એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ પહેલાં મોટા ધડાકા સાથે આરંભાયું. ‘અમારે પુરુષોની ગુલામડી નથી બનવું, અમારે રસોડામાં બંધાઈ નથી રહેવું; આ કેદખાનું છે ને એમાંથી મુક્ત થવું જ જોઈએ. સ્વતંત્ર થશું તે આનંદ છે !’ એ મુક્તિ – આંદોલનનો આરંભ એવો હતો. પ્રખ્યાત મુક્તિવાદી બેટ્ટી ફ્રીડને લખેલા પોતાના પ્રખ્યાત પુસ્તક ‘ધ ફેમિનાઈન મિસ્ટિક’થી આંદોલન આરંભાયું. વીસ વરસ પછી કુટુંબો ભાંગી રહ્યાં છે, બાળકો માબાપ વિહોણાં બન્યાં છે અને અમેરિકી સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે; તેઓ જ અમેરિકામાં ફરી બીજું પુસ્તક લખે છે, ‘ધ સેક્ધડ ફેઝ (ઓફ ધ લિબરેશન મૂવમેન્ટ)’. ઘરઘોલકી-રસોડામાંથી મુક્ત થયેલી અને સારી રીતે કામે વળગેલી અનેક સ્ત્રીઓના અભિપ્રાયો ટાંકે છે. પુસ્તકમાં એ સ્ત્રીઓની ફરિયાદ છે કે, પોતે સાચી મુક્તિ મેળવી નથી; ઉદ્યોગની અનેક ચીજોની જેમ એમની ગણતરી એક ચીજ તરીકે જ થાય છે; ‘અમને અમારું વ્યક્તિત્વ મળ્યું નથી. અમને ઊંચો પગાર મળે છે, પણ એ સાચી મુક્તિ નથી.’ એથી આ જ બેટ્ટી ફ્રીડન એકબે સુંદર વિચારો આપે છે, નવા સંદર્ભમાં મુકાયેલા આ જૂના વિચારો જ છે. એ કહે છે કે, પુરુષોની મુક્તિથી ભિન્ન સ્ત્રીઓની મુક્તિ સંભવી શકે નહીં, એ પહેલો સિદ્ધાંત છે અને એ ઘણો ગમ્યો છે; परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, એ ગીતાવિચારનો આ પડઘો જ છે. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત, ‘વીમેન ઈન ધ મોડર્ન એય્જ’ પુસ્તિકામાં એ લેખિકાના મૂળ શબ્દો મેં ખૂબ ટાંકયા છે. આપણે એકલા કરી શકીશું, એમ આપણે માનીએ છીએ, પણ  તેમ કરી શકતા નથી, એ માટે આ દાખલો હું આપું છું. તમારે બીજાંને પણ તમારી સાથે રાખવાં પડશે; નહીં તો કોઈ સુખી નહીં થાય; ન સ્ત્રીઓ કે ન પુરુષો અને આવી પરિસ્થિતિમાં બાળકો તો કદી જ સુખી નહીં થવાનાં.

માટે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ નો સુંદર સંદેશ શ્રીકૃષ્ણે માનવજાતને આપ્યો છે. સોવિયેત યુનિયન અને અમેરિકા વચ્ચેના સંબંધો પણ આજે આ परस्परं भावयन्त:

ના સિદ્ધાંત પર આધારિત છે. એ લોકો એકમેકના પાકા દુશ્મનો હતા. પહેલાં લોખંડી પડદો હતો, પછી વાંસનો પડદો થયો ને હવે એ પણ હટી રહ્યો છે. તંદુરસ્ત આંતરરાષ્ટ્રીય માનવભાવનાની એ શરૂઆત છે. સર્જન સાથે દિવ્યસ્રષ્ટાની જગતને આપેલી ભેટ છે; એ છે યજ્ઞની. આ યજ્ઞમૂલ્ય સુદૃઢ કરો; આપણે સૌ સુખી થઈશું; એને નબળું કરો તો ઉપાધિમાં મુકાશું. એ યજ્ઞમાં બીજા માનવીઓ સાથેના આપણા સંબંધો જ સમાયેલ નથી, પણ પ્રકૃતિ સાથેના સંબંધો પણ તેમાં સમાવિષ્ટ છે. મનુષ્યના પ્રાકૃતિક અને માનવીય પર્યાવરણ સાથેના પારસ્પર્યને આજે ખૂબ મહત્ત્વ અપાય છે. ત્રીજા અધ્યાયના યજ્ઞભાવનાના સંદેશને ઘણો અવકાશ છે. પછીના શ્ર્લોકોમાં આની સાથે સુસંગત વિચારો આવે છે.

परस्परं भावयन्त: સિદ્ધાંત પર સ્વસ્થ સમાજજીવનના સિદ્ધાંતનો આધાર છે; પરસ્પર લડીને નહીં પણ, તેમને સહાય કરીને, તેમની સેવા કરીને, લોકો એકદમ ઉચ્ચકક્ષાને પામી શકશે. કુદરત પાસેથી તમે લીધા જ કરો ને કુદરતને કશું પાછું ન વાળો તો તમારે ભોગવવું પડશે. લો અને પાછું વાળો, લો અને પાછું વાળો, માનવ ને પર્યાવરણ વચ્ચેના સ્વસ્થ સંબંધનું એ લક્ષણ છે. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે ઉપભોક્તાવાદ, ટેક્નોલોજીનો અતિરેક, વધતું જતું ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણને પ્રદૂષિત કરતાં બીજાં જે પગલાં- સૂર્યમાંથી આવતા અતિ પુનરાવૃત્ત વિકિરણની અસરથી ઓઝોન પડનું થતું પાતળાપણું આવી જાય છે તે – માનવજાત લઈ રહી છે તેનાં અનિષ્ટોનો ભોગ આજે આપણે બની રહ્યાં છીએ. માનવજાત માટે આ વિષય અગત્યનો છે; અને બધી બાબતો યજ્ઞ એ એક શબ્દ હેઠળ આવી જાય છે, જેનો મૂળ અર્થ છે વિધિપૂર્વક અપાતું બલિદાન ! પણ ગીતામાં એનો આ નૈતિક અર્થ છે, આ સેવાભાવના છે. માટે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ પ્રકૃતિનું શોષણ વધારે થવાથી મનુષ્યજાતિ જ નાશ પામશે. આજનો અનુભવ આપણને એ પાઠ શીખવે છે.

આપણે 16મા શ્ર્લોકે પહોંચીશું ત્યારે ગીતાએ વાપરેલા ચક્રમ્ (ચક્ર) શબ્દ આવશે; પરિસ્થિતિજન્ય ચક્રના અર્થમાં એ વપરાયો છે. આપણે પહેલાં બીજ જોઈએ, એમાંથી કુંપળ ફૂટે, પછી છોડ થાય, પછી ફૂલ-ફળ બેસે છે ને પાછા બીજ પર આવી જઈએ, તેના જેવું એ છે. એ જ ચક્રમ્ છે. એમ જ સૌરશક્તિ પૃથ્વી પર આવે છે ને છોડો-વૃક્ષો, પ્રાકૃતિક શક્તિઓ, પ્રાણીઓ અને માનવીઓમાં પરિવર્તન પામીને એ શક્તિ પાછી ચાલી જાય છે. ગીતાના આ અધ્યાય મુજબ, આ બ્રહ્માંડનો નિયમ છે. આપણને પૃથ્વી અને નિકટના પર્યાવરણ પૂરતી નિસબત છે, યજ્ઞ ખરેખર તો બ્રહ્માંડનો સિદ્ધાંત છે ને પદાર્થોના આંતરસંબંધના વૈશ્ર્વિકસિદ્ધાંતરૂપે અર્વાચીન વિજ્ઞાન જેને ઓળખે છે તે છે. એટલે પછીનો શ્ર્લોક કહે છે :

इष्टान् भोगन्हि वो देवा दास्यन्ते यज्ञभाविता:

तैर्दत्तानप्रदायैभ्यो यो भुङक्ते स्तेन एव : 12

‘યજ્ઞ વડે પ્રસન્ન થયેલા દેવો તમને ઇચ્છિત ફળ આપશે, એટલે દેવોને ધર્યા પહેલાં જે ભોગ ભોગવે છે તે ચોર જ છે.’

તમે પ્રકૃતિને જયારે પણ પાછું વાળો છો, ત્યારે પ્રકૃતિ તમને બધું સારું સારું આપે છે. આપણે ભારતમાં જોઈ રહ્યાં છીએ કે આપણાં જંગલો ક્ષીણ થતાં જાય છે અને આપણું હવામાન ખરાબ રીતે પલટી રહ્યું છે. હવામાન બગડયું એટલે તમે અને હું પણ તકલીફમાં મુકાવાનાં. એટલે આપણે ધીમે ધીમે સત્ય સમજી રહ્યાં છીએ કે, इष्टान् भोगन्हि वो देवा दास्यन्ते, ‘પ્રકૃતિના દેવો, તમારે માટે હિતકર છે તે તમને પાછું આપશે.’ પરંતુ, तैर्दत्तानप्रदायैभ्यो यो भुङक्ते, ‘દેવોને તેમનો ભાગ પાછો વાળ્યા વિના તમે ભોગ ભોગવો’ તો શું પરિણામ આવે છે ? स्तेन एव :, ‘આવી વ્યક્તિ કેવળ ચોર છે’ – પ્રકૃતિનું અને પ્રકૃતિના દેવોનું જે છે તે એમને એ પાછું વાળતો નથી તેથી એવી વ્યક્તિને ગીતા ચોર કહે છે. આ દૃષ્ટિબિંદુએથી જોતાં આજની મોટાભાગની ટેક્નોલોજિકલ સભ્યતાઓ ચોર છે. પરંતુ સદ્ભાગ્યે, પરિસ્થિતિની ગંભીરતાને આપણે ઓળખી છે અને ટેવથી ચોર નહીં રહેવાનો નિર્ધાર આપણે કર્યો છે. એથીસ્તો, ભારતમાં ચારે કોર વનીકરણના અને સરિતાશુદ્ધિના કાર્યક્રમો હાથ ધરાયા છે. જેનો આપણે ખૂબ નાશ કર્યો છે તે આપણે પ્રકૃતિને પાછું વાળી રહ્યાં છીએ. પછી પ્રકૃતિ આપણને આપે છે તે આપણે માણી શકીએ. स्तेन શબ્દ વપરાયો છે, તેનો અર્થ છે ‘ચોર’. પર્યાવરણ બાબતમાં માનવી ચોર બને છે અને ચોરને શિક્ષા થવી જ જોઈએ. એ શિક્ષા ચાલી જ રહી છે; બધીયે નદીઓ અને બીજા જળસ્રોતો પ્રદૂષિત થઈ ગયાં છે અને કેટલાક કિસ્સાઓમાં તો પ્રદૂષણ ભયંકર છે.                                           (ક્રમશ:)

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.