વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ ।

સર્વકામદામ્ શર્મદામ્ ॥

ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને પી. સ્વામી રવાના થયા. શ્રીનર્મદામૈયાની કૃપાથી નૃસિંહકુંડનો દુર્ગમ ભયજનક પથ્થરનો પહાડી પથ વટાવીને નાના દુર્ગામંદિર પાસે અમે પહોંચી ગયા. આ તો પરિક્રમાની શરૂઆત. બધે આવા દુર્ગમ રસ્તા હશે, એમ માનીને અમે તો બાઘા જેવા થઈ ગયા હતા. પણ બધે જ આવા દુર્ગમ પથ ન હતા. આ તો શરૂઆતની પ્રવેશ પરીક્ષા !

શ્રીશ્રીદુર્ગામાના નાના મંદિરે શ્રીશ્રીમાનાં ચરણોમાં ‘સર્વ મંગલ માંગલ્યે…’ શ્ર્લોકથી મંત્ર-પુષ્પાંજલિ અર્પણ કરી, ધૂળિયે રસ્તે ફરી ચાલવાનું શરૂ કર્યું. રસ્તા બન્ને બાજુએ નાનાં મોટાં ઝાડપાનથી શોભિત થઈ રહ્યા હતા. રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. આ આમળાં નાનાં. એ જોઈને અમે અમારી જોળી અને પેટમાં પધરાવ્યાં. આ તો મા પ્રકૃતિનો પ્રસાદ ! આગળ ચાલતાં અગિયાર સાડા અગિયારના સુમારે રસ્તામાં ઓસ્ટ્રિયા (યુરોપનો એક દેશ)ના સાધુ નર્મદાશંકર મહાત્માના આશ્રમે આવ્યા, ત્યાં રોકાણા. બપોરના ભોજનમાં થોડી વાર લાગશે. અમે કહ્યું, ‘અમારે કોઈ ઉતાવળ નથી.’ અમારે તો સાંજ સુધીમાં જ મોરટક્કા પહોંચવાનું છે.

અમે આશ્રમમાં એકબે ભજન ગાયાં. આ મહારાજ નર્મદાખંડમાં છેલ્લાં 27-28 વર્ષથી રહે છે. પહેલાં તેમનો આશ્રમ નર્મદાના ઉત્તર તટે ઓમકારેશ્ર્વરથી હતો. પરંતુ ઓમકારેશ્ર્વર ડેમ બનવાથી એ આશ્રમ ડૂબમાં ચાલ્યો ગયો. નર્મદાના દક્ષિણ તટે જગ્યા મળી હતી. વિદેશી હોવા છતાં એમણે આ દેશનાં વેશ, પરિવેશ, ભાષા અને સાધુતા સારી રીતે આત્મસાત્ કરી લીધાં છે. આસપાસના વિસ્તારમાં તેમનું સારું એવું નામ પણ છે.

અમે વાતોએ વળગ્યા. તેમની પાસે થોડી ખેતીની જમીન, બેત્રણ ગાયો અને બળદ પણ છે. એક વાર બળદ ગાયો પાસે જવા માટે ખૂબ ઉત્તેજિત થઈ ગયો, તેને સંયમમાં લાવવા પીઠ પર એક સોય ભોંકી દીધી ! પછી માંડ માંડ તે નિયંત્રણમાં આવ્યો. પશુની જો આવી હાલત હોય તો માનવનું તો શું કહેવું ! શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ‘પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાન નાશનમ્ – જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ.’

આ પશુએ જ એકવાર તેમને લાત મારીને કરોડરજ્જુના મણકાને ઈજા પહોંચાડી હતી. તેના વિશેષ ઓપરેશન માટે ઇન્દોરમાં યુરોપથી ડૉકટરને બોલાવવા પડ્યા હતા. ઓપરેશન વગેરેમાં થયેલ રૂપિયા બાર લાખ તેમના દેશ ઓસ્ટ્રિયાથી આવ્યા હતા ! બપોરે લગભગ દોઢ વાગ્યે રોટલા જેવી રોટલી-ટીકળ અને દાળનો પ્રસાદ પેટ ભરીને લીધો. ચટાઈ પાથરીને થોડા આડા પડ્યા. અમે વિચાર્યું કે આ સામે તો પૂલ દેખાય છે એટલે મોરટક્કા દૂર નથી અને સાંજ પડ્યે ત્યાં પહોંચી જઈશું. શત્રુને કે અંતરને હંમેશાં નાનાં ન ગણવાં. અનુભવે આવાં સૂત્રો સમજાય.

બપોરે સાડા ત્રણ વાગ્યે આશ્રમમાંથી નીકળ્યા. નર્મદામૈયાના કિનારે કિનારે વિશાળ પહોળાઈ વાળો અત્યંત પથરીલો પટ ! આ નાના મોટા પથ્થરિયા રસ્તાને અવરોધવા નર્મદાથી દૂર લીલાછમ ઘાસ પર ચાલવા લાગ્યા. પણ આ શું ! આ લીલું ઘાસ અત્યંત પાણીવાળું હતું. પગ પડે કે તરત અંદર દબાઈ જતું. તે નાળીનું પાણી હતું. ક્યાંક આગળ અચાનક ખાડો આવી જાય તો જોખમ હતું! એટલે ફરી પાછા પથ્થરિયા રસ્તા પર. પણ રસ્તો ખૂટે નહીં. થોડે દૂર પૂલ તો દેખાય છે, પણ બહાર જવાનો રસ્તો મળતો ન હતો.

શિયાળો ચાલતો હતો. આ બાજુ સંધ્યા થઈ જતાં અમે ઘાંઘા થઈ ગયા. થોડું થોડું અંધારું પણ થવા લાગ્યું.  સરકારી લાઈટ શરૂ થઈ ગઈ હતી. એવામાં એક સજ્જન ત્યાંથી નર્મદા તરફ કદાચ દીપદાન માટે જતા હશે, તેમને રસ્તો પૂછ્યો. તેમણે કહ્યું કે ડાબી બાજુ આ પહેલી અને બીજી સ્ટ્રીટથી વળીને મારી સાથે ચાલો, ત્યાંથી રસ્તો મળી જશે. અમે માંડ માંડ રસ્તા પર આવી ગયા. અંધારું થઈ ગયું. ગૌરાંગ મહારાજની કુટિયા શોધવાની હતી.  આ બાજુ બારતેર કિલો વજનની બેગ ખભે હતી. અંતે એ મળી ગઈ. અમે થાકી ગયા હતા. સ્નાન અને પૂજા કરીને થોડો વિરામ કર્યો. બીજા એક મહારાજે ખૂબ જ પ્રેમથી રસોઈ બનાવી. પ્રસાદ લઈને અમે સૂઈ ગયા.

વહેલી સવારે ઊઠીને નિત્યક્રમ પતાવી ચા પીઈને બહાર આવ્યા. નાના ચોગાનમાં થોડી જગ્યામાં સુંદર બગીચો, સામે નર્મદામૈયાનાં દર્શન, આસપાસમાં ઘેઘૂર વૃક્ષો, જાણે સુંદર મજાનું તપોવનનું વાતાવરણ ! નર્મદામાં સ્નાન કરી, રાંધવામાં થોડી મદદ કરી પછી ગીતા પાઠ કર્યો. બપોરે પ્રસાદ લઈને થોડો વિરામ કર્યો. સાંજે ગૌરાંગ મહારાજ આવવાના હતા. રૂમ નાનો હતો. તેમાં પલંગ સાથે ચાર વ્યક્તિ ન રહી શકે. તેથી મહારાજે સૂચન કર્યું કે અહીંથી થોડે દૂર રામકૃષ્ણ-ભાવધારાના સ્વામીજીનો આશ્રમ છે, ત્યાં વ્યવસ્થા છે. કાલે બપોરે અહીં આવજો કારણ કે ઓમકારેશ્ર્વરના સ્નેહી મહારાજ ભંડારો આપવાના છે. તેનો પ્રસાદ લઈને આગળ વધજો.

આજની રાત આગળના આશ્રમમાં વિતાવવી એવું નક્કી કરીને અમારો સામાન લઈને નીકળી પડ્યા. સંધ્યા સમય નજીક હતો. થોડો રસ્તો પાર કર્યા પછી કોઈને મહારાજના આશ્રમ વિશે પૂછ્યું, પણ જવાબ ન મળ્યો. નવો નવો આશ્રમ તેથી કોઈ જાણતા નહીં હોય. આગળ વધ્યા, જોયું તો મહારાજનો આશ્રમ ન હતો. ત્યાં નર્મદા તટે મોટા ઓટલા ઉપર વચ્ચે હનુમાનજીનું ખુલ્લું મંદિર, ઓટલાની ધારની ચારે તરફ ગ્રીલ. થોડે દૂર નર્મદાનું નિર્મળ અને પવિત્ર જળ ખળખળ વહેતું હતું. પાછળના ભાગે સૂર્યનારાયણ અસ્તાચળ પર જતા હતા. આહ્લાદક વાતાવરણ હતું. રાત્રીવાસ અહીં કરવાનું નક્કી કર્યું.

ઓટલાની સાફસફાઈ કરીને અમે આસન લગાવ્યાં, તેના પર શ્રીનર્મદામૈયા, શ્રીઠાકુર-શ્રીમા અને સ્વામીજીને બેસાડ્યા. નર્મદાના નિર્મળ જળમાં સ્નાન કરવાની અમારી ઇચ્છાને અમે રોકી ન શક્યા. સ્નાન કરીને પરમ તૃપ્તિ થઈ.

સંધ્યાનું સુંદર મનોહર વાતાવરણ પક્ષીઓના કલરવથી અને વહેતા જળના મધુર નિનાદથી ગૂંજી ઊઠતું હતું. આકાશ વિવિધ રંગોની છટાથી શોભતું હતું. થોડીવારમાં આભમાં સંધ્યાનો સોનેરી પ્રકાશ છવાઈ ગયો હતો. સંધ્યાના ભાસ્કરનું ચક્ષુરમ્ય દૃશ્ય જોવાથી મનપ્રાણ ભરપૂર ભરાઈ ગયાં. ઉપાસના, આરતી, જપધ્યાન કરવામાં રાત્રીનો સમય આવી ચૂક્યો. પેટ પોતાનું ભાથું માગતું હતું. પણ ભોજન માટે તો કોઈ પૂછવા ન આવ્યું. સાથે લાવેલ થોડો નાસ્તો કર્યો અને નર્મદાનું જળ પીઈને આનંદ માણ્યો. જેવી માની ઇચ્છા. અત્યાર સુધી તો અમે આશ્રમના ઓરડામાં રહ્યા હતા.

7મી જાન્યુઆરી, 2015. ઠંડીનો ચમકારો થોડા દિવસથી શરૂ થઈ ગયો હતો. સંધ્યાના સુંદર વાતાવરણથી મોહિત થઈને ઠંડીના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે રહેવાનો નિર્ણય ખરેખર જોખમભરેલો અને અવ્યવહારુ હતો. ઠંડી કહે મારું કામ અને જેમ જેમ રાત્રી વધતી જશે, તેમ તેમ ઠંડી પણ વધશે. અને વહેલી સવારે તો ઝાકળ પણ પડી શકે. તો…તો અમારાં ધાબળા, કપડાં વગેરે પણ ભીનાં થઈ જશે અને અમે ઠરી ને ઠીકરા થઈ જશું! પી. સ્વામી પાસે ઓઢવાનો પૂરો સામાન પણ ન હતો. મેં તેમને મારી પાસેનો પ્લાસ્ટીકથી સીવેલો ધાબળો આપી દીધો, કારણ કે મારી પાસે તો વુલીકોટ, સ્લીપીંગ બેગ, શાલ ઇત્યાદિ હતાં. અને મનોમન શ્રીશ્રીમાને પ્રાર્થના કરવા લાગ્યા. પવન સાથે ઠંડી પણ વધતી જતી હતી. પણ રાત્રે બાર વાગ્યા પછી જાણે કે સ્લીપીંગ બેગ અને શાલની અંદર વાતાવરણ હૂંફાળું થઈ ગયું હતું !! સવારે ઝાકળ પણ ન પડ્યું. વહેલી સવારે ઊઠી ગયા. અમે જીવતા જ હતા !! ઠરી નહોતા ગયા. આ શ્રીશ્રીમાની કૃપા નહીં તો બીજું શું !                             (ક્રમશ:)

 

 

શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

પૂતના વધ

કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને પોતાની ઇચ્છા પ્રમાણે રૂપ પણ ધારણ કરી શકતી. કંસની આજ્ઞા મેળવીને પૂતના નગરો અને ગામોમાં એક સુંદર યુવતીનું રૂપ ધારણ કરીને બાળકોને મારી નાખવા ફરવા લાગી. એક દિવસ આકાશમાર્ગે ગોકુળની ઉપરથી જતી વખતે તેણે ત્યાં ઊતરવાનું નક્કી કર્યું. તેણે માયાથી એક સુંદર યુવતીનું રૂપ લીધું અને અહીંતહીં બાળકોને શોધતી શોધતી નંદબાબાના ઘરમાં પ્રવેશી. ત્યાં એણે જોયું કે બાળક શ્રીકૃષ્ણ ઘોડિયામાં સૂતા છે. શ્રીકૃષ્ણને એકલા જોઈને પૂતનાએ તેમને પોતાના ખોળામાં લીધા. ભયાનક રાક્ષસી પૂતનાએ શ્રીકૃષ્ણને મારી નાખવા તેમના મોઢામાં પોતાનાં સ્તન આપ્યાં. એ સ્તન ઉપર ભયંકર વિષ લગાડેલું હતું. પરંતુ દુષ્ટોનો સંહાર કરવા જે પરબ્રહ્મ પરમાત્માએ જન્મ લીધો હોય, તેને ભલા કોણ મારી શકે ! શ્રીકૃષ્ણ પોતાના નાના હાથથી તે રાક્ષસીના સ્તનને જોરથી દબાવીને એના દૂધ સાથે તેના પ્રાણને પણ પીવા લાગ્યા. પૂતના અત્યંત પીડાથી ચિત્કાર કરીને બોલી, ‘અરે છોડી દે, હવે છોડી દે, હવે બસ કર !’ પૂતના તો વારંવાર પોતાના હાથપગ પછાડીને રોવા લાગી. તેના ચિત્કારથી પૃથ્વી ડગમગવા લાગી. હવે પૂતનાને એટલી બધી પીડા થતી હતી કે તે પોતાનું અસલી સ્વરૂપ છુપાવી ન શકી અને રાક્ષસીના રૂપે પ્રગટ થઈ. તેના દેહમાંથી પ્રાણ નીકળી ગયો. નિર્ભય બનીને શ્રીકૃષ્ણ તેની છાતી પર રમવા લાગ્યા. આ બાજુએ યશોદા રાક્ષસીનો ચિત્કાર સાંભળીને દોડતાં આવ્યા અને શ્રીકૃષ્ણને પોતાની છાતીએ લગાડ્યા. ત્યાર પછી યશોદા અને રોહિણીની સાથે ગોપીઓએ ગાયનું પૂછડું ફેરવવા જેવા ઘરેલુ ટુચકા કરીને બાળક શ્રીકૃષ્ણના અંગોની રક્ષા કરી. પછી માતા યશોદાએ પોતાના પુત્રને પારણામાં સુવાડ્યો. શ્રીકૃષ્ણ તો જાણે કે કંઈ ન બન્યું હોય તેમ નિરાંતે ઊંઘવા લાગ્યા. એ જ સમયે નંદબાબા અને તેમના સાથી ગોવાળો મથુરાથી ગોકુળ પહોંચ્યા. જ્યારે એમણે પૂતનાનો ભયંકર મૃતદેહ જોયો તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. એમણે ગોવાળોને બોલાવ્યા અને મહામુશ્કેલીએ વિશાળ મૃત શરીરને ગોકુળથી દૂર લઈ જઈને બાળી નાખ્યું. જ્યારે પૂતનાનું શરીર બળવા લાગ્યું, ત્યારે તેમાંથી અગરની સુગંધ આવવા લાગી. પણ આવું શા માટે ન થાય? ભગવાન એનું દૂધ પીઈ ગયા હતા. એનાથી પૂતનાનાં બધાં પાપ નાશ પામ્યાં હતાં.

શકટાસુરનો સંહાર

જોતજોતાંમાં શ્રીકૃષ્ણ ત્રણ મહિનાના થઈ ગયા. તેઓ હવે પોતાની મેળે પડખું બદલવાનો પ્રયત્ન કરતા અને ગોઠણિયાભર ચાલવાનો પણ પ્રયાસ કરતા. યશોદાજી જ્યારે તેમને પેટભરાણીએ સૂતેલા તથા પોતાની તરફ નજર માંડીને હસતા જોતાં ત્યારે એમને અનહદ આનંદ થતો. શ્રીકૃષ્ણને પહેલીવાર ઘરની બહાર લઈ જવાના પ્રસંગે તેઓ ઉત્સવ ઊજવવા ઇચ્છતાં હતાં. એને માટે એમણે ગોકુળની બધી ગોપીઓને આમંત્રણ આપ્યું અને તેઓ બધાં સાથે મળીને યમુના નદીના કિનારે ગયાં. ઢોલ, નગારાં તેમજ બીજાં વાજિંત્રોનાં ધ્વનિ-સંગીત તથા બ્રાહ્મણો દ્વારા થતાં સ્વસ્તિવાચન વચ્ચે શ્રીકૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો.

શ્રીકૃષ્ણને ઊંઘ આવે છે એ જોઈને યશોદાજીએ તેમને હળવેકથી પારણામાં સુવડાવી દીધા. ગરમીનો સમય હતો; નજીકમાં જ એક ગાડું ઊભું હતું. યશોદાજીએ શ્રીકૃષ્ણના પારણાને ગાડાની નીચે રાખી દીધું અને ઉત્સવ માટે આવેલ વ્રજવાસીઓનાં સ્વાગત-સત્કારમાં વ્યસ્ત બની ગયાં. થોડીવારમાં શ્યામસુંદરની આંખો ખૂલી અને તેઓ ભૂખને કારણે રડવા લાગ્યા. ભીડ અને દેકારાને કારણે યશોદાજીને કૃષ્ણના રડવાનો અવાજ ન સંભળાયો. નાખુશ થઈને શ્રીકૃષ્ણે પોતાના નાના-નાના, લાલ-લાલ કૂંપળ જેવા કોમળ પગ પછાડવાનું શરૂ કર્યું. કેવી નવાઈ! તેમના નાના અને કોમળ પગના મૃદુ આઘાતથી જ એ વિશાળ ગાડું અવાજ સાજે ઊલટી પડ્યું. ગાડાનાં પૈડાં અને ધોસરું વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયાં. ગાડા પરનાં દૂધ-દહીં વગેરેથી ભરેલ મટકાં તૂટીફૂટી ગયાં. ત્યાં રમતાં બાળકોએ આ દૃશ્ય જોયું તો તેઓ ગભરાઈને માતા યશોદા પાસે ગયાં અને કહ્યું, ‘કૃષ્ણે રોતાં રોતાં પોતાના પગની ઠોકરથી પેલા ગાડાને ઊથલાવી નાખ્યું છે.’ યશોદા અને બીજી ગોપીઓ ભયભીત થઈને ગાડા પાસે આવી. બધાં આશ્ચર્યચકિત અને ભયભીત હતાં. જે ગોપબાળકોએ આ ઘટનાને નજરે જોઈ હતી તેઓ સંપૂર્ણ રીતે આશ્ર્વસ્ત હતા કે આ ગાડું તો શ્રીકૃષ્ણના પગના પ્રહારથી જ ઊથલી ગયું છે. આમ છતાં પણ વૃદ્ધોને ગળે આ વાત ઊતરતી ન હતી. યશોદાજીને ખાતરી થઈ કે આ કોઈ ગ્રહનો ઉત્પાત છે. એમણે બ્રાહ્મણો દ્વારા ગ્રહશાંતિ નિમિત્તે વેદમંત્રોનો પાઠ પણ કરાવ્યો. પરંતુ શ્રીકૃષ્ણ આ બધી ઘટનાઓ પ્રત્યે ઉદાસીન હતા. તેઓ તો પોતાના મોહક સ્મિતથી બધાંને આકર્ષીને રમી રહ્યા હતા. વાસ્તવિકતા તો એ હતી કે કંસના આદેશ પ્રમાણે શકટાસુર નામના દૈત્યે આ ગાડાનું રૂપ ધારણ કર્યું હતું અને તે શ્રીકૃષ્ણનું અપહરણ કરવા જ ગોકુળ આવ્યો હતો. પરંતુ સર્વજ્ઞ ઈશ્વર ભલે તેઓ એક નાના બાળકના રૂપમાં કેમ ન હોય, બાળ કૃષ્ણ બધું જાણતા હતા તેથી તેમણે પોતાના પગના પ્રહારથી શકટાસુરનો સંહાર કરી નાખ્યો.

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.