એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી ખાઈ ન શક્યા અને એમણે રામબાબુને કહ્યું, ‘મારા નિમિત્તે લાવેલી કોઈપણ ચીજના અંશને ક્યારેય કોઈને આપવો નહીં, કારણ કે ત્યારે એ (એઠો થઈ જવાથી) શ્રીમા કાલીને અર્પણ કરી શકાતો નથી અને તમે તો જાણો જ છો કે શ્રીમા કાલીને  અર્પણ કર્યા વિના હું કોઈ ચીજ ખાઈ શકતો નથી.’

થોડા સમય પછી શ્રીઠાકુરના હાથે ઈજા થઈ હતી. એટલે તારક (સ્વામી શિવાનંદ) દક્ષિણેશ્વર આવ્યા. તેઓ શ્રીઠાકુર માટે વૃંદાવનથી પ્રસાદ, પવિત્ર માટી, પવિત્ર ધૂળ અને એક માળા લાવ્યા હતા. ઠાકુરના હાથે બાંધેલી પટ્ટી જોઈને એમણે પૂછ્યું, ‘આપના હાથે આ શું થઈ ગયું ?’

શ્રીઠાકુરે જવાબ આપ્યો, ‘હું ચાંદ જોવા જતો હતો એ સમયે થોડી ઊંચાઈવાળા વાડામાં મારો પગ ફસાઈ ગયો અને હું લપસી પડ્યો, તેથી હાથ ભાંગી ગયો. હજી પીડા દૂર થઈ નથી.’

તારકે પૂછ્યું, ‘શું હાડકું ખસી ગયું છે કે તૂટી ગયું છે?’ શ્રીઠાકુરે કહ્યું, ‘એ હું જાણતો નથી. આ લોકોએ કેવળ મારા હાથમાં પટ્ટી બાંધી દીધી છે. હું તો નિશ્ર્ચિંત મને મા જગદંબાનું નામગાન કરવા ઇચ્છું છું, પરંતુ અત્યારે જુઓને કેટલી પીડા થાય છે ! તેઓ મને પટ્ટી ખોલવા દેતા નથી. શું આવી પીડામાં મા જગદંબાને પોકારવાં સંભવ છે? ક્યારેક ક્યારેક તો વિચારું છું કે આ પટ્ટી પણ વળી કેવી બલા છે ! મને બધાં બંધનો તોડીને ભગવાનમાં લીન થઈ જવા દો. વળી, હું વિચારું છું કે આ પણ ઈશ્વરીય લીલાની એક બીજી બાજુ છે. એમાં પણ કંઈક આનંદ છે.’

તારકે શ્રીઠાકુરને કહ્યું, ‘આપ તો પોતાની ઇચ્છા માત્રથી સ્વસ્થ થઈ શકો છો.’

શ્રીઠાકુરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘શું ! હું ઇચ્છા માત્રથી સ્વસ્થ થઈ શકું છું ?’ એક પળ મૌન રહ્યા પછી એમણે કહ્યું, ‘આ પીડા પણ સારી છે, કારણ કે જે લોકો સકામ ભાવે અહીં આવે છે, તેઓ મારી આ અવસ્થાને જોઈને અહીંથી ચાલ્યા જશે. તેઓ મને પરેશાન નહીં કરે.’ ત્યાર પછી તેઓ બોલ્યા, ‘હે મા, તમે ઘણી સારી યુક્તિ શોધી કાઢી.’ ફરીથી તેઓ ગાવા લાગ્યા. થોડી જ વારમાં તેઓ સમાધિસ્થ થઈ ગયા.

જ્યારે નિરંજનભાઈ (સ્વામી નિરંજનાનંદ) શ્રીઠાકુર પાસે પહેલવહેલા આવ્યા, ત્યારે શ્રીઠાકુરે એમને કહ્યું, ‘જુઓ, બેટા, કોઈ મનુષ્ય કોઈ વ્યક્તિ માટે 99 સારાં કાર્ય કરે અને 1 ખરાબ કાર્ય કરે, તો એ વ્યક્તિ એ ખરાબ કાર્યને જ યાદ રાખે છે અને બાકીનાં 99 સારાં કાર્યોને ભૂલી જાય છે. પરંતુ જો કોઈ મનુષ્ય ભગવાન માટે 99 ખરાબ કાર્યો કરે અને કેવળ 1 સારું કાર્ય કરી નાખે, તો ઈશ્વર એ એક સારા કાર્યને યાદ રાખે છે અને બાકીનાં 99 ખરાબ કાર્યોને ભૂલી જાય છે. ઈશ્વરીય પ્રેમ અને માનવીય પ્રેમ વચ્ચે આ અંતર છે. આ વાત આપણે યાદ રાખવી જોઈએ.’

એક દિવસ શ્રીઠાકુરે ભાવસમાધિમાં નિરંજનભાઈને સ્પર્શ કર્યો. એ વખતે નિરંજન ત્રણ દિવસ અને ત્રણ રાત પોતાની આંખો બંધ ન કરી શક્યા. એમને નિરંતર જ્યોતિ-દર્શન થતું રહેતું અને તેઓ ઈશ્વરનું નામગાન કરતા રહેતા. શ્રીઠાકુર પાસે આવ્યા તે પહેલાં તેઓ પ્રેતાત્મવાદમાં રુચિ ધરાવતા અને એ માટે તેઓ માધ્યમ બનતા. શ્રીઠાકુર એમને ખીજવતાં ખીજવતાં કહેતા, ‘મારા દીકરા, આ વખતે તને કોઈ સાધારણ પ્રેતે પકડ્યો નથી. સાચો ઈશ્વરીય ભૂત તારા ખભે સવાર થઈ ગયો છે. તું ભલેને ગમે તેટલા પ્રયત્નો કરે, પણ તું એનાથી તારો પિંડ છોડાવી નહીં શકે.’

એક દિવસ એક આદમી શ્રીઠાકુરના ઓરડામાં આવ્યો અને સાંસારિક વિષયો વિશે વાતચીત કરવા લાગ્યો. શ્રીઠાકુરે એને કહ્યું, ‘અહીં બેસીને આવી વાતો ન કરો. એના માટે મંદિરના વ્યવસ્થાપકના કાર્યાલયમાં જાઓ.’ એ ભાઈ તો ચાલ્યો ગયો. પછી શ્રીઠાકુરે મને કહ્યું, ‘ઓરડામાં ગંગાજળ છાંટી દે. એ માણસ કામકાંચનનો દાસ છે. જ્યાં તે બેઠો હતો ત્યાંથી સાત હાથ નીચે સુધીની જમીન દૂષિત થઈ ગઈ છે. સારી રીતે ગંગાજળ છાંટજે.’

એક દિવસ અમે લોકો શ્રીઠાકુરની સાથે દક્ષિણેશ્વરથી ગંગાની પેલે પાર ભદ્રકાલીમાં એક પંડિતનું  ભાષણ સાંભળવા ગયા. પંડિતે એવી મૂર્ખતાપૂર્ણ વાતો કરી કે શ્રોતાઓ ભ્રમણામાં પડી ગયા. શ્રીઠાકુરે પંડિતને કહ્યું, ‘ઘણી તપસ્યા કર્યા બાદ મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા કે વિશ્વાસ આવે છે અને તમે પંડિત થઈને એમને વિશે સંદેહ ઉત્પન્ન કરી રહ્યા છો. તમને આ કયા પ્રકારનું  જ્ઞાન મળ્યું છે ?’

પંડિતે ગભરાઈને જવાબ આપ્યો, ‘ના મહારાજ, હું તો એમ જ અમથું કહેતો હતો.’ શ્રીઠાકુર સમજી ગયા કે એ પંડિત કેવળ વિદ્વાન હોવાનો દંભ કરી રહ્યો છે. શ્રીઠાકુરે પંડિતના શરીરને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘તમારું મસ્તિષ્ક મોસમના માર ખાઈ ખાઈને લાકડાની જેમ શુષ્ક થઈ ગયું છે. અનેક શાસ્ત્રોના અધ્યયન પછી શું તમે કેવળ દંભ અને પાખંડપૂર્ણ વાતો કરવાનું જ શીખ્યા છો?’ પંડિત તો ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. શ્રીઠાકુર શુષ્ક પંડિતો પ્રત્યે આવો વ્યવહાર કરતા.

એક રાત્રે ગિરીશ ઘોષ સાથે કાલીપદ ઘોષ દક્ષિણેશ્વર આવ્યા. કાલીપદ ભયંકર શરાબી હતા. તેઓ બધું ધન દારૂની પાછળ વેડફી નાખતા અને પરિવારને કંઈ ન આપતા. એમનાં પત્ની પવિત્ર આચરણવાળાં હતાં. મેં સાંભળ્યું હતું કે અનેક વર્ષો પહેલાં તે શ્રીઠાકુર પાસે પોતાના પતિના મગજને સુધારવાની ઔષધિ મેળવવાની ઇચ્છાથી આવ્યાં હતાં. શ્રીઠાકુરે એમને શ્રીશ્રીમા પાસે મોકલી દીધાં.

શ્રીમાએ એમને ફરીથી શ્રીઠાકુર પાસે મોકલ્યાં. શ્રીઠાકુરે વળી પાછાં શ્રીમા પાસે મોકલ્યાં. આમ ત્રણવાર આવવા-જવાનું થયું. અંતે શ્રીમાએ ભગવાનને અર્પણ કરેલ બિલ્વપત્ર પર શ્રીઠાકુરનું નામ લખીને કાલીપદનાં પત્નીને આપ્યું અને ભગવાનનું નામગાન કરવા કહ્યું.

કાલીપદનાં પત્ની બાર વર્ષ સુધી ભગવાનનું નામ લેતાં રહ્યાં. જ્યારે શ્રીઠાકુર પહેલી વાર કાલીપદને મળ્યા, ત્યારે તેમને કહ્યું, ‘આ માણસ બાર વરસ સુધી પોતાની પત્નીને દુ:ખ દઈને અહીં આવ્યો છે.’ આ સાંભળીને કાલીપદ અવાક બની ગયા.

એટલે શ્રીઠાકુરે કાલીપદને પૂછ્યું, ‘તમે શું ઇચ્છો છો?’ કાલીપદે બેશરમ બનીને પૂછ્યું, ‘શું આપ મને થોડો શરાબ આપી શકો ?’

શ્રીઠાકુરે હસતાં હસતાં કહ્યું, ‘હા, પરંતુ આ શરાબમાં એટલો બધો નશો છે કે તમે એને સહન નહીં કરી શકો.’ કાલીપદે એને અક્ષરશ: સાચું માન્યું અને કહ્યું, ‘શું એ અસલી વિલાયતી શરાબ છે? ગળાને ભીનું કરવા થોડો આપો.’ શ્રીઠાકુરે હસતાં હસતાં કહ્યું, ‘આ વિલાયતી શરાબ નથી. આ તો ઘરમાં ગાળેલ દેશી દારૂ છે. એ બધાને ન આપી શકાય કારણ કે બધા એને સહન ન કરી શકે. જો કોઈ વ્યક્તિ આ શરાબને એક વાર પીઈ જાય, તો વિલાયતી શરાબ એને હંમેશાંને માટે તુચ્છ લાગશે. શું તમે કોઈ બીજા દારૂને બદલે મારો આ દારૂ પીવા તૈયાર છો ?’

કાલીપદ ક્ષણભર વિચારે ચડ્યા. પછી કહ્યું, ‘મહેરબાની કરીને મને એવો દારૂ પાઈ દો કે જેનો નશો મારા જીવનભર ન ઊતરે.’ શ્રીઠાકુરે એમને સ્પર્શ કર્યો અને કાલીપદ રોવા લાગ્યા. અમે એમને શાંત કરવા પ્રયાસ કર્યો પણ તેઓ રોતા જ રહ્યા. કાલીપદ પછીથી શ્રીઠાકુરના મોટા ભક્ત બન્યા અને એમની બહુ સેવા કરી. પોતાનાં પત્નીનાં પવિત્રતા, સદાચાર, તપસ્યાથી કાલીપદનું રક્ષણ થયું.

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.