પ્રકરણ : 3
શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત
આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત પોતાની ધરી પર ફરતી રહે છે. સામ્રાજ્યો ઉન્નત થાય છે અને પડે છે પણ ખરાં. માનવજીવન પણ સુખસમૃદ્ધિ અને ગરીબીમાંથી, વિદાય અને મિલન, જન્મ અને મૃત્યુમાંથી પસાર થાય છે. દુ:ખ અને સુખ એક પછી એક આવતાં રહે છે. કોઈપણ માણસ સદા સુખી કે સદા દુ:ખી હોય, એ અશક્ય છે. જ્યારે શ્રીમ.ની કઠણાઈ અસીમ બની ગઈ ત્યારે સદ્નસીબે તેના પર દિવ્યકૃપા કરી છે. આ દિવ્યકૃપા તેમણે પછીનાં સાડાચાર વર્ષ સુધી માણી અને પછી બાકીનાં 50 વર્ષ સુધી બીજાને એ દિવ્યકૃપાના ભાગીદાર બનાવ્યા.
સર્વજ્ઞા મા જગદંબા જાણતાં હતાં કે શ્રીમ. આ યુગના અવતાર શ્રીરામકૃષ્ણના કથામૃતની નોંધ કરવાના પુણ્યકાર્ય માટે જન્મ્યા છે. વાચકોને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં વિગતવાર નોંધો મળી રહેશે. પરંતુ અહીં તો આપણે શ્રીમ.ની પ્રથમ ચાર સ્મરણીય મુલાકાતોનું વર્ણન કરીશું. કથામૃતમાં આપણે શ્રીમ.નાં નિરીક્ષણ, એમની તીવ્ર સ્મૃતિશક્તિ અને પોતાના ગુરુ પ્રત્યેની એમની પ્રેમભક્તિ પણ આપણને જોવા મળે છે. શ્રીમ.ની કવિ કલ્પનાએ દક્ષિણેશ્ર્વરના ઉદ્યાનમંદિરને એક દિવ્ય ગુફા અને રામકૃષ્ણને પોતાની દિવ્યલીલા પ્રગટ કરતા એક જીવંત ઈશ્વરરૂપે રજૂ કર્યા છે. 125 વર્ષ વીતી ગયાં છે. છતાં આજે પણ દક્ષિણેશ્ર્વરમાં શ્રીરામકૃષ્ણની જીવંત ઉપસ્થિતિ નજરે જોઈ શકીએ છીએ.
1882ની 26મી ફેબ્રુઆરીએ મા જગદંબાએ શ્રીમ. પર પોતાની અમીકૃપા કરી અને એમને દક્ષિણેશ્ર્વરના ઉદ્યાનમંદિરમાં શ્રીરામકૃષ્ણ પાસે મોકલ્યા. (એક મત પ્રમાણે આ પ્રથમ મુલાકાત 28 ફેબુ્રઆરી 1886ના રોજ થઈ હતી.) જ્યારે પ્રથમ વખત શ્રીમ. રામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ્યા ત્યારે શ્રીઠાકુરને પૂર્વાભિમુખે બેઠેલા જોયા અને એમની સામે ભક્તજનો નીચે બેઠા હતા.
પોતાના ચહેરા પર હાસ્ય સાથે તેઓ ઈશ્વર વિશે વાત કરતા હતા. ભક્તો પણ એમના મુખેથી વહેતી અમૃતવાણીના રસને જાણે કે પ્રેમથી પીતા હતા.
શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘જ્યારે હરિ કે રામનું નામ એક વખત સાંભળીને તમારાં રુવાડાં ઊભાં થઈ જાય અને તમારી આંખમાંથી આંસું વહેવાં માંડે ત્યારે તમારે ચોક્કસપણે માનવું કે તમારે સંધ્યા વગેરે હવે કરવાની જરૂર નથી. ત્યારે તમને ક્રિયાકાંડો ત્યજવાનો હક મળશે અને કદાચ એ બધા એની મેળે દૂર થઈ જશે. પછી તમારે રામ કે હરિનું નામ જપવું કે માત્ર ૐનું ઉચ્ચારણ કરવું પૂરતું રહેશે.’
શ્રીરામકૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વથી અને તેમની આધ્યાત્મિક વાતથી શ્રીમ. મુગ્ધ બની ગયા. ત્યાંનાં ભવ્ય મંદિરો અને ઉદ્યાનનું સૌંદર્ય જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. એમનું વિક્ષુબ્ધ મન દક્ષિણેશ્ર્વરનાં શિવમંદિરો, રાધાકૃષ્ણનું મંદિર અને કાલીમંદિરના સંધ્યા આરતીના સમયના મધુર સંગીતને સાંભળીને શાંત થયું. સાંજે શ્રીઠાકુરના ઓરડામાં વૃંદા નામની દાસી કોડિયું પ્રગટાવતી અને ધૂપ કરતી.
એ સમયે ઓરડામાં મચ્છર ન આવે માટે દાસી ઓરડાનાં બારી-બારણાં બંધ કરી દેતી. જયારે તે બહાર આવી ત્યારે શ્રીમ. મંદિરમાંથી પાછા ફર્યા અને શ્રીઠાકુર વિશે તેને પૂછ્યું.
શ્રીમ., ‘બાઈ, સાધુ અંદર છે?’
વૃંદા, ‘હા, તેઓ પોતાના ઓરડામાં છે.’
શ્રીમ., ‘તેઓ અહીં કેટલા વખતથી રહે છે?’
વૃંદા, ‘અરે, તેઓ તો અહીં ઘણા લાંબા સમયથી રહે છે.’
શ્રીમ., ‘ શું તેઓ ઘણાં પુસ્તકો વાંચે છે?’
વૃંદા, ‘પુસ્તકો? અરે ભાઈ, ના ના. એ બધું તો એમની જીભે રમે છે.’
શ્રીમ., ‘કદાચ, સાંજની પૂજાનો સમય થઈ ગયો છે. શું અમે ઓરડામાં જઈ શકીએ? અમે તેમને મળવા ઘણા આતુર છીએ, એમ તમે એમને કહેશો?’
વૃંદા, ‘દીકરા, અંદર જા અને નીચે બેસજે.’
એ આશ્ચર્યની વાત છે કે પ્રથમ દિવસે એક અભણ દાસી શ્રી મ. કે જેમને પોતાના શિક્ષણનો ગર્વ હતો, તેમને ઔપચારિક કેળવણી વિનાના શ્રીરામકૃષ્ણની ઓળખાણ કરાવે છે. ઓરડામાં પ્રવેશતાં શ્રી મ. અને તેમની સાથે આવેલ સિધુએ શ્રીરામકૃષ્ણને ભાવાવસ્થામાં પોતાની ખાટ પર બેઠેલા જોયા. શ્રીઠાકુરે તેમને નીચે બેસવા કહ્યું અને તેઓ ક્યાંથી આવે છે તે પૂછ્યું. અંતે તેમણે કહ્યું, ‘ફરીથી આવજો.’
શ્રી મ.ની શ્રીરામકૃષ્ણ સાથેની બીજી મુલાકાત શ્રીઠાકુરના ઓરડાના ઉત્તરપૂર્વના વરંડામાં બે દિવસ પછી સવારે 8 વાગ્યે 28 ફેબ્રુઆરી, 1882 અને મંગળવારે થઈ. શ્રીઠાકુરની દાઢી-હજામત માટે વાળંદ હમણાં જ આવ્યો છે. શ્રી મ.ને જોઈને શ્રીઠાકુરે કહ્યું, ‘એમ, તમે આવ્યા છો! ઘણું સારું થયું. અહીં બેસો.’ શ્રીઠાકુરની ચામડી એટલી કોમળ હતી કે પોતાના સજીયાથી સરખી દાઢી ન કરી શક્યા. વાળંદે માત્ર એમના વાળ સુઘડ કર્યા અને દાઢીને કાતરથી કાપી. વાળ કપાવતી વખતે શ્રીઠાકુરે શ્રી મ.ને એમના હાલના રહેઠાણ વિશે પૂછીને જાણ્યું કે તેઓ પોતાનાં બહેન અને બનેવી, ઈશાન કવિરાજ સાથે રહેતા હતા. આ કવિરાજ શ્રીઠાકુરના વૈદ્ય હતા.
બ્રાહ્મો સમાજના અગ્રણી કેશવચંદ્ર સેન એ વખતે બંગાળના નેતા હતા. કેશવની તબિયત સારી નથી એ જાણીને શ્રીઠાકુરે શ્રી મ.ને તેમની તબિયત વિશે પૂછ્યું અને એ માટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, ‘કેશવ સાજો થાય તે માટે શ્રીમાની લીલા નાળિયેર અને સાકરથી પૂજા કરવાની મેં બાધા લીધી છે. ક્યારેક હું વહેલી સવારે જાગી જાઉં છું અને શ્રીમાને આક્રંદ કરીને વિનવું છું, ‘મા, કેશવને ફરીથી સાજો કરી દે. જો કેશવ જીવતો ન રહે તો હું કોલકાતામાં જાઉં ત્યારે કોની સાથે વાતચીત કરીશ? એટલે મેં શ્રીમાને લીલું નાળિયેર અને સાકર ધરવાનું નક્કી કર્યું.’ શ્રીઠાકુરનો નિષ્કપટ સ્વભાવ, સાચી લાગણી અને બીજા માટેના નિ:સ્વાર્થ પ્રેમથી શ્રી મ. ઘણા પ્રભાવિત થયા.
પછી શ્રીઠાકુરે ગૃહસ્થની ફરજો વિશે ઘણાં વિધાનો કર્યાં, જે શ્રી મ.ને માટે વિશેષ સાર્થક હતાં. પરંતુ શ્રી મ.ના કુટુંબની સમસ્યાઓ અને તેમની માનસિક પરિસ્થિતિ વિશે તેઓ કંઈ જાણતા ન હતા. શ્રીઠાકુરે કહ્યું, ‘પ્રતાપનો ભાઈ અહીં આવ્યો હતો. તે થોડા દિવસ અહીં રહ્યો. એણે કંઈ કામ ન હતું એટલે કહ્યું કે તે અહીં રહેવા ઇચ્છે છે. મને ખબર પડી કે તે પોતાનાં પત્નીબાળકોને પોતાના સાસરાને ઘરે છોડી આવ્યો છે. તેને કચ્ચાંબચ્ચાં હતાં. એટલે મેં એને જરાક ઠપકાર્યો. જુઓ તો ખરા, છોકરાંછૈયાં થયાં છે તેને શું કાંઈ આડોશી-પાડોશી ખવરાવીને મોટાં કરે? શરમેય નથી આવતી કે બૈરીછોકરાંને બીજું કોઈક ખવડાવે છે અને તેમને સાસરાને ઘેર રાખી મૂક્યાં છે. હું ખૂબ વઢ્યો અને કામધંધો શોધી કાઢવાનું કહ્યું, ત્યારે માંડ માંડ અહીંથી જવાનું કબૂલ કર્યું.’ (ક્રમશ:)
Your Content Goes Here