ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં બન્નેનો સમાવેશ થાય છે. ચોવીશ અવતારમાં ભગવાન શ્રીકૃષ્ણ બાવીશમા અને ભગવાન બુદ્ધ ત્રેવીશમા અવતાર છે. દશાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણ આઠમા અને ભગવાન બુદ્ધ નવમા અવતાર છે.

આ બન્ને દિગ્ગજ મહત્પુરુષોનાં જીવનદર્શનને જોઈએ તો પ્રથમ દૃષ્ટિએ એમ જ લાગશે કે બન્ને સામસામા છેડા ઉપર ઊભા છે.

ભગવાન શ્રીકૃષ્ણ સમર્પણને જીવનનું સર્વોચ્ચ સત્ય ગણે છે, સર્વોચ્ચ રહસ્ય ગણે છે. ‘પરમાત્માને નિ:શેષ સમર્પણ’ આ ભગવાન શ્રીકૃષ્ણનો જીવન સંદેશ છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અર્જુનને શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપદેશ આપ્યા પછી અંતમાં અર્થાત્ અઢારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે.

सर्वगुह्यतमं भूय: श्रृणु मे परमं वच:।

इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्॥64॥

‘મારું પરમ ગહન વચન તું ફરીવાર સાંભળ; તું મારો ખૂબ પ્રિય છે, માટે તારા હિતની વાત કરીશ.’

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।

मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे॥65॥

‘તારું મન મારામાં વ્યસ્ત રાખ, મારો ભક્ત બન, મારું યજન કર, મને નમસ્કાર કર. પછી તું મને જ પામીશ; તું મને પ્રિય હોઈ હું તને આ વચન આપું છું :

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ॥66॥

‘બધા ધર્મો ત્યજી દઈને તું માત્ર મારે શરણે આવ; સઘળાં પાપમાંથી હું તને મુક્તિ અપાવીશ; શોક કર મા.’

સ્પષ્ટ છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ ‘સમર્પણ’ને સર્વોચ્ચ સત્ય ગણાવે છે.

માત્ર શ્રીમદ્ ભગવદ્ગીતાનો જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનો સર્વોચ્ચ જીવનસંદેશ પણ આ જ છે – સમર્પણ.

ભગવાન બુદ્ધ સામે છેડે ઊભા છે, તેમ લાગે છે. ભગવાન બુદ્ધ સમર્પણને નહીં, પરંતુ સમ્યક્ સંબોધને સર્વોચ્ચ સત્ય ગણાવે છેે. જેમ ‘સમર્પણ’ ભગવાન શ્રીકૃષ્ણનો પરમ સંદેશ છે, તેમ ‘જાગરણ’ ભગવાન બુદ્ધનો પરમ સંદેશ છે. અવધાન, સંબોધ, વિપશ્યના, જાગરણ આદિ ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા આખરે તો એક જ તત્ત્વ સૂચવાય છે અને તે છે – બોધ. ભગવાન બુદ્ધ પરમ બોધને પામ્યા છે અને બોધનો જ ઉપદેશ આપે છે, માટે જ તેઓ ‘બુદ્ધ’ કહેવાય છે. બુદ્ધપ્રણિત માર્ગને બૌદ્ધધર્મ અને તેમના અનુયાયીઓને પણ બૌદ્ધ કહેવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ‘સમર્પણ’નું કથન કરે છે અને ભગવાન બુદ્ધ ‘જાગરણ’નું કથન કરે છે.

ભગવાન બુદ્ધના ઉપદેશમાં ઈશ્વર કે આત્માને સ્થાન નથી અને અહીં કોઈને સમર્પિત થવાની સાધના નથી.

આમ, આ બન્ને મહાપુરુષો બે સામસામા છેડે ઊભા હોય તેમ જણાય છે, પરંતુ આ તો જણાય છે અને એ તો પ્રથમ દર્શન છે. વસ્તુત: યથાર્થ સત્ય શું છે ? શું ભારતીય જીવનદર્શનના આ બે દિગ્ગજ પુરુષો ખરેખર જ સામસામા છેડે ઊભા છે ? શું તેમનાં દર્શનનો સમન્વય શક્ય જ નથી ?

આ બન્ને દિગ્ગજ મહત્પુરુષો સત્યના સર્વોચ્ચ શિખર પર ઊભા રહીને પોતાના દર્શનને અભિવ્યક્ત કરી રહ્યા છે. બન્નેનું સત્યદર્શનનું સામર્થ્ય અને અભિવ્યક્તિની સત્યનિષ્ઠા શંકાતીત(શંકાથી પર) છે. બન્ને જીવનના સર્વોચ્ચ સત્યનું જ કથન કરે છે, તો તેમના દર્શનમાં વિરોધ કેવી રીતે હોય ? વિરોધ શા માટે હોય ?

મિત્રો ! મને કહેવાની રજા આપો કે બન્ને વચ્ચે પાયાનો કોઈ ભેદ નથી. અભિવ્યક્તિની શૈલી અને ભાષા ઘણી ભિન્ન છે, પરંતુ શૈલી અને ભાષા દ્વારા જે કહેવું છે, તેમાં આપણને પ્રથમ દૃષ્ટિએ દેખાય છે, તેવો અને તેટલો ભેદ નથી. મિત્રો ! હું પૂરી જાગૃતિપૂર્વક કહેવાનું સાહસ કરું છું કે બન્ને એક જ વાત કહી રહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણ ‘સમર્પણ’ને અને ભગવાન બુદ્ધ ‘બોધ’ને સર્વોચ્ચ સત્ય કહે છે. સત્ય એ છે કે ‘સમર્પણ’ અને ‘બોધ’ એક અવસ્થાનું કથન કરવા માટેના બે ભિન્ન ભિન્ન શબ્દો છે. જે સમ્યક્ સમર્પિત હોય, તે સમ્યક્ સંબુદ્ધ હોય જ અને સમ્યક્ સંબુદ્ધ હોય તે સમ્યક્ સમર્પિત હોય જ. જ્યારે સમર્પણ પૂર્ણ બને છે, ત્યારે પરમ સંબોધિની ઘટના ઘટે જ છે અને જ્યારે સંબોધિ સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે સમર્પણની પરમ ઘટના ઘટે જ છે.

આજથી 2650 વર્ષ પહેલાં તે રાત્રે બુદ્ધગયામાં નિરંજના નદીને કિનારે તે પીપળાના વૃક્ષ નીચે જે ઘટના ઘટી તે ઘટનાનું સ્વરૂપ શું હતું ?

પરમ સંબોધિ અને પરમ સમર્પણ એ બન્ને એક સિક્કાની બે બાજુ નથી, પરંતુ એક જ અવસ્થાનાં બે નામ છે. અભિવ્યક્તિની બે શૈલી છે.

આશ્ચર્યચકિત ન થશો ! ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધના જીવનદર્શનમાં કોઈ વિરોધ નથી. જો દૃષ્ટિ-સંકીર્ણતાથી મુક્ત બને તો આ બે મહાનદર્શન વચ્ચે સંગતિ બેસાડવાનું અશક્ય નથી જ, નથી !

આ વાત સાચી છે કે ભગવાન બુદ્ધે જીવનભર ‘आत्मदीपो भव’ ની જ વાત કહી છે અને છતાં એ પણ એટલું જ સાચું છે કે તેમણે ‘बुद्धं शरणं गच्छामि। धर्मं शरणं गच्छामि। संघं शरणं गच्छामि।’  કથન પણ કર્યું છે.

વર્તમાનકાળના સમ્યક્ સંબુદ્ધ પુરુષ શ્રી જે. કૃષ્ણમૂર્તિએ જીવનભર જાગરણ (Awareness)

ની જ શિખામણ આપી છે અને છતાં તેમણે આખરી રહસ્ય આમ આપ્યું છે :

Don`t operate upon truth, let the truth operate upon you – ‘તમે પરમ સત્ય પર કામ ન કરો. પરમ સત્યને તમારા પર કામ કરવા દો.’

વસ્તુત: આ સમર્પણનું જ કથન છે.

સમર્પણના પરમ ઉદ્ગાતા ભગવાન શ્રીકૃષ્ણ પણ ‘જાગરણ’ની વાત પણ કહે જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા 2.69માં કહે છે,

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने:॥69॥

‘બધાં ભૂતો (પ્રાણીઓ)ની જે રાત હોય છે (બધાં પરમ સત્ય પ્રત્યે બેભાન રહે છે.) તેમાં સંયમીઓ જાગતા હોય છે. જેમાં બધાં ભૂતો જાગતાં (સાંસારિક ભોગો પ્રત્યે આતુર રહે છે.) હોય છે તે જ્ઞાની મુનિની રાત હોય છે (જાગ્રત મુનિ તેમના પ્રત્યે ઉપેક્ષા રાખે છે.)’ અહીં ગીતામાં પણ જાગરણ અર્થાત્ બોધનું કથન છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ વચ્ચેનો વિરોધ અહીં વિલીન થઈ જાય છે !

Total Views: 113
By Published On: April 1, 2018Categories: Bhandev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram