વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. આ પર્વને આપણે હોળીના નામે પણ ઊજવીએ છીએ. ધૂળેટીના દિવસે સમગ્ર ભારતવર્ષમાં જ્ઞાતિ-જાતિ કે ધર્મ- સંપ્રદાયના ભેદભાવને ભૂલીને સૌ કોઈ રંગોત્સવની મજા માણે છે.

આ બન્ને મહાપર્વના ઉપલક્ષમાં આપણે આજે ડાકોરના રણછોડરાયજીના મંદિર વિશે થોડું જાણી લઈએ. ગુજરાત રાજ્યના ડાકોરમાં શ્રીરણછોડરાયજીનું સુખ્યાત મંદિર આવેલું છે. અહીં દર પૂનમે આજુબાજુના વિસ્તારના લોકો પગે ચાલીને મંદિરનાં દર્શને આવે છે. રણછોડ એ શબ્દનું મૂળ ‘રણ:શૌડ’ નામના સંસ્કૃત શબ્દમાં રહેલું છે. ‘રણશૌડ’ એટલે રણમાં શૂરવીર. પાછળથી ‘શૌડ’ શબ્દનું લોકબોલીનું રૂપ ‘છોડ’ થઈ ગયું. એટલે આખો શબ્દ ‘રણછોડ’ વપરાય છે. રણછોડ એટલે રણને છોડીને જનાર. ભગવાન કૃષ્ણની પુરાણકથા સાથે આ પ્રસંગ જોડાયેલો છે. પુરાતનકાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર. ડાકોર અમદાવાદથી 75 કિ.મિ., વડોદરાથી 45 કિ.મિ., નડિયાદથી 38 કિ.મિ. દૂર છે. હાલમાં ડાકોર એક્સપ્રેસ હાઈવે પર આવેલું હોવાને કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વધુ અનુકૂળ બની ગયું છે.

દ્વાપર યુગમાં ડંકમુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો. એ જમાનામાં ડાકોરમાં ખાખરિયું વન હતું. ડંકમુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાન શંકરે ડંકમુનિને આશીર્વાદ આપતાં કહ્યું કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ આવશે અને પોતે પણ ડંકેશ્ર્વરનામે લિંગ સ્વરૂપે રહેશે. મંદિરની સામે જ આવેલ ગોમતીકુંડના કિનારે આજે પણ ડંકેશ્ર્વર મહાદેવનું મંદિર જોવા મળે છે. આ મંદિર એ બાબતની સાક્ષી પુરાવે છે. આ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો. તેમાં પશુપક્ષી નિર્ભય બનીને પાણી પીતાં.

એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત્ત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા. એ વખતે ભીમને તરસ લાગી અને કુંડમાંથી પાણી પીધું. પછી તે વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક એને વિચાર આવ્યો કે આવા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી પીવાની સુગમતા મળે. તેણે ગદાના એક પ્રહારથી કુંડને મોટો કર્યો. તે કુંડ આજે ગોમતી કુંડના નામે ઓળખાય છે.

વર્ષો વીતતાં ગોમતીકુંડ અને ડંકેશ્ર્વર મંદિરની આસપાસ લોકો આવીને વસવા લાગ્યા અને પહેલાંનું ડંકપુર પછીથી આજનું ડાકોર બન્યું.

ડાકોરનું હાલનું મંદિર શ્રીગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂપિયા એક લાખના ખર્ચે ઈ.સ. 1772માં બંધાવ્યું છે. આ મંદિર 168  151=25368 ચો.ફૂટનું ચોરસ બેસણી આકારનું છે અને 12 રાશિ પ્રમાણે પગથિયાં સાથે બાંધેલું છે. તેને આઠ ગુંબજ અને 24 મિનારા છે. સૌથી ઊંચો મિનારો 90 ફૂટનો છે. આ મિનારાઓ સોનાથી મઢેલા છે. રણછોડરાયજીના મંદિરમાં ચાંદીના બે મોટા દરવાજા છે. એ દરવાજા પર ભગવાન સૂર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડજીની મૂર્તિ આરસપહાણની બનેલી છે અને શ્રીરણછોડરાય સોનાના પતરાથી મઢેલી ઊંચી વેદી પર વિરાજમાન છે.

મંદિરના પ્રવેશદ્વાર પર બન્ને બાજુએ પાંચ માળની 50 ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે. એના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે. દીપમાળાઓમાં 800 દીવાઓ એકી સાથે પ્રગટાવી શકાય છે. મંદિરમાં રાજા રણછોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે. મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાય છે. દર પૂનમે અહીં જાણે મેળો હોય એવું વાતાવરણ સર્જાય છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદરૂપે ભગવાનને માખણ, મિસરી, મગજના લાડુ વગેરે ચઢાવે છે. શ્રીકૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને ચારો ખવડાવીને પુણ્ય કમાય છે. ડાકોરના ગોટા (ભજીયાં) ખૂબ પ્રસિદ્ધ છે અને લોકો એનો સ્વાદ માણે છે. રણછોડરાયની જગ્યામાં આવેલ ભોજનશાળામાં ન્યૂનતમ દરે ભરપેટ ભોજન મળે છે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયના પ્રાગટ્યની કથા

ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના પુત્રનો જન્મ થયો. તેઓ રજપૂત બોડાણા હતા. વિજયસિંહનાં પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને પોતાનું પેટિયું રળતાં હતાં.

એક વખત દ્વારિકાની યાત્રાએ જતા પગપાળા સંઘની સાથે જવાની તેમને પ્રેરણા થઈ. તેઓ દ્વારિકા ગયાં. દ્વારિકાનાથની દિવ્યમૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શણગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણો ઉપર તુલસીની કંઠી કેવી શોભે છે ! અને વળી તે પ્રભુને ખૂબ જ ગમે છે. એમણે મનોમન નક્કી કર્યું કે દરવર્ષે તુલસીનો છોડ લઈને દ્વારિકામાં જવું અને દ્વારિકાનાથનાં દર્શન કરવાં.

આથી શ્રીકૃષ્ણભક્ત બોડાણા દરવર્ષે પૂનમે ડાકોરથી દ્વારિકાના રસ્તે પગેચાલીને, હાથમાં તુલસી રોપેલું કૂંડું લઈને, ભગવાનનાં દર્શનાર્થે જતા. ભક્ત બોડાણા 72 વર્ષની ઉંમર સુધી આ જ રીતે દ્વારિકા જતા અને દ્વારિકાનાથનાં દર્શન કરતા. પણ ઉંમરને કારણે હવે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી.

પોતાના ભક્તની આ મુશ્કેલી જોઈને ભગવાન શ્રીકૃષ્ણને તેમના પર દયા આવી. એટલે તેમણે ભક્તને સ્વપ્નમાં દર્શન દીધાં અને કહ્યું કે હું દ્વારિકાથી ડાકોર આવીશ. હવે પછી તું બીજી વખત આવે ત્યારે સાથે ગાડું લાવજે. પછી જ્યારે બોડાણા દ્વારિકા જવાના હતા, તે પહેલાં તે ભગવાન શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે ગાડાની વ્યવસ્થા કરવાની તજવીજના કામે લાગી ગયા. ભક્ત બોડાણા ગરીબ હતા. તેની પાસે ગાડાનું ભાડું ચૂકવવાના પૈસા ન હતા. વળી ભગવાનને છાજે એવું ગાડું લેવાનું હતું. જેમ તેમ કરીને ખૂબ ઘરડા બળદવાળા ગાડાની વ્યવસ્થા થઈ. આવા ખખડધજ ગાડા સાથે તેઓ દ્વારિકા પહોંચ્યા.

ગાડા સાથે બોડાણાને આવેલા જોઈને પૂજારીઓએ પ્રશ્ન પૂછ્યા. બોડાણાએ નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન શ્રીકૃષ્ણ મારી સાથે ડાકોર આવવાના છે, એવું એમણે સ્વપ્નમાં વચન આપ્યું છે. પૂજારીઓને ખાતરી થઈ કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે આપેલા વચન પ્રમાણે દ્વારિકા છોડીને ડાકોર જતા રહેશે. પોતાના ગુજરાનનું શું થશે, એમ વિચારીને ગુગળીઓએ રાત્રે મંદિરને તાળાં મારી દીધાં. પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહે ખરા? મંદિરનાં તાળાં એની મેળે તૂટ્યાં અને ભગવાન તો બોડાણાની સાથે ગાડામાં બેસીને ડાકોર જવા રવાના થયા. દ્વારિકાથી થોડે દૂર ગયા પછી ભગવાન શ્રીકૃષ્ણે બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર અને હું ગાડું ચલાવીશ.

ફક્ત એક રાતમાં જ ભગવાન રણછોડ મરવાના વાંકે જીવતા ખખડી ગયેલા બે બળદને હંકારીને ખખડધજ ગાડાને લઈને ડાકોરની નજીક ઉમરેઠ ગામે પહોંચ્યા. ઉમરેઠ પહોંચતાં જ પ્રભાત થઈ ગયું. લોકો જોઈ ન જાય એટલે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્ર્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું. સવાર થયું એટલે ભક્ત બોડાણા પણ ઊઠ્યા. ભગવાને દાતણ માટે લીમડાની ડાળ પકડી. પ્રભુના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાને બોડાણાને કહ્યું કે ભાઈ હવે તું ગાડું ચલાવ. ભગવાનને દ્વારિકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયા કે બોડાણા ભગવાનને લઈને ડાકોર ચાલ્યા ગયા. તેઓ તેમની પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.

દ્વારિકાના પૂજારીઓને મન ભગવાન ફક્ત આજીવિકાનું સાધન હતા. પોતાની આજીવિકા માટે પૂરતું ધન બોડાણા પાસેથી મળી રહે, એટલે તેમણે શરત મૂકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું આપવું. પૂજારીઓ જાણતા હતા કે બોડાણા તો સાવ ગરીબ છે, આટલું સોનું આપી શકશે નહીં અને શ્રીકૃષ્ણની મૂર્તિ દ્વારિકામાં જ રહેશે. અને જો ડાકોરમાં રહી જાય તો એમને ભારોભાર સોનું મળશે.

બોડાણા પાસે સોનાના નામે તેમનાં પત્ની ગંગાબાઈએ પહેરેલ નાકની ફક્ત એક વાળી હતી. ગોમતીને તીરે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી અને સામેના પલ્લામાં વાળી મૂકી. સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિના વજન કરતાં વાળીનું વજન વધી ગયું. આમ, ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગળીઓને આપીને રવાના કર્યા. આમ, ભક્ત બોડાણાએ ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણને સ્થાપ્યા.

આ તો એક દંતકથા કે લોકવાયકાની વાત છે. પણ ભક્ત બોડાણાએ પોતાની અનન્ય ભાવભક્તિથી ડાકોરમાં શ્રીઠાકોરને સ્થાપ્યા અને આ ગામને એક મોટું યાત્રાધામ બનાવ્યું, એમ આપણે કહી શકીએ.

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.