મનની શાંતિ

મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ આપણાં કાર્યો ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે. આ કાર્યો દ્વારા કેટલાક શાંતિ મેળવવામાં સફળ રહે છે, તો વળી કેટલાક અશાંતિમાં વધુ ને વધુ ફસાતા જાય છે. આજના સતત વ્યસ્ત જગતમાં મોટાભાગના લોકો માનસિક-તણાવગ્રસ્ત રહે છે અને તેનું મૂળ અને મુખ્ય કારણ આપણું આત્મકેન્દ્રીપણું અને સ્વાર્થપરાયણતા છે. જ્યારે આપણે પોતાના વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે એક અસંતોષનો બોધ અનુભવીએ છીએ. એને કારણે નિરાશા ઉદ્ભવે છે, અને નિરાશા અશાંતિ અને માનસિક તણાવ ઊભાં કરે છે; પણ જ્યારે આપણે પરોપકાર કે સેવાનું કાર્ય કરીએ છીએ, ત્યારે આપણને આત્મસંતોષ અને શાંતિ મળે છે. આ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ચાલો આપણે એક ઘટના જોઈએ :

એક બટેટાપૌંઆની દુકાનની પાસે એક ગરીબ નાનો છોકરો ઊભો હતો. દુકાનમાં આવનાર પ્રત્યેક ગ્રાહકને તે બાળક પોતાની ગરીબી અને ભૂખની વાત કરતો હતો. કેટલાક લોકોએ એને ધુત્કાર્યો, વળી કેટલાક પોતે ખરીદેલા પૌંઆ એને દેખાડી દેખાડીને ખાતા હતા અને મજા માણતા હતા. કેટલાક તો જાણે એ બાળકને જોયો જ ન હોય, એવું અત્યંત ઉપેક્ષાભર્યું વર્તન કરતા હતા. કેટલાક સજ્જનોએ બાળકની દયા ખાઈને થોડા પૌંઆ એના હાથમાં આપ્યા. ઉપર્યુક્ત બધા લોકોના વિશે માહિતી મેળવી તો એ લોકોની મન:સ્થિતિ વિશે કંઈક આવું જોવા મળ્યું : જે લોકોએ બાળકને તિરસ્કાર્યો તેમની મન:સ્થિતિ પહેલેથી જ નિરાશાનો શિકાર બની હતી અને અત્યારે એ લોકો ચીડિયા સ્વભાવના બની ગયા હતા. જેમણે એ બાળકને દેખાડી દેખાડીને ખાધું તેમણે માતપિતાની અપાર સંપત્તિ ભોગવી હતી, પરંતુ પોતે જીવનમાં કોઈ વિકાસ સાધ્યો ન હતો. જેમણે બાળકની વાતને કાને ન ધરી તેઓ તો સ્વાર્થી જ હતા, પોતાના પેટમાં પડ્યું એટલે જગતે જમી લીધું એવી વૃત્તિના હતા. પણ જેમણે એ ભૂખ્યા બાળકને પૌઆ આપ્યા તેઓ પોતાના જીવનમાં માનસિક શાંતિનો અનુભવ કરતા હતા.

હવે આપણે આ બધા વર્તનવ્યવહારની સાથે દરેકે દરેક વ્યક્તિ માટે પેલા બાળકના મનમાં કેવી પ્રતિક્રિયા થઈ, એની વાત કરીએ : બાળકને ધુત્કારનાર પ્રત્યે બાળકના મનમાં વિચાર આવ્યો કે ભાઈ, તમારે ન દેવું હોય તો ન દો, પણ મને આવી રીતે અપમાનિત કરીને ધુત્કારવાની શી જરૂર હતી ? બાળકને દેખાડી દેખાડીને ખાનારા માટે બાળકે વિચાર્યું કે આ તે કેવા માણસ છે કે જેમને મારી આ લાચારીથી સુખ મળે છે ? એ માણસ નથી, પછી ભલે એ ગમે તે હોય ! જેમણે બાળકની આજીજીને સાંભળી ન સાંભળી કરી તેમના માટે બાળકના મનમાં એવો વિચાર આવ્યો કે જો એમના પ્રત્યે આવું વર્તન કોઈએ કર્યું હોત તો એમની શી દશા થાત! આ તો ભાઈ, ‘જેને વીતી હોય એ જાણે, અજાણ્યો કંઈ ન જાણે. કાંટો બરાબર બોરડી કેરો હાથમાં વાગ્યો હોય, વાગ્યા વિના એની વેદના બીજો જાણી શકે શું કોઈ ?’ જેવી વાત છે. જેણે પૌંઆ આપ્યા અને ભૂખ્યા બાળકની આંતરડી ઠારી તેને માટે તો બાળકના મન-મુખેથી દુઆના જ ઉદ્ગારો સરી પડે, એ સ્વાભાવિક છે.

આમ, આપણે જોઈ શકીએ છીએ કે આપણે કરેલા પરકલ્યાણ કે પરોપકારથી આપણને તો શાંતિ મળે છે, પણ બીજાનેય શાંતિ આપી શકીએ છીએ. માનસિક અશાંતિ તો એને જ મળે છે કે જે પોતાના વિશે, પોતાની સુખાકારી વિશે જ વિચારતા રહે છે. સંત તુલસીદાસ કહે છે : પરહિત બસે જિન્હ કે મન માહીં । તિન્હ કહુઁ જગ દુર્લભ કછુ નાહીં । – જેમના મનમાં બીજાનું હિત વસે છે, એમને માટે આ જગતમાં કંઈ પણ દુર્લભ નથી. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું છે : ‘દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઉઘાડી રાખજો બારી’.

સેવા કરો અને અહંકારનો નાશ કરો

અહંકાર અતિ ડમરુઆ અર્થાત્ અહંકાર અત્યંત દુ:ખ દેનાર ડમરુ (ગાંઠનો રોગ) છે. અહંકાર આપણી પ્રગતિમાં બાધારૂપ બને છે. વાસ્તવમાં જ્યાં સુધી કોઈના મનમાં અહંકાર રહે, ત્યાં સુધી તે સાચા હૃદયથી સેવા કરી જ ન શકે. એનું કારણ એ છે કે વ્યક્તિનો અહંકાર પ્રત્યેક ક્ષણે સેવાના કાર્યમાં અડચણ ઊભી કરે છે. આપણી પોતાની ઇચ્છા થાય તે રીતે સેવા ન કરી શકાય; તેનાથી ઊલટું સેવ્યની ઇચ્છા પ્રમાણે સેવા કરવી એ જ શ્રેષ્ઠ સેવા છે. પણ જ્યારે આપણે સેવ્ય કે જેની સેવા આપણે કરીએ છીએ તેની ઇચ્છા પ્રમાણે સેવા કરીએ છીએ, ત્યારે આપણા અહંકાર પર પ્રહાર થાય છે અને તેનો નાશ પણ થાય છે. જે વ્યક્તિ પીડિત અવસ્થામાં હોય, વૃદ્ધ હોય કે રોગી હોય, એવી પરિસ્થિતિમાં તે ગુસ્સે થાય કે ચિડાઈ જાય એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં પણ સેવા કરનારે તેના ક્રોધ કે ધુત્કારને અવગણીને તેમજ પોતાના અહંકારનો નાશ કરીને સેવા કરવી જોઈએ. ‘સંત સહહિં દુ:ખ પરહિત લાગી’ અર્થાત્ સંત બીજાનું કલ્યાણ કરવા માટે દુ:ખ સહન કરે છે. આ રીતે સેવાથી આપણા મનનો અહંકાર દૂર થાય છે અને આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે, કારણ કે અહંકારનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય કંઈ શીખી શકતો નથી. આપણે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છતા હોઈએ, પણ આપણો અહંકાર એમાં બાધારૂપ બને છે. આ અહંકારનો નાશ સેવાના માધ્યમથી સરળતાપૂર્વક થઈ શકે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘પરોપકારનું પ્રત્યેક કાર્ય, સહાનુભૂતિનો એકેએક વિચાર, બીજાની સહાય માટે કરેલ પ્રત્યેક કર્મ, દરેકેદરેક શુદ્ધ કાર્ય આપણા ક્ષુદ્ર અહંભાવને પ્રતિક્ષણ ઘટાડતાં રહે છે અને આપણામાં એવી ભાવના ઉત્પન્ન કરે છે કે આપણે તો ન્યૂનતમ અને તુચ્છતમ છીએ, અને એટલે જ આ બધાં કાર્યો શ્રેષ્ઠ છે.’

રામાયણના મહત્ત્વના સેવાપરાયણ પાત્ર લક્ષ્મણજી કહે છે કે બધા પ્રકારની સાધનાઓના અંતે અહંકારનો નાશ થાય છે, પરંતુ સેવાની સાધનામાં પહેલાં અહંકારનો નાશ થાય છે અને ત્યારબાદ સેવાનો આરંભ થાય છે.

સેવાથી વિનમ્રતા આવે છે

‘સંત હૃદય નવનીત સમાન ।

કહા કબિન્હ પરિ કહૈ ન જાન ।

નિજ પરિતાપ દ્રવઇ નવનીતા।

પરદુ:ખ દ્રવહિં સંત સુપુનીતા ॥

અર્થાત્ સંતોનાં હૃદય માખણ જેવાં હોય છે, એવું કવિઓએ કહ્યું છે; પરંતુ તેમણે અસલ વાત કરવાનું જાણ્યું નહીં, કારણ કે માખણ તો પોતાને તાપ મળે તો ઓગળે છે, અને પરમ પવિત્ર સંત બીજાના દુ:ખથી પીગળે છે. વાસ્તવમાં જે બીજાનાં દુ:ખ જોઈને સંવેદનશીલ બને છે એવી વ્યક્તિએ કરેલી સેવા જ સ્વાભાવિક સેવા છે. અને એ રીતે સેવા દ્વારા વિનમ્રતાનો ભાવ એની મેળે આવી જાય છે.

આપણાથી મોટેરાંની સેવાથી વિનમ્રતાનો સંસ્કાર આવે છે. આને લીધે સંયુક્ત કુટુંબમાં રહેનાર બાળકોમાં વિનમ્રતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં બાળકોને પોતાનાં દાદા-દાદીઓનો પ્રેમ મળે છે. બાળકો એ પ્રેમથી તેમની સાથે બંધાઈ જાય છે. જ્યારે તેઓ મોટાં થાય છે, ત્યારે પોતાનાં દાદા-દાદીનાં વૃદ્ધાવસ્થાનાં દુ:ખકષ્ટને જોઈને તેઓ સંવેદનશીલ મનથી તેમની સેવા કરે છે અને તેઓ વિનમ્રતાનું ભાથું બાંધે છે. કહેવાય છે ‘વિનયેન સર્વં પ્રાપ્યતે’ અર્થાત્ વિનયથી બધું જ પ્રાપ્ત થાય છે. એક સુભાષિત કહે છે :

‘વૃક્ષે આવે ફળ અને ઝૂકે જાજેરું રે…

જલભર્યાં વાદળ આવે ધરતી સમીપ રે…

સજ્જન સંપત્તિએ થાયે ઉદાર રે…

વિનમ્રતા બને પરોપકારીનો સ્વભાવ રે…

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.