ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો,

સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે… હો… હો… જી…

જલ કેરી મછિયાં જળમાં વિયાણી… જલ કેરી મછિયાં…

ઈંડા એના અધર સમાયા રે, ઈંડા એના અધર જમાયા… હો… હો… જી.

ઈ રે ઈંડામાં છીંડાં રે નોતાં… ઈ રે ઈંડામાં…

પવન એમાં કહાં સે પધરાયા રે…

હો… હો… જી…- ઈતના ભેદ ગુરુ…

ધરતી પર બાવે ચૂલા રે બનાયા… ચૂલા રે બનાયા…

આસમાન તવા રે ઠેરાયા રે… હો… હો… જી…

ચાર ચાર જુગ કી લકડી જલાઈ… ચાર ચાર જુગ કી…

ધુુંવા એના કહાં રે સમાયા રે…

હો… હો… જી.- ઈતના ભેદ ગુરુ…

ગગનમંડળમાં ગૌવા રે વિયાણી… ગૌવા રે વિયાણી…

ગોરસ અધર જમાયા રે… હો… હો… જી.

સંતોએ મિલકર કિયા રે વલોણા… સંતોએ મિલકર…

માખણ કોક વિરલે પાયા રે…

હો… હો… જી.- ઈતના ભેદ ગુરુ…

શૂન રે શિખર પર ભમરગુફા મેં, આસન અધર ઠેરાયા રે…

કહત કબીરા, સુનો ભાઈ સાધુ

સમજ્યા સોઈ નરને પાયા રે…

હો… હો… જી.- ઈતના ભેદ ગુરુ…

કબીરજીના નામે ગવાતું આ ભજન અવળવાણીનું ઉત્તમ ઉદાહરણ છે. સાધક શિષ્ય પોતાના ગુરુને કહે છે કે મારા આટલા પ્રશ્રોના સાચા ઉત્તર આપો, પછી જ હું તમારી દીક્ષાનો સ્વીકાર કરીશ, આટલું સમજ્યા અને મને સમજાવ્યા પછી જ મારો હાથ પકડજો. એક જાગ્રત શિષ્યની આ ચેલેન્જ છે. એક સાત્ત્વિક આહ્‌વાન છે.

‘જળ કેરી મછિયાં જળમાં વિયાણી…’ સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે, રજ અને બીજના સંયોગથી. સ્ત્રી-પુરુષનાં રજ-બીજ આમ તો જળમય જ છે ને ! પાણીની માછલી શુક્ર પાણીમાં જ રજમાં જ પ્રસવ કરે છે અને અધર ગર્ભાશયમાં ઈંડું બંધાય છે. આ ઈંડામાં ક્યાંય છિદ્ર તો છે નહીં, તો પછી એમાં પ્રાણતત્ત્વ ક્યાંથી આવે છે ? ‘ધરતી પર બાવે…’ યેાગીસાધક મૂલાધારચક્રથી શરૂ કરીને પોતાની સુરતા સહસ્રાર સુધી લઈ જાય છે.

મૂલાધારચક્રનો આધાર પૃથ્વીતત્ત્વ છે, એની જાગૃતિથી છેક બ્રહ્મરંધ્ર સુધી યોગાગ્નિ પ્રજ્વલિત થાય છે અને કલિ, દ્વાપર, ત્રેતા અને સત્યયુગ સુધીની, સ્થૂલથી સૂક્ષ્મ સુધીની જુદી જુદી ભૂમિકાએ સાધક સુરતાની યાત્રા કરે છે, અજ્ઞાન-માયા બળીને ખાખ થઈ જાય છે. ‘ગગનમંડળમાં…’ તમામ ઇન્દ્રિયોની શક્તિ કેન્દ્રિત થઈને ચિદાકાશમાં એકત્ર થઈ છે. ઇન્દ્રિયો રૂપી ગાયે જ્ઞાનરૂપી વાછરડાને જન્મ આપ્યો છે અને ઋષિ-મુનિ-સંત-ભક્તોના તત્ત્વચિંતનમાંથી – મંથનમાંથી પરમ સત્યરૂપી સત્ત્વ-માખણની પ્રાપ્તિ થઈ છે. આ રહસ્ય કોઈક વિરલા જ જાણે છે અને તેનો આનંદ માણે છે. યેાગીપુરુષોનાં અમનસ્ક ધ્યાન-સમાધિ અવસ્થાને વર્ણવતું આ ભજન આપણી અણમૂલી મૂડી છે. સામાન્ય બુદ્ધિને અર્થહીન જણાતી અને ગૂંચવી નાખતી આ વાણી એના મરમી સાધકો માટે સાધનાની કૂંચી બની જાય છે. એને સમજવા માટે ભાવકની ચોક્ક્સ ભૂમિકા જોઈએ. ‘નાવ મેં નદિયા ડૂબી જાય…’ કે ‘ચિંટી કે મુખ હસ્તિ સમાઈ…’ જેવી ઉક્તિઓમાં એક અનાદિ અનંત સ્વરૂપ આત્માના નિર્મળ ધ્યાનરૂપી નૌકામાં અનેકવિધ સાંસારિક વૃત્તિઓ રૂપ નદીઓ ડૂબી જતી હોય કે હાથી જેવડા અતિ બળવાન પ્રાણી જેવું મન કીડી જેટલી ક્ષુદ્ર વૃત્તિઓ અને વાસનાઓના મુખમાં સમાઈ જતું હોય એવો સાધનાત્મક અર્થ તો છે જ, પણ વ્યવહારમાં પણ હાથી જેવડા વિશાળ વડનું બીજ નાનકડા કણ કે કીડી જેવડું જ હોય. એમાંથી જ વિશાળ વટવૃક્ષ ઊગી ને પાંગરી શકે. આપણી વિષયતૃષ્ણારૂપી વાસનાઓનું બીજ તો નાનકડું જ હોય પણ એને તક મળતાં તો તે હાથી જેવડું બની જાય ને હાથી જેવા સમર્થ મનને તથા પ્રાણને ખાઈ જાય.

પરંપરિત સાધનાત્મક પરિભાષા જાણ્યા વિના આવી અવળવાણીનો સાચો અર્થ ન સાંપડે. જીવ, જગત, માયા, બ્રહ્મ, બ્રહ્માનુભૂતિ, વૈરાગ્ય, ભક્તિ, યોગ અને આત્મા વિશે આપણા સંતોએ પ્રતીકાત્મક રીતે ગૂઢ-રહસ્યમય વાણીમાં ઘણું ચિંતન આપ્યું છે. એક એક શબ્દ સંતો માટે જીવનસાધના હતો. શબ્દબ્રહ્મની ઉપાસના કરતાં કરતાં જે નવનીત આ સંતોને મળ્યું, તે પોતાની વાણીમાં વ્યક્ત ક્યુર્ં છે. ‘સમજ્યા સોઈ નર પાયા…’ જે આ રહસ્યને સમજી શક્યા છે તે જ પૂર્ણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે, તેમ કબીરજીએ અમસ્તું નથી કહ્યું.

અલખને લખવા આપણી સામાન્ય બોલી કે ભાષા કામ નથી આવતી, એ માટે તો આશરો લેવો પડે અવળવાણીનો. ગૂઢ રહસ્યાત્મક ઉક્તિઓની આ પરંપરાનાં મૂળ છેક વેદો સુધી પહોંચે છે, પણ સંતવાણી પ્રવાહમાં કબીર એના વિશિષ્ટ ને વિરલ પુરર્સ્ક્તા છે. કબીર- ગોરખની અવળવાણી શબ્દ ફેરે-ભાષાફેરે આજ સુધીના તમામ ભજનિક કવિઓ સુધી વિસ્તરતી રહી છે.

અલખની ઓળખાણનો પોતાનો અનુભવ લગભગ તમામ સંત-કવિઓએ પોતાની વાણીમાં વર્ણવ્યો છે.

અષ્ટાંગ યોગ દ્વારા મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર સુધીનાં ષટ્ચક્રો ભેદીને કુંડલિની શક્તિ સહસ્રારમાં આવે અને પરમાત્મ- સાક્ષાત્કાર થાય, ત્યાં સુધીમાં સાધકને જુદાજુદા અનેક અલૌક્કિ અનુભવો થતા હોય છે. આ સ્વાનુભવ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો પરંપરિત રૂઢ પરિભાષા દ્વારા જ થઈ શકે. અને એનો અર્થ સંતવાણીની પરંપરા કે પદાવલિના જાણકાર-મરમી પાસેથી જ સાંપડે.

લટબાંસી, વિપર્યય, કૂટકાવ્ય, ગૂઢવાણી, ગુરુમુખીવાણી, યોગવાણી, પ્રહેલિકા વગેરે નામે આ વાણીને ઓળખવામાં આવે છે. અર્થને જટિલ કે અસ્પષ્ટ બનાવવા ક્યારેક પાંડિત્ય પ્રદર્શન પણ થાય, જે વિસ્મય – ચમત્કાર ઉત્પન્ન કરે, જેમાંથી વાચ્યાર્થથી સાવ જુદો કોઈ એવો અર્થ પ્રગટ થતો હોય કે જે સામાન્ય માનવી જાણી શક્વા અસમર્થ હોય. ગુરુગમ દ્વારા જ એ જાણી શકાય.સામાન્ય શબ્દોમાંથી એક વિશેષ પ્રકારના અર્થગાંભીર્યનો ધ્વનિ પ્રગટાવી શકે. એને કોઈ વિરલા જ જાણી શકે.

સાધો  શબદ સાધના કિજૈ…

જેહી શબદ તે પ્રગટ ભયે સબ…

સોઈ શબદ ગ્રહી લિજૈ… સાધો

શબદ ગુરુ સુન શિખ ભયે હૈ,

શબદ સો વિરલા બૂઝૈ,

સોઈ શિષ્ય સોઈ ગુરુ મહાતમ,

જેહિ અંતરગતિ સૂઝૈ…

સોઈ શબદ ગ્રહી લિજૈ… સાધો

શબદે વેદ પુરાન કહત હૈ,

શબદે સબ ઠહરાવૈ,

શબદે સુર મુનિ સંત કહત હૈ,

શબદ ભેદ નહીં પાવૈૈ…

સોઈ શબદ ગ્રહી લિજૈ… સાધો

શબદે સુન સુન ભેખ ધરત હૈ,

શબ્દે કહે અનુરાગી,

ષડ્દર્શન સબ શબદ કહત હૈ,

શબદ કહે વૈરાગી…

સોઈ શબદ ગ્રહી લિજૈ … સાધો

શબદે કાયા જગ ઉતપાની,

શબદે કેરી પસારા,

કહે કબીર જંહ શબદ હોત હૈ,

ભવન ભેદ હૈ ન્યારા…

સોઈ શબદ ગ્રહી લિજૈ… સાધો

Total Views: 1,551

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.