પ્રકરણ – 5
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન
કર્તવ્ય એટલે શું ?
જેમને આપણે પ્રાય: કર્તવ્યનું નામ આપીએ છીએ, એવાં અનેક કાર્યોમાં આપણે વ્યસ્ત રહીએ છીએ અને સામાન્ય રીતે આ કાર્યો કેવળ દુ:ખ અને અશાંતિ ઊભાં કરે છે. જો આ સાચું હોય તો કર્તવ્ય વિશે આપણી ધારણામાં ક્યાંક કોઈક ખામી છે. આપણે બધા ‘કર્મ’ તો કરીએ છીએ, પરંતુ સામાન્યત: આપણે એને એક આધ્યાત્મિક સાધના એવં આત્મ-સાક્ષાત્કારના ઉપાયરૂપે પરિણત કરવાનું જાણતાં નથી. જરા જુઓ તો ખરા, સ્વામી વિવેકાનંદે કર્મયોગ વિશે શું કહ્યું છે:
આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃત્તિનો નાશ કરો. સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો. તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટાવા ન દો. કર્મયોગનો આ ઉપદેશ છે. આટલું થયા બાદ તમે જગતમાં જાઓ. તમારાથી થાય તે કાર્ય કરો. બધે હળોમળો, જવું હોય ત્યાં જાઓ. તમને અનિષ્ટનો પાશ લાગશે નહીં. જળમાં કમળ હોય છે; જળ તેને સ્પર્શી કે વળગી શકતું નથી. તમે જગતમાં જળકમળવત્ રહો. આનું નામ ‘વૈરાગ્ય’, નિર્લેપતા અથવા અનાસક્તિ. અનાસક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહીં. બધા યોગોનો મૂળ પાયો અનાસક્તિ છે. કોઈ માણસ ઘરબાર છોડે, સારાં વસ્ત્રો પહેરવાનું છોડે, સારો ખોરાક ખાવાનું છોડે અને રણમાં જાય, છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય, એની એક માત્ર સંપત્તિ જે એનો પોતાનો દેહ એને મન સર્વસ્વ બને અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે. અનાસક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કાંઈ કરીએ તે નથી; અનાસક્તિ માત્ર મનમાં જ છે. ‘હું અને મારું’ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે. દેહ સાથેની ઇંદ્રિયગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય, તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં, અનાસક્ત છીએ. એક માણસ સિંહાસન પર બેઠો હોય છતાં એ સાવ અનાસક્ત હોય. બીજો સાવ ચીંથરેહાલ હોય છતાં ખૂબ આસક્ત હોય. પ્રથમ આપણે આ અનાસક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે. થોડી કઠિન હોવા છતાં અનાસક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે. (ગ્રંથમાળા ભાગ – 1, પૃ.113)
તો પછી કર્તવ્યનો અર્થ શું છે ? ‘કર્તવ્ય’ અને ‘દાયિત્વ’ એ બે શબ્દોમાંથી ‘દાયિત્વ’ શબ્દ પરથી સંદર્ભ વિશેષ અને તાત્કાલિક બાધ્યતા (બંધન)નો સંકેત મળે છે, જેમ કે એક વ્યક્તિ પર પોતાનાં વિધવા માતાનું ભરણ-પોષણ કરવાની જવાબદારી છે. આનાથી ભિન્ન, ‘કર્તવ્ય’ શબ્દમાંથી તાત્કાલિક પરિસ્થિતિઓને લીધે ઉદ્ભવેલ કર્મબાધ્યતા કરતાં નૈતિક કે આચાર વિષયક પ્રભાવનો અર્થ વિશેષ ધ્વનિત થાય છે. અંગ્રેજી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ કર્તવ્યને ‘ઈશ્વરીય આદેશની કઠોર ક્ધયા’ એવું નામ આપે છે. આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક ક્યારેક કેવી રીતે આપણને કર્તવ્ય અને વ્યક્તિગત સ્વાર્થના પરસ્પરના સંઘર્ષનો સામનો કરવો પડે છે. આપણે ભલે એને ગમે તે નામ આપીએ, પણ આપણા જેવાં અજ્ઞાની જીવો માટે કર્તવ્યનો અર્થ એક હદ સુધી તો બાધ્યતા અને બંધન છે.
જ્ઞાની મહાપુરુષોની વાત ભિન્ન છે. ઈશ્વરીય અવતાર શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતા (3.22)માં આપણને આમ કહે છે –
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥
‘મારા માટે આ ત્રણેય લોકોમાં કોઈ કર્તવ્ય નથી. એમાં મારા માટે કોઈ પ્રાપ્તવ્ય (મેળવવા જેવું) નથી અને એવી કોઈપણ વસ્તુ નથી કે જે મેં મેળવી લીધી ન હોય. છતાં પણ હું એ પ્રમાણે વર્તું છું.’
ઈશ્વરીય અવતાર અને મુક્તપુરુષ મુક્તિમાં પ્રતિષ્ઠિત થઈને દુ:ખી માનવજાતિ પ્રત્યે પ્રેમથી પ્રેરાઈને કર્મ કરતા રહે છે. દૈવી પુરુષોમાં કામનાઓનો સંઘર્ષ નથી હોતો. એટલે કર્તવ્યોનો દ્વંદ્વ પણ નથી હોતો. એમને માટે કર્મ કરવાનો એક જ માર્ગ હોય છે અને તે છે ઈશ્વરીય માર્ગ. અજ્ઞાનને લીધે આપણાં કર્તવ્ય અને એમની પૂર્તિના માર્ગ વિશે ભ્રમણામાં પડી જઈએ છીએ.
કર્તવ્ય અને સ્વાર્થપરાયણતા
આપણું એ કહેવાતું કર્તવ્યજ્ઞાન મોટાભાગે રોગ બની જાય છે, એ વાત સ્વામી વિવેકાનંદ આપણને બતાવે છે :
કર્તવ્યની આ ભાવના ઘણી વાર દુ:ખનું કારણ પણ બને. રોગની પેઠે આપણને કર્તવ્ય વળગે છે, આગળ ઘસડી જાય છે અને પકડમાં લે છે. કેટલીક વાર આપણું આખું જીવન દુ:ખી બનાવે છે. માનવજીવનનું એ મોટું સંકટ છે. કર્તવ્યની આ ભાવના ખરા બપોરના તાપની જેમ માનવજાતના અંતરને બાળી નાખે છે. કર્તવ્યના ગુલામ બનેલા તરફ જરા નજર તો નાખો ! કર્તવ્ય એમને પ્રાર્થનાનો સમય રહેવા દેતું નથી, નાહવા – ધોવાનો વખત રહેવા દેતું નથી. એમની ઉપર એ હંમેશાં સવાર હોય છે. તેઓ બહાર જઈને કાર્ય કરે છે ને કર્તવ્ય એમના પર ચડી બેસે છે; તેઓ પાછા ઘરે આવે છે, ત્યારે પણ બીજા દિવસના કામનો વિચાર કર્યા કરે છે : કર્તવ્યનું દબાણ ! એ ગુલામનું જીવન છે, છેવટે ભાડૂતી ગાડીના ઘોડાની જેમ કામ કરતાં કરતાં રસ્તામાં ઢળી પડીને એણે મરવાનું છે. માણસો આને જ કર્તવ્ય સમજે છે. ખરું કર્તવ્ય અનાસક્ત બનવામાં, સ્વાધીન રીતે કાર્ય કરવામાં અને સર્વ કાર્ય પરમાત્માને અર્પણ કરવામાં રહ્યું છે. આપણાં સર્વ કર્તવ્ય તે એનાં જ છે. (ગ્રંથમાળા ભાગ – 1, પૃ. 114, 115)
આપણે કર્તવ્યના દાસ બનીને પોતાના સમગ્ર જીવનને દુ:ખપૂર્ણ બનાવી દઈએ છીએ. આપણું કર્તવ્ય શું છે અને એને કેવી રીતે પૂરું કરવું ? એની આપણને સ્પષ્ટ સમજ હોવી જોઈએ. કેટલીક વાર આપણને એવું જોવા મળે છે કે પોતાની સમસ્યાઓને ઉકેલવાનું શીખતાં પહેલાં જ પ્રેમથી પ્રેરિત બનીને નહીં, પણ આત્મસંતોષ માટે આપણે બીજાને મદદ કરવા માંડીએ છીએ. બીજાની સેવા કરવા તત્પર નિ:સ્વાર્થ વ્યક્તિ તો છે જ. પરંતુ આ વિચિત્ર સંસાર જેને અમારા એક વરિષ્ઠ સંન્યાસીએ ‘ભગવાનનું વિરાટ પાગલખાનું’ એવું નામ આપ્યું છે, તેમાં એવા તોફાની વ્યક્તિઓ છે કે જે જીવનમાં અસફળતા અને હતાશાના શિકાર બન્યા છે અથવા નિકટનાં સામાન્ય કાર્યો કરવા ઇચ્છતા નથી. આવા લોકો પોતાના અહંકારની તૃપ્તિ માટે બીજા પર સ્વયંને પરાણે ઠોકી બેસાડે છે, લાદી દે છે. આવા અહંકેન્દ્રી વ્યક્તિ કહે છે : ‘એમને મારી પ્રેમપ્રેરિત સેવા કરવાની આવશ્યકતા છે.’ આપણે માનવીઓ એટલા બધા સ્વાર્થી છીએ કે આપણે જેટલા પ્રમાણમાં બીજાને નથી ચાહતા એટલા જ પ્રમાણમાં બીજા પણ આપણને ચાહતા નહીં હોય, એ વાતની આપણે કલ્પના પણ નથી કરી શકતાં. એક મનોવૈજ્ઞાનિકે જ્યારે આ વાત કેટલીક છોકરીઓને કરી, ત્યારે તેમને ઘણી નવાઈ લાગી, કારણ કે પોતાના પ્રત્યેના પ્રેમને લીધે કોઈ આપણને હૃદયથી નથી ચાહતું, એ વિચારને સ્વીકારવો એ ઘણું કઠિન છે. (ક્રમશ:)
Your Content Goes Here