એકની ભીતર બીજી વ્યક્તિ

અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ કે સંન્યાસી કે જ્ઞાની પુરુષ ન હતો. તે બ્રાઝિલનો એક નિર્ધન ખેડૂત હતો. બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકો માટે આ એક વિસ્મયની વાત હતી કે તે નાટકીય રીતે કેવી રીતે એક કુશળ શલ્યચિકિત્સક (સર્જન)માં પરિણત થયો. એણે ઔષધિવિજ્ઞાનનું અધ્યયન કર્યું ન હતું. વળી કોઈ ઔપચારિક પ્રશિક્ષણ પણ મેળવ્યું ન હતું. એણે ઉપયોગમાં લીધેલાં શલ્યચિકિત્સાનાં સાધનોનું નિર્માણ કોઈ આધુનિક કારખાનાઓમાં પણ થયું ન હતું. એણે રસોડાના એક સાધારણ ચાકુથી અસંખ્ય ઓપરેશન કર્યાં હતાં. એ પછી આંખના મોતિયા હોય, શરીરના કોઈ પણ ભાગમાં ભયંકર બળતરા થતી હોય, તે જે તે વ્યક્તિના અંગને બેહોશ કર્યા વિના જ અને કોઈ પણ જાતનાં દુ:ખપીડા વિના, શલ્યચિકિત્સા દરમિયાન રોગીને પૂરેપૂરા ભાનમાં રાખીને તે ચાકુથી કુશળતાપૂર્વક ઓપરેશન કરતો.

એની પાસે ઉપચાર કરાવવા દરરોજ લગભગ 300 રોગીઓ આવતા. તેનો ઓપરેશન ખંડ ઘણો નાનો હતો. તેમાં એક ટેબલ અને એક ખુરશી હતાં. બ્રાઝિલના બધા પ્રદેશોમાંથી લોકો રોગમુક્ત થવા આ ચમત્કારી ચિકિત્સક પાસે આવતા. અંધને નેત્રજ્યોતિ મળી જતી અને અપંગ પોતાની ટેકણ લાકડીઓ છોડીને સ્વાભાવિક રીતે ચાલવા માંડતા. અલ્સર, ટ્યૂમર અને સંક્રાંતગ્રંથિઓના નિષ્ણાત ડૉક્ટરોને પણ જે રોગ વિશે ખ્યાલ ન આવતો તેને પોતાના ચાકુની મદદથી થોડીક જ મિનિટોમાં તે દૂર કરી દેતો. પછી એક જ ક્ષણમાં તે દવાની યાદી પણ આપી દેતો. તે ભલાભોળા ગામડિયાની આંખોમાં ધૂળ નાખનાર કોઈ ભૂવો ભરાડી ન હતો. રિયો-ડી-જેનરો ક્ષેત્ર, પૉલો વિશ્વવિદ્યાલયના અને મેડિકલ એકેડમી ઑફ બ્રાઝિલના ચિકિત્સકો આ ઓપરેશન-પ્રણાલીની ચકાસણી કરીને સ્તબ્ધ થઈ ગયા. વળી તેનાં બધાં ઓપરેશન સફળ થયાં હતાં એ જાણીને અવાક બની ગયા. અમેરિકાના વિખ્યાત ચિકિત્સક ડૉક્ટર પુહારિકે બ્રાઝિલના આ વિચિત્ર સર્જન પાસે પોતાનું ઓપરેશન કરાવ્યું હતું અને તેનો ફોટો ખેંચાવ્યો હતો. તેઓ સ્વયં આ સર્જનના અસાધારણ ઓપરેશનકૌશલ્યના સાક્ષી બન્યા. પરંતુ એ ડૉક્ટર દ્વારા કરેલાં સેંકડો ઓપરેશન આ સર્જન માટે એક વણઉકેલી સમસ્યા જ બની રહી.

આ ચિકિત્સકનું નામ હતું જી.એરિગો. તે એક નિર્ધન ગામડિયો હતો. એનું ઔપચારિક શિક્ષણ નગણ્ય હતું. પરંતુ તેનું સંવેદનશીલ હૃદય લોકોનાં દુ:ખ-કષ્ટને જોઈને દ્રવી ઊઠતું. એની આ સેવાની પાછળ એ જ પ્રેરણાશક્તિ હતી. 1955 થી 1971માં પોતાના અવસાન સુધી તે આ ચમત્કારિક શલ્યચિકિત્સા કરતો રહ્યો. તેના ક્લિનિકનું નામ હતું, ‘નાઝરેથના પ્રભુ ઈશુનું આધ્યાત્મિક કેન્દ્ર.’ તે સવારના સાત વાગ્યે ત્યાં પહોંચી જતો, ત્યાં સુધીમાં લોકો પોતાના ઉપચાર માટે ત્યાં લાઈનમાં ઊભા રહીને રાહ જોતા જોવા મળતા. પ્રાત:કાલીન પ્રાર્થના કરીને જ્યારે તે ઓપરેશન કરવા તૈયાર થતો ત્યારે તે એક ગામડિયો ન રહેતો. ત્યારે તે ડૉક્ટર ફ્રિટ્જનો અવતાર બની જતો અને તે પોતાની જર્મન મિશ્રિત પોર્ટુગીઝ ભાષા બોલતો હતો. આની પહેલાં પોતાની સામાન્ય પરિસ્થિતિમાં તે જર્મન ભાષાનો એક પણ શબ્દ જાણતો ન હતો. પરંતુ અત્યારે તે એ ભાષામાં કડકડાટ વાતો કરતો હતો.

ખ્રિસ્તી પાદરીઓએ વિચાર્યું કે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વિનાના આ વ્યક્તિ દ્વારા થતો ઉપચાર એક પ્રકારનો કાળો જાદૂ છે. એટલે એમણે એનો વિરોધ કર્યો. જી. એરિગોને જેલમાં નાખી દીધો. તેનો એક માત્ર દોષ એ હતો કે કોઈપણ જાતના કાયદેસરના અધિકાર વિના ઓપરેશન અને ઉપચાર કરતો હતો. એને આ બધું કાર્ય બંધ કરી દેવા કહેવામાં આવ્યું. વસ્તુત: એ પોતાના કાર્યને રોકવા તૈયાર હતો. પરંતુ પીડિત અને વ્યથિત લોકોનાં દુ:ખ જોઈને તે સહન કરી શકતો ન હતો. એટલે તે ઉપચાર કરવા લાચાર બની જતો. પરિણામે એને ફરીથી જેલમાં ધકેલી દીધો. તેના ઉપચારથી સારા-સાજા થયેલા લોકોએ કરુણા અને સહાનુભૂતિથી આઠ લાખ ચાલીસ હજાર ડોલર ભંડોળ એકઠું કરીને એને ઉપહાર રૂપે મોકલ્યું. પરંતુ તેણે આ ભંડોળ પાછું આપી દીધું. એને પોતાના રોગીઓ પાસેથી એક પૈસાની પણ અપેક્ષા ન હતી.

11 જાન્યુઆરી, 1971ના રોજ એક સડક દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું. તેની અંતિમક્રિયામાં હજારો લોકોએ ભાગ લઈને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. એનું આ જીવનવૃત્તાંત પ્રસિદ્ધ અંગ્રેજી માસિક ‘રીડર્સ ડાઇજેસ્ટ’ના મે 1975ના અંકમાં ચિત્ર સાથે પ્રકાશિત થયું હતું. એ દરેકે વાંચવા જેવું છે.

પોતાની આ ચમત્કારિક શક્તિના રહસ્ય વિશે પૂછતાં તેણે આટલું જ કહ્યું હતું, ‘ચિકિત્સક જેવી વેશભૂષાવાળો એક માણસ રાતના લગભગ મારી સામે પ્રગટ થતો હતો. તે પોતાના જેવા બીજા ચિકિત્સકો સાથે થોડી વાતો કર્યા પછી શલ્યચિકિત્સા માટે તૈયાર થઈ જતો. પછી એણે કહ્યું, ‘હું ડૉક્ટર ફ્રિટ્જ છું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હું સર્જનના રૂપે સેવા કરતો હતો ત્યારે મારું મૃત્યુ થયું. પીડિત લોકોની સેવા કરવાની મારી તીવ્ર અને હાર્દિક ઇચ્છા છે. હવે મારું ભૌતિક શરીર નથી, પરંતુ મારું વ્યક્તિત્વ, મારી સ્મૃતિ અને સર્જનના રૂપે મારી દક્ષતા હજી સુધી યથાવત્ છે. એટલે હું તમારા શરીરને માધ્યમ બનાવીને શલ્યક્રિયા અને ચિકિત્સા વિશે નિર્દેશ આપીશ.’

જ્યારે ફ્રિટ્જનું વ્યક્તિત્વ એરિગોની ભીતર આવિર્ભૂત થઈ જતું ત્યારે તે કોણ છે અને શું કરી રહ્યો છે, એ એરિગો સમજી ન શક્તોે. પોતાનાં વર્તન અને વચનમાં ત્યારે તે પૂર્ણતયા પેલા ચિકિત્સક જેવો બની જતો હતો. આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક સત્ય ઘટના છે. એને હજારો લોકોએ પ્રત્યક્ષ જોઈ હતી. વૈજ્ઞાનિક અને બુદ્ધિજીવી લોકો એને લીધે ભ્રમમાં પડી ગયા અને એનું વિશ્ર્લેષણ કરવા લાગ્યા. તો પછી શું એ સત્ય વાત છે કે ભૌતિક શરીરના વિનાશ સાથે જ કોઈ વ્યક્તિનાં વ્યક્તિત્વ, ક્ષમતા, મનોવૃત્તિઓ, પસંદગી-નાપસંદગી અને દક્ષતા સમાપ્ત થઈ જાય છે? આવી ઘટનાઓ અંગે વિશેષજ્ઞોનો શો અભિપ્રાય છે? એમનાં અધ્યયનોનાં શાં પરિણામ છે?

શું મૃત્યુ વાસ્તવિક રીતે સર્વ કંઈ સમાપ્ત કરી દે છે? અથવા આ જીવનનો અંત નથી, પરંતુ એ એક સોપાન માત્ર છે? શું આ વિષયનું સાચું જ્ઞાન આપણી જીવનચર્યામાં આમૂલ પરિવર્તન લાવશે?

Total Views: 352

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.