કલ્પતરુ શ્રી રામકૃષ્ણ
હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો અને દાનવો દ્વારા ક્ષીરસાગરનું મંથન કરતી વખતે અન્ય રત્નો સાથે આની ઉત્પત્તિ થઈ હતી, એમ કહેવાય છે. આ વૃક્ષની વિશિષ્ટતા એ છે કે વૃક્ષની હેઠળ રહેલ વ્યક્તિની ઇચ્છાઓ તે પૂરી કરે છે.
કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાની જીવનલીલાના અંતિમ ચરણમાં હતા. તે સમયે 1લી જાન્યુઆરી, 1886ના રોજ ‘કલ્પતરુ’ બન્યા હતા અને ‘તમને સૌને ચૈતન્ય હો’ એમ કહીને પોતાના ભક્તોને આશિષ આપ્યા હતા. 1લી જાન્યુઆરી,1886ના રોજ ત્રીજા પહોરે શરીર સ્વસ્થ જણાતાં તેઓ ઉદ્યાનભ્રમણ માટે નીકળ્યા. ત્યારે મકાનમાં અને ઉદ્યાનમાં ત્રીસ કરતાં વધુ લોકો હાજર હતા. ઠાકુરને જોતાં આથમણી બાજુના ઝાડ નીચે ઊભેલા ગિરીશ, રામ, અતુલ વગેરે આનંદપૂર્વક તેમની પાસે આવ્યા. ઠાકુરે ઓચિંતા ગિરીશને સંબોધીને કહ્યું, ‘ગિરીશ, આ તમે જે સહુને આટલી વાતો (મારા અવતારત્વ વિશે) કહેતા ફરો છો, તે તમે (મારા વિશે) શું જોયું છે અને શું સમજ્યા છો?’ એ સાંભળીને ગિરીશ ઠાકુરનાં ચરણોમાં ઘૂંટણ ટેકવીને બેસી ગયા અને ગદ્ગદ કંઠે કહ્યું, ‘વ્યાસ, વાલ્મીકિ જેમનો પાર નથી પામી શક્યા, એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું ?’ આ ભાવપૂર્ણ સ્તુતિ સાંભળીને શ્રીઠાકુર મુગ્ધ થઈ ગયા અને ત્યાં એકત્રિત સૌને પોતાના પવિત્ર હાથથી અમોઘ સ્પર્શ કરીને અભયદાન પ્રદાન કર્યું. ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ આપું છું કે તમને સૌને ચૈતન્ય હો’, એવા પ્રેમભક્તિ અને મુક્તિદાયક મહામંત્રનું ઉચ્ચારણ કર્યું.
શ્રીઠાકુરે અર્ધબાહ્યદશામાં હરમોહન અને હાજરા એમ બે-ચાર વ્યક્તિને ‘આજે નહીં, ફરી કોઈક વાર’ એમ કહ્યું હતું અને દિવ્ય શક્તિપૂર્વક સ્પર્શ કરીને બાકીના બધા પર અહેતુક કૃપા કરી હતી.
કૃપાપાત્રોનાં નામ છે ગિરીશ, અતુલ, રામચંદ્ર, નવગોપાલ, વૈકુંઠ, કિશોરીરાય, હારાણ, રામલાલ, અક્ષય વગેરે. માસ્ટર મહાશય પણ કદાચ હાજર હતા. અક્ષયકુમારની ‘રામકૃષ્ણ પૂંથિ’ અનુસાર ઉપેન્દ્ર મજમુદાર અને ઉદ્યાનગૃહનો ગાંગુલી ઉપાધિધારી બ્રાહ્મણ રસોઈયો પણ કૃપાપાત્ર બન્યા હતા.
રામચંદ્ર અને ગિરીશ અહીં-તહીંથી ભક્તોને બોલાવી કૃતકૃત્ય બનાવવા લાગ્યા. ઠાકુરના દિવ્યસ્પર્શ અને મહામંત્રદાનથી કોઈ મંત્રમુગ્ધની જેમ તાકી રહ્યો, કોઈ કૃપાધન્ય બનીને ધન્ય બનવા અન્યને બૂમો પાડી બોલાવવા લાગ્યો, કોઈ મંત્રોચ્ચાર સહિત પુષ્પોથી ઠાકુરના શ્રીઅંગની પૂજા કરવા લાગ્યો. કેટલાકે કહ્યું કે પોતાને મધુર આત્મવિસ્મૃતિનો અનુભવ થયો, કેટલાકને પ્રકાશનાં દર્શન થયાં હતાં, કેટલાકે એક પ્રકારનો પ્રકાશ શરીરમાં નીચેથી ઉપર ચડી રહેલો અનુભવ્યો હતો અને અવર્ણનીય આનંદ તો સૌએ અનુભવ્યો હતો. કેટલાક રડવા તો કેટલાક હસવા લાગ્યા, બીજા કેટલાક ગહન ધ્યાનમાં મગ્ન થયા.
સંન્યાસી ભક્તોમાંથી એકપણ ઘટનાસ્થળે હાજર ન હતો. કેટલાક રાત્રિજાગરણને કારણે સૂતા હતા, તો કોઈક ઠાકુરનો ઓરડો સાફસૂફ કરવામાં વ્યસ્ત હતા.
વિશેષ કૃપાપાત્ર તો હારાણ, વૈકુંઠ, રામલાલ વગેરે હતા.
હારાણચંદ્ર દાસે પ્રણામ કરતાંવેંત શ્રીઠાકુરે તેના મસ્તક પર પોતાનું શ્રીચરણ પધરાવ્યું. શ્રીઠાકુરે વૈકુંઠનો હૃદયસ્પર્શ કરતાં તેના અંતરમાં અપૂર્વ ભાવપલટો આવ્યો અને તે સચરાચરમાં ઠાકુરની પ્રસન્ન હાસ્યદીપ્ત મૂર્તિ નિહાળવા લાગ્યો. થોડા દિવસો સુધી આ ભાવ અને દર્શન જાગ્રત અવસ્થામાં સર્વદા રહ્યાં. આ પહેલાં રામલાલ ધ્યાન ધરતી વખતે માનસચક્ષુ વડે પોતાના ઇષ્ટનાં શ્રીઅંગો પૈકી એકાદ ભાગનાં જ દર્શન કરી શકતો, પણ તે દિવસે ઠાકુરે સ્પર્શ કર્યો કે તરત તેના હૃદયકમળમાં તેની ઇષ્ટમૂર્તિ સર્વાંગ સંપૂર્ણ આવિર્ભૂત થઈને ચેષ્ટા કરતી પ્રકાશિત થઈ ઊઠી હતી.
હાલમાં દર વર્ષે પહેલી જાન્યુઆરીનો આખો દિવસ કલ્પતરુ ઉત્સવ તરીકે કાશીપુર ઉદ્યાનગૃહમાં તથા સર્વત્ર ઉજવવામાં આવે છે. જે કાશીપુર ઉદ્યાનગૃહના વૃક્ષ નજીક ઠાકુર કલ્પતરુ બન્યા હતા, એ સ્થળે લોકો લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે અને આ દિવ્ય પ્રસંગની યાદમાં આનંદિત બનીને દિવસ વિતાવે છે. પોતાની ઇચ્છાઓની પૂર્તિ કરવા દૂરસુદૂરથી લોકો ઠાકુરની પ્રાર્થના માટે ત્યાં આવે છે, કારણ કે ઈશ્વર કલ્પતરુ છે.
****
મકરસંક્રાંતિ-પુણ્યપર્વ
મકરસંક્રાંતિનો તહેવાર અધિકતર જાન્યુઆરી માસની 14મી તારીખે ઉજવાય છે. ક્યારેક ક્યારેક આ તહેવાર 12,13 કે 15મી ના દિવસે પણ આવે છે. એનું કારણ એ છે કે સૂર્ય ક્યારે ધનુરાશિ છોડીને મકરરાશિમાં પ્રવેશ કરે, એ બાબત પર આધારિત હોય.
સૂર્યનારાયણ એક પછી એક બાર રાશિઓમાં એક એક મહિનો રહે છે. જ્યારે ભાસ્કરદેવ કર્ક, સિંહ, ક્ધયા, તુલા, વૃશ્ર્ચિક અને ધનુરાશિમાં હોય છે ત્યારે એ કાળને દક્ષિણાયન કહે છે. ત્યાર પછી સૂર્યનારાયણ મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન રાશિમાં ક્રમશ: એક એક માસ રહે છે તેને ઉત્તરાયણ કહે છે. જે દિવસે સૂર્યનારાયણ દક્ષિણાયનથી ઉત્તરાયન થાય છે, તે તિથિને મકરસંક્રાંતિ કહે છે. સૂર્યનારાયણ આ દિવસે ધનુરાશિમાંથી મકરરાશિમાં પ્રવેશ કરે છે.
મકરસંક્રાંતિ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ
એમ કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા એના ઘરે જાય છે. શનિદેવ જો કે મકરરાશિના સ્વામી છે. એટલે એ દિવસને મકરસંક્રાંતિના નામે લોકો ઓળખે છે.
મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ પાછળ ચાલતાં ચાલતાં કપિલમુનિના આશ્રમમાં થઈને સાગરને મળે છે. એમ પણ કહેવાય છે કે ગંગાજીને ધરતી પર લાવનાર મહારાજા ભગીરથે પોતાના પૂર્વજો માટે એ દિવસે તર્પણ કર્યું હતું. એમના તર્પણનો સ્વીકાર કર્યા પછી આ દિવસે ગંગા સમુદ્રમાં જઈને મળી ગઈ હતી. એટલે મકરસંક્રાંતિના દિવસે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં મેળાનું આયોજન થાય છે.
મહાભારતકાળના મહાન યોદ્ધા ભીષ્મ પિતામહે પણ પોતાના દેહત્યાગ માટે મકરસંક્રાંતિના પાવન દિવસને પસંદ કર્યો હતો. આ તહેવાર અલગ અલગ પ્રાંતોમાં જુદી જુદી રીતે ઉજવાય છે. તામિલનાડુમાં મકરસંક્રાંતિના તહેવારને ‘પોંગલ’ના રૂપે ઉજવાય છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં આ પર્વ કેવળ ‘સંક્રાંતિ’ના નામે ઓળખાય છે. કેરળમાં આ પર્વને તૈલ પોંગલ પણ કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધસમાપ્તિની ઘોષણા કરી હતી. તેમણે બધા અસુરોનાં મસ્તકોને મંદાર પર્વતમાં દબાવી દીધાં હતાં. આ રીતે આ દિવસ અનિષ્ટતા અને નકારાત્મકતાને સમાપ્ત કરવાનો દિવસ પણ ગણાય છે. યશોદાજીએ જ્યારે કૃષ્ણજન્મ માટે વ્રત કર્યું હતું, ત્યારે સૂર્યદેવતા ઉત્તરાયણકાળમાં પદાર્પણ કરી રહ્યા હતા અને એ દિવસે મકરસંક્રાંતિ હતી. એમ કહેવાય છે કે ત્યારથી જ મકરસંક્રાંતિના વ્રતનું પ્રચલન થયું હતું.
****
ગંગાસ્નાન, પવિત્રનદીમાં સ્નાન
અને દાનનું મહત્ત્વ
સૃષ્ટિને ઊર્જાવાન કરનાર ભાસ્કરદેવ સ્થાન પરિવર્તન કરવા જઈ રહ્યા છે. મકરસંક્રાંતિથી સૂર્યનારાયણ છ માસ માટે ઉત્તરાયણ થઈ જશે. આ ઉત્તરાયણકાળ શુભ અને માંગલિક કાર્ય માટે શ્રેષ્ઠ મનાય છે. એટલે ઉત્તરાયણ પછી લગ્ન, સગાઈ જેવાં શુભ કાર્યો થતાં જોવા મળે છે. મકરસંક્રાંતિ સ્નાન અને દાન માટે ખાસ તહેવાર છે. એમાંય ગંગાસ્નાન માટે જાણે કે શ્રદ્ધાનું મોજું ઊમટતું દેખાય છે. આ દિવસે ગંગા સિવાય કોઈપણ પવિત્ર નદીમાં કરેલું સ્નાન પણ પુણ્યકારી ગણાય છે.
સંક્રાંતિના પુણ્યકાળે નવાં વાસણો, ગાયને ચારો, અનાજ, તલ, ગોળ, સોનું, ભૂમિ, ગાય, વસ્ત્રો અને ઘોડાનું યથાશક્તિ દાન અપાય છે. સંક્રાંતિના પુણ્યકાળે તલમિશ્રિત જળથી સ્નાન કરવું, તલનું અભ્યંગ શરીર પર લગાડવું, તલનો હોમ કરવો, તલમિશ્રિત પાણી પીવું, તલ કે ગોળ સાથે કરેલા તલના લાડવા ખાવા આમ છ પ્રકારે તલનો ઉપયોગ થાય છે. યથાશક્તિ દાન આપવાથી બધાં જ દુ:ખનો નાશ થાય છે. આ પુણ્યકાળે વડીલવર્ગ અને પિતૃઓને પ્રસન્ન કરવા, ભગવાન શિવજીની પૂજા કરવી અને સૂર્ય ભગવાનને દૂધનો અર્ઘ્ય આપવો પાવનકારી ગણાય છે. કેટલેક સ્થળે આ દિવસે પિતૃતર્પણ પણ થાય છે.
****
રાષ્ટ્રિય યુવા દિન
श्री विवेकानंद ध्यानम्
विश्वाचार्यं जगद्वन्द्यं विवेकानंदरूपिणम् ।
वीरेश्वरात्समुत्पन्नं सप्तर्षिमण्डलागतं ॥
ज्ञानभक्तिप्रदातारं पद्माक्षगौरविग्रहम् ।
ध्यायेद्देवं ज्योति:पुञ्जं लोककल्याणकारिणम् ॥
‘સમગ્ર વિશ્વના આચાર્ય, વિશ્વવંદ્ય, વીરેશ્ર્વર મહાદેવની કૃપાથી અવતરેલા, સપ્તર્ષિમંડળમાંથી અવતીર્ણ, જ્ઞાનભક્તિના દાતા, કમળ જેવી આંખોવાળા અને ગૌરવર્ણા, લોકકલ્યાણકારી, જ્યોતિપુંજ એવા વિવેક અને આનંદ સ્વરૂપ દેવનું ધ્યાન કરો.’
યુવાનોના આદર્શ અને પ્રેરણાસ્રોત તેમજ યુવાનો પર અનન્ય શ્રદ્ધા રાખીને તેમને ભાવિ ભારતના ઘડવૈયા માનનારા સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863; સંવત 1919ના પોષવદ સાતમને સોમવારના રોજ મકરસંક્રાંતિના પાવનકારી દિવસે કોલકાતામાં થયો હતો. 1985માં ભારત સરકારના તત્કાલીન વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીએ સ્વામીજીના જન્મદિવસ, 12મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવા દિન’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી માંડીને આજ સુધી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશેષ કરીને રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રોમાં અનેક કાર્યક્રમો યોજાય છે. રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા યુવરેલી, યુવશિબિર, યુવસંમેલનનું આયોજન થાય છે. આ ઉપરાંત ક્વિઝ, નિબંધલેખન, વક્તૃત્વ, મુખપાઠ, સંગીત, શીઘ્ર-ચિત્ર, નાટ્ય પ્રદર્શન, વેશભૂષા, યોગાસન, સ્વચ્છ ભારત જેવી અનેક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિનું આયોજન થાય છે અને દર વર્ષે વિજેતાઓને પારિતોષિકો આપવામાં આવે છે.
2011 થી 2017 સુધીમાં આ વિષયો પર નીચે મુજબ પરિચર્ચા, શિબિરનું આયોજન થયું હતું :
2011માં ‘સબસે પહલે ભારત’; 2012માં ‘વિવિધતામાં એકતા’; 2013માં ‘યુવશક્તિની જાગૃતિ’; 2014માં ‘નશીલા પદાર્થોથી વિશ્વને મુક્ત કરવા માટે યુવાનોનું પ્રદાન’; 2015માં ‘યોગમંચ’ અને ‘સ્વચ્છ હરીયાળું, વિકાસશીલ ભારત અને યુવાનો’; 2016માં ‘કૌશલ્ય વિકાસ અને એકતા’ તથા ‘સંવાદિતા અને યુવાનો’; 2017માં ‘યુવાનો અને ડિજિટલ ઇન્ડિયા’.
****
સરસ્વતી પૂજા
श्री सरस्वती स्तोत्रम्
श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता ।
श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना ॥
श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दन चर्चिता ।
श्वेतवीणाधारा शुभ्रा श्वेतालंकारभूषिता ॥
वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवै: ।
पूजिता मुनिभि: सर्वैर्ऋषिभि: स्तूयते सदा ॥
स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम् ।
ये स्मरन्ति त्रिसन्ध्यायां सर्वां विद्यां लभन्ते ते ॥
‘શ્ર્વેતકમળ પર વિરાજનારાં, શ્ર્વેત પુષ્પોથી શોભિત, શ્ર્વેત વસ્ત્રો ધારણ કરનારાં, નિત્ય સનાતન સ્વરૂપા, શ્ર્વેત ચંદનથી લેપિત.
હાથમાં શ્ર્વેત કમલાક્ષોની માળા ધારણ કરનારાં, શ્ર્વેત ચંદનથી અર્ચિત, શ્ર્વેત વીણા ધારણ કરનારાં, શ્ર્વેત અલંકારથી ભૂષિત એવાં શુભ્રાદેવી.
સિદ્ધો, ગંધર્વો, દેવો અને દાનવો દ્વારા વંદિત, બધા ઋષિમુનિઓ દ્વારા સ્તુતિ કરાતાં અને પૂજાતાં.
જગદ્ધાત્રી દેવી સરસ્વતીનું આ સ્તોત્રથી ત્રણેયકાળ સ્મરણ કરનારા બધા બધી વિદ્યાઓ પ્રાપ્ત કરે છે.
જેમ નવરાત્રી એ દેવી દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતાલક્ષ્મીની પૂજાનો દિવસ છે; તેવી જ રીતે ‘વસંત પંચમી’ એ દેવી સરસ્વતીનો જન્મદિવસ છે, એટલે પૂર્વ ભારતનાં રાજ્યોમાં ‘સરસ્વતી પૂજા’નો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
અત્યારે તો આપણે સૌ આપણા ભારતીય પંચાંગને ભૂલી ગયાં છીએ. અંગ્રેજી કેલેન્ડરને બરાબર યાદ રાખીને ચાલીએ છીએ. સૌ કોઈ આજે કઈ તારીખ એમ પૂછે છે, પણ આજે કઈ તિથિ છે, એની મોટાભાગના લોકોને ખબર નથી હોતી. વસંત પંચમી કયા મહિનામાં અને કઈ તિથિએ આવે છે, એની આપણને બહુ જાણ કે ખબર નથી હોતી.
‘મહા મહિનાના શુક્લપક્ષની પાંચમ’ને વસંત પંચમી કહે છે. સામાન્ય રીતે આપણે ત્યાં ઋતુના છ પ્રકાર છે : વર્ષા, શરદ; હેમંત, શિશિર; વસંત, ગ્રીષ્મ. આપણી વસંત પંચમી વસંતઋતુનો તહેવાર છે. એટલે આ ઋતુમાં વૃક્ષો, વેલીઓ, છોડ વગેરેમાં લીલાં પાંદડાં આવે છે અને વૃક્ષો કે જે શિશિરમાં ઠૂંઠાં થઈ ગયાં હતાં તેમાં પર્ણોની નવી કૂંપળો ફૂટતાં અને નવાં પુષ્પો ખીલતાં વાતાવરણ આહ્લાદક બની જાય છે.
આ વસંત પંચમીને દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો, એવું મનાય છે. એટલે મંદિરોમાં, ઘરોમાં, શાળા-કોલેજોમાં માતા સરસ્વતીની પૂજા થાય છે. હવે તો આપણે ટી.વી. પર પણ સરસ્વતી પૂજા મહોત્સવને પણ જોઈ શકીએ છીએ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે તા.22મી જાન્યુઆરી,2018ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું છે.
માતા સરસ્વતી દેવીની પ્રતિમાને સફેદ વસ્ત્રોથી શણગારવામાં આવે છે. તેમને મીઠાઈઓ, ખીર વગેરે ધરાવાય છે અને ભોગ ધરાવ્યા પછી લોકો તેને પ્રસાદરૂપે સ્વીકારે છે. આ તહેવારને આપણા પૂર્વજોની પૂજાના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં પિતૃતર્પણ પણ યોજવામાં આવે છે. આ દિવસે પહેલાંના વખતમાં બાળકોને શાળાએ અભ્યાસ માટે બેસાડવામાં આવતાં. શાળાએ ન જતાં બાળકોને આ દિવસે લેખન-કક્કા-બારાક્ષરીનો પરિચય કરાવવામાં આવતો. આ દિવસે શાળા-કોલેજોમાં માતા સરસ્વતીની પ્રાર્થના પણ થાય છે.
આ દિવસે નૂતન પ્રશિક્ષણ કેન્દ્રો અને શાળાઓનો પ્રારંભ કે તેમનું ઉદ્ઘાટન થાય છે. ભારતના સુખ્યાત કેળવણીકાર અને સ્વાતંત્ર્યવીર પંડિત મદનમોહન માલવિયાએ (1861-1946) બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના 1916ની વસંત પંચમીના દિવસે કરી હતી.
Your Content Goes Here