‘શીલં પરં ભૂષણમ્’. ચારિત્ર્ય જ માનવનું પરમ ભૂષણ છે, માનવનો ઉત્તમોત્તમ ગુણ છે. એમ કહી શકાય કે શીલ જ માનવનું સર્વસ્વ છે. ભલે માણસમાં બીજી અનેક લાયકાતો, આવડતો હોય પણ એ ચારિત્ર્યહીન હોય તો એની બીજી બધી યોગ્યતાઓ કે વિશિષ્ટતાઓ એકડા વિનાનાં મીંડાં જેવી છે.

સારા અને સાચા માણસ બનવા માટે અનિવાર્ય ગણી શકાય એવા ચારિત્ર્યનો કેટલાક સંકુચિત અર્થ કરે છે. અમુક વ્યક્તિનું ચારિત્ર્ય સારું નથી એમ કહેવા પાછળનો આપણો આશય સંકુચિત હોય છે. આપણે એમ માનીએ છીએ કે એ વ્યક્તિ વ્યભિચારી, જુગારી જેવાં દૂષણોવાળો છે. પણ આ શબ્દ ઘણા વ્યાપક અર્થવાળો છે. હાથીનાં પગલાં જેવા બીજા અનેક સદ્ગુણો એમાં સમાયેલા છે. ચારિત્ર્ય એટલે તમામ સદ્ગુણોનો સમુચ્ચય.

ચારિત્ર્ય સિમેન્ટ જેવો ગુણધર્મ ધરાવે છે અને બધા સદ્ગુણોને જોડી રાખે છે. ભગવદ્ગીતામાં ‘દૈવાસુર સંપદ્વિભાગયોગ’નામના સોળમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અભય, દાન, અહિંસા, સત્ય, ક્ષમા, કરુણા, તેજ, દ્યુતિ, નમ્રતા જેવા ગુણોને દૈવી સંપત્તિ કહી છે. આ સંપત્તિઓનો સરવાળો એટલે ચારિત્ર્ય. ગુજરાતી સાહિત્યના કવિ નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ નામના કાવ્યમાં જે સદ્ગુણોનો નિર્દેશ કર્યો છે, એ બધા સદ્ગુણો ચારિત્ર્યવાન વ્યક્તિમાં હોવા જોઈએ. એટલે જ ગાંધીજીએ આ ભજનને પોતાની દૈનંદિન પ્રાર્થનામાં સમાવ્યું હતું. એ ગુણો આ છે : પરપીડાનો અનુભવ કરવો, અહંકાર વિના ઉપકાર કરવો, નિંદા ન કરવી, સાર્વત્રિક નિર્મળતા કેળવવી, સર્વ પ્રત્યે સમાનભાવ રાખવો, સત્ય બોલવું, ચોરી ન કરવી, વૈરાગ્યભાવના રાખવી, નિરાસક્ત રહેવું, ષડ્ રિપુથી પર રહેવું વગેરે. આ બધા ગુણો જે વ્યક્તિ ધરાવતી હોય તે ‘શીલવાન’ ગણાય.

પોતાની વિદ્યાર્થી અવસ્થામાં યુધિષ્ઠિરને એક સૂત્ર પાકું કરવા આપ્યું, ‘સત્યમ્ વદ, ધર્મમ્ ચર’. આ વાક્યો  મુખસ્થ તો થઈ ગયાં. ગુરુદ્રોણે પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરનો જવાબ હતો, ‘હજી બરાબર પાકાં નથી થયાં.’ સાંભળીને બધાને નવાઈ લાગી. પણ જ્યારે આ વાકયો તેઓ જીવનમાં ઉતારી શક્યા, વણી શક્યા ત્યારે એમણે એ વાક્યો આવડી જવાનો દાવો કર્યો. આ પણ ચારિત્ર્યનો એક ગુણ છે.

એકવાર આચાર્ય બોધિધર્મ ચીનના પ્રવાસે ગયા. ત્યાંનો રાજા બૌદ્ધધર્મ પાળતો હતો. રાજા આચાર્ય બોધિધર્મનાં દર્શન કરવા આવ્યો. તેણે પ્રણામ કરીને આચાર્યને કહ્યું, ‘ભંતે, મારા આખા રાજ્યમાં મેં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો છે; ઠેરઠેર બૌદ્ધમંદિરો, વિહારો, ધર્મશાળાઓ, પાઠશાળા અને અનાથાશ્રમો સ્થાપ્યાં છે. મારે આપની પાસેથી એ જાણવું છે કે આવાં બધાં જનહિતનાં કાર્યોથી મારું આત્મકલ્યાણ થાય કે નહીં ?’ આચાર્ય બોધિધર્મે વિનમ્રતાથી પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘ના, માત્ર આવાં કાર્યોથી આત્મકલ્યાણ થઈ શકે નહીં.’ રાજાએ ફરી પૂછ્યું, ‘તો આત્મકલ્યાણ કેવી રીતે થાય?’ બોધિધર્મે કહ્યું, ‘માનવસેવાની સાથે સાથે શીલની સાધનાથી આત્મકલ્યાણ થઈ શકે. તમે જે પરહિત અને ધર્મનાં કાર્યો કર્યાં છે, તેનાથી તમને કીર્તિ ચોક્કસ મળશે. પણ આત્મકલ્યાણ તો શીલની સાધનાથી જ થઈ શકે. આ શીલ એટલે : સમ્યક્જ્ઞાન, સંકલ્પ, વચન, કર્માંત, આજીવ, વ્યાયામ, સ્મૃતિ, સમાધિ અર્થાત્ આર્ય સત્યોનું સંપૂર્ણ જ્ઞાન, સત્યના પથે ચાલવાનો પાકો નિર્ણય, સત્યવાદી થવું, હિંસા-દગા અને દુરાચરણથી દૂર રહેવું, ન્યાયપૂર્ણ રીતે જીવનનિર્વાહ કરવો, સત્યકર્મો માટે પ્રવૃત્તિશીલ રહેવું, લોભ-લાલચ કે ચિત્તને દુ:ખ આપતી વાતોથી દૂર રહેવું, રાગદ્વેષમુક્ત ચિત્તની એકાગ્રતા કેળવવી.

આ બધા સદ્ગુણો કેળવવાની અને એને જીવનમાં જીવી બતાવવાની સાધના એટલે શીલસાધના. એટલે જ ચારિત્ર્ય-ઘડતરને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

માણસે પુરુષાર્થ કરીને જીવન જીવવા આવશ્યક સંપત્તિ મેળવવી જોઈએ. પોતાનું જીવન જોગવતાં જોગવતાં બીજાને માટે પણ લાંબો હાથ કરવો જોઈએ. સંપત્તિ આવે તો છકી ન જવું અને જાય તો હતાશ ન થવું. આહાર-વિહારનો સંયમ પણ આપણા જીવનને તારે છે. શરીર સારું હોય તો મન પણ સારું કરી શકાય અને મન શુદ્ધ હોય તો તેને એકાગ્ર કરીને શીલની સાધના કરી શકાય. અંગ્રેજીમાં આ ત્રણ વાક્યો આવે છે :

If Wealth is lost nothing is lost,

If Health is lost something is lost,

If Character is lost everything is lost.

 

જો જાય ધન તો કંઈ ન ગુમાવે માનવી,

જો જાય આરોગ્ય તો કંઈક ગુમાવે માનવી,

પણ જો જાય ચારિત્ર્ય તો સઘળું ગુમાવે માનવી.

Total Views: 472

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.