ઊલટા વિચારોની પદ્ધતિ

યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેના પર એ જ ઉપાયનો ઉપયોગ કરવો પડે, જેનો આપણે અન્ય વિચારતરંગોના નિયંત્રણ માટે કરીએ છીએ.

આ વિશે એક તળાવનું ઉદાહરણ આપી શકાય. તળાવની સપાટી પર ઊઠતા તરંગોને કારણે તેનું પાણી ડહોળું અને ચંચળ બની જાય છે. અને એને લીધે આપણે તળાવના તળિયાને જોઈ શકતા નથી. તરંગો ઊઠતાં બંધ થઈ જાય અને જળ શાંત થઈ જાય, ત્યારે સંભવ છે કે એ તળિયાની ઝાંખી કરી શકીએ. આ તળાવ એટલે ચિત્ત, વૃત્તિઓ એટલે તરંગો અને તળાવનું તળિયું એટલે આપણો આત્મા.

વૃત્તિઓની વારંવાર થતી આવૃત્તિ ક્રમશ: આપણાં સંસ્કારો કે પ્રવૃત્તિઓનું નિર્માણ કરે છે. ત્યાર પછી આ સંસ્કાર પણ મનોવૃત્તિઓને નિપજાવે છે. આ રીતે આ પ્રક્રિયા બંને દિશાએથી કાર્ય કરે છે. હવે અહીં આપણે ક્રોધની સમસ્યા પર વિચાર કરીશું. જો મનમાં વારંવાર ક્રોધ તથા આક્રોશના વિચારોને આવવા દેવાય, તો આપણને જોવા મળશે કે આ ક્રોધવૃત્તિઓએ અજ્ઞાત રૂપે ક્રોધસંસ્કારોનું નિર્માણ કરી લીધું છે અને તે આપણને પોતાના દૈનંદિન જીવનમાં વારંવાર ક્રોધ પ્રગટ કરવા પ્રવૃત્ત કરશે. જે લોકો ક્રોધી સ્વભાવના ગણાય છે, એ લોકોએ વસ્તુત: ધીરે ધીરે ક્રોધના સંસ્કારોને સંચિત કરી લીધા હોય છે. આવા લોકો સરળતાથી ‘વિકલ્પ’ નામના શાબ્દિક ભ્રમના શિકાર બની જાય છે. પતંજલિ (1.9) માં આ વૃત્તિની આ શબ્દોમાં વ્યાખ્યા આપે છે – શબ્દજ્ઞાનાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પ: જો કોઈ શબ્દ દ્વારા સૂચિત વસ્તુનું અસ્તિત્વ ન હોય તો તેને વિકલ્પ કે શબ્દજાત ભ્રમ કહે છે.

આના પર ટિપ્પણી કરતાં સ્વામી વિવેકાનંદ લખે છે, ‘વિકલ્પ નામની એક પ્રકારની બીજી વૃત્તિ છે. આપણે કોઈ વાત સાંભળીએ છીએ અને તેના અર્થ પર શાંત ભાવે વિચાર કર્યા વિના તરત જ એક નિષ્કર્ષ તારવી લઈએ છીએ. આ ચિત્તની દુર્બળતા છે. હવે સંયમને સારી રીતે સમજી શકાશે. મનુષ્ય જેટલો દુર્બળ હોય છે, એની સંયમની શક્તિ એટલી જ ઓછી હોય છે. તમે હંમેશાં પોતાની જાતને આ સંયમની કસોટી પર કસો. જ્યારે તમારામાં ક્રોધ કે દુ:ખી થવાનો ભાવ આવે, ત્યારે તમે એ સમયે વિચાર કરીને જુઓ કે આ કેવી રીતે થઈ રહ્યું છે; તમારે એ જોવું પડશે કે કેવી રીતે કોઈ સૂચના તમારી પાસે આવતાં જ તમારા મનની વૃત્તિઓમાં પરિણત થઈ જાય છે.’

5રિવાર તથા સમાજમાં જોવા મળતી અનેક દુ:ખદ ઘટનાઓ- પછી ભલે તે એની મેળે ઊભી થઈ હોય કે આપણે એને માટે કારણભૂત હોઈએ – શાબ્દિક ભ્રાંતિઓની અભિવ્યક્તિઓ છે. જો આપણે સચેત રહીને પોતાના વ્યક્તિગત સંબંધોમાંથી વિકલ્પો કે શાબ્દિક ભ્રાંતિઓને કાઢી નાખીએ, તો દુ:ખદ કે ક્રોધપૂર્ણ અથડામણોના પ્રસંગોેની સંખ્યા ઠીકઠીક પ્રમાણમાં ઘટાડી શકાય. ક્રોધનું કોઈ ચોક્કસ કે અપરિહાર્ય કારણ નથી હોતું. કોઈ વિશેષ પ્રકૃતિના લોકોને ક્રોધથી લાલપીળા કરવા કોઈ નાનું-મોટું બહાનું જ પૂરતું છે. જે પરિસ્થિતિ એક ક્રોધી પ્રકૃતિવાળા વ્યક્તિને ક્રોધાગ્નિમાં બળતા કરી દે છે, એ જ પરિસ્થિતિ ક્રોધસંસ્કાર વિનાના વ્યક્તિના મનમાં ઉપહાસની સૃષ્ટિ કરી શકે છે. ક્રોધનું કોઈ કારણ નથી હોતું. પરંતુ ક્રોધી સ્વભાવની વ્યક્તિ પોતાના ક્રોધને વ્યક્ત કરવા કોઈ ને કોઈ કારણ શોધી કાઢે છે. એટલે ક્રોધ પર વિજય મેળવવા વ્યક્તિએ પોતાના ચારિત્ર્યમાં પરિવર્તન લાવવું આવશ્યક છે.

વ્યક્તિનું ચારિત્ર્ય એના દ્વારા અર્જિત સંસ્કારોનું સંકલન છે. એમાં પરિવર્તન લાવવું અસંભવ નથી. જેવી રીતે રેતીવાળો નદીનો કિનારો સ્થિર દેખાય છે, છતાં પણ પાણીની ધારાઓ બીજી દિશામાં વહેવાને પરિણામે તે બદલી શકે છે. એવી જ રીતે ચિત્તની વૃત્તિઓમાં પરિવર્તનથી વ્યક્તિના ચારિત્ર્યમાં પણ પરિવર્તન આવી શકે છે. ચારિત્ર્યમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય છે એની વાત સમજાવતાં સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’ નામના ગ્રંથમાં કહે છે :

દરેક કાર્ય સરોવરની સપાટી પર કંપી રહેલા ધબકારા જેવું છે. એ ધ્રુજારી શમી જાય, પછી શું બાકી રહે? તેનો સંસ્કાર. જ્યારે ઘણી મોટી સંખ્યામાં આ સંસ્કારો મન ઉપર પડેલા હોય છે, ત્યારે તે બધા જોડાઈને ટેવનું રૂપ લે છે. કહેવાય છે કે ‘ટેવ એ બીજો સ્વભાવ છે,’ પણ એ પ્રથમ સ્વભાવ પણ છે અને માણસનો સંપૂર્ણ સ્વભાવ પણ છે; અરે, આપણે જે કંઈ છીએ તે ટેવનું જ પરિણામ છે. એથી જ તો આપણને આશ્ર્વાસન મળે છે, કારણ કે આપણો સ્વભાવ એ જો માત્ર ટેવ જ હોય, તો તો આપણે ગમે ત્યારે નવી ટેવ પાડી શકીએ અને જૂની ટેવને છોડી શકીએ. આ કંપનો મનમાં થઈને નીકળતાં સંસ્કાર મૂકતાં જાય છે, તેમાંનો દરેકેદરેક પોતાનો ડાઘ મૂકતો જાય છે. આપણું ચારિત્ર્ય આ બધા ડાઘનો એકંદર સરવાળો છે અને જે પ્રમાણે જે કોઈ એક ખાસ સંસ્કાર પ્રબળ બને, તે પ્રમાણે માણસનું વલણ ઘડાય. જો શુભ સંસ્કાર પ્રબળ બને, તો માણસ સારો થાય; જો ખરાબ સંસ્કાર પ્રબળ થાય તો માણસ દુષ્ટ બને; જો આનંદી સંસ્કાર પ્રબળ થાય, તો માણસ સુખી થાય. ખરાબ ટેવો છોડવાનો એક માત્ર ઉપાય છે, તેનાથી ઊલટી, સારી ટેવો પાડવી; જે જે ખરાબ ટેવોના સંસ્કાર પડેલા છે, તેમને સારી ટેવોથી કાબૂમાં લેવાના છે. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહીં કહેતા કે અમુક માણસ સુધરી નહીં જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે. (સ્વા. વિ. ગ્રંથમાળા – 1.225-26)

સૂક્ષ્મ સંસ્કારો પર વિજય

આ તથ્યો અને વિચારોને મનમાં રાખીને પતંજલિના ઉપદેશની દૃષ્ટિએ આપણે ક્રોધ પર વિજય મેળવવાના વ્યાવહારિક ઉપાયોને અહીં દર્શાવેલા ક્રમ પ્રમાણે અપનાવવા પડશે :

  1. પતંજલિના ઉપદેશો દૃઢતાપૂર્વક તેવો વિશ્વાસ અપાવે છે કે ક્રોધ પર પૂરેપૂરો વિજય મેળવી શકાય છે. જે કોઈપણ માનવ તેને માટે દૃઢસંકલ્પવાળો હોય અને તેનામાં જો એને માટે આવશ્યક અભ્યાસ કરવાનું ધૈર્ય હોય, તો તે ક્રોધહીનતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.
  2. ક્રોધ પર વિજય મેળવવા માટે શરૂઆતમાં જ ક્રોધના સ્વરૂપને સ્પષ્ટ રૂપે સમજી લેવું પડે.
  3. ક્રોધ વિભિન્ન રૂપે અભિવ્યક્ત થઈ શકે છે. પરંતુ વિવિધ અભિવ્યક્તિઓ પર નિયંત્રણના પ્રયાસથી જ ક્રોધ પર વિજય મેળવી શકાતો નથી.
  4. મૂળ રૂપે ક્રોધ એક ચિત્તવૃત્તિ, વિચારતરંગ કે મનનું એક રૂપાંતરણ છે. ક્રોધ પર વિજય મેળવવા મનની આ વૃત્તિઓ પર નિયંત્રણ કરવું પડે.
Total Views: 455

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.