ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાને આશ્રયે પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડીને ઊભો થયો અને તેને વાચા ફૂટી. ભાગીરથીનાં ધીરગંભીર નીર ખળખળ-ખળખળ વહેતાં હતાં. એવામાં ત્રણ હંસો વડલા તળે આવ્યા. શુદ્ધ શ્ર્વેત રંગના માનસ સરોવરના રાજહંસો! ધોળી સફેદ એમની પાંખો ને મોતીમરાળનો ચારો વીણતી સુંદર રાતી એવી ચાંચ ! આજે તેમને પચાસેક ગાઉનો પંથ થયો છે; મોં પર ને તેમની આંખોમાં જરાક થાકની છાયા છે. પાંખો સંકેલીને હંસો વડલા હેઠળ બેઠા.

વડલા ઉપર એક કાગડો રહે. કાળી મેશ એની આંખો અને એથીયે કાળી એની ચાંચ; બે આંખોમાંથી એક આંખ ખોટી અને એક પગ ખાંગો. જીભ ઉપર સરસ્વતી વસે !

હંસને જોયા એટલે કાગડાભાઈ તો ક્રોં ક્રોં કરતા ઠેકવા માંડ્યા; ઘડીકમાં ડોક વાંકી કરે તો ઘડીકમાં કાણી આંખ ફેરવે; ઘડીકમાં ડાળ પર ઠેકવા લાગે, તો વળી ઘડીકમાં ચાંચને સાફ કરવા લાગી જાય.

‘એ કોણ બેઠું છે ?’ અત્યંત તિરસ્કારથી કાગડો બોલ્યો અને એક પગ ઊંચો કરીને હંસો પર ચરક્યો. હંસો તો નિરાંતે બેઠા બેઠા થાક ખાય છે. એમાં એક હંસ ફફડ્યો. તેની જુવાની ફૂટતી હતી. કાગડાની ચરક પડી એટલે આ જુવાને ઊંચું જોયું એટલે કાગડે પૂછ્યું, ‘એલા તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? શું આ વડલો તમારા બાપનો છે ?’

હંસોએ તેનો જવાબ ન વાળ્યો એટલે કાગડાને જોર આવ્યું. તે ચાર ડાળ હેઠો ઊતર્યો અને વધારે જોરથી ક્રોં ક્રોં કરવા લાગ્યો. ‘કેમ બોલતા નથી ? મોંમાં જીભ છે કે નહીં ?’ કાગડો બીજી બેચાર ડાળો નીચે ઊતરીને છેક પાસે જ આવ્યો; તેનું ક્રોં ક્રોં તો ચાલુ જ હતું.

આખરે કાગડાના કઠોર સ્વરથી થાકીને એક હંસે જવાબ વાળ્યો, ‘અમે રાજહંસો છીએ. આજે લાંબો પંથ કરીને થાકી ગયા છીએ, એટલે ઘડીક વિસામો લેવા અહીં બેઠા છીએ. હમણાં ચાલ્યા જઈશું.’

‘તે કંઈ ઊડતાં કરતાં આવડે છે કે અમસ્તી જ આવડી મોટી પાંખો રાખીને બેઠા છો?’ કાગડાભાઈ તો ફુલાતા-ફુલાતા પાછા વડલા ઉપર ચડ્યા ને ઊડવા લાગ્યા. જુવાન હંસ કાગડા સામે મીટ માંડી રહ્યો.

પણ કાગડાથી રહેવાય ? ‘એમાં જોઈ શું રહ્યા છો? ઊડતાં આવડતું હોય તો આવી જાઓ. મને એકાવન જાતની ઊડ આવડે છે. જુઓ આ એક; આ બીજી; આ ત્રીજી; આ ચોથો પ્રકાર જુઓ; વળી આ સાવ નવી !’

કાગડાની એકાવન પ્રકારની ઊડ ! ડાબી આંખ

મીંચે ત્યારે એક પ્રકાર થાય અને જમણી આંખ મીંચે ત્યારે બીજો; ચાંચને ઊંચી રાખે ત્યારે ત્રીજો અને નીચી રાખે ત્યારે ચોથો. કાગડાએ પોતાના એકાવને પ્રકાર આ રીતે ઊભા કરેલા અને રમત પણ સઘળી વડલા ફરતી !

બેચાર પ્રકારનું પ્રદર્શન કરી વળી કાગડો નીચે આવે અને છાતી કાઢતો, ધમધમ ચાલતો, હંસો સન્મુખ આવીને બોલે : ‘આમાંથી કશું આવડે છે ?’

આ પ્રમાણે એકાવન પ્રકારની ઊડનું પ્રદર્શન ઊકલ્યું પણ હંસો તો જવાબ જ આપે તો ને? હંસોની શાંતિથી કાગડાભાઈ પણ ખૂબ તાનમાં આવી ગયા : ‘છે તાકાત મારી સાથે ઊડવાની ? લાગો છો તો રૂડારૂપાળા! શરમ નથી આવતી ?’

વૃદ્ધ હંસો મૂંગા જ રહ્યા, પણ પેલા જુવાન હંસનું લોહી ઊકળ્યું : ‘બાપુ ! મને જવા દ્યો ને ?’

‘આ કાગડે બાપગોતર હંસોને જોયા નથી. આપણે તો માનસ સરોવરના રાજહંસો કહેવાઈએ. આપણે તે કાગડા સાથે હોડમાં ઊતરવાનું હોય ? આપણે એની સાથે ઊતરીએ એમાં યે એને ખોટી પ્રતિષ્ઠા મળી જાય. છો ને એ બક્યા કરતો ! આપણે તો હમણાં ચાલતા થઈશું,’ એક ઠરેલ હંસે જવાબ વાળ્યો. પણ પેલા જુવાનના મનનું સમાધાન ન થયું. તેની પાંખમાં ચરચરાટી થવા લાગી; તેનો જીવ દુ:ખાવા લાગ્યો. ‘બાપુ ! સહેજ તો દેખાડવા દ્યો ?’ ફરી ઠરેલ હંસે કહ્યું, ‘ના, ના.’

પણ જુવાની આખરે ઊછળી. ‘ભાઈ ! તને એકાવન ઊડ આવડે છે, એટલી તો મને નથી આવડતી, પણ એક ઊડ આવડે છે.’

‘કેટલી, એક ? છિટછિટ્ ! એકમાં શું ?’

જુવાન હંસે ચાલુ રાખ્યું : ‘એ એક ઊડમાં જો તમારે ઊતરવું હોય તો ચાલો.’

કાગડાભાઈ છાતી ફુલાવતા આગળ આવ્યા : ‘એક જ ? બસ, એક જ ? ઠીક, ચાલો, ત્યારે એક તો એક ! પણ મારી એકાવન ઊડ તો જોઈ લીધી ને ? એક અને એકાવનનો ફેર તો જાણો છો ને ?’

બંનેની એક ઊડ શરૂ થઈ. વાંકા ટરડાતા કાગડાભાઈ આગળ અને ધીર ગતિવાળો જુવાન હંસ પાછળ. કાગડાભાઈની બાજી તો રોજ વડલા ફરતી જ રમાતી પણ આજે બંને નદી તરફ વળ્યા. બંનેએ ગંગાનાં ગોઠણબૂડ પાણી મૂક્યાં અને આગળ નીકળ્યા. કાગડાનો હરખ તો માય નહિ. કાગડાભાઈ તો બળ કરીને આગળ ને આગળ રહે; હંસ તો દરકાર વિના ઊડ્યે જતો હતો. જરાક જેટલે છેટે જઈને કાગડો પાછો ફર્યો અને બોલ્યો: ‘કેમ ભાઈ બહુ પાછળ રહી જાઓ છો ? થાક્યા હો તો કહી દેજો અને કહેવામાં શરમબરમ ન રાખીએ. આ તો પાણીનાં કામ છે. અમે તો રાતદિવસના ટેવાયેલા; તમારો અમારો વાદ નહિ.’

હંસે કહ્યું, ‘કાંઈ ફિકર નહિ. ઊડ્યે જાઓ.’ આગળ કાગડો અને પાછળ હંસ.

વળી થોડુંક ઊડીને કાગડાભાઈ બોલ્યા, ‘લ્યો ત્યારે હવે તમે થાકી ગયા હશો માટે પાછા ફરીએ.’ હંસે શાંતિથી જવાબ આપ્યો, ‘ના રે ના. મને જરાય થાક નથી લાગ્યો; મારી ચિંતા ન કરો.’

આગળ કાગડાભાઈ અને પાછળ હંસ, પણ કાગડાભાઈ તો થાક્યા. કંઈ કંઈ બહાનું કાઢીને કાગડો પાછા ફરવાનું કરે, પણ હંસ તો એક જ વેણ બોલે, ‘ઊડ્યે રાખો.’

છેવટે કાગડાભાઈ થાક્યા. એમને શ્વાસ ચડવા લાગ્યો અને પાંખો પાણીને અડવા લાગી.

જુવાન હંસ પાછળ ઊડ્યે આવતો હતો. તે બોલ્યો, ‘કાં, કેમ કાગડાભાઈ ! આ કયા પ્રકારની ઊડ, વારુ ? આ નવો પ્રકાર લાગે છે ?’

જરા વાર પછી તો કાગડાભાઈની પાંખો ભીની થઈ ગઈ અને માથું પાણીમાં આવજા કરવા લાગ્યું.

‘કેમ કાગડાભાઈ ! આ તમારો એકાવનમો પ્રકાર તો નથી ને ? આ ઊડ શાથી આકરી લાગે છે ?’

રાજહંસને દયા છૂટી. તે એકદમ કાગડા પાસે આવ્યો ને તેને પોતાની પીઠ ઉપર ઊંચકી લીધો.

હંસે કહ્યું, ‘ભાઈ ! મને એક જ ઊડ આવડે છે. હવે જોઈ લેજે મારી આ એક ઊડ. બરાબર બેસજે હો ! ’

હંસ તો ઊડ્યો તે ઊડ્યો. હિમાલયનાં શિખરો વીંધીને માનસ સરોવર સુધીનો પંથ કાપનાર રાજહંસ, ગંગાનો પટ વીંધીને સામે કાંઠે ગયો અને ત્યાંથી મોટું ચક્કર લગાવીને કાગડાભાઈને વિશાળ આકાશદર્શન કરાવ્યું અને પાછો વડલા હેઠળ આવ્યો; નીચે ઊતર્યો ત્યારે કાગડાના પેટમાં જીવ આવ્યો.

પણ આ તો કાગડાભાઈ !

હંસે જમીન પર પગ મૂક્યો ન મૂક્યો, ત્યાં તો કાગડો ક્રાં ક્રાં કરતો કરતો વડ પરથી ફરી એકવાર હંસો પર ચરક્યો ! કાગડો બીજું શું કરે ?

રાજહંસો ઘડી પછી ઊડી ગયા.

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.