વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામ અને શ્રીરામની વચ્ચે ઘણો લાંબો સમયગાળો વીતી ગયો હતો. પરશુરામના પિતાએ ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું હતું. ભગવાન શ્રીરામ અને પરશુરામના મિલનની એક પ્રસિદ્ધ કથા છે. સીતાના સ્વયંવર વખતે શ્રીરામે જનકના દરબારમાં શિવના ધનુષ્યનો ભંગ કર્યો હતો, એ કથાથી આપણે સૌ વાકેફ છીએ. જ્યારે રામ અયોધ્યા પાછા જતા હતા ત્યારે પરશુરામને વિષ્ણુએ આપેલા ધનુષ્યને ખેંચવાનું કહ્યું. શ્રીરામે તરત જ ધનુષ્ય લઈને પ્રત્યંચા પર બાણ રાખીને પરશુરામને પૂછ્યું કે તેઓ આ બાણ ક્યાં છોડે ? પરશુરામે જોયું કે શ્રીરામચંદ્રજીને જોવા બધા દેવતાઓ, બ્રહ્માજી, ગંધર્વ, અપ્સરાઓ, સિદ્ધ, કિન્નર, યક્ષ, રાક્ષસો અને નાગ પણ રામના ધનુષ્યને છોડવાની આ ઘટના મંત્રમુગ્ધ બનીને નિહાળવા આવ્યા છે. શ્રીરામચંદ્રજીએ એ ઉત્તમ બાણ છોડ્યું અને પરશુરામની તપસ્યા દ્વારા અર્જિત બધાં પુણ્યલોકોનો નાશ કર્યો. પરશુરામે શ્રીરામની ક્ષમાયાચના કરી અને એમની પરિક્રમા પણ કરી. આમ ભગવાન પરશુરામે રામને પોતાના અવતાર રૂપે માન્યા હતા. (વાલ્મીકિ રામાયણ)

આ પરશુરામને લાંબા કેશદાઢીવાળા, વલ્કલવસ્ત્ર ધારણ કરેલા અને હાથમાં પરશુ અને ધનુષ્ય રાખનારા રૂપે ચિત્રોમાં જોઈએ છીએ. પરશુરામ પહેલાં મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ અને વામન અવતાર થયા હતા, એમ મનાય છે.

ગીતામાં કહ્યું છે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મનો ક્ષય થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું અને ધર્મ, સત્પુરુષો અને સાધુઓને તારું છું. એટલે કે ઈશ્વર સમગ્ર સૃષ્ટિના તારણહાર રૂપે યુગે યુગે અવતાર ધારણ કરીને માનવપ્રજાનો ઉદ્ધાર કરે છે. પરશુરામ પણ આવા ઉદ્ધારક અવતાર હતા.

દરેક યુગમાં સત્તા માટે જાતિ અને વર્ણો વચ્ચે ક્યારેક ક્યારેક ભીષણ સંઘર્ષ જોવા મળે છે. પરશુરામના સમયકાળ દરમિયાન વિદ્યાસંપન્ન દરિદ્ર બ્રાહ્મણો અને ધન, સત્તા અને સમૃદ્ધિથી છલકાતા ક્ષત્રિયો વચ્ચે સંઘર્ષ થયો. ક્ષત્રિયોમાં પણ કેટલાક વેદોનું જ્ઞાન ધરાવતા હતા. પણ બાકીના મદહોશ બનીને કુકર્મો કરતા હતા. બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચેનો આ કલહ પરશુરામના સમયમાં પરાકાષ્ટાએ પહોંચ્યો. એમણે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયહીન બનાવવાનો પ્રયાસ કર્યો અને તેમણે બ્રાહ્મણોની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી હતી.

બાલ્યકાળથી વિદ્વાન અને જ્ઞાની પિતા જમદગ્નિની નિશ્રામાં તેમણે વેદોનું અધ્યયન કર્યું. તેમણે ધનુર્વિદ્યા પણ શીખી લીધી. હિમાલયમાં જઈને તેમણે કેટલાંય વર્ષો સુધી મહાદેવની આરાધના કરી અને વરદાનના રૂપે ભગવાન શિવે પોતાના શિષ્યને પરશુ આપ્યું. એ પહેલાં એમનું નામ માત્ર રામ હતું, પરંતુ શિવ પાસેથી તેમની અમીકૃપારૂપે પરશુ મળતાં, તેઓ પરશુરામના નામે જાણીતા થયા.

મહાદેવે આપેલા પરશુ અને એમના આશીર્વાદથી રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા. પરશુ એમનું મુખ્ય આયુધ બન્યું. આ પરશુ વિશે પણ એક રોચક કથા છે. મહાદેવે પ્રજાપતિ દક્ષના યજ્ઞનો ધ્વંશ કરવા પોતાનું ત્રિશૂલ ફેક્યું. પ્રત્યાવર્તન વખતે ત્રિશૂલ બદ્રિકાશ્રમ તરફ ચાલ્યું ગયું. ત્યાં નર અને નારાયણ તપ કરતા હતા. નારાયણને ત્રિશૂલ લાગ્યું અને એમણે મંત્રોચ્ચાર કર્યો. ત્રિશૂલ તો ભગવાન શિવ પર પ્રહાર કરવા આગળ ધપ્યું. નર ઋષિએ પણ મંત્રોચ્ચાર કરીને મહાદેવ ઉપર એક તણખલું ફેક્યું. આ તણખલું એક મોટા પરશુના આકારમાં ફેરવાઈ ગયું. પછી નર ઋષિએ પોતાની ભૂલ માટે શિવની માફી માગી અને તેમની આરાધના કરી. આ રીતે મહાદેવને પરશુ મળ્યું.

પરશુરામના પિતા જમદગ્નિનો કાર્તવીર્યના પુત્રોએ વધ કર્યો. પરશુરામના માતા રેણુકાથી પતિવિયોગ સહન ન થયો. તેમણે વિલાપ કરતાં કરતાં પૃથ્વી પર અઢાર વખત પછડાટ ખાઈને પતિના ચિતાગ્નિમાં પ્રવેશ કર્યો. પરશુરામે એકવીસ કે અઢાર વખત એનો બદલો લીધો. આ ભયંકર નરસંહાર પછી એના પાપમાંથી મુક્ત થવા એમણે કુરુક્ષેત્રમાં દેવતાઓ અને પિતૃઓને પ્રાર્થના કરી અને પ્રાયશ્ર્ચિત્ત માટે એક યજ્ઞ કર્યો. યુદ્ધમાં મેળવેલી સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. કશ્યપને એમણે સમગ્ર પૃથ્વી આપી દીધી. ત્યાર પછી તેઓ તપ માટે મહેન્દ્રગિરિ ચાલ્યા ગયા.

પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો અને ક્ષત્રિયકુળમાં જન્મેલ શ્રીરામ અને શ્રીકૃષ્ણ સાથે એમની મુલાકાત પણ થઈ, એમાં થોડો વિરાધાભાસ દેખાય છે. તેના ઘણા સમય બાદ ભગવાન બુદ્ધનો જન્મ ક્ષત્રિયકુળમાં થયો હતો. એનાથી એટલું સ્પષ્ટ પણે કહી શકાય કે પરશુરામે દુષ્ટ ક્ષત્રિયોનો વધ કર્યો હતો. વળી એમને પોતાના પિતૃઓ દ્વારા આદેશ મળ્યો હતો કે બાકીના બીજા ક્ષત્રિયવંશનો સંહાર ન કરે. સમાજના અવિભાજ્ય અંગનો સમૂળ નાશ કરી દેવાથી આવતાં પરિણામો સમગ્ર સમાજે ભોગવવાં પડે છે. એટલે પરશુરામે દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો.

મહાભારતમાં એમની સૌથી પ્રસિદ્ધ કથા કર્ણ વિશેની ગણાય છે. કર્ણ પોતાને બ્રાહ્મણ બતાવીને તેમની પાસેથી શસ્ત્રવિદ્યા શીખ્યા હતા. અંતિમ સમયે પરશુરામ પાસેથી અભેદ્ય બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા પણ શીખી લીધી. એક દિવસ થાકને કારણે પરશુરામજી આરામ કરવા ઇચ્છતા હતા. કર્ણના ખોળામાં માથું રાખીને તેઓ સૂઈ ગયા. ઓચિંતાનો એક કીડો કર્ણની જાંઘ કોતરવા લાગ્યો. ગુરુજી ન જાગી જાય એટલે કર્ણ હલ્યાચલ્યા વિના મક્કમતાથી આ પીડા સહન કરતો રહ્યો. ધીમે ધીમે જાંઘમાંથી લોહી વહેવા લાગ્યું. છતાંય તે અવિચળ રહ્યો. પરશુરામને આ લોહીનો સ્પર્શ થયો અને તેઓ ઊંઘમાંથી સફાળા જાગી ગયા. એમણે બધું જોયું અને કર્ણને કહ્યું, ‘તું સાચું બોલ કોણ છો? કોઈ બ્રાહ્મણ આટલી શાંતિ અને તિતિક્ષાથી આ પીડા સહન કરી ન શકે. તું ખરેખર બ્રાહ્મણ નથી.’ કર્ણે પોતાનો સાચો પરિચય આપ્યો અને ત્યારે પરશુરામે પોતાની સાથે છળકપટ કરવા માટે કર્ણને અભિશાપ આપ્યો, ‘જા, તારે જ્યારે પ્રચંડ બ્રહ્માસ્ત્રની આવશ્યકતા ઊભી થશે, ત્યારે તું એ જ્ઞાન ભૂલી જઈશ.’ અને અંતે કર્ણ અને અર્જુનના યુદ્ધમાં કર્ણ પોતાની વિદ્યાને પરશુરામના અભિશાપને લીધે ભૂલી જાય છે અને અર્જુન તેનો વધ કરે છે.

પરશુરામની સ્તુતિ રામાયણ અને મહાભારત ઉપરાંત બીજાં પુરાણોમાં આવે છે. એમણે પોતાનું શેષ જીવન દક્ષિણભારતના મહેન્દ્રગિરિ પર્વત પર વિતાવ્યું. પરાક્રમી અર્જુન પણ આ સ્થળે એમને મળ્યા હતા. પરશુરામને મલબાર પ્રદેશના નિર્માતા માનવામાં આવે છે. એક કથા પ્રમાણે વરુણદેવતાએ એમને આ ભૂમિ આપી હતી. બીજા વર્ણન પ્રમાણે પરશુરામે સમુદ્રને પાછળ ધકેલ્યો હતો અને પોતાના પરશુથી પશ્ચિમની પર્વતમાળાને ભેદી હતી.

Total Views: 207
By Published On: May 1, 2018Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram