સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ

સ્વામી વિવેકાનંદની ૧૫૬મી અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭થી ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી રાજકોટ શહેર અને નજીકના ગ્રામ્યવિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં ૧૮૭ સંસ્થાના કુલ ૯૦૬૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૧૪૦ તજ્જ્ઞોએ નિર્ણાયક રૂપે અને ૧૬૦ સ્વયં સેવકોએ સેવા આપી હતી.

પારિતોષિક વિતરણ સમારંભ

૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ શુક્રવારે સાંજે ૪ :૩૦ કલાકે વિવેકહોલમાં યોજાયેલ પારિતોષિક વિતરણ સમારંભમાં અતિથિ વિશેષ રાજકોટના ડૉ. જૈમન ઉપાધ્યાય, યુવરાજ માંધાતાસિંહ અને બ્રિગેડિયર અજિતસિંહે જુદી જુદી સ્પર્ધાના પ્રથમ પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર અને ક્રેડિટનોટનું વિતરણ કર્યું હતું. બાકીનાં પારિતોષિક આ પહેલાં અપાયાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચારથી થયોે. સ્વાગત પ્રવચન સ્વામી પ્રભુસેવાનંદે કર્યું હતું. એમણે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો મહિમા સમજાવ્યો હતો.

ડૉ. જૈમન ઉપાધ્યાયે બાળકોને શુભેચ્છા આપીને કહ્યું હતું કે સ્વામીજીનાં પુસ્તકનું એક પાનું દરરોજ વાંચવું એ સૌભાગ્ય છે. જેઓ ધીમે ચાલે છે એની ચિંતા નથી પણ ઊભા છે એની ચિંતા છે. આ ઊભાને ચાલતા કરવાની પ્રેરણા સ્વામીજીનાં પુસ્તકોમાંથી મળે છે.

યુવરાજ માંધાતાસિંહે બાળકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે શ્રીરામકૃષ્ણ આશ્રમ ગુણસંવર્ધન કરતી સંસ્થા છે. આ એક જ્ઞાનપીઠ છે. અહીં દિવ્યકણ મળે છે. આ સંસ્થા બાળકોને સાચી દિશામાં દોરી જાય છે.

બ્રિગેડિયર અજિતસિંહે બાળકોને પ્રેરણા અને અભિનંદન આપતાં કહ્યું હતું કે રાજકોટની એન.સી.સી.ની એક દીકરી સમગ્ર ભારતમાંથી પસંદગી પામીને વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગઈ છે. એ આપણું ગૌરવ છે. તમે પણ આવું ગૌરવભર્યું કાર્ય કરો અને આ મહાન દેશની આન-બાન-શાન વધારો તેવી આપને શુભેચ્છા પાઠવું છું. આ શહેરનાં માતપિતા નાનાં બાળકોને ઘરના ચાર ખૂણામાંથી બહાર કાઢીને આશ્રમ જેવી સંસ્થાના મંચ પર મૂકે છે એ ધન્યવાદને પાત્ર છે.

સંસ્થાના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે કહ્યું હતું કે ૧૯૨૭થી આજ સુધી આશ્રમ વિદ્યાર્થી, યુવાનો, જિજ્ઞાસુઓના અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને સંસ્કૃતિ, સાચાધર્મ, સંસ્કાર, મૂલ્ય શિક્ષણ પીરસતું રહ્યું છે. તેમણે નરેનમાંથી વિવેકાનંદ કેવી રીતે બન્યા તેની વાત કરતાં તેમની માતા ભૂવનેશ્વરી દેવીએ આપેલા સંસ્કારોની યાદ અપાવી છે. યુવરાજ સાહેબના પૂર્વજોએ ૧૯૩૦માં અહીં આશ્રમને જમીન આપી અને ૧૯૩૫માં એમના દાદા ધર્મેન્દ્રસિંહે આશ્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ હતી એમના પૂર્વજોની દીર્ઘદૃષ્ટિ.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ – રાષ્ટ્રિય યુવા દિન

સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં એન.સી.સી. કેડેટ અને શહેરની શાળાઓના ૫૦૦થી પણ વધારે સંખ્યાના યુવાનો માટે યુવા સંમેલન ગુજરાત એન.સી.સી. ના વડા મેજર જનરલ સુભાષ શરણ, અમદાવાદ અને સમગ્ર સૌરાષ્ટ કચ્છના એન.સી.સી. વડા બ્રિગેડિયર અજિતસિંહની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

આશ્રમના સંન્યાસી વૃંદના વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્યથી સંમેલનનો પ્રારંભ થયો. સ્વામી પ્રભુસેવાનંદે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વર્તમાન પેઢીના અણ્ણા હજારે અને અરુણિમા સિંહા જેવા અનેક મહાનુભાવો અને યુવક-યુવતીઓએ પ્રેરણા મેળવી છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વારાનંદે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે ભારત સરકારે ૧૯૮૫માં આંતર રાષ્ટ્રિય યુવા વર્ષના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિન ૧૨મી જાન્યુઆરીને રાષ્ટ્રિય યુવા દિન તરીકે જાહેર કરેલ. ત્યારથી સમગ્ર દેશ અને વિદેશમાં મનાવવામાં આવે છે. એક વિદેશી શિષ્યાએ ભારત માટે હું શું કરું એ વિશે સ્વામીજીને પૂછતાં નલવ ઈન્ડિયાથ એમ કહ્યું હતું. યુવાનોને સ્વામીજીના નસ્વદેશ મંત્રથનું ઉચ્ચ સ્વરે સમૂહ પઠન કરાવ્યું હતું.

બ્રિગેડિયર અજિતસિંહે એ સાંભળ્યા પછી જોશમાં આવીને નજય હિન્દથનો નારો ઉચ્ચ સ્વરે દોહરાવ્યો હતો. પોતે દેશને સમર્પિત થવા અને બલિદાન આપવા ધોરણ-૯માં હતા ત્યારે સંકલ્પ કર્યો હતો. યુનો તરફથી કોન્ગો દેશમાં ભારતના ૧૦૦૦ સૈનિકો સાથે શાંતિ કાર્ય માટે જવાનું થયું હતું. શાંતિ કાર્યના વડા અધિકારી મેડમ કેરોલાઈન ભારતના સૈનિકોના માનવીય વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યાગ અને સેવાના સંસ્કારો ભારત પાસે છે.

અધ્યક્ષ રૂપે ગુજરાત એન.સી.સીના વડા ડૉ. શ્રી સુભાષ શરણે કહ્યું : માતાપિતાના સંસ્કારથી દેશ સેવામાં લાગી જવા અને બલિદાન આપવા સંકલ્પ કર્યો. દેશ આજે ઘણા ઉન્નતિના માર્ગે છે. આપણો દેશ ત્યાગભૂમિ છે. ગીતાના ઊંડા અભ્યાસી હોવાથી તેઓ વિશ્વમાં જે પણ મહાનુભાવોને મળે છે તેમને ગીતાની એક નકલ ભેટ આપે છે. સેનાના અધિકારીઓની પ્રબળ માનસિકતા માટે અમેરિકાએ ગીતાની ૪૦૦૦ નકલો મગાવી હતી. યુવાનોએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. સ્વામીજીનાં પુસ્તકોનું વાંચન આપણને એક વિદ્યુતઝંકૃતિ આપે છે. કાર્યક્રમનું સંચાલન શ્રીનલીનભાઈ મહેતાએ કર્યું હતું. બન્ને મહાનુભાવોનું સ્વામીજીની છબી અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે વિશ્વભરમાં સુખ્યાત ઈન્ડિયન યુથ આઈકોન શ્રી શરદ સાગરનું વક્તવ્ય તા.૧૪મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ મંદિર નીચેના હોલમાં યોજાયું હતું.

 

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.