મહારાજ – ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી બન્યો, પરંતુ તે લગ્ન કરવા ઇચ્છે છે. સંન્યાસીને કોણ છોકરી દેવાનો ? શું તેના પર શ્રીમાની કૃપા ઓછી હતી? અને વળી કૃપા શા માટે કહું, તેઓ તો પોતે જ બધાં જ રૂપોમાં છે, સર્વકંઈ બન્યાં છે. જુઓ, કોઈને જોઈને હસવું ન જોઈએ. શું કરશો ? તે તો વિવશ છે, તેની પ્રકૃતિ તેની પાસે (આ બધું) કરાવી રહી છે. કોઈના દેહમાં તમોગુણ હોય છે, તો વળી કોઈના મનમાં તમોગુણ રહે છે. જેમ કોઈ ઘણાં કર્મ કરે, પરંતુ કર્મમાં જ મોહાસક્ત થઈ જાય છે. વિચારબુદ્ધિ-વિવેક નથી અને કાર્ય છોડીને રહી શકતા નથી. કોઈની બુદ્ધિમાં તમોગુણ રહે છે. આવી વ્યક્તિ વિચાર કે ચિંતન કરવા ઇચ્છતી નથી. એનો સ્વભાવ આવો રહે છે – ‘કહો શું કરવાનું છે, કરી દઉં છું.’ હમણાં હમણાં ઘણા લોકોમાં ‘અનપેક્ષ્ય ચ પૌરુષમ્’ જેવો ભાવ જોઉં છું. તેણે કાર્યનો પ્રારંભ કરી દીધો છે. તેને પૂછો – આ કાર્યને આગળ કોણ ધપાવશે ?

તે કહેવાનો- ‘આ ઠાકુરજીનું કાર્ય છે, તેને  ઠાકુરજી જ કરાવી લેશે.’ આ બધું તમોગુણનો રજોગુણ છે.

પ્રશ્ન – સત્ત્વગુણી કે તમોગુણીને કેવી રીતે ઓળખવા ?

મહારાજ – કોઈ સારા સંગીત કે સુંદર રમણીય દૃશ્ય દ્વારા તેની પરીક્ષા કરો. સત્ત્વગુણી હશે તો ખરેખર સમજી જશે. તમોગુણીને ઊંઘ આવશે, આ દૃશ્યને જોઈ નહીં શકે. એક ભાઈ આવતા હતા. હું એને આકાશમાં સુંદર વાદળાં જોવાનું કહેતો, તે કહેતા, ‘ક્યાં ? મને તો કંઈ દેખાતું નથી.’ તે સત્ત્વગુણમાંથી તમોગુણમાં ગયો છે.

પ્રશ્ન – શું તમોગુણ પછી રજોગુણ આવે છે ? શું કર્મ કરતાં કરતાં સત્ત્વગુણમાં જઈ ન શકીએ ?

મહારાજ – નહીં, કર્મ કરતાં કરતાં મનમાં તમોગુણ આવી જાય છે. પરંતુ જો વિવેકવિચાર રહે, તો પછી કાર્ય ઓછું થઈ જાય છે અને સત્ત્વગુણ આવી જાય છે. પહેલાં આપણે લોકોએ દશબાર વરસ સુધી ઘણું કર્મ કરવાનું છે. ત્યાર પછી ધ્યાન, તપ અને સ્વાધ્યાયમાં મન લગાવવાનું છે. ત્યાર પછી ગીતા, શ્રીરામકૃષ્ણ કથામૃત, સ્વામી વિવેકાનંદ સાહિત્ય અને એની સાથે ઉપનિષદ તથા પ્રસ્થાનત્રયીનું અધ્યયન કરો. નહીં તો પછી ધમાચકડી કરીને વ્યર્થ બકવાસમાં જીવનને બરબાદ કરી નાખશો અને વૃદ્ધાવસ્થામાં દુ:ખ પામશો.

3-5-1960

પ્રશ્ન – જેવી રીતે શ્રીશંકરાચાર્યે text torturing કર્યું હતું, મૂળ પાઠને તોડીમરોડીને ભાષ્ય લખ્યું હતું; શું એવી જ રીતે સ્વામીજીના દૃષ્ટિકોણ વિશે પણ કહી શકાય? અર્થાત્ એમણે શ્રીશંકરાચાર્યની જેમ યુગને અનુરૂપ, કાલોપયોગી બનાવીને વેદાંતનો પ્રચાર કર્યો છે.

મહારાજ – શ્રીશંકરાચાર્યજીએ જ્ઞાનનાં દર્શન પર ભાર દીધો હતો. એટલે એમાં ભૂલ થઈ શકે છે. શ્રીચૈતન્યદેવની કેવળ ભક્તિ હતી, છતાં પણ તેમનો બીજો દૃષ્ટિકોણ હતો, પરંતુ મુખ્ય વિચાર એક જ હતો. શ્રીરામકૃષ્ણે બધાનો સમન્વય કર્યો. એટલે એમને અવતારવરિષ્ઠ કહે છે.

ચૈતન્યદેવે પણ કોઈ બીજા ધર્મ પર પ્રહાર કર્યો નથી. તેઓ પોતાના ભક્તિભાવમાં મત્ત થઈ ગયા હતા. શ્રીઠાકુરજીની પદ્ધતિ વૈજ્ઞાનિક હતી. એમનો વૈજ્ઞાનિક મનોભાવ હતો. યથાર્થ વિજ્ઞાન. સર્વકંઈ સરખું કરવું પડે. એ સિવાય સ્વામીજીના વિચાર અત્યાર સુધી અંતિમ છે, એમ કહેવું પડે. જો પછીથી ક્યારેક સ્થાન-કાળ-પાત્રમાં વિશેષ પ્રમાણે કોઈ બીજી રીતે પરિવર્તન થાય તો, શું થાય, એ હું ન કહી શકું. હા, આજ સુધી તો તેઓ જ અંતિમ ઋષિ છે.

5-5-1960

ગીતાના 18મા અધ્યાયનો ‘વિવિક્તસેવી લધ્વાશી’ શ્ર્લોક વાંચી રહ્યો હતો. એ પ્રસંગ વિશે મહારાજે કહ્યું, ‘સંન્યાસીની ત્રણ વસ્તુઓ ન હોય તો સંન્યાસ સંન્યાસ રહેતો નથી – પ્રવચન, આચરણ (યોગ-સાધના) અને સંસ્કૃતિનું સંરક્ષણ. છોકરીઓ અને ગૃહસ્થોથી સાવધાન રહેવું. એમની ઉપેક્ષા કરવાનો પ્રયાસ કરવો. એમનાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આપણું ઐશ્ર્વર્ય વધી રહ્યું છે, એનાથી ગૃહસ્થો વધારે ને વધારે હળવામળવાનો અવસર મેળવે છે. એટલે સંન્યાસીઓ માટે આ સંક્રમણકાળ છે. જો વધારે સચેત ન રહો તો ડૂબી જશો.’

પૂજા વિશે મહારાજજીના વિચાર –

‘विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।

श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥

પૂજા બે પ્રકારની હોય છે – વૈધિકી- વિધિપૂર્વક અને રાગાત્મિકા. વિધિપૂર્વક પૂજા કરતાં કરતાં રાગાત્મિકા ભક્તિ આવે, પછી વિધિની કોઈ આવશ્યકતા રહેતી નથી. ત્યારે ‘ઠાકુર લ્યો, ખાઓ’ એમ કહેવામાં આવે છે. એની પહેલાં યોગ્ય વ્યક્તિના હાથે રાંધેલું ભોજન હોવું જોઈએ – શુદ્ધ-પવિત્રતાપૂર્વક દેવું જોઈએ. દેવમંદિરમાં કાંસાના ઘંટ જોરજોરથી વગાડે છે. હું તો આશ્ચર્યચકિત થઈ જાઉં છું. બધા લોકો પોતાના મહોલ્લામાં સરસ્વતી પૂજા કરે છે, તેમાં હું તામસિક ભાવ જ જોઉં છું. અરે, મા આવી છે ! ક્યાંક તો મનપ્રાણથી યથાસંભવ પવિત્ર બનીને તેમની પૂજા કરશે, પણ એવું તો નથી કરતાં ! ઠાકુર માટે ફૂલ તોડીને હાથમાં લઈને આવે છે, એ જોઈને મને બહુ દુ:ખ થાય છે. એ પુષ્પને ઠાકુરનાં ચરણોમાં ધરીશ. ફૂલનો આપણા શરીર સાથે સ્પર્શ ન થઈ જાય, એટલે ફૂલ તોડીને પાંદડામાં રખાય છે.

18-5-1960

બહેરામપુરથી કેટલાક ભક્તો આવ્યા છે. તેઓ અલૌકિક શક્તિ વિશે સામાન્ય લોકોની જિજ્ઞાસાની વાત કરે છે.

મહારાજ – સામાન્ય લોકો ધર્મનો અર્થ કંઈક અલૌકિક અને ચમત્કાર – Supernatural, miracle સમજે છે. કોઈક પુસ્તકમાં લખ્યું છે કે સ્વામીજી ચાલીસ વર્ષ પછી મુસલમાનોમાં આવશે (જન્મશે). સ્વામી બ્રહ્માનંદજીએ કોઈ સ્થાન પર બેસીને ધ્યાન કર્યું હતું, એનાથી ત્યાંનો પથ્થર પીગળી ગયો. આ બધી અસંભવપરક વાતો છે. આવું બની જ ન શકે. એ લોકો કહે છે કે વાંદરા મરતી વખતે ‘રઘુવીર’ કહીને મરે છે.

મેં એ જોયું છે કે વાંદરા હુપ હુપ કરતાં કરતાં મરે છે, આને બધાએ ‘રઘુ’ બનાવી દીધા છે. કહે છે કે હનુમાનજીએ વાલીને પોતાના પૂંછડામાં લપેટીને સાત સમંદરમાં ડુબાડી દીધા હતા. હનુમાનજીના શરીરમાં વાળ અને પછી પૂંછડું, જે લોકો એ વાતમાં વિશ્વાસ રાખે છે, શું તેમને સભ્ય માણસ કહી શકાય ખરા ?

રામાયણમાં ઉલ્લેખ છે કે એ લોકોની સંસ્કૃતિ, શાસનવ્યવસ્થા, રાજ અને સામાજિક નિયમવિધાન છે. શું આ બધા વાનર છે? વાસ્તવમાં એ લોકો ટોટેમ-આદિવાસી જાતિના મનુષ્ય છે.                                                                       (ક્રમશ:)

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.