યોગ દ્વારા ક્રોધને વશ કરવો
પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર વિજય મેળવવાના તાત્કાલિક ઉદ્દેશ માટે પણ શું આ સાધનોનો અભ્યાસ આવશ્યક કે વ્યાવહારિક છે? ક્રોધની વિધ્વંસક સંભાવનાઓને જોતાં અને તેનાં માઠાં પરિણામોથી બચવા માટે પ્રાપ્ય એવાં દરેક સાધનનો ઉપયોગ કરવામાં આવે તે ઉચિત રહેશે.
ભગવદ્ ગીતા (2.63)માં ક્રોધ વિશે ભગવાન શ્રીકૃષ્ણની ચેતવણીને આપણે ફરીથી યાદ કરવી પડશે :
क्रोधाद्भवति सम्मोह: सम्मोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
ક્રોધથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, બુદ્ધિ ભ્રાંત થાય તો સારા વિચારોની સ્મૃતિ લુપ્ત થાય છે, સ્મૃતિભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનાશને પરિણામે વ્યક્તિનો સર્વનાશ થઈ જાય છે.
આ રીતે સાધનાપથ પર આવનારી પ્રબળ બાધાઓને દૂર કરવા ક્રોધ પર વિજય મેળવવાનું પ્રારંભિક કદમ ઉઠાવવું આવશ્યક છે. આ વાત તો બધા જાણે છે કે જે વ્યક્તિ ક્રોધ પર વિજય મેળવી શકતી નથી, તે જન્મ અને મૃત્યુ પર કેવી રીતે વિજય મેળવી શકે? બીજા શબ્દોમાં કહીએ તો આ સંસારસાગરને તે કેવી રીતે પાર કરી શકે? એટલા માટે સંસારમાંથી મુક્તિ એ જો આપણું પરમ લક્ષ્ય હોય તો આપણે ક્રોધ પર વિજય મેળવવા યોગની સાધનાઓનો ઉપયોગ કરવો જોઈએ.
યોગની સાધનાઓ મનુષ્યજીવનની દરેક પરિસ્થિતિમાં સહાયતા કરવાની દૃષ્ટિએ રચાઈ છે. સ્વામી વિવેકાનંદ દૃઢતા સાથે કહે છે કે મનુષ્ય ભલે ગમે ત્યાં અને ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ ધર્મ તેને સહાયક નિવડશે. ગીતામાં પણ કહ્યું છે – स्वल्पमपि अस्य धर्मस्य त्रायते महतो भयात् – અલ્પ પ્રમાણમાં પણ અપનાવેલ આ ધર્મ મહાન ભયથી આપણું રક્ષણ કરે છે. એક અપરિપક્વ તથા અસંસ્કૃત માનવને યોગની સાધનાઓની સહાયથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓ માટે ઘડી શકાય છે અને તૈયાર કરી શકાય છે.
ક્રોધ વિશે પતંજલિના વિચાર
પાતંજલ-દર્શનની દૃષ્ટિએ ક્રોધની વ્યાખ્યા આવી થાય – ક્રોધ મન કે ચિત્તની એક વૃત્તિ છે. ચિત્તવૃત્તિ એક પ્રકારનો વિચારતરંગ છે. પરંતુ આ વિચારતરંગ કેટલીક જટિલતાથી પરિપૂર્ણ છે; અને આ જટિલતાઓ આપણામાંથી પ્રત્યેકની સાથે ગહન સંબંધ ધરાવે છે. પતંજલિના મત પ્રમાણે ચિત્ત ત્રણ વસ્તુઓ – મન, બુદ્ધિ અને અહંકારથી બને છે.
- મન – આ અનુભવની ક્ષમતા છે. એ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતમાંથી એકત્રિત અનુભવોને ગ્રહણ કરે છે.
- બુદ્ધિ – આ વિચારની ક્ષમતા છે. એ અનુભૂતિઓનું વર્ગીકરણ કરે છે અને એના પર પ્રતિક્રિયા કરે છે.
- અહંકાર – આ અહમ્નો ભાવ છે. એ અનુભૂતિઓને પોતાની સાથે જોડે છે અને એને વ્યક્તિગત જ્ઞાનના રૂપે સંગ્રહિત કરે છે.
એક ઉદાહરણ જોઈએ. ધારો કે, મન સૂચિત કરે છે, ‘જુઓ, ત્યાંથી એક વિશાળ અને ક્રોધે ભરાયેલ પ્રાણી આવી રહ્યું છે.’ એટલે બુદ્ધિ કહે છે, ‘હા, તે એક પાગલ હાથી છે. તે રસ્તામાં આવનાર કોઈપણ માનવ પર આક્રમણ કરશે.’ પછી અહંકાર મોટેથી કહે છે, ‘અરે, જો હું એના રસ્તામાં આડે આવીશ તો મારું આવી બન્યું સમજજો. ચાલો, ભાગી જઈએ.’
બધામાં ઈશ્વર વ્યાપેલો છે, એમ જોવું
ભારતની પરંપરાગત વિચારધારા પ્રમાણે મનુષ્યના વ્યક્તિત્વને પોતાના મૂળ સાથે એટલે કે બ્રહ્મ અથવા ઈશ્વર સાથે સકારાત્મક કે નકારાત્મક સંબંધ છે. આ રીતે ક્રોધનું મૂળ પરમતત્ત્વમાં શોધી શકાય છે.
ઈશ્વર અપરિહાર્ય સત્ય છે અને એ પરિભાષા પ્રમાણે સર્વવ્યાપી છે તેમજ બધી વસ્તુઓમાં અને બધા જીવોમાં રહેલો છે. વેદાંત અને ગીતામાં જીવમાં રહેલા ઈશ્વરને આત્મા કહ્યો છે. પતંજલિ એને પુરુષ કહેવાનું પસંદ કરે છે. એનો શાબ્દિક અર્થ છે શરીરમાં નિવાસ કરનાર. ક્રોધ પર વિચાર કરતી વખતે જો આ સિદ્ધાંતને મનમાં રાખીએ કે દરેક પ્રાણીમાં ઈશ્વરનો વાસ છે, તો એ આપણા માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક પૂરવાર થશે. વસ્તુત: ગીતા (16.18)માં ભગવાન શ્રીકૃષ્ણ આ તથ્યનું એક કડવું સત્ય બતાવે છે :
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिता:।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयका:॥
આ આસુરી વૃત્તિના લોકો અહંકાર, બળ, દર્પ, કામ અને ક્રોધને અધીન થઈને મારી (અર્થાત્ પોતાની સાથે તથા બીજામાં રહેલ ઈશ્વર સાથે) ઘૃણા કરે છે.’ કોઈ વ્યક્તિ બીજા પર નિયંત્રણ રાખવા એમને દંડ દેવાનો પોતાને અધિકારી માની શકે છે. પરંતુ એણે એ યાદ રાખવું જોઈએ કે આવી રીતે તે પોતાનામાં અને બીજી વ્યકિતમાં રહેલ ઈશ્વરને જ દુ:ખ-કષ્ટ પહોંચાડે છે. આવી રીતે જો આપણે સંવેદનશીલતાથી કામ લઈએ તો સમજી શકીશું કે આપણો ક્રોધ ઈશ્વર સાથે અસંબદ્ધ નથી.
અનુભૂતિની પ્રક્રિયા
પતંજલિના મત પ્રમાણે મન બુદ્ધિમાન તથા ચેતન જણાય છે છતાં પણ એવું નથી. આપણો ચેતનરૂપ આત્મા જ બુદ્ધિનું તત્ત્વ છે. મન ચેતન તથા બોધયુક્ત જણાય છે, કારણ કે તે ચેતન સ્વરૂપ આત્માને જ પ્રતિબિંબિત કરે છે. જેને આપણે જ્ઞાન કે અનુભવ કહીએ છીએ, તે મનની એક વૃત્તિ કે તરંગ જ છે. આત્મા જ વાસ્તવિક દ્રષ્ટા છે; મન તથા ઇન્દ્રિયો જોવાનાં યંત્ર જ છે. પ્રત્યેક અનુભૂતિની સાથે એક અહંભાવ જોડાયેલો હોય છે – ‘હું એને જાણું છું.’ પરંતુ આ ‘હું’ આત્મા નથી. પતંજલિ દ્રષ્ટા કે આત્માના મન તથા ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યને ‘અહમ્’ કહે છે. અહમ્નો ભાવ આ મિથ્યા તાદાત્મ્યમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ ઘટના કે વસ્તુને આપણી જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરે છે, ત્યારે મનમાં એક વિચાર-તરંગ ઊઠે છે. આપણો અહમ્ભાવ કે અસ્મિતા આ વિચાર-તરંગ સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી લે છે અને તેને સુખદ કે દુ:ખદ રૂપે અંકિત કરી લે છે. અહમ્ભાવ જ એકમાં એવો અનુભવ કરાવે છે કે ‘હું સુખી છું’ અને બીજામાં વળી બીજો અનુભવ કરાવે છે કે ‘હું દુ:ખી છું’. અહમ્ભાવનું આ મિથ્યા તાદાત્મ્ય જ આપણાં બધાં દુ:ખોનું મૂળ કારણ છે. જે સુખદરૂપે અનુભવાય છે, તે પણ ખોવાઈ જવાની આશંકાથી ચિંતાનું કારણ બની જાય છે.
Your Content Goes Here