‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ મુનિની અને તેના આશ્રમની વાત કરો છો, ત્યારે ત્યારે તમે બ્રહ્મચર્યની અને ધર્મની એવી અગડંબગડં વાતો કરો છો કે મને એ વસ્તુની જ સૂગ આવે છે. સેનાપતિ! તમને ખબર નથી. આવા બધા બ્રહ્મચારીઓ અને

ધર્મીઓને બ્રહ્મચર્યનો કે ધર્મનો કક્કોય આવડતો નથી, એની મને ખાતરી છે.’

સેનાપતિ વિવેકપૂર્વક બોલ્યા, ‘મહારાજ ! આપણે એમ કહી ન શકીએ. મુનિ અને તેમના આશ્રમની કીર્તિ દેશના એક છેડેથી બીજા છેડા સુધી ફેલાઈ છે.’

કાશીરાજે આગળ ચલાવ્યું, ‘તમને મારે શું કહેવું? મને તમારા કરતાં બે ચોમાસાં ઓછાં વીત્યાં હશે, એ હું કબૂલ કરું છું. પણ સેનાપતિજી ! વારંવાર જીભ પર બ્રહ્મચર્ય અને ધર્મને લાવનાર લોકો જ મોટા લબાડ અને અધર્મી હોય છે, એવો મારો અનુભવ છે. દુનિયામાં દરેક આદમીની અમુક કિંમત હોય છે; એ કિંમત તમે ન આપો ત્યાં સુધી એ ત્યાગી રહે છે, બ્રહ્મચારી રહે છે, સત્યવાદી રહે છે, ધર્મી બને છે. આદમીની કિંમત તેને ચૂકવી આપો એટલે તમે તેને ખરીદી શકો છો, તેના ત્યાગને ખરીદી શકો છો, તેના બ્રહ્મચર્યને ખરીદી શકો છો, તેના આત્માને ખરીદી શકો છો, તેના ધર્મને પણ ખરીદી શકો છો. આ બધા કહેવાતા બ્રહ્મચારીઓની અને ધર્મીઓની કિંમત શી છે, તે આપણા હાથમાં આવતું નથી ત્યાં સુધી એ લોકોનો ઢોંગ આપણે કળી શકતા નથી.’

‘બાપુ ! આપ આટલા બધા નાસ્તિક ક્યાંથી થયા?’ સેનાપતિ બોલ્યા. પછી કહ્યું, ‘આપ તો દુનિયામાં શેતાન સિવાય બીજું કંઈ જ નથી, એવી વાત કરો છો !’

કાશીરાજે જણાવ્યું, ‘જરૂર. દુનિયાને શેતાને જ સર કરી છે અને પ્રભુને પોતાના ઢીંચણ નીચે દાબી રાખ્યો છે. આશ્રમના મુનિરાજ પણ શેતાનના પહેલા ખોળાના દીકરા છે, એમ સમજજો. એ પરણ્યા નથી એટલું હું કબૂલ કરું છું; પણ પરણ્યો ન હોય એ બ્રહ્મચારી જ હોય, એવું હું માનવા તૈયાર નથી. ઘણી વાર તો માણસને પરણવું વધારે મોંઘું પડે છે.’

‘મહારાજ! ’ સેનાપતિએ હાથ જોડીને કહ્યું, ‘આપ મુનિજી માટે આટલું બધું ખરાબ બોલો છો, તે મારાથી સાંભળી શકાતું નથી. મુનિ જન્મથી માંડીને આજપર્યંત ઊર્ધ્વરેતા રહ્યા છે, એની મને ખાતરી છે. આપ એમનું જીવન બારીકાઈથી તપાસો તો ખબર પડે.’

‘સેનાપતિજી !’ રાજા બોલ્યા, ‘માઠું ન લગાડતા. મેં આવા કેટલાય મુનિઓ જોયા છે, પણ તેમની દાઢીમાં અને તેમની જટામાં મેં ઢોંગ સંતાયેલો જોયો છે. ઊર્ધ્વરેતા રહેવું એ તમે માનો છો, તેવી સહેલી વાત નથી. એ તો જેણે જીવતરની રુુવાંટી આખી બદલી નાખી હોય તે જ ઊર્ધ્વરેતા થઈ શકે.’

સેનાપતિએ કહ્યું, ‘મહારાજ, આપ મુનિરાજ વિશે વહેમાયા લાગો છો. મારી આપને વિનંતી છે કે આપ એમની આકરામાં આકરી પરીક્ષા કરો, એટલે આપના મનને ખાતરી થાય.’

કાશીરાજ બોલ્યા, ‘સેનાપતિજી ! એ કરવા જેવું નથી. દેહની વાસનાઓ ન જગાડી જ સારી છે.’

‘ના, ના,’ સેનાપતિ બોલ્યા, ‘એકવાર તો આપ ખાતરી કરી જ જુઓ. આપ કહો છો તે સાચું હશે, તો મારા જેવા અનેકોનો ભ્રમ ભાંગશે અને નહિતર આપની અશ્રદ્ધા દૂર થશે. આપ જરૂર મુનિ મહારાજની પરીક્ષા કરો.’

રાજા તરત જ ઊછળીને બોલ્યા, ‘પરીક્ષા તો આજે જ થાય. આપણા શહેરની પેલી સુંદરીને આશ્રમમાં મોકલો એટલી વાર. તમે સુંદરીને મોકલવાનો બંદોબસ્ત કરો.’

સેનાપતિએ કહ્યું, ‘જેવી આજ્ઞા, મહારાજ ! સુંદરીને શી સૂચનાઓ આપવી છે ?’

રાજાએ કહ્યું, ‘સુંદરીને વળી સૂચના શી ? સૂચનાઓને ધાવીને જ સુંદરી મોટી થઈ છે. એને તો એમ જ કહો ને કે ‘તારે આજે મુનિના આશ્રમમાં જઈને મુનિને દુનિયાદારીમાં લાવવાના છે.’ આટલું કહેશો એટલે બાકીનું તે સમજી લેશે અને પોતાની મેળે સાધી લેશે. સેનાપતિજી ! હજી તમે આ પગલું ન ભરો તો ઠીક. આવા મુનિઓને જાણીબૂઝીને પ્રલોભનમાં ફેંકવા અને પ્રલોભનમાં પડે પછી તેમને ભાંડવા તે ઠીક કહેવાય ? આ તો તમે સૌએ વારંવાર એકની એક વાત કર્યા કરી છે, એટલે મને સૂઝ્યું તે મેં કહ્યું.’

‘મહારાજ !’ સેનાપતિ બોલ્યા, ‘સાધારણ મુનિઓ માટે તો તમે કહો છો તે બરાબર હશે. પણ આ મુનિ તો મારી દૃષ્ટિએ અસાધારણ પુરુષ છે. મારા માટે તો સાક્ષાત્ ઈશ્વર છે. આપ આજે બ્રહ્મચર્ય જેવી સદ્વસ્તુમાં શ્રદ્ધા ગુમાવી બેઠા છો. એટલે મારો આગ્રહ છે કે સુંદરીને ત્યાં મોકલીએ. હું ખાતરીથી કહું છું કે આપે આપનો વિચાર બદલવો પડશે.’

રાજાએ કહ્યું, ‘તો હું તમારો આભારી થઈશ.’

યમુનાના કાંઠા પર મુનિનો આશ્રમ. અષાઢ મહિનાની અમાસની અંધારી રાત. આકાશમાં વાદળ ઘનઘોર જામેલાં અને ઝરમર ઝરમર છાંટા પડે. વીજળીના ઝબકારા થાય અને ગર્જના પણ થયા કરે. મુનિ મહારાજ પર્ણકુટીના પથ્થર પર બેઠા હતા. એવામાં એમના કાન પર શબ્દો અથડાયા : ‘મુનિ મહારાજ ! ઝાંપો ઉઘાડૉ.’

‘બેટા !’ મુનિએ બ્રહ્મચારીને જગાડ્યો, ‘વખાની મારી કોઈ સ્ત્રી બોલતી હોય, એવો અવાજ લાગે છે. જા, ઝાંપો ઉઘાડ અને જો, કોણ છે.’ બ્રહ્મચારી આંખો ચોળતો ઊભો થયો અને ઝાંપે આવીને તાડૂક્યો, ‘કોણ છે અત્યારે મધરાતે ! શું કામ આવી છે ?’

‘ભાઈ ! હું  રસ્તો ભૂલી છું અને અંધારે સૂઝતું નથી એટલે બૂમ પાડું છું. ઝાંપો ઉઘાડો તો રાતની રાત અંદર પડી રહીશ અને સવારે રસ્તે પડીશ,’ સુંદરી બોલી.

બ્રહ્મચારી બોલી ઊઠ્યો, ‘કમબખ્ત નાર ! આવાં ને આવાં જગાડે છે અને અભ્યાસ કરવા દેતાં નથી. તું દેખે છે કે આંધળી છે. આ આશ્રમ છે. અહીં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી. અમે બ્રહ્મચારીઓ છીએ તેની ખબર છે ?’

સુંદરી બોલી, ‘ભાઈ ! આશ્રમ છે માટે જ તો આવી છું. મારી જાત બીજે ક્યાં નિર્ભય હોય ? ભાઈ ! ઝાંપો ઉઘાડ તો ખરો !’

‘એમ ઝાંપોબાંપો નહીં ઊઘડે !’ બ્રહ્મચારીએ ડોળા કાઢ્યા, ‘આશ્રમની મર્યાદા તારે આ પ્રમાણે તોડવી છે ?’

‘હું આશ્રમની મર્યાદા તોડવા નથી આવી, પણ એ મર્યાદાને સમજવા આવી છું,’ સુંદરી બોલી, ‘તું ઝાંપો ઉઘાડ, ભાઈ ! ભલો થઈને ઉઘાડ.’

‘હું ગુરુજીને પૂછી આવું,’ બ્રહ્મચારી બોલ્યો અને તરત જ પાછો દોડ્યો.

મુનિએ પૂછ્યું, ‘કેમ બેટા ! કોણ હતું ?’

‘એ તો કોઈ સ્ત્રી છે,’ બ્રહ્મચારી બોલ્યો.

ગુરુજીએ પૂછ્યું, ‘એને શું જોઈએ છીએ ? એને કંઈ દુ:ખ છે ?’

‘ના ના. છે તો ધોકા જેવી. એને તો શું દુ:ખ હોય?’ બ્રહ્મચારી બોલ્યો.

‘તો બૂમ શા માટે પાડે છે ?’ ગુરુએ પૂછ્યું.

‘નદીમાં પૂર આવ્યું છે અને રાત્રે રસ્તો સૂઝતો નથી, એટલે તેને રાત અહીં સૂવું છે,’ શિષ્ય બોલ્યો.

‘તો તું એને ઝાંપો ખોલી દે,’ મુનિ બોલ્યા.

‘મેં તો એને જણાવી દીધું કે આ આશ્રમમાં સ્ત્રીઓનો પ્રવેશ ન થાય,’ બ્રહ્મચારી બોલ્યો.

મુનિ બોલ્યા, ‘આપણો નિયમ એવો છે ખરો, પણ કોઈ વખાનું માર્યું કોઈવાર આવી ચડે, તો આશરો આપવાની ના પડાય? આશ્રમ બાંધીને બેઠા એટલે સૌ કોઈ આવી ચડે.’

ગુરુનાં વચન સાંભળીને બ્રહ્મચારી ધૂવાપૂવા થઈ ગયો, ‘મહારાજ ! એક દિવસ એક નિયમ અને બીજે દિવસે બીજો નિયમ ? આજ સુધી આ આશ્રમ પવિત્ર રહી શક્યો છે, તે સ્ત્રીઓને આવવા નથી દીધી એટલે. આજે આપ જ આ પવિત્રતા પર પગ મૂકવા તૈયાર થયા છો, તે મને ગોઠતું નથી. આપ આજે રાતને વખતે આ સ્ત્રીને દાખલ કરશો તો હું આ આશ્રમ છોડીને બીજો આશ્રમ શોધીશ.’

‘બરાબર છે,’ મુનિ બોલ્યા, ‘તું ઝાંપો ઉઘાડ એટલે એ બાઈ અંદર આવી શકશે ને તું બહાર જઈ શકીશ. તારે નીકળવા માટે પણ ઝાંપો તો ઉઘાડવો જ પડશે ને ? જા જલદી કર.’

બ્રહ્મચારી બબડતો બબડતો, મનમાં ને મનમાં ગુરુને અને પેલી સ્ત્રીને ગાળ્યો દેતો, વખતે વખતે અંદરથી વળ ખાતો, ઝાંપા પાસે ગયો. ઝાંપાને ઉઘાડ્યો અને સ્ત્રી અંદર આવી, એટલે ઝાંપાને ઉઘાડો રાખીને ચાલ્યો આવ્યો.

સુંદરીએ પર્ણકુટી પાસે આવીને મહારાજને પ્રણામ કર્યા એટલે મુનિ બોલ્યા, ‘બેટા ! આ સ્ત્રીને આપણી ગાયોને રાખવાની જગ્યા છે ત્યાં સુવાડ.’

બ્રહ્મચારી સુંદરીને ગૌશાળામાં લઈ ગયો અને દૂરથી આંગળી ચીંધીને બોલ્યો, ‘જા, ત્યાં સૂઈ રે, સવાર પડે ત્યારે તારી મેળે ચાલી જજે.’ આટલું બોલીને બ્રહ્મચારી પાછો સૂઈ ગયો.

અડધો કલાક થયો હશે ત્યાં પેલી સ્ત્રી ગૌશાળામાંથી બહાર નીકળી અને બ્રહ્મચારીની પથારી પાસે આવીને બોલવા લાગી, ‘ભાઈ, એ ભાઈ ! જાગ તો ખરો ?’

ત્યાં બ્રહ્મચારી સફાળો ઊભો થયો, ‘કોણ છે એ? પાછી આવી ? તારે અમારું જીવતર ખારું કરી નાખવું છે ?’

‘ભાઈ ! મને ત્યાં ઊંઘ આવતી નથી. ત્યાં તો જૂઆ કરડે છે. ઓસરી પર મને સૂવા દો, તો પાડ !’

‘ઓશરી પર ?’ બ્રહ્મચારી બોલ્યો, ‘ઝાંપો ઉઘાડ્યો ત્યારે ઓશરીની વાત કરે છે ને?’

‘ભાઈ ! તું આમ ગુસ્સે ન થા. તું ગુરુની આજ્ઞા લઈને પછી મને ઓશરીમાં સૂવા દે,’ સુંદરી બોલી.

બ્રહ્મચારી વળી પાછો ગુરુજી પાસે ગયો અને ગુરુજીને સુંદરીની માગણી સંભળાવી, એટલે ગુરુજી બોલ્યા, ‘ભલે, એને ત્યાં ઊંઘ ન આવતી હોય તો ઓશરી પર સૂએ. ઓશરીમાં ઘણી જગ્યા છે.’

બ્રહ્મચારીનું હૈયું તો ચિરાવા લાગ્યું, ‘મહારાજ! ઓશરી પર અમે બધા બ્રહ્મચારી સૂતા છીએ. આપે આજે શું ધાર્યું છે એ સમજાતું નથી !’

ગુરુજીએ તરત જ જવાબ વાળ્યો, ‘સમજાય તો સમજો, ન સમજાય તો શ્રદ્ધાથી રાહ જુઓ; એટલે પછી સમજાશે.’

ગુરુની આજ્ઞા લઈને બ્રહ્મચારી ત્યાંથી નીકળ્યો અને બાઈને ઓશરીમાં સુવાડી.

વળી અડધા કલાકે બાઈ બ્રહ્મચારીની પથારી પાસે આવી ને તેને જગાડવા લાગી, ‘ભાઈ, એ ભાઈ ! જાગ તો ખરો? મને અહીં ઠંડો પવન બહુ લાગે છે.’

વળી બ્રહ્મચારી આંખ ચોળીને ઊભો થયો અને તાડૂક્યો, ‘હવે વળી શું થયું?’

‘ભાઈ ! અહીં મને ટાઢો પવન લાગે છે. મને ગુરુજીની ઓરડીમાં સૂવા દો તો પવન ન લાગે. અધૂરામાં પૂરું મારી પાસે કપડાં પણ નથી.’

બ્રહ્મચારી મનમાં બબડ્યો, ‘આ નવરીઓનું આ જ દુ:ખ. એને એક વાતની હા પાડો એટલે બીજી વાતે વળગી જ છે ! એમની સાથે કામ લેવાનું આવે તો તો એમને ઉડાવ્યે જ રાખવાં એટલે ઝખ મારીને પડ્યાં રહે ! ગુરુજીના ઓરડામાં શું, ગુરુજી ભલેને એની પથારીમાં સુવાડે ! મારા બાપનું શું જાય છે ?’ એમ બોલતો બ્રહ્મચારી ગુરુજી પાસે ગયો અને થોડીવારે પાછો આવ્યો, ‘ચાલ બાઈ ! ચાલ. તારું ભાગ્ય તેજ કરે છે. જે ઓરડીમાં જવાની કેટલાક બ્રહ્મચારીઓને પણ રજા નથી, ત્યાં આજે તને સૂવાનું મળ્યું. હવે આ આશ્રમ રહેવા જેવો નથી રહ્યો. હે ભગવાન ! આ તે શું થવા બેઠું છે ?’

એમ કહીને બ્રહ્મચારી પેલી સ્ત્રીને ગુરુજીની ઓરડીના બારણા સુધી મૂકી ગયો અને પછી ચાલ્યો ગયો.

ઓરડીમાં એક પથારીમાં ગુરુજી જાગતા પડ્યા હતા. તે બોલ્યા, ‘આ ખૂણામાં સૂઈ જા, અહીં તો પવન નહીં લાગે ને?’

‘ના મહારાજ !’ કહીને સુંદરી ખૂણામાં લાંબી થઈને સૂતી. સુંદરી સૂતી ન સૂતી ત્યાં તો બેઠી થઈને બોલવા લાગી, ‘મહારાજ, મને તો અહીં પણ ઊંઘ નથી આવતી; ટાઢ વધારે વાય છે, માટે મને આપની પથારીમાં સુવાડો તો મોટી મહેરબાની.’

ગુરુજીએ તરત જ જણાવ્યું, ‘તો આ રહી પથારી સૂઈ જા !’

ગુરુનાં વચન સાંભળીને હરખાતી સુંદરી ગુરુની પથારીમાં આવીને સૂઈ ગઈ.

થોડીવાર પછી બોલી, ‘ગુરુજી ! હું ટાઢે થરથરું છું, મારા શરીરમાં ગરમી આવતી નથી.’ આમ કહીને એ વારાંગનાએ અભદ્ર માગણી સાથે પોતાના હલકટવેડા અને દુષ્ટ ચેષ્ટાઓ કરવામાં કંઈ બાકી ન રાખ્યું.

પણ આ ગુરુ તો ઊર્ધ્વરેતા હતા એટલે પેલી સુંદરીના બધા હલકટવેડા નિરર્થક ગયા. એવામાં આશ્રમનો કૂકડો બોલ્યો. બ્રહ્મચારીઓના વેદોચ્ચાર થયા. ગુરુજી પથારીમાંથી ઊઠ્યા અને સુંદરીને ઉદ્દેશીને કહ્યું, ‘સુંદરી ! આશ્રમની હદ છોડીને અત્યારે ને અત્યારે જ ચાલી જા. તારા જેવી કેટલીયે સુંદરીઓને હું ઘોળીને પીઈ ગયો છું, તેની તને ખબર નહીં હોય! તું હવે જા. મારા જેવા તને પથારીમાં સુવાડી શકે, પણ બીજા બાપડાઓનું શું ગજું ? તારા કાશીરાજને કહેજે કે દેવદેવીનાં ઠેલાણાં હોય, પણ હનુમાનજીનું ઠેલાણું ન હોય ! કામદેવ જગતમાં સૌથી રૂપાળો છે, પણ પરમાત્મા કામદેવથી હજારગણા વધારે રૂપાળા છે. જેના અંત:કરણમાં પરમાત્માનો વાસ છે, એના અંત:કરણમાં કામદેવ મોઢું પણ બતાવતો નથી. તારા કાશીરાજને મારા આશીર્વાદ કહેજે.’

એમ કહીને ગુરુ બ્રહ્મચારીઓ વેદ પાઠ કરતા હતા ત્યાં ગયા અને પેલી સુંદરી વીલે મોંએ ગામ તરફ ગઈ.

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.