શિવદેહ સમુત્પન્ના રેવા ઉત્પથગામિની ।

ધર્મ દ્રવેતિ વિખ્યાતા પાપં મે હર નર્મદે ॥

શિવના દેહમાંથી ઉત્પન્ન થયેલાં, ઉચ્ચ માર્ગે જનારાં, ‘ધર્મ-દ્રવ’ (ધર્મસ્રોત) એ નામે પ્રખ્યાત એવાં હે નર્મદા, મારું પાપ હરજો !

વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે નર્મદા-સ્નાન, જપધ્યાન, પૂજાપાઠ કરી ગૌરાંગ મહારાજની કુટિયાએ પહોંચ્યા. આજે ત્યાં સ્નેહી મહારાજ ભંડારો આપવાના હતા. કેટલી બધી વાનગીઓ ! જાતે રસોઈ બનાવતા હતા. તેમને સહાય કરી. બપોરે શ્રીઠાકુરજી અને શ્રીશ્રીનર્મદા મૈયાને ભોગ લગાવી ભોજન-પ્રસાદ આરોગવા બેઠા. કાલે રાત્રે અને સવારથી અન્ન-ભોજન પ્રાપ્ત થયું ન હતું, વળી આજે સાંજે ગઈકાલની જેમ ન મળે તો, એમ વિચારીને પ્રમાણથી વધુ ભોજન લેવાઈ ગયું. અને વળી વજન ઊંચકીને ચાલીને પથ કાપવાનો છે, ઘણી કેલેરી-શક્તિ જોઈશે ! ઉપરાંત સ્નેહી મહારાજ આગ્રહપૂર્વક પીરસતા જતા હતા. જે હોય તે પણ જરૂર કરતાં વધુ પડતું ખવાઈ ગયું અને ભગવદ્ ગીતાના શ્ર્લોક ‘નાત્યશ્ર્નતસ્તુ યોગોઽસ્તિ… યુક્તાહાર વિહારસ્ય…’ ઇત્યાદિ શ્ર્લોક જાણે મનમાંથી ગાયબ થઈ ગયા !

લગભગ બપોરે બે વાગ્યે ‘નર્મદે હર’ કહીને પરિક્રમામાં આગળ વધવા માટે અમોને ભાવભરી વિદાય આપીને કહ્યું, ‘અહીંથી ટોકસર આઠ કિ.મી. છે, સાંજ સુધીમાં તો પહોંચી જશો.’ ખભા પર અને આગળના બન્ને થેલાનું વજન લગભગ 10 થી 12 કિલો, પાણી સાથેના કમંડળનું 2 કિલો વજન અને દંડ ભગવાન સાથે નીકળી પડ્યા. અતિ ભોજનને કારણે પેટ ભારે હતું; શિયાળો હતો એ ખરું પણ બપોરે તો સૂર્યનારાયણ ભગવાન પૂર્ણ રૂપે પ્રકાશિત થયા હતા. ચાલવામાં ખૂબ જ તકલીફ થતી હતી. થાકી જતા હતા. એક વાર તો આંખે અંધારાં આવી ગયાં. થોડા થોડા અંતરે થાક ખાતાં ખાતાં નર્મદામૈયાના કિનારે કિનારે આગળ વધતા હતા.

સ્નેહી સ્વામીએ કહ્યું હતું, ‘3-4 કિ.મી. પછી કતારગાંવમાં વૈષ્ણવ બાબાજીનો આશ્રમ છે. ત્યાં ચા પીઈ લેજો !’ કેટલુંયે ચાલ્યા એવું લાગ્યું પણ કોઈ આશ્રમ તો દેખાયો જ નહીં. વળી વજન સાથે આવી રીતે ચાલવાનો અભ્યાસ ન હતો, તેથી શરૂઆતમાં થોડી તકલીફ પડતી હતી.

નર્મદાની ભેખડમાં ચાલતા જતા હતા તેવામાં ડાબી બાજુ થોડી ઊંચાઈ વાળી સમતળ જમીન પરથી કોઈ ‘નર્મદે હર’ બોલી ઇશારાથી  અમને ઉપર આવવાનું કહેતા હતા. અમે પાસેની પગદંડી- નાના કાચા રસ્તા પરથી ઉપર ગયા. એ તો વૈષ્ણવ બાબાજીનો આશ્રમ! નર્મદાના તટ પરથી તો કોઈને ખબર પણ ન પડે કે ઉપર આશ્રમ હશે. બાબાજીએ પ્રેમથી ‘નર્મદે હર’ કહીને આવકાર આપ્યો. અમે તો થેલો ઉતારીને બેસી પડ્યા. બાબાજી કહે કે ચા તૈયાર છે. અમે ચા પીધી.

વૈષ્ણવ બાબાજીએ કહ્યું, ‘બપોરે સ્નેહી સ્વામીનો ફોન હતો કે અમારા બે મહાત્મા મોરટકાથી નીકળ્યા છે જો મળે તો ચા-પાણી કરાવજો.’ અને પછી ઉમેર્યું, ‘આજે અહીં જ રોકાઈ જાઓ. કાલે સવારે આગળ વધજો.’  આ તો જોઈતું હતું અને વૈદે બતાવ્યું એના જેવું થયું. અમે આશ્રમમાં આસન લગાવ્યાં. મંદિરમાં રામજાનકીની અને અલગથી હનુમાનજી મહારાજની મૂર્તિ હતી, ત્યાં પ્રણામ કર્યા. સાધારણ વ્યવસ્થાવાળો આ આશ્રમ ઘણો સુંદર હતો. નર્મદા નદીની બાજુમાં વિશાળ બગીચો હતો. જામફળનાં અનેક વૃક્ષો હતાં. તેમણે કહ્યું કે જેટલાં ભાવે એટલાં જામફળ ખાઓ. મનમાં નવાઈ લાગી, કારણ કે મોટા ભાગના તો એમ જ કહેતા હોય છે કે વૃક્ષનાં  ફળ કે છોડને હાથ ન લગાડવો.

પછી વાતવાતમાં ખબર પડી કે આ બગીચાનાં વૃક્ષ પરનાં ફળો ઉધડાં વેચાઈ ગયાં છે. એટલે અમે પણ સાવધાન થઈ ગયા. નીચે પડેલાં કે પક્ષીઓએ ટોચેલાં ફળો જ ખાધાં.

નિત્યક્રમ પ્રમાણે સાંજે નર્મદા-સ્નાન કરીને સંધ્યાવંદનની તૈયારી કરવા લાગ્યા. સંધ્યા સમયે આશ્રમમાં પાછળના ભાગે બગીચાના છેડે પ્રકૃતિમાતાનાં દર્શન કરવા ગયા. સૂર્યનારાયણ અસ્તાચળે જવાની તૈયારીમાં હતા. આછેરી ઝાંખી ઝાકળમાં સૂર્યનારાયણનાં દર્શન પણ સ્પષ્ટ થતાં ન હતાં. આમ છતાંયે સૂર્યનો ઝાંખો સાંધ્યપ્રકાશ ચારે બાજુ પથરાઈ ગયો હતો. વળી આ બાજુએ દૂર દૂર સુધી નર્મદામૈયાના વિશાળ પટનાં દર્શન! બધું વાતાવરણ ધીર, શાંત, સ્થિર ગંભીર ! નર્મદામૈયા પણ જાણે કે ધ્યાનસ્થ મુદ્રામાં ન હોય ! નર્મદાનો પ્રવાહ પણ સ્થિરધીર, સ્નિગ્ધ ! આસન પર આવીને સંધ્યાવંદન અને આરતી થયાં.

રાત્રે ભોજન-પ્રસાદમાં આપણા સૌરાષ્ટ્રમાંના બાજરાના રોટલા કરતાં બમણું મોટું અને જાડી ડબલરોટી હોય તેવું એક જ ગોળાકાર ટીકળ -ઘઉંના લોટનો ખૂબ જાડો રોટલો. તેને ચૂલાના ભઠ્ઠામાં યુક્તિપૂર્વક ધીમે તાપે શેકવામાં આવે છે. આવી રીતે શેકવાથી ટીકળ બળી પણ ન જાય અને અંદરથી કાચું પણ ન રહે. પછી તેના સોળ ભાગ કરે. મારા ભાગમાં એક કટકો આવ્યો અને દાળ. અંદરથી શેકાઈ ગયેલ ટીકળ દાળમાં ચોળીને ખાઈ ગયા. અન્નપ્રસાદનો સ્વાદ તો અમૃત જેવો. વૈષ્ણવ બાબાજીએ કહ્યું કે પરિક્રમાવાસી આવે કે ન આવે પરંતુ રોજ સાંજે આવું વિશિષ્ટ ટીકળ બને જ ! રાત્રે નિદ્રાદેવીની ગોદમાં અમે પોઢી ગયા.

બીજે દિવસે બ્રાહ્મ મૂહુર્તે ઊઠી ગયા. નિત્યકર્મ પતાવીને નર્મદામાં સ્નાન કરીને પૂજાપાઠ, આરતી અને ધ્યાન-જપ કર્યાં. વૈષ્ણવ બાબાજી દરરોજ ત્રણ વાગ્યે ઊઠીને નર્મદા સ્નાન કરે અને પછી શ્રીરામ અને માતા જાનકી તેમજ હનુમાનજી મહારાજને ઉઠાડે, શણગાર કરે બારેમાસ આવો જ નિત્યક્રમ અને નિત્યવિધિ ! અદ્‌ભુત તપસ્વી મહાત્મા !

આશ્રમના મહાત્મા તેજસ્વી અને પ્રેમાળ હતા. વાતવાતમાં જાણવા મળ્યું કે નર્મદા પરિક્રમાવાસીઓ માટે દૂધની વ્યવસ્થા કરવા માટે ગુજરાતના ગીરની ગાયો મળે તો સારું, એમ કહેતા હતા. મેં કહ્યું, ‘અમારા એક સ્વામીજી જગજ્જનની મા શારદાના નામે ‘મા શારદા ગૌદાન પ્રકલ્પ’ ચલાવે છે. તેમણે ઘણી દૂઝણી દેશી ગાયો ગરીબ કુટુંબોને દાનમાં અપાવી છે. પણ દૂર હોવાને કારણે તમારે ત્યાં ગાયોને અહીં લાવતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ  વધી જાય.’ તેમણે કહ્યું, ‘ટ્રાન્સપોર્ટેશનનો બધો ખર્ચ હું આપીશ.’ અત્યારે તો અમે નર્મદા પરિક્રમામાં છીએ. પછી પૂ. મહારાજશ્રીને વિનંતી કરીશું, જેવી શ્રીશ્રીમાની ઇચ્છા !

પૂ. વૈષ્ણવ બાબાજી પાસેથી ભાવભરી વિદાય લીધી અને ફરીથી ‘નર્મદે હર, નર્મદે હર’ના પોકાર સાથે, નવી તાજગી સાથે પરિક્રમાના પથે પડ્યા. આનંદ અને ઉલ્લાસથી ચાલતા હતા. આગળ નર્મદામૈયાએ વળાંક લીધો. અમારે આગળ નર્મદામૈયાને કિનારે કિનારે ચાલવાનું હતું. પરંતુ વટેમાર્ગુઓએ અમને ઉપરથી જ ચાલવાની સલાહ આપી.

એ પ્રમાણે કાચા રસ્તા ઉપર ચાલ્યા અને આગળ અલીગામ આવ્યું. અહીં સાંભળ્યું કે એક વિરાગી માતાજી નર્મદા પરિક્રમા કરનારાઓની સેવા કરે છે. અમે સવારે ચા પીધો હતો અને બરાબર તરોતાજા બની ગયા હતા, તેથી તે માતાજીને ત્યાં ન જતાં આગળ નીકળી ગયા. ગામમાં એક નર્મદા મંદિર આવ્યું. એ મંદિરે દર્શન કર્યાં. એક વૃદ્ધ ગરીબ ભાવિક બહાર બેઠા હતા, તેણે પ્રેમથી આવકાર આપ્યો. તેમણે કહ્યું, ‘પૂજારી હમણાં આવશે. તમે રોકાઈ જાઓ.’ (ક્રમશ:)

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.