સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણોની ઝંકૃતિ સતત અનુભવવા મળે છે એવા રાયપુર શહેરમાંથી હું આવું છું, એ માટે હું આનંદ અને ગર્વ અનુભવું છું. અહીં સ્વામીજીએ કિશોરાવસ્થાનાં 1877થી 1879 સુધીનાં બે વર્ષો ગાળ્યાં હતાં. અહીંના અનુભવોએ તેમના પર જીવનભર પ્રભાવ પાડ્યો હતો. અહીં તેમણે ભાવસમાધિ અનુભવી હતી. તેઓ અહીં રાંધણકળા શીખ્યા હતા અને પોતાના પિતા પાસેથી શાસ્ત્રીય સંગીતનો પણ અભ્યાસ કર્યો હતો.

વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત હતા. આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતીય સંસ્કૃતિ અને ફિલોસોફીને ઘણું માનભર્યું સ્થાન સ્વામીજીએ આપ્યું હતું. ઘણા સમયથી ભારત વિશ્ર્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ભારત ‘સોને કી ચિડિયા’ના નામે પોતાના સંસાધનોને આધારે વિખ્યાત બન્યું હતું.

સિકંદર આ જ કારણે ભારતમાં આવ્યો હતો. જ્યારે તે પાછો ફરે ત્યારે સિકંદરના એક ગુરુએ ભારતના એકાદ સંતને લાવવાનું કહ્યું હતું. એમની ઉપસ્થિતિથી પોતાના દેશનું વાતાવરણ પવિત્ર બનશે, એમ તે માનતા હતા. તે સમયે લોકો જળમાર્ગથી પરિચિત ન હતા અને સ્થળ માર્ગ પર આરબ લોકોનો અધિકાર હતો. આરબો ભારતીય ચીજવસ્તુનો મધ્યસ્થી તરીકે વ્યાપાર કરતા હતા અને એને લીધે તેઓ સમૃદ્ધ બન્યા હતા. ક્રિસ્ટોફર કોલંબસ 1492માં ભારતની શોધમાં દરિયાઈ સફરે નીકળી પડ્યા હતા. અંતે તેણે આ ભારતભૂમિ છે, એમ માનીને અમેરિકાનો એક પ્રદેશ શોધી કાઢ્યો. ત્યારે તેણે એ પ્રદેશને કોલંબિયા નામ આપ્યું અત્યારે એ અમેરિકા છે.

છ વર્ષ બાદ કોલંબસ પછી વાસ્કો દ ગામાએ ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢ્યો. ત્યાર પછી યુરોપના ઘણા લોકો વ્યાપારકેન્દ્રો ખોલવા ભારત આવ્યા. તેઓ ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિથી અજાણ હતા. ભારતના આ અમૂલ્ય આધ્યાત્મિક ખજાનાને વૈશ્ર્વિક મંચ પર સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગો વિશ્ર્વધર્મ પરિષદમાં પોતાના પ્રથમ ભવ્ય અને વિસ્મયકારી પ્રવચન દ્વારા પહેલીવાર મૂક્યો.

અંગ્રેજોએ ભારત પર લગભગ બે સદી સુધી શાસન ચલાવ્યું. તેમણે ભારતનું શોષણ કર્યું અને ભારત વિશે અનેક દુષ્ટ પ્રચાર પણ કર્યો. તેમણે ભારતની વિકૃત છબિ સમગ્ર વિશ્ર્વના માનસપટ પર ધરી. ભારતમાં એક ખ્રિસ્તી મિશનરીએ અમેરિકન બાળકો માટે “Songs For the Little Ones At Home’ નામના પુસ્તકમાં એક ગીત આપ્યું હતું. અહીં આ ગીત ગુજરાતીમાં આપીએ છીએ.

જરા જુઓ તો ખરા, એક અંધ પૂજાને વરેલી મા,

અરે, મા પોતાના વ્હાલાને, વહાવે ગંગધારામાં!

બાળકનું ક્રંદન બને છે અરણ્યરુદન,

અરે ગંગાના નીરેય થરથરે, થંભે,

જ્યાં જળનો મગર આ કોમળને ક્રૂર દાંતથી પીસે.

બાળરુદન શમે કરુણ ઘેરે સ્વરે,

અહીં માનું હૃદય ન હલે,

વહાલાના મૃત્યુક્રંદને, જડવત્ રહે!

આ તે મા, ગોઝારી મા, કેવી મા!

આ પ્રેમહૃદય વિહોણી માને,

ખપે છે ભાઈ, બાઈબલ જ, એક બાઈબલ જ.

એને હૃદયે દીવડો કરશે એનો સંદેશ!

અને એ જ સર્જશે વ્હાલા માટે વખ ખાતી મા.

અને આ કાવ્યની નીચે ‘અરે! એ દેશમાં બાઈબલ મોકલો’ એવી નોંધ પણ કરી. જો એ માતા બાઈબલનો સંદેશો સાંભળશે તો તેનું માતૃત્વ જાગી ઊઠશે. આ રીતે અમેરિકામાં ભારત વિરોધી ખોટો ઉપદેશ અપાતો હતો. તેમને એવું શીખવવામાં આવતું કે ભારત એક જંગલી માનવોનો દેશ છે કે જ્યાં સ્ત્રીઓને જીવતી બાળી નખાય છે અને લોકો જગન્નાથના રથ નીચે આવીને આપઘાત કરે છે. અને સૌથી વધારે કમનસીબ વાત તો એ છે કે કહેવાતા સામાજિક સુધારકો એ સમયે અમેરિકા ગયા અને અસભ્ય જંગલી ભારતને સભ્ય બનાવવાની જવાબદારી લેવા બદલ બ્રિટિશ શાસનનો ઋણ સ્વીકાર પણ કર્યો.

ભારતમાં ગરીબી સિવાય બીજી કોઈ સળગતી સમસ્યા નથી, એમ પ્રથમવાર કહેનાર સ્વામી વિવેકાનંદ હતા. સમગ્ર વિશ્ર્વને પણ દિવ્ય પ્રકાશથી પ્રકાશિત કરે એવું અધ્યાત્મ જ્ઞાન ભારત પાસે છે, એમ તેમણે પહેલીવાર કહ્યું હતું. વિશ્ર્વની સંસ્કૃતિના ઇતિહાસમાં વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું સંમિલિત થવું એ એક સૌથી મહાન ઘટના હતી. વિવિધ ધર્મોના પ્રતિનિધિઓની વચ્ચે જ્યારે સ્વામી વિવેકાનંદે ભારતના આધ્યાત્મિક ખજાનાને પોતાના વકતવ્યમાં રજૂ કર્યો ત્યારે લોકો વિસ્મય પામ્યા. પ્રથમ દિવસના પાંચ મિનિટના સંક્ષિપ્ત વ્યાખ્યાન દ્વારા તેઓ સૌથી વધારે અગત્યના વ્યક્તિ બની ગયા.

સ્વામી વિવેકાનંદે પ્રથમ દિવસના સંક્ષિપ્ત વ્યાખ્યાનમાં ગર્વ સાથે કહ્યું હતું, ‘જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્ર્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્ર્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે.’

વળી સ્વામીજીએ કહ્યું, ‘વેદાંત ફિલસૂફીનાં ઉચ્ચતમ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિન્દુધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌરાણિક કથાઓને હિન્દુધર્મમાં સ્થાન છે. બૌદ્ધ ધર્મિઓના નિરીશ્ર્વરવાદને હિન્દુધર્મમાં સ્થાન છે અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિન્દુધર્મમાં સ્થાન છે.’

વળી તેમણે કહ્યું, ‘હિન્દુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે; પણ જો કોઈ વિશ્ર્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્ર્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્ર્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણ અને ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બન્ને પર એક સરખી રીતે પ્રકાશશે. આ વિશ્ર્વધર્મ, વૈદિક બ્રાહ્મણધર્મ નહીં હોય, એ બૌદ્ધધર્મ નહીં હોય, એ ખ્રિસ્તીધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય; પરંતુ એ સર્વનો સરવાળો હશે. અને તેમ છતાં વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્ર્વધર્મ વિશાળ હૃદયી હશે. અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન હશે. એમાં પશુથી બહુ ઊંચા નહીં એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન હશે. અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવ પણ વિશે શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્ર્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્ર્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્ર્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા પોતાની સર્વ શક્તિ તેમજ સર્વ અનુકૂળતાઓનો ઉપયોગ કરશે.’

આવી રીતે સ્વામીજીએ હિન્દુધર્મની ભવ્યતા વર્ણવી અને જ્યારે ભારતની ગૌરવગરિમા વિદેશોમાં સન્માન પામી ત્યારે હિન્દુધર્મના આ અમૂલ્ય ખજાના પ્રત્યે ભારતના લોકો પણ જાગી ઊઠ્યા. ભારતીયોને સમજાયું કે તેઓ નિર્બળ અને પશુ નથી. એમની પાસે સમગ્ર વિશ્ર્વને આપવા માટે અધ્યાત્મ જ્ઞાનની જ્યોતિ છે અને એનાથી સમગ્ર જગત પ્રોજ્વલિત થઈ શકે.

સ્વામી વિવેકાનંદે ધર્મના વાસ્તવિક સત્યને રજૂ કર્યું છે. ભારતમાં આપણે માનીએ છીએ કે બે પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ – પરાવિદ્યા અને અપરાવિદ્યા. સામાન્ય રીતે એવું બધા લોકો સમજે છે કે ભારત માત્ર ધર્મની જ વાત કરે છે, પરંતુ વાસ્તવિક રીતે એમ નથી. આમ છતાં પણ ધર્મ ભારતનો પ્રાણ છે. સાથે ને સાથે ભૌતિક સુખસમૃદ્ધિનો પણ ભારતમાં વિરોધ થતો નથી. ‘યતો અભ્યુદય નિ:શ્રેયસ સિદ્ધિ સ ધર્મ – જેમાં ભૌતિક સુખસમૃદ્ધિ અને આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે એ જ ધર્મ છે’, મહર્ષિ કણાદે આપેલી ધર્મની આ વ્યાખ્યામાં સ્વામીજી માને છે. એટલે સ્વામીજીએ ધર્મ અને વિજ્ઞાનને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા દીર્ઘકાળથી માનવસંસ્કૃતિમાં બે પ્રકારની સિદ્ધિઓ અસ્તિત્વ ધરાવતી હતી. એમાંની એક છે ભારતના પ્રાચીન પૂર્વજોનાં તપ અને સમર્પણથી વિકસેલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને બીજી છે ગ્રીક અને રોમન સંસ્કૃતિ.

આપણા પૂર્વજોએ ઉન્નત કરેલી સંસ્કૃતિની ફળશ્રુતિ છે આત્મસાક્ષાત્કાર અને તે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. પશ્ર્ચિમના લોકોએ માનવજીવનમાં સુખાકારી અને શાંતિ લાવવા પ્રકૃતિનું નિયમન કરવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામે વિજ્ઞાનનો જન્મ થયો. સ્વામી વિવેકાનંદ એવી વ્યક્તિ હતી કે જેમણે પોતાના જીવનમાં આ બન્ને સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વોની અનુભૂતિ કરી હતી. કોલકાતાના વિશ્ર્વવિદ્યાલયના વિદ્યાર્થી તરીકે તેમણે ગહન ગંભીરતાથી આધુનિક વિજ્ઞાનની વિચારસરણીનો અભ્યાસ કર્યો હતો. પછીથી શ્રીરામકૃષ્ણદેવની નિશ્રામાં રહીને તેમણે આત્માનુભૂતિ સાધી હતી. પોતાના આ એક જ જીવનમાં બંને સંસ્કૃતિઓનાં મૂળભૂત તત્ત્વોની અનુભૂતિ કરીને તેમણે સમગ્ર વિશ્ર્વને અમૂલ્ય ઉપદેશ આપ્યો.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘ભારતે યુરોપ પાસેથી બાહ્ય પ્રકૃતિને જીતતાં શીખવાનું છે અને યુરોપે ભારત પાસેથી આંતર પ્રકૃતિને જીતતાં શીખવાનું છે. તેમ થશે ત્યારે હિંદુઓ કે યુરોપિયનો, એવો ભેદ નહીં રહે; બાહ્ય અને આંતર, બંને પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો હશે એવી કેવળ એક આદર્શ માનવજાત રહેશે. માનવ જાતિનું એક પાસું આપણે વિકસાવ્યું છે, બીજું તેમણે વિકસાવ્યું છે. અત્યારે એ બંનેના સંયોગની જરૂર છે.’ સાથે ને સાથે સ્વામીજી આપણને વારંવાર કહેતા કે છેલ્લાં 5000 વર્ષથી ધર્મ ભારતની કરોડરજ્જુ રહ્યો છે અને હવે બીજી કોઈ વિચારસરણી અપનાવવી આપણા માટે શક્ય નથી. અને જો એવું કરીશું તો આપણા માટે એ આત્મઘાત હશે. ધર્મ આપણા જીવનનો પ્રાણ છે, એ યોગ્ય પથને માનીને આપણે તેનું અનુસરણ કર્યું છે અને ધર્મે જ આપણને સદીઓથી જીવંત રહેવા માટે પ્રેરણા આપી છે. બીજાં ઘણાં રાષ્ટ્રો ઉદય પામ્યાં અને અસ્ત પણ થયાં, પરંતુ ભારત હજુ જીવે છે.

એક સમય એવો હતો કે જ્યારે આખું વિશ્ર્વ ગ્રીક લશ્કરની યુદ્ધકળાથી ડરતું હતું. આજે એ ગ્રીસ ક્યાં છે? ગ્રીસની મહાનતા હવે નથી રહી! એક સમય એવો હતો કે જ્યારે રોમન લશ્કરની વિજયપતાકાઓ આ ધરતી પરની ભૌતિક વસ્તુઓ પર ફરકાવવામાં આવતી. આજે રોમે મેળવેલ વિજયની શિલાઓના ભગ્નાવશેષ જ રહ્યા છે. એવાં કેટલાંય રાષ્ટ્રો છે કે જેઓ પોતાના જીવનકાળના અમુક સમયગાળા સુધી વિજયી જીવન જીવ્યાં છે. અને મહાસાગરમાં સમાઈ જતાં મોજાંની જેમ તેમનું પ્રભુત્વ શેષ થઈ ગયું. આમ છતાં પણ આપણે ભારતીય હજુ જીવંત છીએ અને એ ધર્મને કારણે છે કે જેથી આપણે જીવીએ છીએ.

અમેરિકામાં સ્વામીજીએ આપેલ વકતવ્ય એ માત્ર વાણીવિલાસ ન હતું. તેઓ ત્યાં એક વ્યક્તિરૂપે નહીં પરંતુ ભારતના રાજદૂત તરીકે ગયા. એમના મુખેથી સ્વયં ભારતમાતા બોલતાં હતાં અને તેઓ માત્ર ભૌતિકવાદી પશ્ર્ચિમની દુનિયાને ભારતની મહાનતા વિશે કહેતા હતા. 30 વર્ષના યુવાન સ્વામીજીએ ઉદ્ઘોષણા કરી, ‘જેમ બુદ્ધનો પૂર્વના દેશો માટે સંદેશ હતો તેમ પશ્ર્ચિમના દેશો માટે મારો સંદેશ છે.’ તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે આખું પશ્ર્ચિમનું વિશ્ર્વ જ્વાળામુખી પર બેઠું છે અને એને ભારતીય આધ્યાત્મિકતાના જળથી શાંત કરવાની જરૂર છે. સ્વામીજીએ આ વિશેની 1893 અને 94માં ચેતવણી આપી હતી. અને આપણે જોયું છે કે 20 વર્ષના ગાળામાં જ 1914માં પ્રથમ વિશ્ર્વયુદ્ધ થયું અને તેનાથી મહાવિનાશ સર્જાયો. ત્યાર પછી એનાથી પણ વધારે વિનાશક બીજું વિશ્ર્વયુદ્ધ પણ થયું. આજે આપણે ત્રીજા વિશ્ર્વયુદ્ધની કતાર પર જીવીએ છીએ. અને આપણે એ બરાબર જાણીએ છીએ કે જો એ આવે તો માનવીએ એકઠી કરેલી બધી સંપત્તિઓ ઘડીના બીજા ભાગમાં વિનાશ પામશે.

હવે પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે આવાં યુદ્ધ શા માટે થાય છે ? જ્યાં સુધી આપણે ભૌતિક ઉપલબ્ધિઓને પોતાના જીવનનો હેતુ ગણતાં રહીશું, ત્યાં સુધી વિશ્ર્વમાં યુદ્ધની વિભીષિકાથી મુક્ત નહીં થઈ શકીએ. જ્યારે ભૌતિક પ્રાપ્તિઓ એ જ આપણા જીવનનું ધ્યેય બનશે ત્યાં સુધી વ્યક્તિ બીજી વ્યક્તિની, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની ભૌતિક સંપત્તિ મેળવવા ઇચ્છશે. એકની પાસે ઘાતક હથિયાર હશે, તો બીજો એનાથીય વધારે ઘાતક હથિયાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એને કારણે રક્તપાત સર્જાશે અને હિંસા થશે. માનવજીવનની આ વિડંબણા છે કે સદીઓથી આપણે આ ભૌતિક સંપત્તિ માટે લોહી રેડતા આવ્યા છીએ. પરંતુ ભારત એક એવો દેશ છે કે જેણે આ યુદ્ધની ભયાનકતાથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ એવો દેશ છે કે જે ધર્મ, જાતિ, ભાષા, વર્ણ, પ્રાંત આ બધાંના આધારે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ ઊભો કરતો નથી. તે તો ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શ પર ભાર દે છે. તે ‘યસ્ય ભવતો વિશ્ર્વૈકનીડં’નું સપનું જુએ છે કે જ્યાં સમગ્ર વિશ્ર્વ એક માળો બની જાય છે. ભારત અનાદિકાળથી શાંતિના અમોઘ સંદેશને સમગ્ર વિશ્ર્વમાં ગજવતું રહ્યું છે.

ભારત એવો દેશ છે કે જેણે પોતાનો લાભ ખાટવા કોઈ બીજા દેશ પર આક્રમણ કર્યું નથી. ઘણા સમય પહેલાં જ્યારે યુરોપિયન લોકો જંગલોમાં રહેતા હતા અને પોતાની જાતને નીલરંગે રંગતા હતા. એ સમયે પણ ભારતના આકાશમાં ભારતની વેદોની વાણી ગુંજ્યા કરતી હતી. એટલે જ સ્વામીજીએ કહ્યું છે કે ભારતની આ જ આધ્યાત્મિક સંસ્કૃતિ સમગ્ર વિશ્ર્વને કલ્યાણના સૂત્રમાં બાંધી શકે છે. ભારતીય સંસ્કૃતિ માનવની દિવ્યતા પર શ્રદ્ધા ધરાવે છે.

સ્વામીજી વિશે એક જ વાક્યમાં મને કહેવામાં આવે તો હું કહીશ, ‘સ્વામીજી સમગ્ર વિશ્ર્વને આધ્યાત્મિકતાના રંગે રંગવા આવ્યા હતા.’ એટલે કે મનુષ્યમાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવા આવ્યા હતા. સ્વામીજીએ કહ્યું છે, ‘… પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન  દ્વારા કરો, – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’

એમણે લંડનમાં આપેલા એક વ્યાખ્યાનમાં મનુષ્યના વાસ્તવિકરૂપને વર્ણવ્યું છે, ‘માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો. દેખાવમાં નબળામાં નબળા હોય, તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્ત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો. તમે તમારી જાતને નબળી અને પાંગળી બનાવતા વિચારો નહિ, પણ એવા વિચારો માટે તૈયાર રાખો. તમારા મનમાં કાયમ કહ્યા કરો; ‘સોઽહમ્, સોઽહમ્’ – હું તે છું, હું તે છું.’ એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો : ‘સોઽહમ્ – હું તે છું.’ સત્ય તે છે, જગતનું અનંત બળ તમારું છે. તમારા મનને જે વહેમોએ ઢાંકી દીધું છે તેને હાંકી કાઢો. આપણે બહાદુર બનીએ. સત્ય જાણો અને સત્યને આચરણમાં મૂકો. ભલે ધ્યેય દૂર હોય પણ જાગો, ઊઠો અને જ્યાં સુધી ધ્યેયે ન પહોંચાય ત્યાં સુધી અટકો નહિ.

પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું, ‘હે મિત્ર ! શા માટે રડે છે ? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્વાન આપ એટલે આ આખું જગત તારાં ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહીં કે જડ વસ્તુ.’ યુવાનોને સ્વામીજીએ કહ્યું છે, ‘ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શીરે ઓઢી લ્યો… તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડૉ.’ આવી રીતે સ્વામીજીએ વિશ્ર્વના રંગમંચ પર ભારતની આધ્યાત્મિકતાને એવી ફેલાવી દીધી કે એ પ્રયાસ આજે નિરંતર વિકસિત થઈ રહ્યો છે. આજે વિદેશોમાં ભારતની આધ્યાત્મિકતા પ્રત્યે જે આકર્ષણ વધી રહ્યું છે તેમાં સ્વામી વિવેકાનંદની પ્રાણશક્તિ વિવિધરૂપે કાર્ય કરી રહી છે.

Total Views: 65
By Published On: May 1, 2018Categories: Omaprakash Varma, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram