ભગવદ્ ગીતા અને અન્ય ધર્મશાસ્ત્રોનો મહાન ઉપદેશ એ છે કે એક વ્યક્તિ સમાજનું એક અંગ હોવાથી સાથે એક અખંડ સાર્વભૌતિક સત્તાનું પણ અંગ છે. પ્રાચીન હિન્દુશાસ્ત્રોમાં વિરાટ પુરુષનું પ્રતીકાત્મક વર્ણન છે, જેના મુખમાંથી પવિત્રતા, જ્ઞાન, ધર્મ અને સંયમથી યુક્ત બ્રાહ્મણની; બાહુઓમાંથી ક્ષત્રિયોની, ઉરુમાંથી જીવનનિર્વાહની સામગ્રી તેમજ અન્ન ઉપજાવનાર ખેડૂત અને વૈશ્યની, પગમાંથી કઠિન પરિશ્રમ કરનાર મજૂરની ઉત્પત્તિ થઈ છે (પુરુષસૂક્ત-ઋગ્વેદ 10.90.12). માનવદેહની જેમ સમાજના બધા વર્ગો, એક પૂર્ણના અવિભાજ્ય તેમજ અનિવાર્ય અંગ છે. વિદ્યાર્થી અને ગૃહસ્થ જીવનની પરિસમાપ્તિ પછી જીવનમાંથી નિવૃત્ત થવાનો સમય આવે છે અને સંભવત: ત્યારબાદ બધાં બંધનોમાંથી મુક્ત થઈને એકાંતમાં ધ્યાન કરતા સંન્યાસીના જીવન જીવવાનો અવસર પણ આવે છે.
જો પ્રત્યેક વ્યક્તિ જીવનની બધી અવસ્થાઓમાં અંતર્નિહિત સાર્વભૌમ વિરાટ સત્તાના લય સાથે સમાયુક્ત અને સમરસ થઈ જાય, તો તે પોતાનું જ નહીં પણ પોતાની પાસે રહેલા બધાંનું કલ્યાણ સાધી શકશે. આપણા સૌનું આ જ પરમ કર્તવ્ય છે. વિરાટ પુરુષનું કેટલીયે વાર અનેક હાથ-પગવાળા પુરુષના રૂપે વર્ણન-ચિત્રણ કરવામાં આવે છે. જેનાથી આપણને એ પરમ અદ્વિતીયની વિવિધ અભિવ્યક્તિની યાદ આવી શકે. પ્રત્યેક માનવ વિશ્વની આ મહાન નાટ્યશાળા-રંગભૂમિનો એક અભિનેતા છે અને તેણે પોતાની ભૂમિકા નિભાવવાનું શીખવું જોઈએ. આપણામાંથી કોઈ પણ બે વ્યક્તિની ભૂમિકા એક જ નથી.
અમેરિકન સ્વાધીનતાના ઘોષણા પત્રમાં આમ કહેવાયું છે : ‘બધાં માનવો સમાન છે.’ હવે આપણે એ જાણીએ છીએ કે બાહ્યજીવન કે આંતરિક સંરચનામાં કોઈપણ બે વ્યક્તિ એક સમાન નથી. એટલે તેઓ સમાન કેવી રીતે હોઈ શકે ? એનો જવાબ વેદાંત આપે છે : ‘એ જ એક આત્મા બધામાં વિદ્યમાન છે, પરંતુ જ્યાં સુધી માનસિક અને શારીરિક ક્ષમતાઓ અને સ્વભાવને લાગે વળગે છે, ત્યાં માનવ એક સમાન છે, પરંતુ બીજા બધા સ્તરે તેમના વચ્ચે અનંત પ્રભેદ છે.’
મહાન સમાજસેવક અને પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એક વખત શ્રીરામકૃષ્ણને પૂછ્યું- ‘શું ઈશ્વરે કોઈને ઓછી તો કોઈને વધુ શક્તિ આપી છે ?’ શ્રીરામકૃષ્ણે આવો જવાબ આપ્યો હતો :
‘તે વિભુ રૂપે બધાં પ્રાણીઓમાં-કીડીઓ સુધ્ધાંમાં છે. પણ શક્તિનું તારતમ્ય ઓછા-વધતાપણું હોય છે. જો એમ ન હોય તો કોઈ દશને હરાવી દે અને તો કોઈ એકને જોઈ નાસવા લાગે છે. જો એવું ન હોય તો પણ તમને બધા કેમ માને? શું તમારે બે શિંગડાં છે. બીજાંના કરતાં તમારામાં વધારે દયા છે, વિદ્યા છે એટલે લોકો તમને માને છે અને મળવા આવે છે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત)
હિન્દુ ધર્મનો દૃષ્ટિકોણ પ્રત્યેક માનવને વસ્તુસ્થિતિને ઓળખવા, પોતાની ક્ષમતાને જાણવા, પોતાના નીજી સ્વરૂપની સત્તાની શોધના કરવા અને ત્યારબાદ વ્યક્તિગત વિકાસના વિધાન કે સ્વધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. ત્યારે તેને સ્વયં તેમજ સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યની સ્પષ્ટ ધારણા થશે. એક યુવાન ગૃહસ્થ શ્રીરામકૃષ્ણ પાસે આવ્યો અને તેણે કહ્યું કે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો છે.
શ્રીરામકૃષ્ણે એને પોતાના પરિવારમાં પાછા જવા કહ્યું. સંન્યાસની ઇચ્છા કરનારે કહ્યું- ‘અરે ! મારા સસરા મારા પરિવારનું ભરણપોષણ કરી શકે તેમ છે.’ એ સાંભળીને શ્રીરામકૃષ્ણે પૂછયું- ‘શું તમારામાં આત્મ-સન્માનનો ભાવ નથી ?’ પછી તે યુવાનને ઠપકો આપ્યો અને તેને કોઈ નોકરી શોધીને પરિવારનું ભરણપોષણ કરવા કહ્યું. આમ પ્રત્યેક વ્યક્તિ માટે સામાન્ય જીવનના દરેક સ્તર માટે એક ધર્મ-વિશેષ હોય છે. એટલું જ નહિ પરંતુ દૈનંદિન જીવન પાછળ પણ એક ઈશ્વરીય વિધાન હોય છે. જીવનનાં કર્તવ્યનું સુચારુ રૂપે પાલન કરીને પ્રત્યેક વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. કર્મમાં અથવા જીવનની સમસ્યાઓમાં ઉચ્ચ-નીચ અથવા સ્થાન ભેદનો પ્રશ્ન નથી. પ્રત્યેક વ્યક્તિએ આધ્યાત્મિક પૂર્ણતા માટે સંઘર્ષ કરવો જોઈએ. ભગવદ્ ગીતા (18.46)નો મૂળ સંદેશ પણ એ શ્ર્લોકમાં સ્પષ્ટ થાય છે :
यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवा: ॥
અર્થાત્ – ‘જે પરમેશ્ર્વરમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે, તેમજ જેનાથી સમસ્ત જગત વ્યાપ્ત છે, તે પરમેશ્ર્વરની સ્વકર્મથી અર્ચના કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે.’
આપણી સામે બે પથ છે : પ્રથમ – ધર્મસંમત રીતે સાંસારિક ભોગ અને સમૃદ્ધિનો પથ. ઉચિત રીતે નિયંત્રિત થવાથી આ માર્ગ સ્વાભાવિક રૂપે બીજા પથમાં પર્યવસિત થઈ જાય છે અને તે ઈશ્વરસાક્ષાત્કાર અને બંધનોમાંથી મુક્તિનો પથ છે. વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે આ બધામાંથી એકને પસંદ કરી શકે છે. અધર્મનો માર્ગ ગમે તે ભોગે ત્યાગ કરવો જોઈએ (કારણ કે) તે વાસના, અસત્ય અને લોભનો માર્ગ છે. જો સાંસારિક પ્રવૃત્તિઓથી ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તેને બીજા લોકોમાં વહેંચવી જોઈએ અને તેનો વિયોગ બીજાના તથા પોતાના આધ્યાત્મિક કલ્યાણ માટે કરવો જોઈએ.
ગૃહસ્થનું કર્તવ્ય
હિન્દુ સમાજ-વ્યવસ્થામાં ગૃહસ્થને સમાજનો મુખ્ય આધાર માનવામાં આવે છે. બાળકોને સમાજ કલ્યાણ અને તેના સુરક્ષણમાં પોતાનું યોગદાન આપવાનું શીખવવું જોઈએ. મનુ-સ્મૃતિ (3.77)માં કહેવાયું છે.
यथा वायुं समाश्रित्य सर्वे जीवन्ति जन्तव: ।
तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमा: ॥
‘જે રીતે બધાં પ્રાણીજીવન વાયુ પર આશ્રિત છે. તેવી રીતે બધાં આશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) ગૃહસ્થાશ્રમ પર આધારિત રહે છે.’
પરંતુ ગૃહસ્થના જીવનને ભોગવિલાસ માટે માનવામાં નથી આવતું. શિષ્ય ઉદ્ધવને ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપે છે, તેમાં પણ આ જ વાત પર ભાર દીધો છે. (ભાગવત 11.17.52,55)
ગૃહસ્થે આ સદા યાદ રાખવું જોઈએ કે પરમશ્રેય ભોગમાં નથી, પરંતુ એ તો છે જ્ઞાન-પ્રાપ્તિમાં કારણ કે વ્યષ્ટિજીવન સમષ્ટિજીવનનું એક અંગ છે. ગૃહસ્થધર્મ દ્વારા પરમાત્માની આરાધના કરીને ભક્ત એકાન્તિક આધ્યામિક સાધના માટે વનમાં જઈને ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન કરે. (ક્રમશ:)
Your Content Goes Here