(ગતાંકથી આગળ)

બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને ભગવાન બુદ્ધ ધ્યાનમગ્ન થયા હતા અને જ્યાં તેમણે જ્ઞાનપ્રાપ્ત કર્યું હતું. એ જ સમયગાળામાં નરેનને કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઇ હતી. જોગાનુજોગ પોતાના મહાપ્રયાણ પહેલાં પણ સ્વામીજીની છેલ્લી તીર્થયાત્રા પણ બોધગયાની જ હતી. ત્યારે તેઓ પોતાના ઓગણચાલીસમા જન્મદિવસે ત્યાં ગયા હતા. હકીકતમાં બોધગયા સ્વામીજીના જીવનનું પહેલું અને છેલ્લું મુખ્ય તીર્થ હતું.

ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી સારનાથમાં (વારાણસીમાં) પહેલીવાર ‘ધર્મચક્ર-પ્રવર્તન’ કર્યું હતું અને એ જ વારાણસીમાં સ્વામી વિવેકાનંદે એ પ્રસિદ્ધ ઘોષણા કરી હતી: ‘હું જઇ રહ્યો છું અને ત્યાં સુધી પાછો નહીં ફરું કે જ્યાં સુધી સમાજ પર એક બોમ્બની પેઠે ફૂટી ન પડું, અને એને એક પાળેલા કૂતરાની પેઠે મારી પાછળ ચાલતો ન બનાવી મૂકું.’ વારાણસીમાં જ તેમણે શિષ્યોને જીવતા શિવની સારવાર અને અન્નના અભાવે રોગ અને ભૂખથી મરી રહેલાં નરનારીઓની સેવા માટે પહેલો સેવાશ્રમ શરૂ કરવા પ્રેર્યા હતા.

જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન બુદ્ધે સમ્યક્ આચરણ દ્વારા સમસ્ત તૃષ્ણાના વિનાશનો મહાન સંદેશ ફેલાવવા દેશનું પગપાળા ભ્રમણ કર્યું હતું અને સ્વામીજીએ પરિવ્રાજકરૂપે કેવળ આખા દેશમાં જ નહિ, પણ પશ્ચિમના દેશોની પણ યાત્રા, સર્વ આત્માઓની દિવ્યતા તેમજ સંસારના સર્વ ધર્મોના સમન્વયનો મહાન સંદેશ દેવા માટે કરી. તેમણે પોતે કહ્યું: ‘જેવી રીતે ભગવાન બુદ્ધ પાસે પ્રાચ્ય દેશોને આપવા માટે સંદેશ હતો, તેવી રીતે મારી પાસે પાશ્ર્ચાત્ય દેશો માટે સંદેશ છે.’ ભગવાન બુદ્ધે ‘બહુજન હિતાય બહુજન સુખાય’નો આદર્શ રાખીને સંન્યાસી-સંઘની સ્થાપના કરી, તો સ્વામીજીએ પણ ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ નો આદર્શ રાખીને પોતાના ગુરુને નામે એક સંઘ સ્થાપ્યો.

પોતાના શિષ્યોને સ્વામીજી કહેતા: ‘ભગવાન બુદ્ધ મનુષ્ય ન હતા, એક અનુભૂતિ હતા. તમે બધા એમાં સમાઈ જાઓ! અને એની ચાવી અહીંથી લો!’ ભગિની નિવેદિતાને દીક્ષા આપતી વખતે એમણે તેમને શિવની પૂજા કરવાનું અને તથાગત બુદ્ધની ઉપાસના કરવાનું અને તેમનાં ચરણોમાં પુષ્પો અર્પણ કરવાનું કહ્યું હતું.

નિવેદિતા લખે છે: ‘તેમણે કહ્યું, ‘જાઓ અને તેમને અનુસરો કે જેમણે દિવ્ય બોધ પ્રાપ્ત કર્યા પહેલાં પાંચ હજારવાર જન્મ લઇને પોતનું જીવન બીજાઓ માટે સમર્પિત કરી દીધું હતું.’

તેમણે આ વાતો એવી રીતે કહી કે જાણે તેઓ એક વ્યક્તિને માધ્યમ બનાવીને ભવિષ્યમાં ગમે ત્યારે તેમની પાસે માર્ગદર્શન મેળવવા આવનારા સૌને કહી રહ્યા હોય!

ભગવાન બુદ્ધે કેવળ માનવ જાતને જ નહિ, સકલ પ્રાણી-જગતને પણ પોતાનું બનાવી લીધું હતું. આમ્રપાલી નામની વેશ્યા, એક અસ્પૃશ્ય જેની પાસેથી ભગવાન બુદ્ધે છેલ્લું ખાણું લીધુ હતું તે, તેમજ એક હજામ પણ તેમની પાસેથી નિર્વાણનું વરદાન પામી ધન્ય બન્યાં હતાં. રાજગીરમાં એક બકરાનો જીવ બચાવવા તેઓ પોતાનો જીવ અર્પણ કરવા તત્પર થઇ ગયા હતા. સ્વામીજીનું હૈયું પણ દબાયેલાં-પિસાયેલાં લોકો માટે દ્રવિત થતું હતું. ખેતડીની નર્તકી, ખેતડીનો મોચી તેમજ અલ્મોડાનો એક ગરીબ મુસલમાન ફકીર-બધાંને તેમનાં આશીર્વાદ અને સન્માન મળ્યાં હતાં.

તેમના આર્દ્ર હૈયામાંથી મર્મભેદક વાક્ય નીકળી પડ્યું હતું: ‘હું તો એને મહાત્મા માનું છું કે જેનું હૃદય દરિદ્રો માટે દ્રવી ઊઠે. એમ ન હોય તો એ દુરાત્મા છે…. હું વારંવાર જન્મું અને હજારો દુ:ખો સહેતો રહું કે જેથી હું એવા ઈશ્વરની પૂજા કરી શકું કે જે હંમેશાં હાજરાહજૂર છે. હું કેવળ એ ઈશ્વરમાં જ વિશ્વાસ કરું છું કે જે જીવમાત્રનું સમષ્ટિરૂપ છે. અને જે દુષ્ટના રૂપે, પીડિતોના રૂપે તેમજ બધી જાતિઓ, બધા વર્ગો, ગરીબોના રૂપે પ્રગટ થયો છે. એ જ મારો વિશેષ આરાધ્ય છે.’

તેમણે કહ્યું, ‘જો મારા દેશમાં એક કૂતરો પણ ભૂખ્યો રહે, તો એને માટે ખોરાક મેળવવો અને એની સારસંભાળ લેવી એ મારો ધર્મ છે. એ સિવાય બીજું જે કંઇ છે, એ કાં તો અધર્મ છે અથવા તો ખોટો ધર્મ છે.’ ભગિની નિવેદિતાએ પોતાના ગુરુને એમ કહેતા સાંભળ્યા હતા કે, ‘હું કોઈ પણ અપરાધ કરવામાં કે હંમેશાં નરકમાં જવા માટે ય અચકાઇશ નહિ, જો એમ કરવાથી ખરેખર હું કોઈ વ્યક્તિને મદદ કરી શકું.’

તેઓ આગળ લખે છે: ‘અમારામાંના કેટલાંકને તેમણે વારંવાર કહેલી બોધિસત્ત્વની જીવનગાથા પાછળ પણ તેમની આજ ભાવના રહેલી જણાતી, જાણે કે વર્તમાન યુગમાં એની વિશેષ આવશ્યકતા હોય. બોધિસત્ત્વે, જ્યાં સુધી વિશ્વનો છેલ્લામાં છેલ્લો રજકણ પણ પોતાની પહેલાં મુક્ત ન થઇ જાય, ત્યાં સુધી પોતાની નિર્વાણ પ્રાપ્તિનો સ્વીકાર નહોતો કર્યો.’

‘વજ્રધ્વજ સૂત્ર અનુસાર, એક બોધિસત્ત્વ (આગળ જતાં થનારા બુદ્ધ)નો એવો સંકલ્પ હોય છે કે, ‘ખરેખર, વધારે સારું તો એ છે કે બીજા લોકો વિષાદમાં પડ્યા રહે એના કરતાં ફક્ત હું જ દુ:ખ ભોગવું. માટે મને પોતાને બન્ધકના રૂપમાં અવશ્ય સમર્પિત કરી દેવો જોઈએ, જેથી સંપૂર્ણ વિશ્વ નરક, જાનવરો અને યમલોકની વિભીષિકાથી બચી શકે. મારે મારા આ શરીરના માધ્યમથી બધાં પ્રાણીઓ માટેનાં બધાં કષ્ટોનો અનુભવ કરવો જોઈએ. હું બધાં પ્રાણીઓ વતી બધાંને અભયદાન આપું છું અને એ શા માટે? સમસ્ત પ્રાણીજગતને મુક્ત કરવાના ઉદ્દેશ્યથી મારામાં બધા પ્રકારનાં જ્ઞાન પર વિજય મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થઈ છે.’ આ રીતે ભગવાન બુદ્ધે સાર્વલૌકિક કરુણાનો એ સંદેશ આપ્યો કે જે વેદાન્ત અનુસાર બધાં પ્રાણીઓની મૂળભૂત એકતા ઉપર આધારિત છે. તે અનુસાર અન્ય લોકો તરફના પ્રેમને લીધે પોતાના નિર્વાણનો પણ ત્યાગ કરી દેવો, એ જ ખરેખરા અર્થમાં નિર્વાણની પ્રાપ્તિ છે.

સ્વામીજીએ અનેકવાર સર્વજનીન મુક્તિના વિચારને એવી જ રીતે વ્યક્ત કર્યો છે કે જે રીતે ભગવાન બુદ્ધે વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શિષ્ય શ્રી શરત્ચન્દ્ર ચક્રવર્તીને કહ્યું હતું, ‘એ માની લઉં છું કે અદ્વૈતની અનુભૂતિ દ્વારા તમે વ્યક્તિગત મુક્તિ મેળવી લો છો; પણ એમાં વિશ્વનું શું ભલું થશે? તમારે તો દેહત્યાગની પહેલાં આખા વિશ્વને મુક્ત કરવું પડશે. ત્યારે જ તમે શાશ્ર્વત સત્યમાં સ્થિર રહી શકશો.’

વળી તેમણે કહ્યું, ‘શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બંધનમાં પડ્યો રહે, ત્યાં સુધી તમે મુક્તિ મેળવી શકશો? જ્યાં સુધી એ મુક્ત નહિ થઈ જાય, ત્યાં સુધી તમારે કેટલીયવાર જન્મ લેવો પડશે, કારણ કે એને બ્રહ્માનુભૂતિ કરાવવામાં તમારે મદદ કરવી પડશે.’

તેમણે શ્રી ગિરીશ ઘોષને કહ્યું હતું: ‘તમે જાણો છો ગિરીશબાબુ? મને એવું લાગે છે કે વિશ્વને દુ:ખમુક્ત કરવા મારે જો હજાર વાર જન્મ લેવો પડે તો હું ખરેખર જ એવું કરીશ. જો એવું કરવાથી એક આત્માનું દુ:ખ પણ થોડું ઓછું થાય તો હું એવું કેમ ન કરું? ફક્ત પોતાની જ મુક્તિથી બાકીના બધાને શો લાભ થાય? એ રસ્તે પોતાની સાથે બધા લોકોને દોરી જવા પડશે.’

આ રીતે સ્વામી વિવેકાનંદનું જીવન અને એમનો સંદેશ જાણે ભગવાન બુદ્ધના જ જીવન અને સંદેશનો પડઘો હતો. અને અઢી હજાર વરસ પહેલાં ગુંજી ઊઠેલા એ સંદેશને તેમણે એક નવી શ્રદ્ધેયતા અર્પી હતી. (ક્રમશ:)

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.