મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના ફાગણ માસની હોળી-પૂર્ણિમાના દિવસે બંગાળના નવદ્વીપમાં થયો હતો. નિમાઈ એ નામની પાછળ ઘણી બધી લોકવાતો છે. કેટલાક કહે છે કે એમનો જન્મ લીમડા(નીમ)ના વૃક્ષ નીચે થયો હતો એટલે નિમાઈ એવું નામ પડ્યું. બીજું એક કારણ છે, લીમડો કડવો હોય છે એટલે એવું નામ રાખવાથી મૃત્યુના દેવતા યમરાજ એમની પાસે જલદી આવે નહીં અને તે દીર્ઘાયુ રહે. તે બધી વાતો ગમે તે હોય પણ ચૈતન્ય મહાપ્રભુને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. એમણે બધાંને એ ઉપદેશ આપ્યો હતો કે ભગવાનનું નામ લેવાથી લોકોની બધી દુર્બળતાઓ દૂર થઈ જાય છે અને પોતાના જીવનમાં આનંદ પામે છે.

સામાન્ય રીતે આપણે સૌ મંદિરે જઈએ છીએ, ત્યારે મંદિરના દેવતાને પ્રણામ કરીને તેમને ધરેલ નૈવેદ્યનો પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. આ પ્રસાદ એટલે ભગવાનને નિવેદિત-અર્પણ કરેલ ખાદ્ય પદાર્થો. ભગવાનને આપણે જ્યારે આવું નૈવેદ્ય કે ભોગ ધરીએ છીએ, ત્યારે  આપણે આપણા મનમાં આટલો વિચાર રાખતા હોઈએ છીએ કે ભગવાનને ધર્યા પછી જ એ ભોગનો પ્રસાદ આપણે મેળવી શકીએ.

પણ એ પહેલાં કોઈની પ્રસાદ ખાવાની ઇચ્છા થાય તો ? નિમાઈના બાળપણની આ ઘટના છે. ત્યારે એની ઉંમર પાંચ-સાત વર્ષની હશે. એટલે કે તે એક ભલોભોળો બાળક હતો. એક દિવસ તે મોટેથી રડવા લાગ્યો. તે તો સતત રડતો જ રહ્યો. રડતા નિમાઈને જોઈને માએ પૂછ્યું, ‘બેટા, તું શા માટે રડે છે? બોલને, તારે શું જોઈએ છે?’

નિમાઈએ રોતાં રોતાં કહ્યું, ‘મા, પડોશના ઘરમાં ભગવાન માટે જે ભોગ-નૈવેદ્ય બન્યાં છે, મારે એ જોઈએ છે.’ મા તો આ સાંભળીને ગભરાઈ ગયાં. જે વસ્તુ ભગવાનને ધરવા માટે બનાવાઈ છે, તેની આપણે મનથી પણ ઇચ્છા ન કરવી જોઈએ. માએ નિમાઈને સમજાવતાં કહ્યું, ‘બેટા, જ્યાં સુધી ભગવાનને ભોગ ન ધરાવાય, ત્યાં સુધી આપણે એ ખાઈ ન શકીએ. પૂજા પછી હું તારા માટે એ ઘરમાંથી મીઠાઈ વગેરે લાવી આપીશ.’

આ વાત નિમાઈને ગળે કોઈ રીતે ઊતરતી ન હતી. તેનું રડવાનું ચાલુ રહ્યું. જ્યાં નૈવેદ્ય ધરવા માટેની સામગ્રી હતી, ત્યાં જઈને કોઈએ કહ્યું કે નિમાઈ આ નૈવેદ્ય ખાવા માટે રડી રહ્યો છે. આ વાત સાંભળીને ઘરનાં બધાંને નવાઈ લાગી. એમની નવાઈનું કારણ એ હતું કે અહીં ભગવાનને ધરવા મીઠાઈ વગેરે વસ્તુ રાખી છે, એનો ખ્યાલ નિમાઈને કેવી રીતે આવ્યો! ગમે તેમ પણ પેલા લોકો આનંદ સાથે નિમાઈની પાસે નૈવેદ્ય લઈને આવ્યા અને નિમાઈએ પ્રેમપૂર્વક એ બધું ખાઈ લીધું. કોઈ સાધારણ બાળક આવું કરે, તો એ સારું ન ગણાય. નિમાઈ શું સાધારણ બાળક હતો?

આપણે નિમાઈની બાળલીલાની વાત કરીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણની જેમ નિમાઈની બાળલીલાઓ પણ અદ્‌ભુત હતી. ગામના લોકો પણ એને ખૂબ ચાહતા. વૃંદાવનના કનૈયાની જેમ નિમાઈ પણ ખૂબ ચંચળ હતો. માતા નિમાઈનાં તોફાનોથી હેરાન-પરેશાન થઈ જતાં.

એક વાર નિમાઈ સાંજના સમયે પોતાના મહોલ્લામાં એકલો એકલો રમતો હતો. એણે તો ઘણા દાગીના પહેર્યા હતા, એમાંથી કેટલાક સોનાના હતા તો વળી કેટલાક ચાંદીના પણ ખરા. એક ચોરની નજર તેના પર પડી. નિમાઈને એકલો જોઈને અને એના શરીર પર આટલા દર-દાગીના જોઈને ચોરનું મન લલચાયું. ચોર નિમાઈ પાસે ગયો. તેને ઘણી મીઠી મીઠી વાતો કરી. બધું ભુલાવીને નિમાઈને તેડીને ચોર તો થયો ચાલતો.

આ બાજુ નિમાઈ શેરીમાં રમે છે કે કેમ, એ જોવા માતપિતાએ શેરીમાં ડોકિયું કર્યું. નિમાઈ ક્યાંય નજરે ન પડ્યો, એટલે માત-પિતાની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. બન્ને નીકળી પડ્યાં શેરીમાં. ‘નિમાઈ, નિમાઈ, તું ક્યાં છો?’ એવી બૂમો પાડતાં જાય છે. આખી શેરી ફરી વળ્યાં, પણ કયાંય નિમાઈ ગોત્યો ન જડે. નિમાઈના પિતા અને તેના મોટાભાઈ વિશ્વરૂપ પણ નિમાઈને શોધવા લાગ્યા. આ બાજુ નિમાઈનું અપહરણ કરનાર ચોરે વિચાર્યું કે કોઈ એક એકાંત સ્થળે એને લઈ જઈશ અને પછી એને પોતાના બધા દાગીના ઉતારી દેવાનું કહીશ, એટલે તે બોલ્યા-ચાલ્યા વગર ઉતારી દેશે. ઘણી વખત માણસ ધારે કંઈક અને થઈ જાય કંઈક બીજું. વાલિયા લૂટારાનો ઋષિ નારદે જેમ હૃદયપલટો કર્યો હતો, તેવી જ રીતે એમ કહેવાય છે કે નિમાઈના સ્પર્શ માત્રથી જ ચોરના હૃદયનું અદ્‌ભુત પરિવર્તન થયું. એના મનમાં એવો વિચાર આવ્યો કે આવા નિર્દોષ, ભલાભોળા બાળકને ઉપાડી જવો, એ પણ એક પાપ છે; એને બદલે હું તો એના દાગીના ઉતારી લેવા માગું છું – આ તો ભયંકર પાપ કહેવાય! આવા પાપમાંથી મને છુટકારો પણ મળવાનો નથી. ભગવાન મને માફ નહીં કરે. આવો પશ્ર્ચાત્તાપ કરતાં કરતાં નિમાઈને ખભે બેસાડીને તેના ઘરની પાસે આવી ગયો. નિમાઈને એના ઘરને ઓટલે બેસાડીને ચોર તો ચાલી નીકળ્યો. તેણે મનમાં દૃઢ નિર્ણય કર્યો કે હવે પછી તે કોઈ દિવસ ચોરી નહીં કરે. હક્કનું અને મહેનતનું જ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે.

ઘરની સામે નિમાઈને જોઈને માતપિતા અને પરિવારજનો તો આશ્ચર્યચકિત થઈને આનંદ અનુભવવા લાગ્યાં.

ગોકુળમાં પણ નાના શ્યામે પોતાના સ્પર્શ માત્રથી ઘણાની બુરાઈને દૂર કરી હતી. આ બાળક નિમાઈ પછીથી ચૈતન્ય મહાપ્રભુ તરીકે જાણીતા થયા. તેઓ પણ ભગવાનના એક અવતાર હતા.

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.