દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ કે સત્ય સ્વયંપ્રતિષ્ઠિત છે. તેઓ અવતાર જેવા લાગતા નથી. જે અવતાર હોય છે તે અવતાર જેવા લાગે નહીં, કારણ કે તેઓ અંધારપછેડો ઓઢીને આવ્યા હોય છે. તેઓ પોતાના ભગવત્-સ્વરૂપને છુપાવી રાખે છે. અવતાર અવતાર જેવા દેખાય કે ન દેખાય પરંતુ અવતાર હોય તે અવતાર જ હોય છે અને ગમે તેવો મહાન દેખાય તો પણ જીવ એ જીવ જ છે. છતાં અવતારની કેટલીક લાક્ષણિકતા છે, તેની કેટલીક નિશાનીઓ છે, જેને આધારે આપણે અવતારને અવતાર તરીકે ઓળખી શકીએ. અવતાર પોતાની ભગવત્-સત્તાને છુપાવી રાખે છે. આમ છતાં તે કેટલાક સંકેતો આપે છે. એને આધારે આપણને તેમનો ભગવત્-અવતાર રૂપે પરિચય મળે છે. શ્રીરામકૃષ્ણદેવમાં એવું શું છે કે જેને લીધે આપણે તેમને ભગવત્-અવતાર તરીકે સ્વીકારી શકીએ? માત્ર શંકાશીલતાને બદલે શ્રદ્ધાને સહારે ચાલીએ તો સત્ય સુધી પહોંચી શકાય.

  1. એવું જોવા મળે છે કે ભગવાન અવતાર ધારણ કરવાના હોય તે પહેલાં તેમનાં માતપિતાને ભગવત્-અવતરણનો અણસાર મળે, તેવા પ્રસંગો તેમના જીવનમાં ઘટે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ આદિ અવતારોનાં માતપિતાના જીવનમાં અવતરણ પહેલાં અને પછી પણ, અવતરણનો અણસાર મળે તેવા પ્રસંગો નોંધાયા છે.

શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રીખુદીરામ ચટ્ટોપાધ્યાય તથા એમનાં માતા શ્રીચંદ્રાદેવીને આવા અનુભવો થયાનું નોંધાયું છે. પિતા ખુદીરામ શ્રીરામકૃષ્ણદેવના જન્મ પૂર્વે ગયાધામની યાત્રાએ ગયા હતા. ગયા તો ગદાધર વિષ્ણુનું ધામ છે. પિંડદાન, તર્પણ વગેરે પૂર્ણ કર્યા પછી ગયાધામમાં એક રાત્રે ખુદીરામને સ્વપ્નમાં શ્રીવિષ્ણુનાં દર્શન થયાં. ભગવાન શ્રીવિષ્ણુએ ખુદીરામને કહ્યું, ‘હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તમારે ત્યાં જન્મ ધારણ કરીશ.’ સરળ હૃદયના ભક્ત ખુદીરામ સાંભળીને પ્રસન્ન થયા. તરત બોલી ઊઠ્યા, ‘ના ! પ્રભુ, હું તો ગરીબ માણસ છું. આપની સેવાપૂજા યોગ્ય રીતે ન કરી શકું તો મને દોષ લાગે!’ ભગવાને કહ્યું, ‘તમે મૂંઝાશો નહીં. તમે મને ભાવપૂર્વક જે કંઈ ધરશો તેનાથી હું પ્રસન્ન રહીશ.’ આટલું કહીને ભગવાન શ્રીવિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. ખુદીરામજી અસાધારણ ઘટનાનો આનંદ લઈને પોતાના ઘરે કામારપુકુર પાછા ફર્યા. તેમને લાગ્યું કે કોઈ દિવ્યપુરુષ તેમને ઘેર જન્મ ધારણ કરશે.

એ સમયે માતા ચંદ્રાદેવીને પણ અસાધારણ અનુભૂતિઓ થવા લાગી. એક વાર માતાજીને એવો અનુભવ થયો કે કોઈ એક જ્યોતિર્મય દિવ્યપુરુષ એમની સાથે તેમની પથારીમાં છે. આ અનુભવ તેમને પતિ ગયાધામ ગયા, ત્યારે થયો હતો. તેઓ પાછા ફર્યા પછી બધી વાત કરી.

આ જ દિવસોમાં એકવાર ચંદ્રાદેવી મહાદેવના મંદિરની સામે ઊભાં રહીને ધની લુહારણ સાથે વાત કરતાં હતાં, ત્યારે મહાદેવજીના અંગમાંથી એક દિવ્યજ્યોતિ નીકળીને મંદિરમાં છવાઈ ગઈ. આ જ્યોતિ વાયુના મોજાના આકારે તેમના ભણી ધસી રહી છે, આ વાત તેઓ ધની લુહારણને કહેવાનું વિચાર છે, ત્યાં તે જ્યોતિ એકાએક તેમને વીંટળાઈ ગઈ અને બળપૂર્વક તેમનામાં પ્રવેશ કરવા લાગી. તેઓ મૂર્છિત થઈ ગયાં અને ધનીની સારવારથી થોડી વારે ભાનમાં આવ્યાં.

ચંદ્રાદેવીને અનેક દેવદેવીઓનાં દર્શન પણ થવા લાગ્યાં. પ્રેમાળ ચંદ્રાદેવીને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ હતો. આ દિવસોમાં તેમનાં પ્રેમ, વાત્સલ્ય અનેકગણાં થયાં. તેમણે આ વાતો પતિને કરી. ખુદીરામ પામી ગયા કે કૃપાળુ પ્રભુ તેમને ઘેર અવતરશે. તેમણે ચંદ્રાદેવીને આ અનુભવો કોઈને ન કહેવાની શીખામણ આપી અને બન્ને શ્રીરઘુવીર પર ભરોસો રાખીને શાંતિથી દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. આ પછી યથાસમયે ચંદ્રાદેવીએ શ્રીરામકૃષ્ણદેવને જન્મ આપ્યો.

  1. શ્રીરામકૃષ્ણદેવની અસાધારણ સાધના અને અસાધારણ અનુભૂતિ જોતાં એવું લાગ્યા વિના રહેતું નથી કે કોઈ સામાન્ય જીવને આમ થવું સંભવે નહીં. સામાન્ય જીવની ચેતના આટલો ભાર ઝીલી શકે નહીં. આ સ્વરૂપની અનેકવિધ સાધનાઓ અને અનુભૂતિઓ માત્ર અવતારમાં જ શક્ય બને છે.

શ્રીરામકૃષ્ણદેવની બાલભાવે માતૃ-ઉપાસના, સખીભાવની સાધના, દાસીભાવની સાધના, વાત્સલ્ય-ભાવની સાધના, અનેકવિધ તાંત્રિક સાધનાઓ, અદ્વૈત વેદાંતમતની સાધના, મુસ્લિમ ધર્મની સાધના, ખ્રિસ્તી ધર્મની સાધના જેવી અનેક સાધનાઓ, આટલું વ્યાપક વૈવિધ્ય અને દરેક સાધના પથમાં તીવ્ર ગતિએ સાધ્ય સુધી પહોંચવું, આ બધું જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે તેઓ કોઈ સામાન્ય જીવ નથી. સામાન્ય જીવમાં આમ થવું સંભવે નહીં. આ બધાં લક્ષણો સામાન્ય જીવ-ચેતનાનાં નહીં, પરંતુ ભાગવત-ચેતનાનાં છે.

માત્ર સાધના જ નહીં, પરંતુ શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અનુભૂતિઓનાં વૈવિધ્ય, વ્યાપકતા અને ઊંચાઈ જોઈને પણ આશ્ચર્યચકિત થઈ જવાય છે. આટલી સર્વાંગ સંપૂર્ણ અને અનેક પરિમાણોવાળી વિરલ આધ્યાત્મિક અનુભૂતિ અને સર્વોચ્ચ અવસ્થા સામાન્ય જીવ માટે શક્ય નથી. સામાન્ય જીવનું શરીર અને તેની ચેતના આટલું પામી પણ ન શકે ને ઝીલી પણ ન શકે.

શ્રીરામકૃષ્ણદેવ છ માસ પર્યંત લગભગ નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. સામાન્ય જીવનું શરીર આ અવસ્થામાં એકવીસ દિવસથી વધુ ટકી શકતું નથી. છ માસ સુધી આ અવસ્થામાં રહેવું અને પાછા સામાન્ય ચેતનામાં આવવું, એ અસાધારણ ઘટના છે. તે સામાન્ય જીવ માટે શક્ય નથી.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જેમ રાજાનો કુંવર મહેલના સાતેય માળ પર યથેચ્છ વિહરી શકે છે, તેમ ઈશ્વરકોટિ પુરુષ ચેતનાના દરેક સ્તર પર વિહરી શકે છે. સામાન્ય જીવ માટે આમ થવું શક્ય નથી. શ્રીરામકૃષ્ણદેવ ચેતનાની દરેક ભૂમિકામાં યથેચ્છ વિહરી શકતા. નિર્વિકલ્પ સમાધિ, સગુણ-સાકારનાં દર્શન, જગદંબા સાથે સીધો સંપર્ક-વાર્તાલાપ, ભાવસમાધિ- આ બધી આધ્યાત્મિક અવસ્થાઓ તેમના જીવનનો સ્વાભાવિક ભાગ બની ગઈ હતી. આ બધાં લક્ષણો દ્વારા તેમની ભગવત્-સત્તાનો પરિચય મળે છે.

  1. યોગેશ્ર્વરીદેવી (ભૈરવી બ્રાહ્મણી)એ શ્રીરામકૃષ્ણદેવને સૌ પ્રથમ ભગવત્-અવતાર જાહેર કર્યા. તેમણે વૈષ્ણવ મતના ગ્રંથોમાંથી અવતારનાં લક્ષણો શોધી તે બધાં લક્ષણો શ્રીરામકૃષ્ણદેવમાં છે, તેમ સાબિત કરી બતાવ્યું. મથુરબાબુએ આ અંગે વિચારણા કરવા વિદ્વાનોની એક સભા બોલાવી. યોગેશ્ર્વરીદેવીએ વિદ્વાનોની આ સભા સમક્ષ સાબિત કરી બતાવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. એટલું જ નહીં પણ ઉપસ્થિત વિદ્વાનોએ તેમની આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.
  2. શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય અને ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના લેખક સ્વામી સારદાનંદે નોંધ્યું છે કે શ્રીરામકૃષ્ણદેવ અનેકવાર કહેતા કે જે રામ, જે કૃષ્ણ તે જ શ્રીરામકૃષ્ણ. વળી તેઓ કહેતા કે જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ શરીરમાં (પોતાના દેહ તરફ આંગળી ચીંધીને) અવતરેલ છે. એકવાર શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને કહેલું કે જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ અને તે પણ તારા વેદાંતની રીતે નહીં. વેદાંત મત મુજબ તો જે કંઈ છે તે બધું બ્રહ્મ છે- સર્વં ખલ્વિદં બ્રહ્મ । તેથી જીવમાત્રને બ્રહ્મ માનવામાં કશો બાધ નથી. શ્રીરામકૃષ્ણદેવ આ અર્થમાં અવતાર છે તેમ નહીં, પરંતુ અવતાર એક વિરલ અને રહસ્યપૂર્ણ ઘટના છે. જીવનું બ્રહ્મસ્વરૂપ હોવું એ તો જીવમાત્રને લાગુ પડે છે. પરંતુ પરમાત્માનું માનવશરીર ધારણ કરીને અહીં આ પૃથ્વી પર આવવું-અવતરવું એ તદ્દન ભિન્ન ઘટના છે અને શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતરણના અર્થમાં અવતાર છે.

શ્રીરામકૃષ્ણદેવ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા. તેથી અતિ શંકાશીલ પુરુષ સિવાય કોઈ એમના શબ્દોની સચ્ચાઈમાં શંકા સેવે નહીં. એમના શબ્દો પણ એક પ્રમાણ છે. તેથી એમના આ શબ્દો દ્વારા પણ તેઓ ભગવત્-અવતાર હતા તેમ સમજાય છે.

  1. નવદ્વીપની યાત્રા દરમિયાન ગંગા પાર કરતી વખતે શ્રીરામકૃષ્ણદેવને બે કિશોરોનાં દર્શન થયાં. આ બન્ને કિશોરો એટલે શ્રીચૈતન્ય મહાપ્રભુ અને શ્રીનિત્યાનંદજી હતા. બન્ને ધીમે ધીમે શ્રીરામકૃષ્ણદેવની નજીક આવ્યા અને આખરે તેમના દેહમાં સમાઈ ગયા. આ અનુભૂતિ દ્વારા શ્રીચૈતન્યપ્રભુ અને શ્રીરામકૃષ્ણદેવની અભિન્નતા સિદ્ધ થાય છે. શ્રીચૈતન્ય મહાપ્રભુ ભગવત્-અવતાર છે. અને તે જ ફરીથી શ્રીરામકૃષ્ણ સ્વરૂપે આવ્યા હતા, એમ આ અનુભૂતિનો અર્થ છે.
  2. ભગવત્-અવતારમાં બે ચેતનાઓ હોય છે. એક માનવચેતના અને બીજી ભાગવતચેતના. શ્રીરામકૃષ્ણદેવમાં આ બન્ને ચેતનાઓનાં દર્શન થાય છે. મોટેભાગે તેઓ માનવચેતનામાંથી વ્યવહાર કરતા અને ભક્તિભાવમાં રહેતા. પરંતુ અનેકવાર તેઓ ભાગવતચેતનામાં પણ રહેતા અને એ જ રીતે વ્યવહાર પણ કરતા. આવી અવસ્થામાં તેઓ પૂજા માટેનાં ફૂલ અને બિલ્વપત્રો પોતાના મસ્તકે ચડાવતા, જગદંબાના શયનના પાટ પર બેસતા, જગદંબાને ધરવા માટે બનાવેલો ભોગ જગદંબાને ધરાવ્યા વિના પોતે જ આરોગતા. આ બધા પ્રસંગો દ્વારા તેમનામાં રહેલ ભાગવતચેતનાનો પરિચય મળે છે. અને આ માત્ર અવતારમાં જ શક્ય છે.
  3. ભગવાન પોતાના ભક્તોને મળવા આતુર હોય છે. ભક્તો જ ભગવાનનાં સગાં છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં તેમનું પોતાના ભક્તો પ્રત્યે આ પ્રકારનું વલણ જોવા મળે છે. મા જગદંબાએ તેમને બતાવી દીધું હતું કે હવે ભક્તો આવશે. તેઓ અગાશી ઉપર ચડીને બૂમો પાડીને ભક્તોને બોલાવતા અને તેમને મળવા અત્યંત આતુર બની જતા. વળી ભક્તોના આગમન વખતે તેઓ ઓળખી જતા કે અમુક વ્યક્તિ તેમના નિજમંડળમાંહેની એક છે કે નહીં. અવતાર તેમના નિજમંડળ સહિત આવે છે. શ્રીરામકૃષ્ણદેવ પણ પોતાના નિજમંડળ સહિત આવ્યા છે. એમનો આ અંતરંગ પરિવાર અને એ પરિવારના સભ્યો પ્રત્યે તેમનો પ્રેમ – આ દ્વારા તેમના ભગવત્-અવતાર હોવાના સંકેતો જોવા મળે છે.
  4. સંપૂર્ણ કામવિજય માત્ર ભગવત્-અવતારમાં જ શક્ય છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીવ્યાસ ભગવાને કહ્યું છે કે નારાયણ ઋષિ વિના આ સંસારમાં એવો કોણ છે કે જેને કામનું બાણ ક્યારેય ન લાગ્યું હોય ? અહીં નારાયણ ઋષિનો ઉલ્લેખ ઉપલક્ષણથી કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ભગવત્-અવતાર સમજવાના છે. એટલે કે સંપૂર્ણ કામવિજય માત્ર ભગવત્-અવતારમાં જ જોવા મળે છે. તેમણે પોતાનાં સહધર્મચારિણી શ્રીમા શારદામણિદેવી સાથે છ માસ સુધી એક જ શૈયામાં શયન કર્યું હતું અને એક ક્ષણ માટે પણ તેમનું મન ચલાયમાન થયું ન હતું. આ સ્વરૂપનો કામવિજય સામાન્ય જીવ માટે શક્ય નથી. તેમની આ અવસ્થા દ્વારા તેમની ભગવત્-સત્તાનો પરિચય મળે છે.

જો કોઈ વ્યક્તિ ઇચ્છે તો આ બધાં પ્રમાણોના વિરોધમાં દલીલો કરી શકે છે કેમ કે આ પ્રમાણો દ્વારા તેમને અવતાર તરીકે સમજી શકાય છે, પરંતુ આ કે અન્ય કોઈપણ પ્રમાણથી અવતારને પણ અવતાર તરીકે સિદ્ધ કરી બતાવવાનું કાર્ય દુષ્કર છે. આધ્યાત્મિક સત્યોના વૈજ્ઞાનિક પુરાવા અને તાર્કિક સાબિતી મળી શકે નહીં. તેથી કોઈપણ વ્યક્તિ અવતારને અવતાર રૂપે સ્વીકારવા કે ન સ્વીકારવા માટે હરપળે સ્વતંત્ર છે. અવતારને તો તેઓ જ સમજી સ્વીકારી શકે કે જેમના પર કૃપા કરીને અવતાર પોતે જ તેમને પોતાનું સ્વરૂપ બતાવે. જેમની સમક્ષ અવતાર પોતે જ પોતાનો અંધારપછેડો દૂર કરે, તે જ અવતારને અવતાર તરીકે જાણી શકે અને સ્વીકારી શકે. માત્ર બુદ્ધિ દ્વારા અવતારને કોઈ સમજી શકે નહીં, કોઈ સમજી શક્યું પણ નથી.

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.