શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી રહ્યા છે.

આજે વિશ્વમાં ધર્મોની વિવિધતાનું મોટું ધર્મસંકટ આવ્યું છે. બે પ્રકારના ધર્મસમૂહો વિશ્વમાં કાર્યરત છે: એક સમૂહમાં છે- ખ્રિસ્તી, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મ, જેઓ બધાનું ધર્મપરિવર્તન કરીને તેઓને પોતાના ધર્મમાં લાવવા માગે છે. બીજા સમૂહમાં છે- યહૂદી, હિંદુ અને પારસી જેવા ધર્મો. આ બધા ધર્મ પરિવર્તનમાં માનતા નથી, પણ એમ માને છે કે જે લોકો તેમના ધર્મમતવાળા પરિવારમાં જન્મ્યા છે, તેઓ જ મુક્ત થશે. આમ બે પ્રકારનાં વિરોધી પરિબળો કાર્યરત છે.

એક સમૂહવાળા બીજા બધાને પોતાનામાં સમાવી લેવા માગે છે. અન્ય સમૂહવાળા બીજા બધાને છોડી દેવા માગે છે. આથી ધર્મોની વિવિધતાની સમસ્યા અત્યંત મૂંઝવણભરી બની જાય છે. માત્ર સિદ્ધાંતોના પ્રતિપાદનથી કે ઉપદેશોથી આધુનિક યુગમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. વિચારો દ્વારા વિદ્વાનો માને છે કે શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને તેમનો સંદેશ જ આ સમસ્યાનું સમાધાન કરી શકે એમ છે. શ્રીરામકૃષ્ણે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરી. તેમણે ચરમલક્ષ્યની સિદ્ધિ હાંસલ કરીને પછી ઘોષણા કરી હતી: ‘જેટલા મત તેટલા પથ.’ તેમણે કહ્યું હતું કે, ‘બધા જ ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે, પણ પથ જુદા જુદા છે.’

કલોડ એલન સ્ટાર્ક એમના પુસ્તક ‘God of All’ માં આ વિષયનું સંશોધન કરતાં લખે છે કે શ્રીરામકૃષ્ણનો સર્વ ધર્મો પ્રત્યેનો ઉદાર દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત્ અનુભવ ઉપર આધારિત છે, ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે એક વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે. (‘God of All’ Claud Alan Stark, Claud Stark Inc 02670 cape cod Massachusetts USA).

શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના ભાવનું વિશ્ર્લેષણ કરતાં લેખકે કહ્યું છે,

‘આપણે એવું ન કહી શકીએ કે શ્રીરામકૃષ્ણે વિભિન્ન ધર્મોની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભિન્ન ભિન્ન ધર્મોમાંથી કેટલાંક તત્ત્વોને લઈને એક નવા ધર્મની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે તો હિંદુ ધર્મ તેમજ અન્ય ધર્મોના વિભિન્ન પંથોને અનુસરીને સાધના કરી હતી અને દરેક પથની સત્યતા અને મહાનતાને સમાનરૂપે સ્વીકારી હતી. આમ, તેઓ વિભિન્ન ધર્મોની સાધનાપ્રણાલીના સાચા ભાષ્યકાર હતા.’

શ્રીરામકૃષ્ણદેવની 150મી જન્મજયંતી પ્રસંગે ‘અમેરિકા’ નામની પત્રિકામાં બોસ્ટન વિશ્વવિદ્યાલયના ધર્મશાસ્ત્રના પ્રોફેસર ફ્રાંસીસ ક્લૂની કહે છે,

‘વિશ્વમાં તમામ ધર્મોની પાર વગરની વિવિધતાને જોઈને આપણને શંકા થાય છે કે આપણે ઇસા મસીહ પ્રત્યે વફાદાર રહીને પણ કેવી રીતે બિનખ્રિસ્તી પાસેથી શીખી શકીએ! શ્રીરામકૃષ્ણ બીજા ધર્મના અનુયાયીઓની સાથે રહીને ખ્રિસ્તી ધર્મને સાચવવાનો એક આધાર પ્રસ્તુત કરે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે આપણે ઈશુ તરફ જેટલી તીવ્ર ગતિથી યાત્રા કરીશું, એટલું જ વધારે આપણે સમજી શકીશું કે ઈશુ ઇચ્છતા હતા કે આપણે આપણા ધર્મોના ઘેરામાંથી બહાર નીકળીને એમને શોધીએ.’ (America, 23.3.86)

શ્રીરામકૃષ્ણે જેમ હિંદુ ધર્મની અંદરના વૈષ્ણવ અને શાક્ત તંત્રોની તથા શૈવ મત પ્રમાણેની ઉપાસનાઓ કરીને સર્વધર્મસમન્વય સાધ્યો, તે જ પ્રમાણે તેમણે હિંદુ ધર્મની બહારના ધર્મોની સાધના કરીને સર્વ-ધર્મ સમન્વય સાધ્યો. તેમણે ઇસ્લામ ધર્મની સાધના કરી. તે ‘અલ્લાહ’ નામનો જપ કરતા. પરિણામે તેમને મહંમદ પયગંબર સાહેબના ચિન્મય સ્વરૂપનાં દર્શન થયાં. મેરીપુત્ર જિસસનું ધ્યાન કરતાં શ્રીરામકૃષ્ણને જિસસ ક્રાઈસ્ટનાં દર્શન થયાં. તે જ પ્રમાણે બૌદ્ધ, જૈન તથા શીખ સંપ્રદાયોનાં અંતિમ ધ્યેયનો પણ તેમણે સાક્ષાત્કાર કર્યો અને અંતે તેઓ એ નિર્ણય પર આવ્યા કે ધર્મોનું ગંતવ્યસ્થાન એક જ છે; અને જેટલા મત તેટલા પથ છે.

શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘સાચા અંતરની સાધના હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાક્તો પણ પામે, વેદાન્તવાદીઓ પણ પામે, બ્રાહ્મસમાજીઓ પણ પામે, તેમજ મુસલમાન, ખ્રિસ્તી, તેઓ પણ પામે. આપણી સાધના અંતરથી હોય તો સહુ પામે. કેટલાક : ‘અમારા શ્રીકૃષ્ણને ન ભજો તો કંઈ વળવાનું નથી અથવા મારા મા કાલીને નહીં ભજો, તો કંઈ નહીં વળે. યા અમારા ખ્રિસ્તી ધર્મને નહીં સ્વીકારો તો તમે નરકે જશો.’ આવું કહીને ઝઘડા કરી બેસે છે. આવા બધા વિચારો એકપંથિયા વિચારો, એટલે કે અમારો ધર્મ જ બરાબર ને બીજા બધાનો ખોટો. એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જુદે માર્ગે થઈને પહોંચી શકાય. (શ્રીરામકૃષ્ણ કથામૃત)

‘God of All’ પુસ્તકમાં બોસ્ટન વિશ્વવિદ્યાલયના ધર્મશાસ્ત્રના પ્રોફેસર મુહમ્મદ દાઉદ રહબર પોતાના વિચારપૂર્ણ નિબંધમાં લખે છે,

‘સદીઓની ગુલામીની અવધિમાં હિંદુઓના ધાર્મિક વિચારોને મુસલમાનો તથા ઈસાઈઓએ હીન દૃષ્ટિભાવથી જોયા છે. રાજનૈતિક સ્વતંત્રતા મેળવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે, અને હિંદુઓના ધાર્મિક અનુભવના ઊંડાણ તથા હિંદુઓના ધાર્મિક પ્રયત્નોની તીવ્રતાએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે… વિજ્ઞાન તથા બૌદ્ધિકતાની સ્વાયત્તતામાં ઠીકઠીક વધારો થયો છે; હવે સમય આવી ચૂક્યો છે કે આધ્યાત્મિક શક્તિઓનું પ્રાક્ટ્ય થાય. આંતરિક જ્ઞાન તથા વિવેકનો આજના બૌદ્ધિક જગતમાં અભાવ થઈ ગયો છે. ધર્મવિહોણા વૈજ્ઞાનિકોના મુખ ઉપર આજે તેજ કે ઉદારતા નથી રહી. શું સીધા અને સરળ શ્રીરામકૃષ્ણ પોતાની રીતે પૂર્ણ વૈજ્ઞાનિક નહોતા? એમના પવિત્ર જીવનમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનો એક સમન્વય જોઈ શકીએ છીએ.’

(‘God of All’ Claud Alan Stark)

નરેન્દ્રનાથ દત્ત, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદ બન્યા. કોલેજના પોતાના અભ્યાસકાળ દરમિયાન તેઓ શ્રીરામકૃષ્ણ પાસે ગયા. એમને પણ એમણે એ જ પ્રશ્ન કર્યો, જે પહેલાં પણ એમણે ઘણાઓને કરેલો, ‘શું તમે ઈશ્વરને જોયો છે?’

શ્રીરામકૃષ્ણે તુરત જવાબ આપ્યો, ‘હા, હું ઈશ્વરને જોઉં છું અને એવી રીતે કે જેવી રીતે હું તને અહીં જોઉં છું. અરે, એથીએ વધુ સ્પષ્ટ. તું ઇચ્છે તો તને પણ દેખાડી શકું છું.’

આને આપણે ધર્મની વૈજ્ઞાનિકતા કહી શકીએ. સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પાસે ગયા. પાશ્ર્ચાત્ય વિચારો, સંસ્કૃતિ તથા વૈજ્ઞાનિક સ્વભાવના પ્રતિનિધિરૂપે તથા પ્રાચ્ય સંસ્કૃતિના પ્રતિનિધિના રૂપમાં શ્રીરામકૃષ્ણે જવાબ આપેલો કે ધર્મ એક અનુભૂતિ છે અને વિજ્ઞાનની જેમ જ એના ઉપર પ્રયોગ થઈ શકે છે. આ પ્રમાણે શ્રીરામકૃષ્ણે ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સમન્વયની સ્થાપના તો કરી જ પણ સાથે સાથે વિજ્ઞાન અને ધર્મો વચ્ચે જે વિસંવાદિતા હતી, એ પણ દૂર કરી.

એમના જીવનકાળ દરમિયાન શ્રીરામકૃષ્ણે સાધનાના ભિન્ન ભિન્ન માર્ગોના રૂપમાં ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગ આ ચારેય યોગનો પણ સમન્વય સ્થાપિત કર્યો. સ્વામી વિવેકાનંદે લખ્યું છે, ‘આવું અનોખું વ્યક્તિત્વ-જ્ઞાન, યોગ, ભક્તિ અને કર્મની ચરમસીમાનો આવો સમન્વય અગાઉ કદાપિ માનવજાતિમાં જોવા મળ્યો નથી.’                                                                                 (‘પ્રબુદ્ધ ભારત’, માર્ચ 1929)

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.