શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ

સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના પ્રેમમાં ઉન્મત્ત જીવન જીવનારાનો વ્યવહાર ધ્યાનપૂર્વક જોવાથી ગહનતર સંસ્કાર હૃદયંગમ બને છે. અધર સેન (શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત) એક વિદ્યાલયના ઉપનિરીક્ષક સાથે પ્રાય: શ્રીઠાકુર પાસે આવતા રહેતા. વિદ્યાલયના ઉપનિરીક્ષકને ક્યારેક ક્યારેક ભાવાતિરેક થતો. એક દિવસ જ્યારે તેઓ દક્ષિણેશ્ર્વર આવ્યા, ત્યારે શ્રીઠાકુર સમાધિભાવમાં હતા. શ્રીઠાકુરના મુખમંડળ પર જાણે કે આટલો પ્રચુર આનંદ સમાતો જ ન હોય, એવું હાસ્ય હતું. એ વખતે અધરે પોતાના મિત્રને કહ્યું, ‘તમારી સમાધિથી તો હવે મને ઘૃણા થઈ ગઈ છે. એનાથી એવું લાગે છે કે તમારી ભીતર કંઈક ઘણું દર્દ છે. શું ઈશ્વરીય ભાવસમાધિથી ક્યારેય કષ્ટ કે પીડાનો અનુભવ થઈ શકે ખરો ? શ્રીઠાકુરની ભાવસમાધિ તમારા ભાવાતિરેક જેવી હોત, તો મારા માટે અહીં વધારે વખત આવવાનું અસંભવ બની જાત.’ જો અધર શ્રીઠાકુર પાસે જઈને તેમની સમાધિની અવસ્થાનું દર્શન ન કરત, તો તેમના મનમાં સંશય એમનો એમ રહેત. સાધુસંગનું આ જ ફળ છે.

સામાન્ય રીતે શ્રીરામકૃષ્ણદેવ રાત્રે એક કલાકથી વધારે સૂઈ ન શકતા. આખી રાત ક્યારેક સમાધિમાં, ક્યારેક ભજન ગાવામાં અને ક્યારેક ક્યારેક ઈશ્વરનું નામગાન કરવામાં સમય વિતાવી દેતા. હું મોટે ભાગે તેમને એક કલાક કે થોડા વધારે સમય સુધી સમાધિમગ્ન જોતો. એ અવસ્થામાં વારંવાર પ્રયાસ કરવા છતાં, તેઓ વાતચીત કરી ન શકતા. પ્રકૃતિસ્થ થયા પછી તેઓ કહેતા, ‘જુઓ, સમાધિની અવસ્થામાં હું મારા પોતાના અનુભવો તને બતાવવા ઇચ્છું છું, પરંતુ મારી બોલવાની શક્તિ ત્યારે ચાલી જાય છે.’ સમાધિ પછી તેઓ થોડું ગણગણતા ખરા. એ વખતે મને એવું લાગતું કે તેઓ કોઈની સાથે વાતચીત કરે છે. મેં એ પણ સાંભળ્યું છે કે આ પહેલાંનાં વર્ષોમાં શ્રીઠાકુર મોટા ભાગના સમયે સમાધિસ્થ જ રહેતા.

શ્રીઠાકુર ભિન્ન ભિન્ન કાળે અલગ અલગ પ્રકારની સમાધિમાં રહેતા. ક્યારેક ક્યારેક એમનો સમગ્રદેહ કાષ્ઠવત્ થઈ જતો. આ અવસ્થાથી નીચે ઊતરતી વખતે સહજતાથી પ્રકૃતિસ્થ(બાહ્યભાન) થઈ શકતા.

વળી કોઈક બીજા સમયે ગહન સમાધિમાં ડૂબી જવાથી તેમને પ્રકૃતિસ્થ થવામાં ધારણા કરતાં વધારે સમય લાગતો. આવા અવસરોએ થોડા સમય સુધી હાંફ્યા પછી એક ગહન શ્વાસ લેતા, જાણે કે કોઈ ડૂબતી વ્યક્તિ પાણીની બહાર આવવા વ્યાકુળ થઈ ઊઠતી ન હોય ! બાહ્યભાનમાં આવ્યા પછી પણ થોડા સમય સુધી તેઓ એક શરાબીની જેમ વાતચીત કરતા અને એમના વાર્તાલાપમાંથી બધું ગ્રહણ ન કરી શકાતું. એ સમયે તેઓ મોટે ભાગે નાની નાની કામનાઓ પ્રગટ કરતા, ‘હું સૂક્તો (એક પ્રકારનું રસાવાળું શાક) ખાઈશ.’; ‘હું તમાકુ પીઈશ(હોકો).’; વગેરે વગેરે. અને ક્યારેક ક્યારેક પોતાના હાથને ઉપરનીચે કરીને પોતાના મુખમંડળને રગડતા.

(સ્વામી બ્રહ્માનંદે ત્યારે પોતે એક પ્રશ્ન પૂછીને વાર્તાલાપ ચાલુ રાખ્યો.) શું આપ તે બતાવી શકો કે કોઈપણ પ્રકારની વિશેષ બાહ્ય સહાયતા વિના શ્રીઠાકુરે તીવ્ર અને ગહન આધ્યાત્મિક ઉન્નતિ કેમ કરી ? કેટલાક અંતર્નિહિત સંસ્કારો સિવાય એ માટેનું બીજું કારણ સમજવું કે શોધવું કઠિન છે. શું આ ચમત્કાર નથી ? એેમના જીવનનાં અસંખ્ય આશ્ચર્યો છે. એક વાર એક સાધુએ શ્રીઠાકુરને રામલાલા(બાલક રામ)ની એક ધાતુની મૂર્તિ આપી. જ્યારે શ્રીઠાકુર આ મૂર્તિને ગંગાસ્નાન કરવા લઈ જતા, ત્યારે તે મૂર્તિ નદીમાં તરવા લાગતી. શ્રીઠાકુરે પોતે જ અમને આ બતાવ્યું હતું. એવી પરિસ્થિતિઓમાં કોઈ જડ અને ચેતન વચ્ચે ભેદ કેવી રીતે કરી શકે ?

શ્રીઠાકુરે બતાવ્યું હતું કે પ્રારંભમાં એમને સંસારત્યાગની તીવ્ર ઇચ્છા થઈ ન હતી, પરંતુ એક આધ્યાત્મિક તોફાને આવીને એમનું સમગ્ર જીવન પરિવર્તિત કરી દીધું.

કાશીપુરના ઉદ્યાનગૃહમાં પોતાની મહાસમાધિ પહેલાં શ્રીઠાકુર પોતાનાં દર્શનો વિશે અમને કહેતા રહેતા. એક દિવસ ગિરીશ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ, સ્વામી નિરંજનાનંદ અને હું શ્રીઠાકુરના ઓરડામાં હતા. ત્યારે અમે બધા યુવાન હતા, પરંતુ ગિરીશ વયોજ્યેષ્ઠ અને અત્યંત પ્રતિભાશાળી હતા. અનંત (ઈશ્વર) વિશે શ્રીઠાકુરની કેટલીક વાતો સાંભળીને ગિરીશે આશ્ચર્ય સાથે કહ્યું, ‘મહારાજ, હવે વધારે વાતો કરો મા. મને ચક્કર આવે છે.’ અહા! કેવા આશ્ચર્યજનક વાર્તાલાપ ! શ્રીઠાકુર કહેતા, ‘શુકદેવ ખાંડના એક નાના કણથી સંતુષ્ટ થઈ જનાર કીડી જેવા છે. રામ, કૃષ્ણ અને અન્ય અવતાર સચ્ચિદાનંદરૂપી વૃક્ષ પરથી લટકતા દ્રાક્ષના ઝૂમખા જેવા છે.’ આ બધા અનંત ઈશ્વર વિશેના માત્ર વિચાર છે. એને સમજવા કઠિન છે.

એક પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘એક દિવસ કાલીમંદિરમાં ધ્યાન કરતી વખતે, દર્શનમાં મેં માયાનાં આવરણોને એક પછી એક લુપ્ત થતાં જોયાં. એક બીજા દર્શનમાં શ્રીમા કાલીએ મને બ્રહ્મજ્યોતિ દેખાડી, એનો પ્રકાશ કરોડો સૂર્યના એકત્ર કરેલા પ્રકાશથી પણ વધારે હતો. ત્યારે મેં જોયું કે આ અનંત જ્યોતિમાંથી એક જ્યોતિર્મય રૂપ પ્રગટ થઈને પાછું પોતાના સ્રોતમાં વિલીન થઈ ગયું. મેં અનુભવ્યું કે નિરાકાર બ્રહ્મ સાકાર રૂપ લઈને પુન: નિરાકાર થઈ ગયા.’ અરે ! શ્રીઠાકુરની પાસે કેવી અતિમાનવીય શક્તિ હતી ! એ સમયે અમે વિચારતા કે એમની પાસે આ એક કોઈ વિશેષ શક્તિ હતી, પરંતુ અમે એ શક્તિનું સ્વરૂપ સમજી ન શક્યા.

હવે અમને એવો અનુભવ થાય છે કે એ કેટલી આશ્ચર્યજનક શક્તિ હતી ! એક દિવસ મેં એમને કહ્યું, ‘મહારાજ, હું કામથી મુક્ત થતો નથી. હું શું કરું ?’ થોડું અસ્પષ્ટ બોલતાં બોલતાં તેમણે મારા હૃદયપ્રદેશ પર સ્પર્શ કર્યો. સદાસર્વદા માટે મારી ભીતરથી કામવાસના ચાલી ગઈ ! ત્યારથી માંડીને મેં ક્યારેય કામવાસનાના અસ્તિત્વનો અનુભવ નથી કર્યો. શું તમે એનું આશ્ચર્ય જુઓ છો ?

મેં ક્યારેય પણ એમને અણિમા (સૂક્ષ્મરૂપ ધારણ કરવાની શક્તિ) કે અન્ય સિદ્ધિઓને પ્રગટ કરતાં જોયા નથી. પરંતુ માનવચરિત્ર વિશે એમની અત્યંત સ્પષ્ટ અંતર્દૃષ્ટિ હતી. મેં એમના જીવનમાં અસંખ્ય અલૌકિક બાબતોને પ્રત્યક્ષ જોઈ છે.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.