રાજકોટ આશ્રમમાંથી અધ્યક્ષ સ્થાનેથી બદલી થઈને યુ.કે. જનાર સ્વામી સર્વસ્થાનંદજી, અહીંથી વડોદરા રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષરૂપે જતા સ્વામી ઇષ્ટમયાનંદજીના વિદાય અને વડોદરાથી રાજકોટ આશ્રમમમાં અધ્યક્ષ સ્થાને નિયુક્તિ પામનાર સ્વામી નિખિલેશ્વરાનંદનો સન્માન સમારંભ ૧૭-૧૨-૧૭ના રોજ વિવેક હાૅલમાં યોજાયો હતો. સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યાર પછી ભક્તો અને સંન્યાસીઓ દ્વારા આ ત્રણેય સંન્યાસીઓનું પુષ્પહારથી અભિવાડદન થયું અને ભેટ અપાઈ હતી. આ પ્રસંગે પધારેલા આદિભવાનંદજી, વિશ્વાત્માનંદજી, આત્મદિપાનંદજી અને ગુણાશ્રયાનંદજીનું પુષ્પહારથી સ્વાગત થયું હતું. આદિભવાનંદજી, વારાણસી આશ્રમના અધ્યક્ષ વિશ્વાત્માનંદજી, પોરબંદરના આત્મદિપાનંદજી, લીંબડીના ગુણશ્રયાનંદજીએ ઉપર્યુક્ત વિદાય લેતા અને સન્માનિત સંન્યાસીઓના ગુણાનુવાદ રજૂ કર્યા હતા. આ પ્રસંગે શ્રી રશ્મિભાઈ ભાલોડિયા, શ્રી કિશોરભાઈ શાહ અને શ્રી મનસુખભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યાં હતાં. શ્રી રસિકભાઈ ભાલોડિયાએ દશ-દશ લાખ રૂપિયાનું માતબર દાન રાજકોટ આશ્રમ તથા વડોદરા મિશનને આપ્યું.
સમારંભમાં ભક્તજનો તરફથી અપાયેલા સન્માનપત્રનું વાચન શ્રી રાવળભાઈએ કર્યું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ શ્રી ઠાકુરના ‘જીવીએ ત્યાં સુધી શીખીએ’ એ શબ્દોને યાદ કરીને કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કહ્યું હતું કે ગુજરાતી શીખજો, સાદી રીતે રહેજો. હું બધા પાસેથી શીખ્યો છું. રાહતસેવાકાર્યોના અનુભવમાંથી મને જીવનનું ભાથું મળ્યું છે. આંખ, કાન, મન ખુલ્લાં રાખીએ તો શીખવામાં મુશ્કેલી ન પડે. મને બધાના પ્રેમ, સહકાર મળ્યા છે અને મેં જે કંઈ કર્યું છે એ તો શ્રીઠાકુરની કૃપાથી જ થયું છેે. સ્વામી ઇષ્ટમયાનંદજીએ કહ્યું હતું કે રાજકોટ તો માતૃકેન્દ્ર બેલુરનું પશ્ચિમનું બેલુર છે. હું અહીં આવ્યો. ધરતીકંપ રાહતસેવાકાર્ય કર્યું, ત્યાર પછી અહીં જે કાર્યો કર્યાં તેમાં અહીંના અધ્યક્ષશ્રીઓએ જે વિશ્વાસ મૂક્યો એને નિભાવવાનો મારી રીતે પ્રયત્ન કર્યો છે. હવે મારું કાર્યક્ષેત્ર વડોદરા બન્યું છે. ત્યાંનું કાર્ય મુશ્કેલ છે, પણ શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની કૃપાથી હું કરી શકીશ, એમ માનું છું. આપણા સૌનું જીવન મધુમય બને, પ્રભુમય બને એવી શુભેચ્છા.
સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ‘સાધુ તો ચલતા ભલા’. અમે તો આવતા જતા રહીએ છીએ. અમારો કાર્યકાળ પૂરો થાય એટલે ચાલી નીકળીએ છીએ. રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ મને યાદ આવે છે – ‘હે પ્રભુ, જેને તમે પતાકા આપો છો, તેને વહન કરવાની શક્તિ પણ આપજો’. મને મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી)ના સેવક સ્વામી કૈલાસાનંદજીની સેવા કરવાનો અવસર મળ્યો હતો. તેમણે ૧૯૨૬ના કન્વેન્શનની વાત કરતાં કહ્યું કે એ વખતે મહાપુરુષ મહારાજ બેઠા હતા, સ્વામી પરમાનંદજીએ તેમનું વક્તવ્ય વાંચ્યું અને મહાપુરુષ મહારાજે તાળીઓ પાડી. કોઈકે પૂછ્યું કે ‘આ તો આપનું પોતાનું લેક્ચર છે અને આપ જ તાળી પાડો છો ?’ એટલે તેમણે કહ્યું, ‘મારું આ વક્તવ્ય સ્વામી નિખિલાનંદે લખ્યું છે અને સ્વામી પરમાનંદ વાંચે છે.’ પ્રવચનમાં તેમને ગમેલો સંદેશ આ હતો, ‘તીર નિશાને ન લાગે તો તે રડતું નથી; તલવારનો વાર નિષ્ફળ જાય તો તલવાર રડતી નથી અને હથોડાનો પ્રહાર બરાબર ઠેકાણે ન પડે તો તે પણ રડતો નથી. એ બધાં તૂટે તોય આનંદમાં રહે અને ફેંકી દેવાય તોય આનંદમાં રહે.’ એટલે કે આપણે તો ઈશ્વરના કાર્યના યંત્ર છીએ અને એ યંત્રને ચલાવનાર તો શ્રીરામકૃષ્ણ કે ઈશ્વર છે.
સમારંભના અંતે સ્વામી પ્રભુસેવાનંદજીએ આભાર-દર્શન કર્યું અને વિદાય લેતા બન્ને સ્વામીજીઓના પ્રદાનને બિરદાવ્યું હતું.
Your Content Goes Here