પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠા બેઠા તાલ જોયા કરે છે અને હસે છે. વચ્ચે વચ્ચે કહે છે કે ‘આ સત્ત્વનો તમસ, શૂરવીરનો ભાવ, એ બધું જોઈએ. અન્યાય, અસત્ય જોઈને મૂંગા બેસી રહેવું નહિ. કોઈ ખરાબ સ્ત્રી તમારા પરમાર્થમાં નુકસાન કરવા આવે, એ વખતે વીરનો ભાવ ધારણ કરવો જોઈએ. ત્યારે કહેવું જોઈએ કે સાલી ! મારા પરમાર્થને હાનિ પહોંચાડવા આવી છો ? (તું મને ફસાવવા આવી છો ?) હમણાં તને ઊભીને ઊભી ચીરી નાખું !
વળી હસીને કહે છે, ‘મણિ મલ્લિકનો બ્રાહ્મ-સમાજી મત જૂનો, ઘણા દિવસનો; એની અંદર તમારો મત ઘુસાડી શકશો નહિ. પુરાણા સંસ્કાર કાંઈ એમ જાય ?
‘એક હિંદુ બહુ જ ભક્તિમાન હતો, હંમેશાં જગદંબાની પૂજા અને નામસ્મરણ કરતો. મુસલમાનોનું જ્યારે રાજ થયું ત્યારે એ ભક્તને પકડીને પરાણે મુસલમાન બનાવી દીધો. અને કહ્યું કે હવે તું મુસલમાન થઈ ગયો છે, માટે બોલ ‘અલ્લા !’ માત્ર અલ્લાનું નામ જ લે ! પેલો બિચારો પરાણે અલ્લા, અલ્લા, એમ બોલવા લાગ્યો. પણ વચ્ચે વચ્ચે કોઈ વાર તેનાથી બોલાઈ જવાતું કે ‘હે જગદંબા !’ એટલે મુસલમાનો તેને મારવા તૈયાર થઈ ગયા. પેલાએ વિનંતી કરીને કહ્યું કે ‘માફ કરો, શેખજી ! મને મારશો મા.’ હું તમારા અલ્લાનું નામ લેવાનો પ્રયાસ તો ખૂબ કરું છું, પરંતુ અમારી જગદંબા મારા ગળા સુધી ભરી છે, તે તમારા એ અલ્લાને ધકેલી કાઢે છે !
(પંડિતને, હસીને) – તમે મણિ મલ્લિકને કાંઈ કહો મા.
વાત એમ છે કે રુચિભેદ, અને જેના પેટને જે ગોઠે ! ઈશ્વરે જુદા જુદા ધર્મ, જુદા જુદા મત કર્યા છે, તે જુદા જુદા અધિકારીઓ માટે. સહુ કોઈ બ્રહ્મ-જ્ઞાનના અધિકારી ન હોય. એટલે તેમણે સાકારની ઉપાસનાની વ્યવસ્થા કરી છે. તહેવાર પ્રસંગે મા છોકરાં માટે સારું સારું ખાવાનું કરે. તેમાં કોઈને માટે બુંદી લાડુ, કોઈને માટે મેસુબ, કોઈને માટે મગજ, તો કોઈને વળી ગાંઠિયા-ભજિયાં વધુ ભાવે, અને કોઈને માટે માત્ર કઢી જ કરી આપે, એ માંદુ હોય. પ્રકૃતિનો ભેદ તેમજ અધિકાર-ભેદ.
બધા ચૂપ બેઠા છે. ઠાકુર પંડિતને કહે છે : ‘જાઓ, એકવાર દેવ-દર્શન કરી આવો, અને બગીચામાં જરા ફરો !’
(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ – 1.575-76)
Your Content Goes Here