એક વાર બ્રહ્માને ગર્વ થયો. ‘કેવી મનોહર મારી આ સૃષ્ટિ ! આકાશની સાથે વાતો કરતા આ મોટા પર્વતો, હિમાલયના ખોળામાંથી વહેતી આ ગંગાયમુના, આલેશાન મેદાનો, વિશાળ મહાસાગર : આ બધું કેવું સુંદર અને ભવ્ય છે ! સવારસાંજ આકાશમાં રંગો પૂરતી પેલી ઉષાસંધ્યા જો મેં ન બનાવી હોત તો ? તેમજ આ નક્ષત્રોથી શોભી ઊઠતું આકાશ ! મારા ચાકડા પરથી રોજ કેટલાં યે મનુષ્યો ઊતરે છે; પશુપંખીઓનો અને નાના જીવોનો તો શાનો પાર હોય?  આ બધું મારા હાથે ! હું નો કરું તો કોણ કરે ? આ બધો મારી શક્તિનો પ્રભાવ !’

એમ વિચારમાં ને વિચારમાં બ્રહ્મા ઊભા થઈ ગયા. તેમની છાતી ફૂલી ગઈ; તેમની આંખો પોતાનાં સર્જન પર એક વાર ફરી વળી અને અંતે દૂર આવેલા એક રસ્તા પર પડી અને પડી તેવી જ થંભી ગઈ !

બ્રહ્માએ આજ સુધીમાં બધાં પ્રાણીઓ વગેરે ઉત્પન્ન કરેલાં, પણ ઊંટોને સર્જેલાં નહીં. રસ્તા પર બ્રહ્માની આંખ પડી, ત્યાં બે બે ઊંટોની હાર ચાલી જાય છે. ઊંટ ઉપર કોઈ બેઠેલું નથી. પણ દરેક ઊંટની પીઠ પર એક એક મોટી પેટી દોરડાથી બાંધેલી. બ્રહ્માના આશ્ચર્યનો પાર ન રહ્યો!

‘આવું જનાવર મેં બનાવ્યું હોય, એમ મને સાંભરતું નથી. આવડી લાંબી ડોક અને આ લટકતો હોઠ મેં કદી બનાવ્યાં નથી. શરીરના આ ઢેકા તે હું બનાવું ? પણ ત્યારે આ જનાવર આવ્યું ક્યાંથી ?’

બ્રહ્મા તો ઊંડા વિચારમાં પડી ગયા. પોતે આજ સુધીમાં સર્જેલાં બધાં પ્રાણીઓને વિગતવાર સંભારી ગયા, છતાં આ પ્રાણી નવું જ હતું. ઊંટોની હાર તો એક પછી એક ચાલી જ આવે ! બ્રહ્મા તો પૂછે પણ કોને કે ‘ભાઈ, આ જનાવર કયું અને ક્યાંથી આવ્યું ?’ ઊંટોની સાથે કોઈ માણસબાણસ દેખાય તો ને ? ઊગતી સવારથી માંડીને ઠેઠ આથમતી સાંજ સુધી ઊંટોની હાર તો આવ્યા જ કરી અને બ્રહ્મા તો ખાવુંપીવું  ભૂલીને આ નાટક જોઈ રહ્યા !

એવામાં સાંજ પડી. બ્રહ્માનો ઘડેલો સૂર્ય પશ્ચિમ દિશામાં લટક્યો અને અદૃશ્ય થઈ ગયો. બ્રહ્માની પોતાની બનાવેલી સંધ્યા આકાશમાં ખીલી નીકળી અને દૂરદૂર એક ઊંટ પર બેઠેલા માણસના મોં પર પ્રકાશી. ઊંટ પર બેઠેલા માણસને દૂરથી જોઈને બ્રહ્માના જીવમાં જીવ આવ્યો; હવે કંઈક ખુલાસો મળશે, એવી આશા આવી.

પેલું ઊંટ જેમ જેમ નજીક આવતું ગયું, તેમ તેમ માણસ વધારે ચોખ્ખો દેખાવા લાગ્યો. તેના શરીરનો રંગ વાદળાના રંગને મળતો હતો, તેના હાથમાં એક લાકડી હતી, તે હાથને કેડ પર ટેકવીને લાકડીને પગનાં આંગળાંમાં ભેરવીને ચારે તરફ જોતો હતો. તેની પાસે એક મજબૂત દોરડું હતું.

ઊંટ નજીક આવ્યું એટલે બ્રહ્માએ સાદ માર્યોે. પરંતુ પેલો આદમી ચારે તરફ જુએ, છતાં બ્રહ્માની તો સામે પણ ન જુએ!

‘અલ્યા એ, ભાઈ !’

આદમીએ સામે ન જોયું.

‘અલ્યા એ, ભાઈ !’

પેલો આદમી તો જુએ જ શા માટે ? જાણે કંઈ સાંભળતો જ નથી !

છેવટે આદમીએ ખૂબ શાંતિથી ડોક ફેરવતાં ફેરવતાં બ્રહ્માની સામે જોયું. કેમ જાણે બ્રહ્માને એ લેખતો ન હોય, એમ એની નજર ખાલી હતી.

બ્રહ્માએ પૂછ્યું, ‘ ભાઈ ! આ બધાં જનાવરો કોનાં છે? અને તું આ બધાંને લઈને ક્યાં જાય છે ?’

આદમીએ જવાબ આપ્યો, ‘તારે એનું શું કામ છે ? મારે જવાની ઉતાવળ છે. સાંજ તો પડી ગઈ. મને નાહક રોક નહીં.’

‘પણ કહે તો ખરો, ભાઈ ! તું મને ઓળખતો નથી; હું બ્રહ્મા છું. આ આખી સૃષ્ટિ મેં બનાવી છે. પણ આ જનાવર હજી બનાવ્યું નથી. છતાં તે ક્યાંથી આવ્યું, તે મને સમજાતું નથી. આ બધાં જનાવરોને કોણે બનાવ્યાં, ને તું તેમને ક્યાં લઈ જાય છે, એ બધું મને કહે તો મારા મનની ગૂંચ ઊકલે.’

આદમીએ ઊંટને ઊભું રાખ્યું અને બોલ્યો, ‘લે, ત્યારે સાંભળી લે. આ બધાં જનાવરો ઊંટો છે. હજી બ્રહ્માને આવાં ઊંટો બનાવવાની સત્તા મળી નથી. આ દરેક ઊંટ ઉપર એક એક પેટી છે ને દરેકમાં એક એક બ્રહ્મા છે.’

‘એક એક બ્રહ્મા !’  બ્રહ્મા તો ગાભરા બની ગયા.

‘હા, દરેકમાં એક બ્રહ્મા. આ તમારી એક સૃષ્ટિના જેવી કરોડો સૃષ્ટિ આ વિશ્વમાં છે, ને દરેક સૃષ્ટિનો એક એક બ્રહ્મા છે. શેષશાયી ભગવાન પાસે હમણાં જ ફરિયાદ આવી છે કે કેટલીએક સૃષ્ટિના બ્રહ્મા અભિમાની થઈ ગયા છે અને મદમાં ને મદમાં ભાન ભૂલી ગયા છે. એટલા માટે ભગવાને મને હુકમ કર્યો છે કે જે સૃષ્ટિનો બ્રહ્મા અભિમાની થઈ ગયો હોય તેને ત્યાંથી ઉઠાડી મૂકી દોરડાથી બાંધીને અહીં લાવવો તથા તેની જગ્યાએ પેટીમાંથી નવો બ્રહ્મા મૂકવો.’

પણ બ્રહ્મા તો વાતની અધવચ્ચથી જ આંખો મીંચી ધ્યાનસ્થ થઈ ગયા હતા. તેમના અંતરમાં શેષશાયી ભગવાન પોતે જ આલેખાવા લાગ્યા હતા.

પેલા આદમીએ ચલાવ્યું, ‘મને ખબર મળ્યા છે કે આ સૃષ્ટિનો બ્રહ્મા પણ…’

કોણ સાંભળે ? બ્રહ્માના કાન તો અંદર ઊતરી ગયા હતા. ઇન્દ્રિયો બધી નિશ્ર્ચળ હતી.

દૂરદૂર પૂર્વ દિશામાં ચંદ્રમાએ ડોકિયું કર્યું, ને ઘડી પછી બ્રહ્માનું ધ્યાન પણ પૂરું થયું.તેમની આંખો નિર્મળ હતી. જુએ છે તો પેલો આદમી, ઊંટો અને પેટીઓ કશુંય ન મળે !

નીતરેલે હૈયે બ્રહ્મા બોલી ઊઠ્યા, ‘હે પ્રભુ !

હે દેવાધિદેવ ! હું બ્રહ્મા છું, તમારા નાભિકમળમાંથી પેદા થયેલો છું અને તમારી આપેલી શક્તિ વડે કામ કરું છું. તમને વીસરી ગયો, એટલે મને ઠેકાણે લાવવા તમારે આટલી જહેમત ઉઠાવવી પડી. દયાળુ ! મને સદ્બુદ્ધિ આપો. મૂળથી વિખૂટો પડીને હું ક્યાં ટકવાનો હતો ? પ્રભો ! જય જય.’

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.