સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કેળવણી એટલે માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ અત્યારની કેળવણી-પદ્ધતિમાં પરીક્ષાઓ આપણા અભ્યાસની તુલા બની ગઈ છે. વાસ્તવમાં એ તો થોડા અભ્યાસ પાઠોના ચોક્કસ મુદ્દાઓનું જ મૂલ્યાંકન કરે છે. સમુદ્રમાં વહેતી હિમશિલાનો દશમો ભાગ જ નજરે ચડે છે; એવી જ રીતે આપણા વાસ્તવિક અને સાચા જ્ઞાનના એક નાના અંશનું જ આ પરીક્ષાઓ મૂલ્યાંકન કરી શકે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે, ‘આપણે શાળા, કોલેજ કે વિશ્વ વિદ્યાલયોમાંથી શીખ્યા છીએ, એ બધું જ્યારે ભુલાઈ જાય અને પછી જે શેષ રહે તે કેળવણી છે.’ કેળવણી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણાંમાંથી મોટાભાગના માટે કેળવણી આપણાં જીવનના ધ્યેયોને હાંસલ કરવા માટે સશકત બનાવતું શસ્ત્ર છે. પરંતુ નવાઈ તો એ છે કે સમયે સમયે આ ધ્યેયો પણ બદલાતા રહે છે ! અને અંતે આપણને એ જોવા મળે છે કે આપણને જે કેળવણી આપવામાં આવી છે અથવા આપણે આપણી રીતે પોતાનાં સંસાધનોથી મેળવી છે, તે આપણને પોતાના ધ્યેયો સુધી દોરી જવા માટે અપૂરતી પુરવાર થાય છે.
ચાલો, આપણે સ્વામી વિવેકાનંદ કેળવણી વિશે શું કહે છે, એ વિશે ફરીથી વિચારીએ. જે ‘વસ્તુ’ કેળવણી દ્વારા આપણે શોધીએ છીએ તે તો વાસ્તવિક રીતે ‘આપણી ભીતર જ છે.’ આપણી ભીતર રહેલી આ અંતરની શક્તિને બહાર લાવવાની છે. કેટલાક લોકો મહત્તર અંશે આ શક્તિને પ્રગટાવે છે, જ્યારે બીજા લોકોમાં એ સુષુપ્ત જ રહે છે. પરંતુ તે ત્યાં ‘છે જ.’ અને જ્યારે આપણે એ શક્તિને બહાર લાવીએ છીએ ત્યારે આપણને ‘ખરેખર’ આપણું જીવન જીવીએ છીએ, એવી અનુભૂતિ થાય છે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે, ‘શક્તિ એ જ જીવન છે.’
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જ્યાં સુધી આપણે જીવીએ છીએ, ત્યાં સુધી આપણે શીખીએ છીએ.’ એટલે જો કેળવણી જીવનભર ચાલતી પ્રક્રિયા હોય, તો પરીક્ષાઓ પણ જીવનભર ચાલતી બાબત છે. શાળા, કોલેજ કે વિશ્વ વિદ્યાલયોની જે પરીક્ષાઓ આપણે આપીએ છીએ, તે અગત્યની છે ખરી, પણ આપણા જીવનનો તે એક નાનો અંશ જ છે. સંસ્થાકીય પરીક્ષાપ્રક્રિયા કરતાં આપણા જીવનમાં હજુ પણ ઘણું ઘણું છે. આપણાં સંતાનો તાજેતરમાં જ પરીક્ષાઓ આપવા જશે, તેમને આ વાત કહેજો. તેઓ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે; અને બાકીનું બીજું પ્રભુ સંભાળી લેશે.
શ્રીરામકૃષ્ણ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને મા સરસ્વતી આવતા દિવસોમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પર તેમની અમીકૃપા વરસાવે, તેવી તેમનાં શ્રીચરણમાં અમારી અભ્યર્થના.
Your Content Goes Here