શ્રીકૃષ્ણ યશોદાજીને પોતાનું વિશ્વરૂપ બતાવે છે.

એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ઘરના આંગણામાં રમતા હતા. યશોદાજી રસોડામાં રાંધતાં હતાં. એવામાં બલરામ દોડતાં દોડતાં યશોદા પાસે આવ્યા અને કહ્યું, ‘મા, મા ! કાનુડાએ માટી ખાધી છે.’ યશોદાને બલરામની વાત સાચી ન લાગી. વળી બીજા મિત્રોએ પણ કહ્યું, ‘હા, મા !  એણે અમારા બધાની સામે માટી ખાધી છે, અમે ના પાડી પણ એ માન્યો નહીં.’ માતા યશોદા કૃષ્ણના આ નવા તોફાનથી અત્યંત ગુસ્સે ભરાયાં. પોતાના ઘરમાં ભાતભાતની મીઠાઈઓ હતી અને એવી તો શી ખામી હતી કે એક અકરાંતિયાની જેમ એણે માટી ખાવી પડી? એ તો કૃષ્ણ તરફ ધસી ગયાં, ડાબા હાથે કૃષ્ણને બરાબર પકડી રાખ્યા અને લાફો મારવા જમણો હાથ ઉગામ્યો અને કહ્યું, ‘અરે નટખટ, તેં શા માટે માટી ખાધી ? આ તારા મિત્રો અને બલરામે પણ એમ જ કહ્યું છે.’ પણ કૃષ્ણે તો તેનો વિરોધ કરતાં કહ્યું, ‘અરે મા, મેં ક્યાં માટી ખાધી છે. આ બધા તો ખોટા છે. તમારે ખાતરી કરવી હોય તો જોઈ લો મારા મોઢામાં.’ આ સાંભળીને યશોદાએ કહ્યું, ‘સારું, ચાલ તારું મોઢું ઉઘાડ અને મને એમાં જોવા દે.’ એમ કહીને માનવરૂપે શ્રીકૃષ્ણના નામે અવતરેલા બાળકૃષ્ણે ભક્તોને આનંદ પમાડવા અને માતા યશોદાના પડકારને ઝીલવા પોતાનું મોં ખોલ્યું. અહા ! માતા યશોદાએ કાનુડાના મોંમાં શું જોયું! પોતાના પુત્રના એ નાના મોંમાં મા યશોદાએ ચરાચર એવું સમગ્ર બ્રહ્માંડ જોયું. એમાં આખી ધરતી, સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર, તારા અને બીજું બધુંય હતું. તેમાં તો બધાં દેવીદેવતાઓ પણ હતાં. અરે, એમણે તો એના મોંમાં આખું ગોકુળિયું ગામ પણ જોયું.

એટલું જ નહીં પણ તેમના મોંમાં પોતાના વહાલા પુત્રની પરીક્ષા લેતાં સ્વયંને ઊભેલાં જોયાં ! આવી બધી અદ્‌ભુત વસ્તુઓ પોતાના પુત્રના મુખમાં હોઈ શકે, એવું માનવા યશોદાનું મન તૈયાર ન હતું; અને છતાંયે આ બધું તેઓ પોતાની સગી આંખે જોતાં હતાં ! યશોદા તો ભયચકિત થઈ ગયાં. તેઓ તો પોતાના મનમાં તર્કવિતર્ક કરવા લાગ્યાં, ‘શું આ સ્વપ્નાભાસ છે? કે પછી ભગવાનની માયા છે ? ક્યાંક મારી બુદ્ધિ તો ભ્રમિત થઈ નથીને ? એવું પણ બની શકે કે મારા આ બાળકમાં જન્મજાત અલૌકિક સિદ્ધિ હોઈ શકે !

અને પછી તેમણે મનમાં વિચાર કર્યો, ‘હું કંઈ આ સ્વપ્ન જોતી નથી, મારી આંખો તો ખૂલી જ છે અને મારી નજર સામે જે કંઈ બની રહ્યું છે, એ જ હું જોઈ રહી છું. કદાચ ગર્ગાચાર્યની ભવિષ્યવાણી સાચી પણ હોઈ શકે.’ પણ થોડી જ વારમાં યશોદાની જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ અને તેઓ પ્રાર્થનાપૂર્વક ભગવાનને કહેવા લાગ્યાં, ‘જે ચિત્ત, મન, વાણી અને કર્મ દ્વારા સહજભાવે અનુમાનનો વિષય નથી, આ આખું બ્રહ્માંડ જેમનું આશ્રિત છે, જે એના પ્રેરક છે અને જેમની સત્તાથી જ તેની પ્રતીતિ થાય છે, જેમનું રૂપ સર્વથા અચિંત્ય છે, એવા પ્રભુને હું પ્રણામ કરું છું.’ આવી રીતે માતા યશોદા શ્રીકૃષ્ણનું સાચું તત્ત્વ સમજી ગયાં, ત્યારે એમના હૃદયમાં પ્રભુએ પુત્રસ્નેહમયી માયાનો સંચાર કરી દીધો. યશોદાજી એ ઘટનાને ભૂલી ગયાં અને વહાલા લાલાને પોતાના ખોળામાં લઈ લીધો. પહેલાંની જેમ જ એમના હૃદયમાં ફરીથી પ્રેમનો સાગર ઊમટવા લાગ્યો.

ખાંડણિયાનું બંધન

એક દિવસ યશોદાજી શ્રીકૃષ્ણની બાળલીલાઓનું ચિંતન તેમજ ગાન કરતાં કરતાં વલોણું કરતાં હતાં. શ્રીકૃષ્ણ એ જ ઓરડામાં સૂતા હતા. થોડીવાર પછી એમને ભૂખ લાગી અને તેઓ ઊઠી ગયા. એમણે માતાનું વલોણું પકડી લીધું અને દૂધ માટે વિનંતી કરવા લાગ્યા. યશોદાજીએ હસતાં હસતાં લાલાને ખોળામાં લીધો અને સ્તનપાન કરાવવા લાગ્યાં. એટલામાં જ સગડી પર રાખેલા દૂધમાં ઊભરો આવ્યો અને ઊભરાયેલું દૂધ વાસણમાંથી નીચે પડવા લાગ્યું ત્યારે માતાએ શ્રીકૃષ્ણને ધવરાવતાં ધવરાવતાં ખોળામાંથી નીચે ઉતાર્યા અને ઝડપથી દૂધ ઉતારવા ચાલ્યાં ગયાં. આને લીધે શ્રીકૃષ્ણને ગુસ્સો આવ્યો. તેમના લાલ હોઠ ફફડવા માંડ્યા. તેમણે નજીકમાં પડેલા એક લોઢાથી દહીંનું માટલું ફોડી નાખ્યું, આંખોમાં બનાવટી આંસુ લાવવા માંડ્યાં તથા બીજા ઓરડામાં જઈને ખાંડણિયા પર બેસીને માખણ ખાવા લાગ્યા.

યશોદાજી ઊભરાતા દૂધને ઉતારીને વલોણાવાળા ઓરડામાં આવ્યાં. જોયું તો તૂટેલા માટલામાંથી દહીં વહી રહ્યું છે. તેઓ તરત જ સમજી ગયાં કે આવાં બધાં કામ આ લાલાનાં જ હોય! અહીંતહીં લાલાની શોધ કરી. જોયું તો શ્રીકૃષ્ણ ઊલટા પડેલ ખાંડણિયા પર બેસીને વાંદરાઓને માખણ ખવડાવતા હતા. એમને એવો ભય હતો કે રખેને મારી ચોરી ખુલ્લી પડી જાય એટલે આશ્ચર્યની નજરે ચારેતરફ તાકીને જોઈ રહ્યા હતા. આ બાજુ યશોદાજી હાથમાં લાકડી લઈને ધીમે ધીમે એમની પાસે આવી પહોંચ્યાં. શ્રીકૃષ્ણે જ્યારે માતા યશોદાને પોતાની તરફ આવતાં જોયાં કે તરત જ ખાંડણિયા પરથી ઊતરીને, ભયનું નાટક કરીને ભાગવા લાગ્યા. કનૈયાને પકડવા હાથમાં લાકડી લઈને માતા યશોદા પણ એમની પાછળ પાછળ દોડવા લાગ્યાં. થોડીવાર પછી યશોદાજીએ કનૈયાને પકડી પાડ્યો. પોતે અપરાધ કર્યો છે એને લીધે અને હવે માની સોટીનોય માર ખાવો પડશે એટલે કાનો તો મંડ્યો રડવા. તેઓ બંને હાથે આંખો ચોળવા લાગ્યા. એને લીધે એના આખા મુખ પર આંખમાં આંજેલું કાજળ ફેલાઈ ગયું. લાલાને ડરેલો જાણીને યશોદાજીએ વાત્સલ્ય અને સ્નેહના કારણે શ્રીકૃષ્ણને ફટકારવાનો વિચાર છોડી દીધો. એમણે તરત જ લાકડી ફેંકી દીધી અને લાલા તરફ લાલ આંખ કરીને ઠપકો આપતાં કહ્યું, ‘લાલા! તારાં તોફાનોની હવે હદ આવી ગઈ છે! હવે તો હું તને દોરડાથી બાંધી દઈશ. પછી તું આવાં તોફાન કરી લેજે, દીકરા!’ આમ કહીને યશોદા મા તો એક દોરડું લાવ્યાં અને તેનાથી નટખટ લાલાને ખાંડણિયા સાથે બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. પરંતુ એ દોરડું બે આંગળ નાનું પડ્યું. માએ એક બીજા દોરડાનો ટુકડો એની સાથે જોડી દીધો. વળી કનૈયાને બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ દોરડું તો વળી પાછું બે આંગળ નાનું રહ્યું! યશોદાજીએ ઘરમાં જેટલાં દોરડાં હતાં એ બધાં જોડી દીધાં પણ ભગવાન શ્રીકૃષ્ણને તેઓ બાંધી ન શક્યાં! યશોદા માતાની આવી નિષ્ફળતા જોઈને ગોપીઓ તો મલકાવા લાગી. સાથે ને સાથે આ કાનો કેમેય બંધાતો ન હતો, એની એમને નવાઈ લાગતી હતી.

પછી જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે હવે મા થાકી ગઈ છે અને પરસેવે રેબઝેબ થઈ ગઈ છે; એટલે મા ઉપર કૃપા કરીને તેઓ પોતે જ માનાં બંધનમાં બંધાઈ ગયા. ત્યાર પછી યશોદાજી પોતાના ઘરનાં કામે વળગી ગયાં.

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.