‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ ખીમ હતું. એનું પાંચ વર્ષની વયે અવસાન થયું. ત્યાર બાદ બીજા પુત્રનો જન્મ થયો. તેનું નામ પણ ખીમ પાડેલું, જે ખીમસાહેબ થયા. ગુરુબોધ તેને પિતા ભાણસાહેબ પાસેથી જ મળ્યો અને ભાણસાહેબે તેને રવિસાહેબ પાસેથી સંપ્રદાયની સાધનાનો બોધ લેવાનું જણાવ્યું હતું. ભાણપુત્ર-શિષ્ય ખીમસાહેબ વારાહી ગામે રહેતા હતા.

તેમને ગંગારામજી તથા મલુકદાસજી નામે બે પુત્રો હતા. રવિસાહેબની આજ્ઞાથી ખીમસાહેબે વાગડદેશમાં રાપર(કચ્છ) ગામે આવેલા ‘દરિયાસ્થાન’માં સંવત 1837માં જગ્યા બાંધી, અન્નક્ષેત્ર ચલાવીને વસ્તી-ચેતાવવાનું કાર્ય ર્ક્યું. ઈ.સ.1801માં રાપરમાં જીવતાં સમાધિ લીધી.

ખીમસાહેબને ‘ખલક દરિયા ખીમ’નું વિશેષણ આપવામાં આવે છે. કેટલાયે મચ્છીમારો – ખારવા લોકોને ગુરુબોધ આપી સત્યનો માર્ગ બતાવેલો, તેમને મન તો ખીમસાહેબ દરિયાપીર હતા.

ખીમસાહેબનું મહત્ત્વનું કાર્ય તે સમયે અછૂત ગણાતા હરિજન સમાજના ગુરુબ્રાહ્મણ ત્રિકમદાસનો સ્વીકાર કરીને, ગુરુબોધ આપીને તેમને ‘સાહેબ’ની પદવી આપી તે છે. ત્રિકમસાહેબ તેમની નાદ શિષ્ય પરંપરાને આગળ વધારે છે અને ખીમસાહેબના બુંદ શિષ્ય ગંગસાહેબ તેમની પરંપરાને ફેલાવે છે.

ત્રિકમસાહેબ આ રવિ-ભાણ સંપ્રદાયની વાડીના સાધુઓનો ફેલાવો તેજસ્વી હરિજન સંતો ભીમસાહેબ, બાળક્સાહેબ અને દાસીજીવણ જેવાં સંતરત્નોથી કરે છે.

ખીમસાહેબનાં હિંદી, ગુજરાતી અને કચ્છી ભાષામાં અનેક ભજનો મળે છે.

મુને ભેટયા સત્ગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના…

અમર પટા લીખ દીયા અગમરા, ગગન ઘરમેં જાના,

જલમલ જ્યોતિ અખંડ અજવાળાં, ઠીક તિયાં ઠેરાયા…

ખીમસાહેબ કહે છે કે મને સત્ગુરુ ભાણસાહેબ મળ્યા અને મ્હોર મારી પરવાનો લખી આપ્યો, અગમઘરનો. એવો અમરપટ્ટો લખી આપ્યો કે ગગનઘરમાં જવાનો માર્ગ પ્રાપ્ત થયો. હવે મારે જન્મ-મરણનો ફેરો નથી. ભવબંધન તૂટી ગયાં. ગુરુએ મને અગમભેદ બતાવ્યો, ગુપ્તજ્ઞાન આપ્યું અને સતગુરુની કૃપાથી અખંડ જ્યોતિનાં દર્શન થયાં.

મારી ચારોખાણ – લોકૈષણા, પુત્રૈષણા, વિત્તૈષણા અને જિજીવિષા મટી ગઈ. મારી સામે સત્સાહેબ છે. મન મસ્ત બની ગયું છે અને સહેજે શૂન્યઘરમાં સમાઈ ગયું છે. ‘નેનું આગે નૂર નિરખ્યા’ મને તો ખલકથી ન્યારા નિરંજન-અલખનાં દર્શન થયાં છે. ચારે તરફ અપાર મહાતેજ રેલાઈ રહ્યું છે. ખીમસાહેબ અને રવિસાહેબ વચ્ચે અધ્યાત્મસાધના અંગે થયેલી પ્રશ્નોત્તરીનાં ભજનો ગવાય છે.

કોઈ પરખંદારે સત શબ્દકા રૂપ.

મૂળ શબ્દ સો કહાંસે ઉઠે, કોન દેશમાં બોલે,

કોન મંડલ શબ્દુકા વાસા,

તત્ત્વ વિચારી તોલે. કોઈ પરખંદારે… 1

કીતના લંબા કીતના ચૌડા, કીતના હે અનુમાના,

કેસા રૂપ શબ્દ કા સંતો,

બતાઈ દીયો કર ધ્યાના. કોઈ પરખંદારે… ર

કીતના હલકા કીતના ભારી, ખારા હે કે મીઠા,

મોહી ગરીબકુ કહી સમજાવો,

શબ્દ કોન બીધી દીઠા. કોઈ પરખંદારે… 3

શરીર ખોજ શબ્દકુ પકડો, હાથ ગ્રહી બતલાવો,

પડે પિંડ પ્રગટ ઘર ભાંગે,

શબ્દ કહાં સમાવો. કોઈ પરખંદારે… 4

ખીમદાસ રવિરામકુ પૂછે, ગમ કર ગગનાં હેરી,

કોન નિરંતર કોન દેશમે,

કહાં સમાવે દોરી. કોઈ પરખંદારે… પ

ખીમસાહેબ રવિસાહેબને પ્રશ્ન કરે છે – જો તમે કોઈ પરખંદા હો તો બતાવી આપો કે ‘સત્’ શબ્દનું રૂપ કેવું છે ? મૂળ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને ક્યા દેશમાં બોલે છે, પ્રગટ થાય છે ? ક્યા મંડળમાં શબ્દનો નિવાસ છે ? એનો તત્ત્વવિચાર કરીને આ રહસ્ય સમજાવો. શબ્દ કેટલો લાંબો છે ? કેટલો પહોળો છે ? એનું અનુમાન કેવું હોય ?

શબ્દનું સ્વરૂપ ક્યા પ્રકારનું છે, તેનું ધ્યાન કરીને વિગતેથી બતાવી આપો. એ શબ્દ હળવો છે કે ભારે ? ખારો છે કે મીઠો ? મને જ્ઞાનગરીબને એ સમજાવો કે એ શબ્દનું દર્શન કઈ રીતે થઈ શકે છે ? શરીરની-પિંડની અંદર તપાસ કરીને એ શબ્દને પકડીને, હાથમાં લઈને મને બતાવી આપો અને એ પણ જણાવો કે આ પિંડ-શરીર પડી જાય, શબ્દના રહેવાનું સ્થાન-ઘર ભાંગી પડે ત્યારે એ શબ્દ ક્યાં સમાઈ જાય છે ? ખીમદાસ પોતાના ગુરુભાઈ રવિદાસજીને પૂછે છે કે આપના પિંડમાંના ગગનમાં સાવચેતીથી નિરીક્ષ્ણ કરીને મને જણાવો કે કોણ નિરંતર એટલે કે બેહદમાં છે ? કોણ દેશ એટલે કે હદમાં છે અને એનો દોર ક્યાં સમાઈ જાય છે ?

કોઈ લેહંદા રે સત શબ્દ કા વિચાર.

મૂળ શબ્દ નાભી સેં ઉઠે, ત્રિવેણી રહી બોલે,

સુન મંડળ શબ્દુકા વાસા,

ખોળતલ સાધુ ખોલે. કોઈ લેહંદા રે… 1

દ્વાદસ અંગુલ બાહીર લંબા, ચોડા હે સરવંગા,

જેસા દીપક ધર્યા મંદીરમેં,

એસા શબ્દ રંગા, કોઈ લેહંદા રે… ર

હલકા સો સંતે નહી માન્યા, ખારા વાકું કહીએ,

મીઠો સો મરજાદ ગુરાંકી,

શ્ર્વાંત બુદ્ધિયેં રહીયેં. કોઈ લેહંદા રે… 3

અરથ ન સુજે એસા અટપટ, તાસેં ભારે હોઈ,

ઝીણા તો સમજી સત ભાખે,

એસા વિરલા કોઈ. કોઈ લેહંદા રે… 4

દોઈ કમલકી અણી અગ્રપર, રૂપ શબ્દ કા દેખ્યા,

સૂરત શબ્દમેં લીન ભઇ તબ,

દીયા કર્મ પર મેખા. કોઈ લેહંદા રે… 5

છતે પિંડ જબ સન્મુખ દરશ્યા,

દ્વાદશ અંગુલ જબહીં, બ્રહ્મ ચક્ષ્ ભઈ બ્રહ્મ અગનસેં, જલી વાસના તબહીં. કોઈ લેહંદા રે…6

સત્ગુરૂ શબ્દે ભયા સ્વતંત્ર,

ઘટ મઠ પટ દરશાયા,

રવિરામ પિંડ પડયા તબ,

શબ્દ નિરાધાર સમાયા. કોઈ લેહંદા રે… 7

સત્ શબ્દનો વિચાર કરી લેનારા તો કોઈક વિરલા જ હોય છે, મૂળ શબ્દ નાભિમાંથી ઉત્પન્ન થાય છે અને ત્રિવેણીમાં પહોંચીને બોલે છે. એ શબ્દનો વાસ શૂન્યમંડળમાં છે, જેની ખોજ કોઈ સાધકસંત જ કરીને તે શબ્દને ખોલી શકે છે. તે શબ્દ શરીર-પિંડથી બહાર બાર આંગળ લાંબો છે અને સર્વાંગે પહોળો છે, જેમ મંદિરમાં દીવો પ્રકાશમાન હોય એવો તેજસ્વી એનો રંગ છે. એ શબ્દને સંતો હળવો કે હલકો નથી માનતા. એ શબ્દનો સ્વાદ ખારો છે પણ ગુરુ મર્યાદાથી તે અતિશય મીઠો લાગે છે, સ્વ-અંત બુદ્ધિથી રહેનારા (જેનો અહમ્ ટળી ગયો હોય તેવા) એને પારખી શકે છે. એ શબ્દ એવો અટપટો હોય છે કે જેનો અર્થ જલદી સમજી શકાતો નથી એટલે એ અતિશય ભારે-વજનદાર લાગે છે. એની સૂક્ષ્મતા સમજીને સત્ય સ્વરૂપે ઓળખાવી શકે એવા વિરલા તો કોક જ હોય છે. સુરતા જ્યારે શબ્દમાં લીન થઈ જાય ત્યારે એ શબ્દનું રૂપ બન્ને કમળની અણીના અગ્રભાગે જોવા મળે છે અને ત્યારે કર્મના (વિધાતાના) લેખ પર મેખ મારી શકાય છે.

જ્યારે તમામ પ્રકારની વાસનાઓ બ્રહ્મ-અગ્નિમાં બળી ગઈ હોય અને બ્રહ્મચક્ષ્ ખૂલી ગયાં હોય, ત્યારે જ છતે પિંડ પોતાનું બાર આંગળનું સૂક્ષ્મ શરીર સન્મુખ જોવા મળે છે. સદ્ગુરુની કૃપાથી શિષ્ય ત્યારે પરતંત્ર મટીને સ્વતંત્ર બની જાય છે અને તમામ ઘટ-મઠ-પટમાં (પ્રત્યેક શરીર,મંદિર,પંથ-સંપ્રદાયના ભેદથી પર બનીને) એ શબ્દ પ્રકાશિત થતો રહે છે. રવિરામ કહે છે કે જ્યારે આ શરીર છૂટે છે, પિંડ પડે છે ત્યારે એ શબ્દ નિરાધારમાં વિલીન થઈ સમાઈ જાય છે.

Total Views: 378
By Published On: May 1, 2018Categories: Niranjan Rajyaguru, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram