કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ પ્રમાણે છે :

ચૌદહ સૌ પચપન સાલ ગયે, ચંદ્રવાર ઈક ઠાઠ નએ.

જેઠ સુદી બરસાયત કો, પુરનમાસી પ્રગટ ભયે.

એટલે કે વિક્રમ સંવત 1455નું વરસ વીતી જતાં વિક્રમ સંવત 1456 સોમવારને દિવસે જેઠ માસની પૂનમ-વટસાવિત્રીના તહેવારના દિવસે કબીરસાહેબનો જન્મ થયો હતો. આ દિવસે કબીરપંથીઓ ઉત્સવ ઉજવે છે.

કબીરના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે. કેટલાક લોકોના મત પ્રમાણે રામાનંદ સ્વામીના આશીર્વાદથી કાશીની એક બ્રાહ્મણ વિધવાની કૂખે જન્મ્યા હતા. એ બ્રાહ્મણ વિધવાએ પોતાના નવજાત શિશુને લહરતારા તાલ (તળાવ) પાસે રાખી દીધું. કબીરનાં માતપિતા વિશે પણ કંઈ નકકી કહી શકાતું નથી. કબીર ‘નીમા’ અને ‘નીરુ’ના વાસ્તવિક પુત્ર હતા કે નીમા અને નીરુએ કેવળ એમનું પાલનપોષણ કર્યું હતું, એ વિશે કંઈ નક્કી કહી શકાતું નથી. લોકવાયકા પ્રમાણે નીરુ વણકરને આ બાળક લહરતારા તાલ પર ત્યજેલું મળ્યું હતું. એને તેઓ પોતાને ઘેર લાવ્યા અને તેનું પાલનપોષણ કર્યું. પછીથી તેઓ કબીરના નામે પ્રખ્યાત થયા. કબીરે પોતાની જાતને એક પંક્તિમાં વણકરના રૂપે પ્રસ્તુત કર્યા છે :

‘જાતિ જુલાહા નામ કબીરા

બનિ બનિ ફિરો ઉદાસી.’

કબીરપંથીઓની માન્યતા છે કે કબીરની ઉત્પત્તિ કાશીમાં લહરતારા તળાવમાં ઉત્પન્ન કમળના મનોહર પુષ્પ પર એક બાળક રૂપે થઈ હતી. એમ પણ કહેવાય છે કે જન્મથી તેઓ મુસલમાન હતા અને યુવાવસ્થામાં રામાનંદના પ્રભાવથી એમને હિન્દુધર્મનું જ્ઞાન થયું. એક દિવસ તેઓ પંચમઘાટનાં પગથિયાં પર પડી રહ્યા. રામાનંદજી એ વખતે ગંગા સ્નાન માટે પગથિયાં ઊતરતા હતા. એમનો પગ કબીરના શરીર પર પડી ગયો. એમના મુખમાંથી તત્કાલ ‘રામ-રામ’ શબ્દ નીકળી પડ્યા. એ શબ્દને કબીરે દીક્ષામંત્ર માની લીધો. પછી રામાનંદજીને એમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા. કબીરના શબ્દોમાં કહીએ તો – ‘હમ કાસી મેં પ્રકટ ભયે હૈં, રામાનંદ ચેતાયેે’. બીજી લોકવાયકા પ્રમાણે કબીરે હિન્દુ-મુસલમાનનો ભેદ દૂર કરીને હિન્દુભક્તો અને મુસલમાન ફકીરોનો સત્સંગ કર્યો. એ બન્ને પાસેથી સારી સારી વાતોને આત્મસાત્ કરી લીધી.

લોકવાયકા પ્રમાણે કબીરને કમાલ નામનો પુત્ર અને કમાલી નામની પુત્રી હતી. કુટુંબના ભરણપોષણ માટે તેમને પોતાના ચરખા પર ઘણું કામ કરવું પડતું. એમના ઘરે સાધુસંતોનો મેળો જામી જતો. કબીરપંથ પ્રમાણે કામાત્ય એમનો શિષ્ય હતો તથા કમાલી તથા લોઈ એમનાં શિષ્યા હતાં. લોઈ શબ્દ કબીરે એક જગ્યાએ ધાબળાના રૂપે પણ ઉલ્લેખ કર્યો છે. એક જગ્યાએ લોઈને પુકારીને કબીર કહે છે : ‘કહત કબીર સુનહુ રે લોઈ, હરિ બિન રાખનહાર ન કોઈ’. કબીર ભણેલા ન હતા – ‘મસિ કાગજ છૂવો નહીં, કલમ ગહી નહીં હાથ.’ એમણે ગ્રંથો લખ્યા નથી. તેમના મુખની વાણી એમના શિષ્યોએ લખી લીધી. એમના બધા વિચારોમાં રામનામનો મહિમા પ્રતિબિંબિત થાય છે. તેઓ એક જ ઈશ્વરમાં માનતા અને કર્મકાંડના ઘોર વિરોધી હતા. અવતાર, મૂર્તિ, રોઝા, ઈદ, મસ્જિદ, મંદિર વગેરેમાં ન માનતા.

કબીરના નામે મળેલા ગ્રંથોની સંખ્યા જુદા જુદા લેખકોના મત પ્રમાણે ભિન્ન ભિન્ન છે. એચ. એચ. વિલ્સનના મત પ્રમાણે કબીરના નામે આઠ ગ્રંથ છે. બિશપ જી. એચ. વેસ્ટકોટે કબીરના ચોરાસી ગ્રંથોની યાદી પ્રસ્તુત કરી છે. વળી રામદાસ ગૌડે ‘હિન્દુત્વ’માં એકોતેર પુસ્તકો ગણાવ્યાં છે. તેમની વાણીનો સંગ્રહ ‘બીજક’ને નામે પ્રસિદ્ધ છે. એના ત્રણ ભાગ છે – રમૈની, સબદ અને સારવી. એમાં પંજાબી, રાજસ્થાની, ખડીબોલી, અવધી, પૂરબી, વ્રજભાષા જેવી કેટલીયે ભાષાઓની ખીચડી જોવા મળે છે.

કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપે જુએ છે. એટલે જ તેઓ મનુષ્યની સર્વાધિક નિકટ રહે છે. તેઓ કહે છે, ‘હરિમોર પિઉ, મૈં રામ કી બહુરિયા’ તો વળી ક્યારેક કહે છે, ‘હરિ જનની મૈં બાલક તોરા’.

એ સમયે હિન્દુ પ્રજા પર મુસ્લિમ આતંક છવાયેલો હતો. કબીરે પોતાના પંથને એવી રીતે સુનિયોજિત કર્યો કે જેનાથી મુસ્લિમ મત તરફ ઝૂકેલી જનતા સહજભાવે એમની અનુયાયી બની. એમણે પોતાની ભાષા સરળ અને સુબોધ રાખી. તેથી તેમની વાણી સામાન્ય માણસ સુધી પહોંચી શકી. એને લીધે બન્ને સંપ્રદાયોનું પરસ્પર મિલન સરળ સહજ બન્યું. એમનો પંથ ગૌભક્ષણનો વિરોધી હતો.

કબીરને શાંતિમય જીવન પ્રિય હતું. તેઓ અહિંસા, સત્ય, સદાચાર જેવા સદ્ગુણોના પ્રસંશક હતા. પોતાનાં સરળતા, સાધુ-સ્વભાવ અને સંત પ્રવૃત્તિને કારણે વિદેશોમાં પણ એમનો આદર થાય છે. તેમનું સમગ્ર જીવન કાશીમાં પસાર થયું.

મૃત્યુ સમયે તેઓ મગહર ચાલ્યા ગયા. ઇચ્છા ન હોવા છતાં પણ તેઓ મગહર ગયા. વૃદ્ધાવસ્થામાં યશ અને કીર્તિના મારે તેમને ઘણું દુ:ખકષ્ટ આપ્યું. એ જ દશામાં એમણે કાશી છોડ્યું અને આત્મનિરીક્ષણ તથા પરીક્ષણ કરવા દેશના જુદા જુદા ભાગોની યાત્રા કરી. કબીર મગહર જઈને દુ:ખી હતા :

‘અબ કહુ રામ કવન ગતિ મોરી,

તજીલે બનારસ મતિ ભઈ મોરી.’

એમ કહેવાય છે કે કબીરના વિરોધીઓએ એમને મગહર જવા લાચાર કરી દીધા; તેઓ ઇચ્છતા હતા કે કબીરની મુક્તિ ન થાય. કબીર તો કાશીના મરણથી નહીં, પરંતુ રામની ભક્તિથી મુક્તિ મેળવવા ઇચ્છતા હતા.

‘જો કાશી તન તજૈ કબીરા,

તો રામૈ કોન નિહોટા.’

પોતાની યાત્રામાં તેઓ કાલીંજરના પિથોરબાદ શહેરમાં પહોંચ્યા. અહીં રામ-કૃષ્ણનું નાનું મંદિર હતું. અહીંના સંત ભગવાન ગોસ્વામી જિજ્ઞાસુ સાધક હતા. પણ એમના તર્કનું હજી સુધી પૂરેપૂરું સમાધાન થયું ન હતું. કબીર સાથે એમણે વિચારવિનિમય કર્યો.

‘બન તે ભાગા બિહરે પડા, કરહા અપની બાન

કરહા બેદન કાસોં કહે, કો કરહા કો જાન.’

અર્થાત્ વનમાંથી ભાગીને શિકારીએ ખોદેલા ખાડામાં પડેલો હાથી પોતાની વ્યથા કોને કહે ? કબીરની આ સાખીએ તેના મન પર ગહન પ્રભાવ પાડ્યો. એનો સારાંશ એ છે કે ધર્મની જિજ્ઞાસાથી પ્રેરિત થઈને ભગવાન ગોસાઈ પોતાનું ઘર છોડીને બહાર તો નીકળી ગયા અને હરિપ્યાસી સંપ્રદાયના ઊંડા ખાડામાં પડીને એકલા નિરાશ્રિત બનીને આવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. કબીર આડંબર વિરોધી હતા. મૂર્તિપૂજાને ધ્યાનમાં રાખીને એમની એક સાખી છે :

‘પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાર

થા તે તો ચાકી ભલી, જાસે પીસી ખાય સંસાર.’

119 વર્ષની ઉંમરે મગહરમાં કબીરનો દેહાંત થયો. એમનું વ્યક્તિત્વ સંતકવિઓમાં અનોખું છે. આ સાખી યાદ રાખવા જેવી છે :

સાઁચ બરાબર તપ નહીં, ઝૂઁઠ બરાબર પાપ,

જાકે હિરદે સાઁચ હૈ, તાકે હિરદે આપ.

સાઁચે કો સાઁચા મિલૈ, અધિકા બઢે સ્નેહ,

ઝૂઁઠે કો સાઁચા મિલૈ, તબ હી ટૂટે નેહ.

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.