથામૃત’ આવ્યું. હું દક્ષિણેશ્ર્વર પણ ગઈ. મેં શ્રીમા વિશે પણ વાંચ્યું. શ્રીમાએ પોતાની ગાંડી, જિદ્દી અને ક્યારેક અતિકષ્ટદાયી ભત્રીજીને કેવી રીતે સાચવી, એ મેં જાણ્યું. મારી રાધૂ જેવી દીકરીને કેવી રીતે સાચવવી તેનો ઉકેલ મને એમની જીવનકથા વાંચવાથી મળ્યો અને પછી મેં પણ મારી દીકરીનું નામ રાધૂ જ રાખી દીધું !’ ઠાકુર-મા અને સ્વામીજીનો કેટલો મહાન પ્રભાવ ! અને તે પણ ક્યાંય દૂરસુદૂરના દેશો સુધી !

કેનેડાનો એક યુવાન ઇ-મેઈલ દ્વારા કેટલાક આધ્યાત્મિક પ્રશ્નો અવારનવાર પૂછતો. એને અવારનવાર પૂછેલા પ્રશ્નોના જવાબ પણ આપતો. કેટલાક સમયથી એમના ઈ-મેઈલ આવતા બંધ થયા. એટલે મેં જિજ્ઞાસાથી પૂછપરછ કરી તો એણે જવાબ આપ્યો કે મહારાજ, મારી સમસ્યા ઉકલી ગઈ છે. એક પાદરીએ મને એક પુસ્તક ભેટ આપ્યું. એણે મારી સમસ્યાઓ ઉકેલી દીધી અને એ ગીતા જેવું પુસ્તક હતું ‘શ્રીરામકૃષ્ણ કથામૃત!’

બ્રાઝીલના સાઓપોલોમાં આશ્રમ છે. ત્યાંના અધ્યક્ષ કાર્ડિયાક સર્જન છે. તેમણે સ્વામી વિજયાનંદજી પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ મારી સાથે વાતચીત કરવા ઇચ્છે, પણ હું એની ભાષામાં વાત ન કરી શકું અને તે અંગ્રેજીમાં વાતચીત ન કરી શકે. એટલે દુભાષિયાની મદદથી ચાલ્યું. એમને પૂછ્યું કે તમારે કેટલા છોકરા છોકરી છે ? તેમનો જવાબ હતો મારે ત્રણ છોકરા છે. એક છોકરો યુએસએમાં કાર્ડિયાક સર્જન છે, બીજો ચાર્ટર્ડએકાઉન્ટન્ટ છે અને તે પોતાની પેઢી સંભાળે છે. ત્રીજા છોકરાની ચિંતા છે. એ નાનો છે. વધારે પૂછતાં એમણે કહ્યું કે મહારાજ, મારું ત્રીજું સંતાન આ આશ્રમ છે. એ મોટું થશે પછી હું મુક્ત થઈશ !

ક્યાંના માનવી અને શ્રીરામકૃષ્ણ, શ્રીમા અને સ્વામીજીના ભાવજગતમાં કેટલા ડૂબી ગયા છે!

મેં પ્રેમેશાનંદ મહારાજની દશ વર્ષ સુધી સેવા કરી. તેઓ પોતાના અંતિમ સમયે સાવ અશક્ત અને પરાવલંબી બની ગયા હતા. એક બાળકની જેમ એમની સેવા કરવી પડતી. નિયમાનુસાર તેઓ સ્નાન કર્યા પછી ગંગાજળ અને જગન્નાથનો પ્રસાદ લેતા. એક વખત કટિસ્નાન  કરાવ્યા પછી મેં ગંગાજળ આપ્યું, પણ કંઈ ધ્યાન ન આપ્યું. ત્રણેક વાર કહ્યું પણ પ્રત્યુત્તર ન મળતાં મેં પૂછ્યું કે આમ કેમ કરો છો ? તેમણે મને જવાબ આપ્યો કે માતાજીએ મને ઠાકુરજીનું નામજળ આપ્યું છે, અને એનાથી મહાન કોઈ જળ નથી !

આવી ભાવભક્તિ આપ સૌના જીવનમાં શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજી સદૈવ ભરપૂર ભરતા રહે, તેવાં મારાં આપ સૌને આશીર્વચન છે.

કાર્યક્રમના અંતે સ્વામી નિખિલેશ્વરાનંદે રાજકોટ આવવા માટે મહારાજશ્રીનો ઋણ સ્વીકાર કર્યો હતો અને પછી પોતાની લાક્ષણિક શૈલીમાં ગુજરાતીઓ કહે છે તેમ, ‘ફરીથી આવજો હો !’ કહીને મહારાજને આવવા માટે પુન: નિમંત્રણ આપ્યું. સૌ ભક્તજનોનો પણ તેમણે આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત ભક્તજનોએ વ્યક્તિગત રીતે મહારાજશ્રીને પ્રણામ કરવાનો લાભ મેળવ્યો હતો.

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.