નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને મોટા કર્યા.

ગૃહસ્થજીવનમાં જ સૂફી સાધના તરફ વળ્યા. સૂફી સંત અનવર કાજી પાસેથી દીક્ષ્ લીધેલી. રાજપીપળાના મહારાજા દિગ્વિજયસિંહ એમની ભજન-વાણી ખૂબ સાંભળતા. ગુજરાતના પ્રખ્યાત ભજનિક શ્રીનારાયણસ્વામીએ સતારશાહબાપુનાં ઘણાં ભજનોને કંઠ આપેલો. ‘સતાર ભજનામૃત’ પુસ્તકમાં તેમનાં ભજનો સંપાદિત થયાં છે.

મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર,

ભાઈ તું ભજી લેને કિરતાર..

જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ-પરિવાર,

રાજા ભરથરી જુઓ ગોપીચંદ, છોડી ગયા ઘરબાર.

ભાઈ તું ભજી લેને કિરતાર..

કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર,

આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જમના માર.

ભાઈ તું ભજી લેને કિરતાર..

લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર,

સાચું કહું છું જૂઠું માને તો મુઆ કુટુંબ સંભાર.

ભાઈ તું ભજી લેને કિરતાર..

સત ચલણ સદ્ગુરુની સેવા સજ્જનનો શણગાર,

દાસ સતાર કહે કર જોડી હરિ ભજી ઉતરો પાર.

ભાઈ તું ભજી લેને કિરતાર..

અનવર કાજીના શિષ્ય સતારશાહના  (ઈ.સ.189ર – 1966) પૂર્વજો મૂળ અફઘાનિસ્તાનની સરહદના વતનીઓ હતા. એમના પિતાનું નામ ખેસ્ત ગુલખાન. માતાનું નામ નન્નીબીબી ઉર્ફે જાનબેગમ હતું. પિતા રાજપીપળા રાજ્યમાં પઠાણબેડાના જમાદાર હતા અને મોટે ભાગે રાજપીપળા રહેતા. સતારશાહનો જન્મ રાજપીપળામાં સં.1948, ઈ.સ.189રમાં થયેલો. જન્મનામ અબ્દુલ. તેઓ ત્રણ માસના થયા ત્યાં પિતાજી ગુજરી ગયા. તેમનાં માતાએ ઉછેરીને મોટા કર્યા. સતારશાહનો વિદ્યાભ્યાસ માત્ર ગુજરાતી ચોથા ધોરણ સુધીનો હતો. સતારશાહ સરસ ગાતા હતા. ઈ.સ.1908માં દેશી નાટક-સમાજમંડળીવાળા શેઠ ચંદુલાલે સતારશાહને નડિયાદ નિવાસી નટ બબરૂને બદલે વીણાવેલીના ખેલમાં કઠિયારાના પાત્ર માટે તૈયાર કરેલા. નાંદોદમાં આરબ હાદી-મુબારક નામના મુસલમાન ભાઈ હિંદુ ભજનો ગાવા માટે પ્રખ્યાત હતા. એમના અવસાન પછી સતારશાહને થયું કે આવો બીજો મુસલમાન ભજનિક જોઈએ તો કોઈકને બદલે હું કેમ નહીં ? નાંદોદ એટલે નર્મદાતટ નરખડીમાં સંત માધવદાસજીની પવિત્ર છાયામાં પ્રથમ ભજન સ્ફુર્યું. અનવર કાવ્યના કર્તા વિસનગરવાળા અનવરમીયાં બોધ ઉપદેશ કરવા વડોદરા દાંડિયા બજારમાં

ધીંગુમીંયાને ત્યાં પધાર્યા, ત્યારે ત્યાં જઈને સતારશાહે અનવરમીયાંને સવાલ પૂછયો કે, ‘મરના મરના સબ કહે, પણ કોન ચીજ મર જાય ?’ પંચમહાભૂતની બનેલી આ સૃષ્ટિમાત્ર પદાર્થમાં મળી જાય છે. મરી જતી નથી. અનવરમીયાં બહુ ખુશ થઈ ગયા અને એમને લાગ્યું કે છે કોઈ પાણીદાર નંગ. એમણે ઉત્તર આપ્યો કે, ‘મેરી તેરી મર જાત હૈ, દૂસરા કુચ્છ મરતા નહીં, જીતેજી મર જાના ચાહિયે, જો જીતેજી મુઆ ઉનકા ભલા હો ગયા.’ સતારશાહને અનવરમીયાંનો સંગ ફકત પાંચ મિનિટ થયો પણ દૃષ્ટિ ખૂલી ગઈ. અનવરમીયાં સાહેબે પોતાના હાથમાં એક પ્યાલી લીધી. તેમાંથી પોતે કાંઈક પીધું અને બાકી રહેલું પી જવા સતારશાહને કહ્યું કે, ‘બચ્ચા વોહ પી જા.’ સતારશાહે પ્યાલી પીધી અને પલટાયા, અને ગાયું કે- ‘એવી પ્યાલી પીધી મેં તો મારા સદ્ગુરુને હાથે રે, પીતાં મ્હારે પ્રીત બંધાણી પ્રીતમજી સંગાથે રે, એવી પ્યાલી,’…

ઈ.સ.1916માં છોટાઉદેપુરના ચીશ્તી યા નિઝામી સંપ્રદાયના નિમાડ જિલ્લાના અલીરાજપુરના કાજીસાહેબ અબુલહસન ઉર્ફે દાદમીયાં સાહેબને હાથે તેમણે ફકીરની દીક્ષા લીધી. ઈ.સ.1966માં એમનું અવસાન થયું.

મોરલી વેરણ થઈ રે,

કાનુડા તારી મોરલી વેરણ થઈ..

હવે બ્હાવરી હું તો બની ગઈ રે…

કાનુડાની મોરલી વેરણ થઈ..

વૃંદાવનમાં કુંજ ગલીમાં ચાલી હું લઈને મહી

નંદનો લાલ મને સામો મળ્યો,

હું તો જોતાં જ શરમાઈ ગઈ રે….

કાનુડાની મોરલી વેરણ થઈ..

વ્હાલો વગાડે મીઠી મીઠી મોરલી

સાંભળતાં સુધ ગઈ રે

એ રે ઠગારે કામણ કીધાં હવે

હું તો ઠગાઈ ગઈ રે…

કાનુડાની મોરલી વેરણ થઈ..

સાંવરી સુરત ને મોહની મુરત

ઉપર હું મોહિત થઈ,

‘દાસ સતાર’ના પ્રીતમની હું તો

દાસી બનીને રહી રે…

કાનુડાની મોરલી વેરણ થઈ…

એમની અમરવાણીને રજૂ કરતું એક વધુ ભજન આપણે જોઈએ :

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

સાચી તેની વાચા રે, મુખથી જૂઠું નહીં ભણે

કોઈ બ્ર્રાહ્મણ કોઈ વાણિયા, કોઈ સૈયદ કોઈ શેખ

જ્ઞાન કરીને જોઈ લ્યો, ભાઈ આત્મા સહુનો એક

ન્યાત પડી ગઈ જુદી રે,

પણ માતા સહુની સરખી જણે

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

જ્યાંથી હિંદુ આવ્યા, ત્યાંથી આવ્યા મુસલમાન

ત્યાંથી આવ્યા પારસી, ત્યાંથી યહૂદી,

ત્યાંથી આવ્યા કિરસ્તાન

અજ્ઞાનીને મન જુદાં રે, પણ જ્ઞાની કોને જુદાં ગણે..

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

મહેતાજીએ પહેલાં શીખવ્યું, એકડે એક તો એક

બગડે બેથી બગડી જઈને, એકનાં બન્યાં અનેક

એક પ્રભુ છે જાણો રે, તમો ભક્તિ કરો શાંતપણે…

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

વટાળ શબ્દનો અર્થ ન જાણો,

ને કહેશે વટલી જઈશું ભાઈ

હરિજન, બ્રાહ્મણને ઘરે વટલી જાએ,

છે તે કેવી નવાઈ

ભેદ એનો છે ઊંડો રે, એ રસ્તો છે ભાઈ દૂર ઘણે..

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

બાપીકો માર્ગ કેમ છૂટે, એમ મુખથી સહુકો’ ગાય

બાપ અર્થનો અનર્થ કરીને, અજ્ઞાને જોને અથડાય

જ્ઞાની મુક્તિ પામે રે, અજ્ઞાની ભૂલો થઈને ભમે..

સદ્ગુરુ જેના સાચા રે, તે તો સહુને સરખા ગણે

કડવું ઓસડ રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન,

દાસ સતાર તો સાચું કહે છે, સમજો ચતુર સુજાણ.

કાયર થઈ શું બેઠા રે, શૂરવીર થઈને આવો રણે..

સદ્ગુરુ જેના સાચા રે,

તે તો સહુને સરખા ગણે.।

Total Views: 2,058

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.