અવિશ્વસનીય પરંતુ સત્ય
ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન જન્મેલા શિશુની જેમ ગાઢ નિદ્રામાં છીએ. ક્યારેક ક્યારેક કેટલીક શાંત પળોમાં આપણને જ્ઞાન થાય છે કે સંસાર જેવો દેખાય છે, વસ્તુત: તેવો નથી. ખરેખર જાગી જઈએ ત્યારે આપણને જોવા મળે છે કે અનંત આપણી સન્મુખ ધૂંધળારૂપે વ્યાપ્ત છે અને આપણો અતીત સુસ્પષ્ટ રીતે પાછળ રહેલો છે.’
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આપણે આ સંસારમાં પોતાનાં કર્મો દ્વારા આવ્યા છીએ. જેમ આપણે પોતાના વર્તમાન કર્મોના પૂરેપૂરા ભંડાર સાથે અહીંથી જઈએ છીએ, તેવી જ રીતે અતીતનાં કર્મોને સાથે લઈને અહીં આવીએ છીએ. જે બાબત આપણને બહાર કાઢે છે, તે જ આપણને અહીં લાવીને બંધનમાં પણ નાખે છે. આપણને આ સંસારમાં કઈ વસ્તુ લઈ આવે છે? આપણાં અતીતનાં કર્મ. આપણને આ સંસારમાંથી કોણ લઈ જાય છે? આ સંસારમાં કરેલાં આપણાં પોતાનાં કર્મ. અને એવી જ રીતે આપણે સૌ આવતા-જતા રહીએ છીએ.’
વિચિત્ર છતાં સત્ય !
બાહ્ય રીતે ચમત્કાર જેવી દેખાતી વસ્તુ કે ઘટનાને સાવધાનીપૂર્વક પરીક્ષણ કર્યા પછી સત્યના રૂપે સ્વીકારવામાં આવે છે. આ સર્વદા, સર્વત્ર અને વારંવાર થતું આવ્યું છે. એક બાળક વીજળીના પ્રકાશતા બલ્બને જોઈને ચકિત થઈ શકે, એક ગતિમાન બસને જોઈને વિસ્મિત પણ થઈ શકે; પરંતુ એક પુખ્ત વયની વ્યક્તિ એ જાણે છે કે આ બલ્બ વિદ્યુત પ્રવાહથી પ્રકાશમાન છે અને બસ ડીઝલથી ચાલે છે. ઉંમરવાળી વ્યક્તિ માટે એ કોઈ ચમત્કાર નથી. એનો અર્થ એ છે કે ચમત્કાર વ્યક્તિપરક અથવા સ્વાનુભૂતિ-મૂલક હોય છે. આવા અનેક ચમત્કાર આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યા છે.
શ્રીરામકૃષ્ણ કહેતા, ‘એક વ્યક્તિ ઘેટા જેવો અવાજ કાઢતો હતો. એને સાંભળવા માટે લોકોનું ટોળું એકઠું થઈ જતું. એની આ ક્ષમતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જતા. એક બુદ્ધિમાન વ્યક્તિએ ખરેખર એક ઘેટું લાવીને લોકોને એનો અવાજ સંભળાવ્યો. 5રંતુ લોકોએ તેના તરફ ધ્યાન ન દીધું.’ સત્ય મહોરાની પાછળ છુપાયેલું છે. આમ છતાં લોકો નકલી વેશ દૂર કરીને તેની ભીતર છુપાયેલાં સત્યને શોધવાનો પ્રયત્ન કરતા નથી. પ્રેક્ષક એક જાદુગરની જાદુઈ કરામતો જોઈને દંગ રહી જાય છે. જો આપ કોઈ જાદુગરના મિત્ર બની જાઓ, તો આપને ખ્યાલ આવશે કે એમનો એ જાદુ ચતુરાઈભરી હાથની ચાલાકી જ છે. જાદુઈ કીમિયાનો ચમત્કારી પ્રભાવ પૂરો થઈ જાય અને એની ચમકદમક પણ ચાલી જાય, છતાં પણ એ જાદુને જોવાની ઇચ્છા સમાપ્ત થતી નથી. આ પરિવર્તનનું કારણ જાદુગરની કીમિયાભરી કલામાં નથી, પરંતુ પ્રેક્ષકના દૃષ્ટિકોણમાં છે.
સમુદ્રમાં ઊંડે ડૂબકી લગાડનારા લોકો જ મોતી અને કિંમતી રત્નો શોધી શકે છે. ગહનતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવાથી જીવન અને મૃત્યુની ચમત્કારિક ઘટનાઓ એમની પાછળ રહેલાં સત્ય પ્રગટ થતાં એ ઘટના સાધારણ લાગે છે. આ ઘટનાઓ આપણને પોતાના જીવનના ભૂતકાળ તથા ભવિષ્યનું જ્ઞાન આપે છે.
દૃશ્ય અને અદૃશ્ય સત્ય
શું મનુષ્ય હાડ, માંસ, લોહી તથા માંસપેશીઓનું સંયોજન માત્ર જ છે ? શું શરીરની ભીતર કોઈ ચેતન તત્ત્વ છે, જે આ બધાંથી ભિન્ન છે અને શરીરને અંદરથી નિયંત્રિત કરે છે ? શું શરીર આ ચેતન તત્ત્વ માટે એક બાહ્ય આવરણ માત્ર છે ?
જો કે આપણે જીવિત અને મૃત મનુષ્યની વચ્ચે સરળતાથી ભેદ કરી શકીએ છીએ. આમ છતાં પણ જીવન વિશે આપણી સમજ ઊંડાઈભરેલી અને વ્યાપક નથી. જેને આપણે ‘જીવિત’ કહીએ છીએ તે ભૌતિક પદાર્થોનું એક સંયોજન માત્ર નથી. વનસ્પતિ, પશુ કે માનવ જેવાં કોઈ પણ જીવિત પ્રાણી પોતાના પૂરા જીવનકાળમાં પર્યાવરણમાંથી નિરંતર વાયુ અને પોષણ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. સાથે ને સાથે આવશ્યક તત્ત્વોને આત્મસાત્ કરવા તથા અનાવશ્યક તત્ત્વોનું ઉત્સર્જન કરવાની (બહાર કાઢી નાખવાની) ક્ષમતા પણ ધરાવે છે. અત્યંત જટિલ શારીરિક પ્રક્રિયાઓ ઘણી સુસંગત રીતે અને એક વિશેષ હેતુથી સંપન્ન થાય છે. શ્વાસ – ઉચ્છ્વાસ, હૃદયના ધબકારા, રક્તસંચાર, ગ્ંરથિઓ સંબંધિત ક્રિયાઓ; પાચન, ઉત્સર્જન તથા મળવિસર્જન; કોષોનું પુન: નવીનીકરણ, શારીરિક ઉષ્ણતામાનનું સંતોલન આ બધી બાબતો પૂર્ણ નિયમિતતા અને આવશ્યકતા પ્રમાણે થતી જાય છે.
જેમ વીજળી ચાલી જાય એટલે પંખો બંધ થઈ જાય છે, એવી જ રીતે જીવિત શરીરમાંથી એના ક્રિયાકલાપો માટે જવાબદાર સ્વયં ચેતનતત્ત્વ ચાલ્યું જાય, એટલે તે મૃત કહેવાય છે. હવે પ્રશ્ન એ ઊભા જાય છે કે એ ચાલ્યા જતા તત્ત્વનું સ્વરૂપ શું છે, કેવું છે ? જ્યાં સુધી તે શક્તિ ક્રિયાશીલ રહે છે ત્યાં સુધી શરીરની ભીતર રહેલી લાખો કોશિકાઓ પૂર્ણ નિષ્ઠા અને દક્ષતા સાથે પોતાનું કાર્ય પૂર્ણ કરતી રહે છે. પરંતુ ચેતનતત્ત્વ લુપ્ત થઈ જાય પછી બધા ક્રિયાકલાપ સ્થગિત થઈ જાય છે અને શરીર વિકૃત થવા લાગે છે. જ્યાં સુધી મનુષ્ય જીવતો રહે છે, ત્યાં સુધી આ બધા ક્રિયાકલાપ બરાબર અને નિરંતર ચાલતા રહે છે. એક જીવંત વ્યક્તિ ક્યારેક ક્યારેક આ ક્રિયાકલાપો વિશે અવગત પણ થાય છે. તે અતીતની ઘટનાઓનું સ્મરણ કરી શકે છે, ઇચ્છાનુસાર પસંદગી કરી શકે છે અને ભવિષ્યની એક ઝાંખી પણ મેળવી શકે છે. તે મૃત્યુનો પૂર્વાભાસ પણ મેળવી શકે છે. આ રીતે મૃત્યુ એક એવી અવસ્થા છે કે જ્યાં પહોંચીને તે ચેતનતત્ત્વ ભૌતિક શરીર અને મનને ફરીથી જીવિત કે ક્રિયાશીલ કરી શકતું નથી. આ ચેતનતત્ત્વની ઉપસ્થિતિને કારણે જ્યાં સુધી મન ક્રિયાશીલ રહે છે, ત્યાં સુધી આપણે પ્રાણીને જીવિત માનીએ છીએ. આમ છતાં પણ એ સુસ્પષ્ટ છે કે આ ચેતનતત્ત્વ ભૌતિક શરીરથી ભિન્ન છે, પરંતુ વૈજ્ઞાનિકો જીવનના આ ચેતનતત્ત્વને અલગથી ઓળખી શક્યા નથી.
આપણા પ્રાચીન ઋષિઓએ હાડ, માંસ તથા રક્તથી નિર્મિત સ્થૂળ ભૌતિક શરીરથી અલગ એક સૂક્ષ્મ શરીરની અનુભૂતિ કરી હતી. એમણે એને ‘સૂક્ષ્મ શરીર’ કહ્યું છે. એ ‘લિંગ શરીર’ ના નામે પણ ઓળખાય છે. સૂક્ષ્મ શરીર વિદ્યુતની જેમ એક પૂર્ણ ચમત્કારિક રીતે સ્થૂળ ભૌતિક શરીરના અત્યંત જટિલ ક્રિયાકલાપોને નિર્દેશિત કરવાની તથા નિયંત્રિત કરવાની શક્તિ ધરાવે છે. ભૂતકાળમાં યોગીઓએ ધ્યાન દ્વારા આ સૂક્ષ્મ શરીરના અસ્તિત્વની અનુભૂતિ કરી હતી. આ ઋષિઓની વાત કોઈ કલ્પનાકથા નહીં, પરંતુ પોતાનો અંગત અનુભવ અને અનુભૂતિજન્ય વિશ્વાસ હતો. ક્યારેક ક્યારેક તો સાધારણ લોકો પણ આ સત્તાની અનુભૂતિ કરી શકે છે. દેહાતીત અસ્તિત્વ અથવા દેહાતીત અનુભવ, કોઈ મૃત વ્યક્તિના આત્માનું અન્ય જીવિત વ્યક્તિના શરીરમાં દેહાંતરણ અને કોઈ વ્યક્તિ પર અન્ય આત્માનો ‘આવેશ’ આ બધી વાતો બધા દેશોમાં, બધા કાળમાં અને આધુનિક યુગમાં પણ જોવામાં આવે છે. જો કે કેટલીક બાબતોમાં છળકપટ, કલ્પના કે અંધવિશ્વાસની સંભાવના હોઈ શકે છે. પરંતુ એક નિશ્ર્ચિત વાસ્તવિક સત્તાના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. જો આપણે આ સાચી ઘટનાઓનું અધ્યયન કરીએ તો આપણને આ સ્થૂળ ભૌતિક દેહથી અલગ એક તત્ત્વ (આત્મા)ના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. માનવશરીર સુધી જ સીમિત નથી પણ આનો એક લોકોત્તર કે આધ્યાત્મિક આયામ પણ છે.
ભૌતિક વિજ્ઞાન સામાન્યતયા મસ્તિષ્કથી અલગ કોઈ મનના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રમાં કેટલીક ઘટનાઓનું અધ્યયન કર્યું છે અને એ સત્યને જાણવાની ચેષ્ટા પણ કરી છે. વિશેષજ્ઞોએ આવી યથાર્થ ઘટનાઓનું પરીક્ષણ તથા વિશ્ર્લેષણ કર્યું છે. તમે પણ આ ઘટનાઓનાં ‘શા માટે અને કેવી રીતે’ને સમજવાનો પ્રયત્ન કરી શકો છો.
Your Content Goes Here