આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો જમીન પર બેઠા છે, એક નજરે તેમને જોઈ રહ્યા છે.

ઈશ્વરકોટિ-શુકદેવનો સમાધિભંગ

હનુમાન અને પ્રહ્‌લાદ

શ્રીરામકૃષ્ણ – જીવ-કોટિ અને ઈશ્વર-કોટિ. જીવ-કોટિની ભક્તિ વિધિપૂર્વકની ભક્તિ : આટલા ઉપચારથી પૂજા કરવી જોઈએ, આટલા જપ કરવા જોઈએ, આટલાં પુરશ્ર્ચરણ કરવાં જોઈએ વગેરે. એવી વિધિપૂર્વકની ભક્તિ પછી જ્ઞાન થાય. ત્યાર પછી અહંનો લય થાય. આ લય થયા પછી જીવ પાછો ફરે નહિ.

‘પરંતુ ઈશ્વર-કોટિની જુદી વાત. જેમ કે અનુલોમ અને વિલોમ (નીચે ઊતરવું અને ઉપર ચડવું). ‘નેતિ નેતિ’ કરીને અગાસી ઉપર પહોંચીને જુએ કે જે વસ્તુમાંથી અગાસી બનેલી છે – ઈંટ, ચૂનો, રેતી વગેરે – પગથિયાંની સીડી પણ તેમાંથી જ બનેલી છે. ત્યાર પછી તે ક્યારેક અગાસી પર રહી શકે, તેમજ ઊતરવું ચડવું પણ કરી શકે.

‘શુકદેવ સમાધિમાં હતા, નિર્વિકલ્પ સમાધિમાં, જડ સમાધિમાં. ભગવાને નારદજીને મોકલ્યા. કારણ પરીક્ષિતને ભાગવત સંભળાવવાનું હતું. નારદે જોયું તો શુકદેવ જડ પદાર્થની પેઠે બહારના ભાનરહિત બેઠેલા છે. એટલે વીણાની સાથે શ્રીહરિના રૂપનું ચાર શ્ર્લોકમાં વર્ણન કરવાનું શરૂ કર્યું.

પ્રથમ શ્ર્લોક બોલતાં બોલતાં શુકદેવને રોમાંચ થયો; પછી અશ્રુ; અંતરમાં હૃદયની અંદર ચિન્મય રૂપનાં દર્શન કરવા લાગ્યા. જુઓ, જડ સમાધિ પછી પાછું રૂપ-દર્શન પણ થયું ! શુકદેવ ઈશ્વર-કોટિ.

‘હનુમાનજી સાકાર નિરાકાર બન્ને સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને રામ-મૂર્તિમાં નિષ્ઠા રાખીને રહ્યા હતા. એ રામ-મૂર્તિ, એ ચિદ્ઘન આનંદમય મૂર્તિ !

‘પ્રહ્‌લાદ ક્યારેક જોતા કે સોઽહમ્ (હું જ એ પરમાત્મા); તેમ જ વળી ક્યારેક દાસ-ભાવમાં રહેતા. ભક્તિ ન રાખે તો શું કરવા સંસારમાં રહે ? એટલે સેવ્ય-સેવક ભાવનો આધાર લેવો જોઈએ : તમે પ્રભુ, હું દાસ, હરિ-રસ આસ્વાદન કરવા માટે રસ-રસિકનો ભાવ : હે ઈશ્વર તમે રસ , હું રસિક.

રસો વૈ સ: । રસઁહ્યેવાયં લબ્ધ્વાઽઽનંદી ભવતિ । કો હ્યેવાન્યાત્ક: પ્રાણ્યાદ્ યદેષ આકાશ આનંદો ન સ્યાત્ ॥

‘તે નિશ્ર્ચય રસ જ છે. એ રસને પામીને પુરુષ આનંદમય બની જાય છે. જો હૃદયાકાશમાં રહેલ એ આનંદ (આનંદ સ્વરૂપ આત્મા) ન હોય તો કોણ અપાન ક્રિયા કરે, અને કોણ પ્રાણક્રિયા કરે? એ જ તો એને આનંદિત કરે છે. (તૈત્તિરીય ઉપનિષદ, 2.7)

(કથામૃત ભાગ – 2 , પૃ. 24-25)

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.