તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા લેવાથી બીમારી ઝડપથી ભાગે. પણ આ માન્યતામાં દમ નથી. ડોક્ટરો દર્દીઓને જરૂરી દવા જ આપતા હોય છે. ડોક્ટરની ભલામણ વગર વધારે દવા લેવાથી લાભને બદલે નુકસાનની સંભાવના અનેકગણી વધી જાય છે.

ઘણા દર્દીઓ એક રોગના ઇલાજ માટે એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી વગેરેની દવાઓ એક સાથે લેતા હોય છે. આવા દર્દીઓ સવારના પહોરમાં નાસ્તો કરવા બેઠા હોય તેમ જુદાં જુદાં પડીકાં ખોલીને દવાઓ આરોગતા જોવા મળે છે.

આવા પ્રયોગો પણ જે તે ડોક્ટરને પૂછ્યા વગર કરવા ન જોઈએ. દરેક ‘પથી’ને પોતાની મર્યાદા અને વિશેષતા હોય છે. દર્દીને નુકસાન થાય, આડઅસર થાય એવું ડોક્ટર ઇચ્છતા ન હોય, પણ ડોક્ટરની જાણ બહાર પ્રયોગ કરો અને આડઅસર થાય તો જે તે ડોક્ટર કે જે તે ‘પથી’ને જવાબદાર ન ગણી શકાય.

દવાઓથી ઉપર ઊઠીને એક બાબત લખવી છે. કુદરતે આપણા શરીરમાં લેબોરેટરી સ્થાપી છે, જે રોગ સામે લડે છે. આ શક્તિ-ઊર્જાને ‘ઇમ્યુનિટી’ એટલે કે ‘રોગપ્રતિકારક શક્તિ’ કહેવામાં આવે છે. ઇમ્યુનિટીનો આધાર તમારી કુદરતી શક્તિ પર હોય છે. આ શક્તિને વિકસાવવામાં આવે તો રોગોની ઓછામાં ઓછી અસર આપણને થાય છે. પરંતુ આપણે રોગ ન આવે તે માટે હોવા જોઈએ તેટલા જાગૃત રહેતા નથી. હાર્ટએટેક આવી ગયા બાદ મોટાભાગના દર્દીઓ ચિંતાતુર બની જતા હોય છે. ચિંતા કરવાથી રોગ જવાનો નથી. ઘણા રોગો એવા છે કે દર્દીનું માનસ ચિંતાભર્યું હોય તો એ રોગ વકરે છે.

મહત્ત્વની બાબત જાણી લો કે શરીર અને મનનું સમતુલન ન સધાય, ત્યારે જ રોગ આવે છે. આ બન્નેનું સંતુલન સધાય તે માટે પણ કુદરતે આપણા શરીરમાં તંત્ર ગોઠવ્યું છે. પણ આપણે કુદરતથી દૂર થતા ગયા તેમ આવાં તંત્રોનું કાર્ય ખોરવાતું ગયું છે. આરોગ્યક્ષેત્રે નવી સદીની શરૂઆત જુદી રીતે થઈ રહી છે. ધીમે ધીમે દવા સાથે દુઆનો સમય આવવા લાગ્યો છે.

એલોપથીમાં ‘એન્ટિ’ શબ્દ ખૂબ વપરાય છે. જીવાણુની વૃદ્ધિ અટકાવવા એન્ટિબાયોટિક્સ હોય છે. ઘણાં વર્ષોના અનુભવ બાદ જાણી શકાયું કે શરીરનાં તત્ત્વો સંતુલિત રાખવા માટે જરૂરી ખોરાક જ અસંતુલિત રહેવા માંડ્યો હોવાથી શરીરનું તંત્ર ખોરવાઈ રહ્યું છે. ખોરાકનો ઉપયોગ દવા તરીકે થવો જોઈએ.

ઘણી વાર એવું બને છે કે તાવ આવતો હોય ત્યારે બેત્રણ દિવસ દવા ન લો અને પરહેજી રાખો તો તાવ ચાલ્યો જાય છે. આવી બાબતોમાં આપણી કુદરતી શક્તિ કામ કરતી હોય છે. આ વાતનો અર્થ એવો ન કરતા કે દવાઓની કંઈ જરૂર જ નથી. દવાઓ વગર સાજાં-નરવાં રહેવું શ્રેષ્ઠ ગણાય, પણ ગંભીર બીમારીઓમાં દવાનો કોઈ વિક્લ્પ નથી.

ઘણા લોકોને રોગ લાગુ પડ્યો હોય છતાં, રોગની ગંભીરતા જાણ્યા વગર દવાથી દૂર રહે છે અને રોગને વધવાની તક આપે છે. ધારો કે શ્વાસ ખૂબ ચડ્યો હોય અને દર્દી એવું માને કે મને કુદરતી રીતે સારું થઈ જશે, તો એવું થતું નથી. તબિયત વધારે બગડે છે. સામાન્ય સિવાયની તકલીફોમાં દવા લેવી કે ન લેવી એનો નિર્ણય પણ ડોક્ટરના અભિપ્રાય મુજબ લેવો જોઈએ. હવે નજીકના ભવિષ્યમાં ડોક્ટરો બે ‘પ્રિસ્ક્રિપ્શન’ લખતા હશે. એકમાં દવા લખેલી હશે અને બીજામાં માત્ર સૂચનાઓ લખી હશે. જેમ કે સવારે વહેલા ઊઠવું, વ્યાયામ-પ્રાણાયામ-ધ્યાન કરવાં, પૌષ્ટિક ખોરાક લેવો, ગુસ્સે ન થવું, વજન વધવા ન દેવું વગેરે.

વધારે દવા લેવાથી ઝડપથી સ્વસ્થ થઈ જવાશે, એવી માન્યતા  દર્દીએ બદલવી પડશે. દવા શરીરમાં જાય ત્યારે તેની અસર-આડઅસર થવા માંડે છે. વધારે દવાઓ શરીરમાં એક સાથે જાય તો  દવાઓ એકબીજી સાથે ભળતાં દવાની આડઅસર પણ થાય છે. આ વિશે દર્દીની નાસમજના બેએક કિસ્સા જોઈએ.

એક દર્દીને સાત દિવસ માટે એન્ટિબાયોટિક્સ લખી આપી હતી. સાત દિવસમાં દર્દીને સારું થઈ ગયું. આ બાબત તેણે કેવી રીતે મૂલવી ? દર્દીને લાગ્યું કે આ દવાથી મને સારું થઈ ગયું છે, તેથી આ દવા મારે આખું વરસ લેવી ! આમ તેણે એન્ટિબાયોટિક્સ દવા કારણ વગર લીધી અને સમસ્યા ઊભી કરવાનું કારણ નીપજાવ્યું. એક બીજો કિસ્સો… એક દર્દીને અમે સિરપ લખી આપેલ. દર્દીને સારું તો થઈ જ ગયું, પણ એ વિરલાને આ સિરપથી મજા આવતી હતી, નશો રહેતો હતો, તેથી તે દર્દી દરરોજ બે બોટલ સિરપ ગટગટાવતો ! ભારતમાં દવાઓના વેચાણ પર અંકુશ ઓછો છે. જૂના પ્રિસ્ક્રિપ્શન દ્વારા પણ દવાઓ બજારમાંથી મળી રહે છે. એવું પણ જોવા મળે છે કે સામાન્ય દર્દમાં દર્દીઓ પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાઓ બજારમાંથી ખરીદી લે છે. પશ્ચિમના દેશોમાં દર્દી વધારે જાગૃત છે.

પ્રિસ્ક્રિપ્શનમાં દરેક દવા નીચે તે દવા શા માટે અપાઈ છે, તેનું કારણ લખવું પડે છે. દર્દી ઘેર જઈને જુએ કે એક જ રોગ માટે બેત્રણ દવા લખાઈ છે, તો તે તરત ડોક્ટરનો સંપર્ક કરીને સ્પષ્ટતા કરી લે છે. વિકસિત દેશોમાં રાષ્ટ્રિય આરોગ્ય વિભાગ દ્વારા દરેક દવા સાથે દવાની સંભવિત આડઅસરો અંગે માહિતી આપવામાં આવે છે અને આડઅસર થાય તો કોનો સંપર્ક કરવો તેના ફોન નંબર પણ આપવામાં આવે છે.

આપણે ત્યાં લોકો હવે ધીમે ધીમે જાગૃત થવા લાગ્યા છે. દર્દીઓના બે ભાગ પડી ગયા છે. દર્દીનો એક વર્ગ વધારે દવા માગે છે અને બીજો વર્ગ એવો છે કે તે દવા વગર તંદુરસ્ત થવા ઇચ્છે છે. ઘણા દર્દીઓ કહે છે, ‘સાહેબ, મારા રોગમાં હું શું કરું તો મારે દવા લેવી ન પડે ?’  આ દૃષ્ટિકોણ શ્રેષ્ઠ ગણાય. આવો પ્રશ્ન દર્દી પૂછે ત્યારે આનંદ થાય. જીવનશૈલી સુધારવામાં આવે તો મોટાભાગની દવાઓથી છુટકારો મળે છે. પણ જીવનશૈલી બદલવી સરળ નથી. કેટલીક બાબતો માટે દર્દીએ માનસિક રીતે સક્ષમ બનવું જરૂરી બને છે. વર્ષોના પ્રયત્ન બાદ દવા વગરના ઉપચારમાં વિશ્વાસ ધરાવતો દર્દીનો વર્ગ ઊભો થયો છે.

અમેરિકન ડ્રગ એસોસિએશનના એક અહેવાલ મુજબ દવાઓનાં સંશોધનો માટે ગંજાવર ખર્ચ થાય છે. એક જ ગ્રુપની 70 થી 80 દવાઓ બજારમાં આવે છે, પણ તેમાંથી માત્ર 5 થી 7 દવાઓ જ ઉપયોગી બને છે. 90 ટકા જેટલી દવાઓ એવી હોય છે કે તે બજારમાં પૂર્ણ રૂપે પહોંચતી નથી અને પહોંચે તો તેની કિંમત પરવડે તેમ હોતી નથી.  દવાઓનાં સંશોધનો પાછળ ખૂબ જ ખર્ચ થાય છે, પણ માણસની કુદરતી શક્તિ વિકસાવવા માટે કેમ ખર્ચ થતો નથી ? આ મહત્ત્વનો પ્રશ્ન છે. દરેક માણસે પોતાની કુદરતી શક્તિ વિકસાવવા જાગૃત થવું પડશે. હવે ડોક્ટરો પણ આ તરફ વળ્યા છે.    (ક્રમશ:)

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.