માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ લગીની સાંકળમાંથી એક કડી તૂટતાં સાંકળ વિખેરાઈ જાય છે ને જીવન ખરા અર્થમાં જીવન રહેવા પામતું નથી.
આપણી પૃથ્વી પર એકકોષી જીવો, વનસ્પતિ, પશુ-પંખીઓ અને માનવો જેવાં અનેક સ્વરૂપે જીવનસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આ બધાં પરસ્પર આધારિત છે.
સૂર્યોદયે ફૂલોનું ખીલવું, પવનના સ્પર્શે પાંદડાઓનું ફરફરવું, ચંદ્રની અસરથી દરિયામાં ભરતી-ઓટ થવી, પહેલા વરસાદની સાથે જ માટીનું મહેકવું અને ધરતી પર કેટલાંક કીટકોનું આગમન થવું – આ બધી જ ઘટનાઓ જાણે કે એક કડીની માફક કુદરત સાથે જોડાયેલી છે. અમસ્તી કોઈ જ ઘટના આ જગતમાં બનતી નથી. કુદરતના દરેક ઘટકો વચ્ચે આંતરસંબંધ હોવાથી તેમની વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહેતી હોય છે.
આપણને એમ થાય કે સૂર્યપ્રકાશ, અંગારવાયુ, પાણી, વનસ્પતિ અને લોખંડ વચ્ચે શી રીતે આંતરસંબંધ સંભવી શકે ? ધ્યાનથી વિચારીએ તો વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં રહેલ લોહતત્ત્વ બીજાં પોષક દ્રવ્યો સાથે પાણી દ્વારા પોતાના વિકાસ માટે ગ્રહણ કરે છે. તેમાં સૂર્યનો તાપ અને અંગારવાયુ પણ મદદરૂપ બને છે. વનસ્પતિએ તૈયાર કરેલ ખોરાક આપણે, પ્રાણીઓ જીવન ટકાવવા માટે લઈએ છીએ.
પૃથ્વીના પેટાળમાંનું લોહતત્ત્વ વનસ્પતિ દ્વારા આપણા રુધિરમાં ફરતું થઈ જાય છે! વળી, આપણા મૃતદેહ કે અન્ય નકામા પદાર્થ પર નભનારાં પણ કેટલાંક જીવાણુંઓ અસ્તિત્વ ધરાવે છે. આવી તો અનેક કડીઓ ધ્યાનથી નીરખીએ તો જોવા મળે.
ભણીગણીને સફળ દાકતર બન્યો હોય તો એની પ્રગતિમાં શાળાના શિક્ષકો કે વાલીઓના યોગદાન સાથે તે જે પાટલી પર બેસી ભણ્યો હશે તે પાટલી બનાવનાર સુથારનો ફાળો અવગણી શકાય નહીં.
સમાજ-વ્યવહારનું અવલોકન કરીએ તો લોકો જે કંઈ કરે છે તે પોતાના માટે કરતા જણાય છે, ખરેખર તો બીજા માટે કરતા હોય છે. દરજી બીજા માટે કપડાં સીવે, ખેડૂત બીજા માટે ખેતર ખેડે, વેપારી ચીજો પહોંચાડવા વેપાર કરે છે. એ કપડાં પહેરનાર, અનાજ ખાનાર અને ચીજોનો ઉપયોગ કરનાર પણ બીજાને માટે કંઈ ને કંઈ કરતા હોય છે. આમ, સમાજ પરસ્પર અવલંબિત છે.
જ્યારે આપણે કોઈ પશુ-પંખી-વનસ્પતિ કે માણસના સંપર્કમાં આવીએ, ત્યારે લાગણીના સ્તર પર કંઈક વિશિષ્ટ અનુભૂતિ થાય છે. કાં તો સામેનું પાત્ર આપણી નજીક આવે છે અથવા દૂર જાય છે. જો જીવતરની સાંકળને સુદૃઢ બનાવવી હોય તો કેટલીક બાબતો અપનાવવી જરૂરી છે. જેવી કે, કોઈની વાત તોડી ન પાડવી, પ્રાણીમાત્ર પ્રત્યે ક્રૂર વર્તન ન દાખવવું, ઉપેક્ષા ન કરવી, વર્તનનાં બેવડાં ધોરણો ન અપનાવવાં, સામેની વ્યક્તિનું માન જળવાય તેવાં ભાષા અને વર્તન અપનાવવાથી માનવસંબંધો વધુ મજબૂત અને લાગણીભર્યા બને છે. આપણા કવિ સુન્દરમ્ની પંક્તિ આ અર્થમાં ખરેખર યથાર્થ છે :
‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’
કોઈ અજાણી વ્યક્તિ માટે કરેલી શુભભાવના કે કાર્ય કદી એળે જતાં નથી. સ્નેહનો નાતો જીવતરની સાંકળને ઓર મજબૂત બનાવે છે. અર્થાત્ જીવન આપણને આપવામાં આવ્યું છે, આપણે તેના હકદારને અર્પી દઈને જ કૃતાર્થ બનીએ છીએ.
Your Content Goes Here