એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી કે જવાનું બીજું સાધન નથી.’ શ્રીઠાકુરે ઉત્તેજિત સ્વરે કહ્યું, ‘શું ! બલરામનો પરિવાર આટલાં દુ:ખકષ્ટમાં છે અને તમને ત્યાં જવામાં સંકોચ થાય છે ! તમારે પગે ચાલીને કોલકાતા જવું પડશે. પગપાળા જાઓ.’ અંતે એક પાલખી મગાવી અને હું દક્ષિણેશ્ર્વરથી જવા નીકળી. બલરામનાં પત્નીની માંદગી દરમિયાન બે વાર એમના ઘરે ગઈ હતી. એક બીજા પ્રસંગે હું શ્યામપુકુરથી રાતે પગે ચાલીને ત્યાં ગઈ હતી.

છોટા નરેન્દ્ર શ્રીઠાકુર પાસે આવ્યા કરતા. તેઓ દુબળાપાતળા અને શામળા હતા. એમના ચહેરા પર શીળીના ડાઘ હતા. શ્રીઠાકુર એમને બહુ ચાહતા. જ્યારે પતૂ અને મનીન્દ્ર ઠાકુરને મળવા આવ્યા હતા, ત્યારે તેઓ બહુ નાના હતા. લગભગ દશ અગિયાર વર્ષના હશે. એક વાર કાશીપુર ઉદ્યાનમાં હોળીના તહેવારમાં બધા લોકો અબીલગુલાલ રમવા બહાર ગયા હતા. આ બન્ને ગયા ન હતા. એ બન્ને વારાફરતી હાથ બદલીને શ્રીઠાકુરને પંખો નાખતા હતા. એ એટલા નાના હતા કે એમનાથી પંખો બરાબર નખાતો ન હતો. એ બન્નેએ શ્રીઠાકુરની ચરણસેવા પણ કરી. શ્રીઠાકુરને ઉધરસ આવતી હતી એટલે એમને પંખો નાખવો જરૂરી હતો. શ્રીઠાકુર એ બન્નેને કહેતા રહ્યા, ‘હવે જાઓ. સીડી નીચે જઈને અબીલગુલાલથી રમો. બધા રમવા ચાલ્યા ગયા છે.’ પરંતુ પતૂએ કહ્યું, ‘ના મહારાજ, અમે નહીં જઈએ. અમે તો અહીં જ રહીશું. અમે આપને છોડીને કેવી રીતે જઈ શકીએ?’

એ બન્નેએ જવાની ના પાડી. શ્રીઠાકુર પોતાનાં આંસુ રોકી ન શક્યા. તેમણે કહ્યું, ‘અરે! તેઓ તો મારા પ્રિય રામલલ્લા છે; તેઓ મારી અહીં દેખભાળ રાખે છે. તેઓ તો સાવ બાળક જ છે, પરંતુ પોતાના આનંદ માટે પણ તેઓ મને છોડીને જતા નથી.’

પોતાના કંઠના રોગને સમયે શ્રીઠાકુરે આંબળાં ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. દુર્ગાચરણ નાગ ત્રણ દિવસ સુધી ઊંઘ અને ભોજનનો ત્યાગ કરીને મહામહેનતે આંબળાં ખરીદીને લાવ્યા. ત્યારે શ્રીઠાકુરે એમને ભોજન કરવા કહ્યું. દુર્ગાચરણ નાગના ભોજનમાંથી થોડો ભાત શ્રીઠાકુરે પોતે લીધો જેથી તે ભોજનપ્રસાદ થઈ જાય. મેં શ્રીઠાકુરને કહ્યું, ‘હવે તો આપ ભાત ખાઈ શકો છો તો પછી ભોજનમાં રવાની ખીર શા માટે ન રાખું ? આપે ખીરને બદલે ભાત ખાવા જોઈએ.’ એમણે કહ્યું, ‘મારે મારા જીવનના અંતિમ દિવસોમાં રવાની ખીર જ ખાવી પડશે.’…. ઠાકુર કહેતા, ‘હું તમારા સૌ માટે પીડા ભોગવું છું. મેં આખા જગતનાં દુ:ખકષ્ટને  મારાપર લઈ લીધાં છે.’

(Ramakrishna As We Saw Him P.26-27)

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.