અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો કે જેને લીધે મેં શ્રીઠાકુરનું ગુરુરૂપે વરણ કર્યું :

મારી પ્રથમ પુત્રીનું મૃત્યુ થવાથી પારિવારિક જીવનનો મારો આનંદ ચાલ્યો ગયો. એ સમયે મારા મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હતા. શું ભગવાન છે ? શું કોઈ ભગવાનને સાક્ષાત્ નજરે જોઈ શકે ખરા ? શું ઈશ્વરીય આનંદની અનુભૂતિ સંભવ છે ? થોડા દિવસો પછી અમારા કુળગુરુ અમારા ઘરે આવ્યા. એમને જોઈને મેં વિચાર્યું કે તેઓ મારા પ્રશ્નોનો જવાબ આપશે. જ્યારે મેં એમને આ પ્રશ્નો પૂછ્યા, ત્યારે એમણે ઉત્તર આપવાની અસમર્થતા વ્યક્ત કરી. ભગવાન શિવ સિવાય બીજો કોઈ મનુષ્ય આ પ્રશ્નનો ઉત્તર દઈ શકે કે કેમ એ વિશે કુળગુરુએ સંદેહ વ્યક્ત કર્યો. આવું સાંભળીને પહેલાં તો હું ઘણો નિરાશ થયો, પરંતુ પછીથી વિચાર્યું કે સંભવત: ભગવાન શિવ મારા ઉપર કૃપા કરીને મને દર્શન આપે અને મારા સંશયો દૂર કરી દે. ત્યાર પછી જ હું શ્રીઠાકુર પાસે ગયો અને ત્યાં મારા બધા પ્રશ્નોના ઉત્તર મને મળી ગયા.

પ્રથમ મુલાકાત વખતે અમે કોઈ પ્રશ્ન ન પૂછ્યો. અમને જોતાં જ શ્રીઠાકુર કહેવા લાગ્યા, ‘ઈશ્વરને કોણ ચાહે છે ? મનુષ્ય સંપત્તિ માટે એક લોટો, ધનસંપદા માટે બે લોટા અને પત્ની, પુત્ર અને સગાંવહાલાં માટે દશ લોટા આંસુ વહાવે છે. પરંતુ ભગવાન માટે શું કોઈ એક ટીપુંય આંસુ વહાવે છે ? જે ઈશ્વરને ચાહે છે, તે જ એમને પામે છે; જે એમના વિના ચોતરફ અંધકાર જુએ છે અને એમને માટે અતિ વ્યાકુળ અને બેચેન રહે છે (એમને ઈશ્વર મળે છે.)’ શ્રીઠાકુરનાં આ વચનોએ અમારી બધી સમસ્યાઓ ઉકેલી દીધી. એ જ ક્ષણથી એમણે અમારા હૃદય પર આધિપત્ય જમાવી દીધું.

એક દિવસે અમે પૂછ્યું, ‘શું ઈશ્વર છે? ભગવાનને કેવી રીતે જોઈ શકાય ?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો, ‘ભગવાન ખરેખર છે. દિવસે તમે તારા ન જોઈ શકો, પરંતુ એનો અર્થ એ નથી કે આકાશમાં તારા નથી. દૂધમાં માખણ રહે છે, પરંતુ શું કોઈ દૂધને જોઈને જ માખણને જાણી શકે છે ? માખણ કાઢવા માટે દૂધમાંથી દહીં બનાવવું પડે છે. પછી સૂર્યોદય પહેલાં ઠંડી જગ્યાએ દહીંને વલોવવાથી માખણ નીકળે છે. જો તમે તળાવમાંથી માછલી પકડવા ઇચ્છતા હો તો, એ કળાને જાણનારા લોકો પાસેથી માછલી પકડવાનું શીખવું પડે અને (માછલી પકડવાની) લાકડી કે સોટી હાથમાં લઈને પાણીમાં ગલ નાખીને ધૈર્યપૂર્વક બેસવું પડે. પછી ક્રમશ: માછલી ચારા પર ઝપટ મારશે. ત્યારે ઉપર તરતો ભાગ ડૂબતાં જ તમે માછલીને કિનારે ખેંચી શકો. આ રીતે, ઇચ્છા માત્રથી તમે ઈશ્વરની અનુભૂતિ કરી શકતા નથી. સાધુપુરુષના નિર્દેશો પર શ્રદ્ધા રાખો, પોતાના મનને (માછલી પકડવાની) છડ બનાવી દો, પ્રાણને સોટી કે લાકડી અને જપને ચારો બનાવી દો. પછી સમય આવ્યે તમે ઈશ્વરદર્શન પામીને કૃતાર્થ બની જશો.’

પહેલાં તો અમે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ન રાખતા. વળી બ્રાહ્મોસમાજ સાથે જોડાયા પછી અમને નિરાકાર ઈશ્વર પર શ્રદ્ધા બંધાણી. શ્રીઠાકુરે અમારા મનની વાત જાણીને કહ્યું, ‘હા, ઈશ્વરનું દર્શન થઈ શકે છે. શું ઈશ્વરની સૃષ્ટિ આટલી સુંદર અને મનમોહક છે, તે અદૃશ્ય રહી શકે ખરી?’ અમે કહ્યું, ‘મહારાજ, આપનું કથન સાચું છે. આપની વાતનું કોણ ખંડન કરી શકે ? પરંતુ શું આ જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરવી સંભવ છે ?’ શ્રીઠાકુરે કહ્યું, ‘જે તમે ચાહો છો તે જ તમને મળે છે, સફળતાની એક માત્ર ચાવી વિશ્વાસ જ છે.’ પછી શ્રીઠાકુર એક ભજન ગાવા લાગ્યા.

જેવું હોય ધ્યાન મનુજનું, રહે છે પ્રેમભાવ એવો.

ફળ એવું જ મળે છે, રહે પ્રેમભાવ જેવો.

સર્વોપરી છે ભગવત્-નિષ્ઠા, શ્રદ્ધામય જ્વલંત વિશ્વાસ.

મા કાલીના ચરણામૃતના કુંડમાં મટે છે તૃષ્ણા-પ્યાસ.

જો મારું મન તન્મય રહીને કાલીપદમાં નિત રહે વિભોર,

તુચ્છ ક્ષુદ્ર લાગે છે, પૂજા, દાન, યજ્ઞ, તપ ઘોર.

શ્રીઠાકુર ફરીથી કહેવા લાગ્યા, ‘કોઈ એક દિશામાં જેટલા આગળ વધતા જશો, બીજી દિશા પાછળ જતી જશે. જો તમે દશ ડગલાં પૂર્વ તરફ ચાલતા હો, તો પશ્ચિમ દશ ડગલાં પાછળ રહી જશે.’ ત્યારે અમે કહ્યું, ‘પરંતુ સ્પષ્ટ પ્રમાણ હોવું જોઈએ. જ્યાં સુધી અમને ઈશ્વરનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી અમારાં દુર્બળ અને સંદેહગ્રસ્ત મન એમના અસ્તિત્વમાં કેવી રીતે વિશ્વાસ કરી શકે?’ શ્રીઠાકુરે ઉત્તર આપ્યો, ‘સન્નિપાત અને તાવગ્રસ્ત રોગી ઘડાભર પાણી અને ઢગલાબંધ ભાત માટે બરાડા પાડે છે, પરંતુ વૈદ્ય એમની વાતો પર ધ્યાન આપતા નથી અને રોગીને રોગીની ઇચ્છા પ્રમાણે દવા કે પથ્ય બતાવતા નથી. તે તો પોતાની સારવાર કરતા રહે છે.’ શ્રીઠાકુરના આ આશ્ર્વાસનયુક્ત શબ્દો સાંભળ્યા છતાં અમારા મનને સંતોષ ન થયો.

થોડા દિવસો બાદ ભગવાન માટે તીવ્ર વ્યાકુળતા થવા લાગી. સ્વપ્નમાં જોયું તો એક પરિચિત તળાવમાં મેં સ્નાન કર્યું અને શ્રીઠાકુરે આવીને મને મંત્રદીક્ષા આપી. ત્યારે તેમણે મને નિર્દેશ કર્યો, ‘પ્રત્યેક દિવસ સ્નાન પછી આ મંત્રનો સો વાર જપ કરો.’ સ્વપ્નમાંથી જાગતાં જ મારા દેહમાં ઈશ્વરીય આનંદ સાથે કંપન થવા લાગ્યું. સવાર થતાં જ હું દક્ષિણેશ્ર્વર ગયો અને શ્રીઠાકુરને સ્વપ્નની વાત કહી. એ સાંભળીને તેમણે અત્યંત આનંદ સાથે કહ્યું, ‘સ્વપ્નમાં ઈશ્વરીય આશીર્વચન પ્રાપ્ત કરનાર નિશ્ર્ચય મુક્તિ મેળવે છે.’…શ્રીઠાકુરની અભયવાણીથી મારો સંદેહ દૂર ન થયો. સમય વીતતાં હું વધારે ને વધારે અસંતુષ્ટ રહેવા લાગ્યો. ભ્રમિતચિત્ત થઈને હું શ્રીઠાકુર સાથેની મુલાકાતને અભિશાપ માનવા લાગ્યો. મને ઇન્દ્રિયસુખભોગોમાં આનંદ મળતો ન હતો અને ઈશ્વરના અસ્તિત્વની ધારણા દૃઢ કરી શકતો ન હતો….

એક દિવસ સવારે 11 વાગ્યે હું મારા મિત્ર સાથે કોલકાતામાં કોલેજ સ્ક્વાયરના દક્ષિણપશ્ચિમના ખૂણાની નજીક ઊભો હતો. અમે લોકો માનસિક અશાંતિ વિશે ચર્ચા કરતા હતા. એકાએક શ્યામ વર્ણનો મનુષ્ય અમારી સમક્ષ પ્રગટ થયો અને હાસ્ય સાથે કહ્યું, ‘તમે આટલા ચિંતિત શા માટે છો, ધીરજ રાખો.’… આ વ્યક્તિ કોણ હતી એની શોધ કરવા અમે ચારેય દિશામાં જોયું પણ કોઈ નજરે ન ચડ્યું. અમને લાગ્યું કે આ અમારો ભ્રમ નથી, કારણ કે ધોળે દિવસે એ મનુષ્યને જોયો હતો અને એની વાણી સાંભળી હતી….. મેં શ્રીઠાકુરને આ ઘટના કહી ત્યારે તેમણે કહ્યું, ‘હા, તમે આવી અનેક બાબતો જોશો.’

થોડા સમય પછી મારા મનમાં ઘણી શાંતિ રહી. હું ઈશ્વરીય આનંદ માણવા લાગ્યો. ક્યારેક અત્યંત પ્રેમોલ્લાસમાં એકાદ કલાક સુધી હસતો રહેતો. આ દિવ્યઆનંદમાં એટલું રડતો કે મારાં કપડાં ભીંજાઈ જતાં…. મેં એક દિવસ શ્રીઠાકુરને સંન્યાસદીક્ષા માટે પ્રાર્થના કરી. તેમણે મને ઇનકાર કરતાં કહ્યું, ‘પોતાની મનમાનીથી કંઈ પણ થઈ શકતું નથી… સમય આવ્યે બધું થઈ રહેશે.’

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.