મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા રહીને કહી દેતા હતા, ‘તને પૂર્ણતા પ્રાપ્ત થાઓ,’ અને તે મનુષ્ય તત્કાળ પૂર્ણતા પ્રાપ્ત કરતો.

એ વાત હવે મને સાચી લાગવા માંડી. મેં આ મહાપુરુષનાં (શ્રીરામકૃષ્ણદેવ) દર્શન કર્યાં એટલે મારા સકળ સંદેહ દૂર થઈ ગયા. મારા ગુરુદેવ કહ્યા કરતા, ‘લઈ દઈ શકાય એવી આ સંસારની કોઈ પણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈ દઈ શકાય છે.’ માટે પ્રથમ તમે પોતે જ આત્મજ્ઞાની થઈ જાઓ, સંસારને કંઈક આપી શકવાને યોગ્ય બનો અને પછી આપવા માટે સંસારની સન્મુખ ઊભા રહો. ધર્મ વાતો કરવાની ચીજ નથી; તે સાંપ્રદાયિકતા નથી કે અમુક મતવાદ નથી. ધર્મ કોઈ સંપ્રદાય અથવા સંસ્થામાં બંધાઈને રહી શકે નહીં; એ તો આત્માની સાથે પરમાત્માનો સંબંધ છે અને તેથી જ કોઈ એક સંસ્થામાં કે સંઘમાં ગોંધાઈને તે કેવી રીતે રહી શકે?

એમ થવાથી તો ધર્મ એક વ્યવસાય – એક વેપાર બની જાય છે; અને જ્યારે એમ થાય છે ત્યારે ધર્મનો લોપ થઈ જાય છે. મંદિર કે દેવળો ઊભાં કરવાં તથા સામુદાયિક પૂજામાં હાજર રહેવું, એનું નામ ધર્મ નથી. પુસ્તકો, શબ્દો, વ્યાખ્યાનો અથવા સંસ્થાઓમાં ધર્મ રહેતો નથી. ધર્મ એટલે સાક્ષાત્કાર.

આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી આપણને પોતાને જ સત્યનું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી આપણું સમાધાન થતું નથી. આપણે ગમે તેટલી ચર્ચા કરીએ, ગમે તેટલું સાંભળીએ, પણ ખરો સંતોષ આપણને એક જ વસ્તુથી થાય છે; તે છે પોતે પ્રાપ્ત કરેલું આત્મજ્ઞાન.

જો આપણે પ્રયત્ન કરીએ તો આ સ્વાનુભવ આપણને દરેકને પ્રાપ્ત થઈ શકે છે. આવા આત્મસાક્ષાત્કારના પ્રયત્નોની પહેલી આવશ્યકતા છે ત્યાગ. આપણે બને તેટલો ત્યાગ કરવો જોઈએ.

અંધકાર અને પ્રકાશ, વિષયાનંદ અને બ્રહ્માનંદ, એ બંને કદી સાથે સાથે રહી શકતાં નથી. ‘ઈશ્વર તથા શયતાનની એક સાથે કદી સેવા થઈ શકે જ નહીં.’ ઇચ્છા હોય તો લોકો ભલે પ્રયત્ન કરી જુએ. દરેક દેશમાં આ પ્રયત્ન કરનારા ઘણાય લોકો મેં જોયા છે, પરંતુ છેવટે તો તેમને હાથ કંઈ જ આવતું નથી.

ઈશ્વરને ખાતર સર્વસ્વનો ત્યાગ કરો, એ જ એક સાચી વાત છે, આ કામ બહુ મુશ્કેલ છે અને ઉતાવળે પાર પડતું નથી, પરંતુ તમે એનો અત્યારથી આરંભ કરી શકો છો. ધીરે ધીરે આપણે એ ધ્યેય તરફ પ્રયાણ કરવું જોઈએ.

(મારા ગુરુદેવ : પૃ. 41-42)

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.