પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે. વળી આ નિયમ આ લોકમાં કે પરલોકમાં બધે સાચો છે. અન્યનું ભલું કરવું એ જ જીવન છે, અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલાં છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્યો ! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી.
મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ ! છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ, પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! જ્યારે સર્વત્ર અંધકર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! શંકરાચાર્ય, રામાનુજ અને ચૈતન્ય જેવા પ્રાચીન આચાર્યોએ દોરી આપેલી સહુ માટે મોક્ષ અને સમતાની પ્રાચીન ભૂમિકા ઉપર સમાજનું પુનરુત્થાન કરવા પ્રયાસ કરો. મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશના ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
ઉત્સાહ રાખો અને સૌમાં પ્રેમ પ્રેરો. કામ, બસ કામ કરો ! નેતા હોવા છતાં સૌના સેવક બનો. નિ:સ્વાર્થ બનો. એક મિત્ર ખાનગીમાં બીજા ઉપર આક્ષેપ કરે તે કદી ન સાંભળો. અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ છે.
કામમાં લાગી જાઓ, બસ કામમાં લાગી જાઓ; કારણ કે બીજાના કલ્યાણ માટે કામ કરવું તે જ ખરું જીવન છે. સાવચેત રહેજો ! જે કંઈ અસત્ય છે તેનાથી સાવધાન રહેજો. સત્યને વળગી રહેજો, તો આપણે સફળ થઈશું; ભલેને ધીરે ધીરે પણ સફળતા જરૂર આવશે. જાણે કે હું ન હોઉં તેવી રીતે કામ કરો. જાણે કે તમારા ઉપર જ બધા કામની જવાબદારી છે તેવી રીતે કામ કર્યા રાખો. પચાસ સૈકાઓ તમારા તરફ મીટ માંડી રહ્યા છે. ભારતનું ભવિષ્ય તમારે હાથ છે.
(સ્વામી વિવેકાનંદના 19-11-1894ના પત્રમાંથી)

૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે….મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે અને પહેલેથી તેની બરાબર જાહેરાત કરે એટલે ગ્રાહકો માસિક માટે ધસારો કરશે. માસિકનો પોણો ભાગ ધર્મની વાતોથી ભર્યો હોય, તેવું માસિક લોકોને ગમે ખરું ? ગમે તેમ પણ માસિક પ્રત્યે ખાસ ધ્યાન આપજો. મનથી એમ માની લો કે જાણે હું નથી જ; આ ભૂમિકા સ્વીકારીને સ્વતંત્ર રીતે કાર્ય કરો. ‘અમે તો પૈસા, વિદ્યા, દરેકે દરેક માટે મોટા ભાઈ પર આધાર રાખીએ’ – આ જાતની મનોવૃત્તિ વિનાશનો જ માર્ગ છે. જો બધા પૈસા (માસિક માટે પણ) મારે જ મેળવવાના હોય અને બધા લેખો મારી જ કલમમાંથી આપવાના હોય, તો તમે બધા શું કરશો ? ….. એક પાઈ પણ ઉઘરાવવા કોઈ તૈયાર નથી, કંઈ ઉપદેશ આપવા કોઈ તૈયાર નથી, પોતાના કામકાજની યોગ્ય સંભાળ રાખવા જેટલી પણ કોઈમાં બુદ્ધિ નથી, એક લીટી સરખીય લખવા જેટલી કોઈમાં શક્તિ નથી, બધા જ ખાલી સંતો થઈ પડ્યા છો ! … મારે જોઈએ કામ, મારે જોઈએ જોમ, કોઈ મરે કે જીવે તેની પરવા નહીં. સંન્યાસીને વળી જીવન કે મરણ શું ?’

સ્વામીજીની તીક્ષ્ણ દૃષ્ટિ સદા ‘ઉદ્‌બોધન’ તરફ રહેતી. પ્રૂફ જોવામાં અથવા છાપવામાં થોડી પણ ભૂલ તેઓ સાંખી શકતા નહિ. જો સમયસર પત્રિકા બહાર ન પડતી તો તેમના તિરસ્કારની કોઈ સીમા જ ન રહેતી. એમના કોપનો શિકાર મોટા ભાગે સ્વામી ત્રિગુણાતીતાનંદજી જ બનતા, જેઓ આ પત્રિકાનાં પ્રથમ ચાર વર્ષો સુધી પ્રકાશક અને સંપાદક હતા. આ ઉપરાંત મિસ મેક્લાઉડની આર્થિક સહાયથી ખરીદાયેલ ‘ઉદ્‌બોધન’ના પ્રેસનું સંચાલન પણ તેમના ખભા પર જ હતું. આ બધાં કાર્યો માટે તેમને ઘોર પરિશ્રમ કરવો પડતો હતો. એક દિવસ તેઓ શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવમાં ભાગ લેવા બેલુર મઠ ગયા ત્યારે સ્વામીજીએ તેમને ‘ઉદ્‌બોધન’માં છપાયેલ શ્રીરામકૃષ્ણ અને પ્રાધ્યાપક મેક્સમૂલર વિષેના લેખમાં રહી ગયેલ ભૂલ માટે સખત ઠપકો આપ્યો. સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ પોતાની મુશ્કેલીઓનું વર્ણન કરતાં કહ્યું, ‘કેવા મૂર્ખાઓ જોડે કામ કરવું પડે છે એ તો તમે સમજવા નથી માગતા’. સ્વામીજીએ કઠોરતાથી કહ્યું, ‘રહેવા દે એ બધી વાતો. જે કાર્ય હાથમાં લીધું છે, તેમાં ભૂલ કેમ રહી જાય ? કામ કરવાવાળાઓને કોઈ વાર શીખવવાનો પ્રયત્ન કર્યો છે ? આ દેશના લોકો જ પોતાના દોષોને છુપાવવાનાં બહાનાં શોધે છે. પાશ્ચાત્ય દેશોમાં જેઓ મેનેજર (વ્યવસ્થાપક) હોય છે તેઓ પોતાનું કામ પૂરી જવાબદારીથી કરવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં સુધી કામ સંપૂર્ણપણે, ત્રુટિરહિત ન થઈ જાય ત્યાં સુધી છોડતા નથી. આ દેશમાં તો છાપ્યું એટલે પતી ગયું-ભૂલો રહે તો રહેવા દો. એક શબ્દ પણ જો આડો-અવળો થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે. પ્રૂફ જોવામાં અત્યંત કાળજી રાખવી જોઈએ.’

બહારથી આવું કઠોર વર્તન કરવા છતાં સ્વામીજીના હૃદયમાં પોતાના ગુરુભાઈઓે પ્રત્યે અનહદ પ્રેમ હતો. સ્વામીજીનો સ્વભાવ જ નિરાળો હતો – મોઢા સામે ગાળોની વર્ષા અને પીઠ પાછળ પ્રશંસાની વર્ષા ! એક વાર સ્વામીજીએ વાર્તાલાપ કરતી વખતે સ્વામી ત્રિગુણાતીતાનંદજી વિષે પ્રશંસા કરતાં કહ્યું હતું, ‘તેઓ કામ કરતાં કરતાં મૃત્યુને ભેટશે છતાં નમશે નહિ.’ ખરેખર, સ્વામી ત્રિગુણાતીતાનંદજી અમેરિકામાં વ્યાખ્યાન આપતી વખતે એક પાગલ શિષ્ય દ્વારા ફેંકાયેલ બોમ્બથી ઘવાઈને શહીદ થયેલા.

શિવજીની જેમ એક પળે રૌદ્ર રૂપ તો બીજી પળે આશુતોષ રૂપ ધારણ કરવાવાળા સ્વામીજીનું આ વ્યક્તિત્વ શ્રી શચીન્દ્રનાથ બસુની સ્મૃતિકથામાં ઘણી સુંદર રીતે ખીલી ઊઠ્યું છે. ‘ઉદ્‌બોધન’ માટે સ્વામીજીનો ઉત્સાહ, સ્નેહ તથા પ્રેરણા, ગુરૂભાઈઓ પ્રત્યે તેમનો સ્નેહ અને સાથોસાથ કઠોર અનુશાસન અને બીજી તરફ સ્વામી ત્રિગુણાતીતાનંદજીનો ‘ઉદ્‌બોધન’ માટે કઠોર પરિશ્રમ, અવિરત સંઘર્ષ અને સ્વામીજી પ્રત્યે તેમની સમર્પિત ભાવના અને આજ્ઞાકારિતા આ બધાનું સજીવ ચિત્રણ આ સ્મૃતિકથામાં છે :

‘ગયા સોમવારે ૬ નવેમ્બર, ૧૮૯૮ના રોજ સ્વામીજીની સાથે હું બેલુર મઠથી બાગ બજાર (કલકત્તા) આવ્યો…. બલરામ બાબુના ઘરમાં અમે બેઠા હતા. સાથે રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) પણ હતા. થોડી વાર પછી તાવમાં તરફડતા સ્વામી ત્રિગુણાતીતાનંદજી ડોલતા ડોલતા ત્યાં પહાંેચી ગયા.

સ્વામીજીએ અને રાખાલ મહારાજે એકી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આવકાર આપ્યો, ‘આવો બાપુ, આવો, બેસો. શા ખબર છે ? પ્રેસનું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું ?’

સ્વામી ત્રિગુણાતીતે નાકમાંથી બોલતાં બોલતાં કહ્યું, ‘અરે ભાઈ, હવે તો આ બધું નથી થતું, ભાઈ – આ બધું કામ શું આપણું છે ભાઈ ? આખો દિવસ તીર્થાેના કાગડાઓની જેમ બેસી રહેવું પડે છે. ન તો કાંઈ કામકાજ મળે છે. એક Jobwork (છપાઈનું કામ મળ્યું છે, પણ એમાંથી શું થશે ? બહુ તો એમાં આઠ આના મળશે. હું પ્રેસ વેચવાનો પ્રયત્ન કરું છું.’

સ્વામીજી : શું વાત કરે છે ? બસ, આટલામાં જ તારો શોખ પૂરો થઈ ગયો ? હજુ થોડા દિવસો જોઈ લે, પછી છોડી દેજે. પ્રેસને આ તરફ લઈ આવને ! તો અમે પણ બધા મદદ કરી શકીએ.

સ્વામી ત્રિગુણાતીત : ના ભાઈ , ત્યાં જ રહેવા દો. એક-બે દિવસો જોવા દો. ૧૫-૨૦ રૂપિયાનું નુકસાન કરીને વેચી નાખીશ.

સ્વામીજી : ઓ રાખાલ, આ શું બોલે છે ? લાગે છે એની ખૂબ ટ્રાયલ (પરીક્ષા) થઈ ગઈ છે. બસ, આટલામાં બધો ઉત્સાહ ઓસરી ગયો ! ધૈર્ય ન રહ્યું !

આમ બોલતાં બોલતાં સ્વામીજીનાં નેત્રો ક્રોધથી લાલચોળ થઈ ગયાં અને ઊભા થઈ સિંહની જેમ ગર્જના કરતાં બોલ્યા, ‘શું બોલે છે? વેચી નાખ પ્રેસ, મને પૈસાની ઘણી જરૂર છે. આ જ મૂરતમાં પ્રેસને વેચી નાખ. ૧૦૦-૧૫૦ રૂપિયાનું નુકસાન વેઠીને પણ વેચી નાખ… કામના નામથી જ આ લોકોને વૈરાગ્ય આવી જાય છે-અરે ‘ભાઈ હવે તા આ બધું નથી થતું. ભાઈ આ બધું, કામ શું આપણું છે ભાઈ ? ફક્ત ખાઈ પીને ફાંદ વધારીને પડ્યુંં રહેવું છે ! જેનું કોઈ કામમાં ધૈર્ય નથી એ શું માણસ છે ?…. હજી ત્રણ દિવસો નથી થયા તને પ્રેસ ચાલુ કર્યે. જા, જા, તારા ઘણા experiments (પ્રયોગ) થઈ ગયા. તારી જ તો બહુ ઇચ્છા હતી. કોણે તને પ્રેસ ચાલુ કરવા માટે કહેલું ? તેં જ તો મને લખી લખીને પૈસા ભેગા કર્યા. તારું પ્રેસ અહીં લઈ આવને ! ત્યાં રાખવાનો શો અર્થ છે ? અને આ તને વારંવાર તાવ આવી જાય તો તારા સ્વાસ્થ્યનું ધ્યાન કેમ નથી રાખતો ?

સ્વામી ત્રિગુણાતીત : ૮ રૂપિયા ભાડું આપવું પડશે. એક મહિનાનું એગ્રીમેન્ટ થઈ ગયું છે.

સ્વામીજી : છી, છી, શું બોલે છે ? આ લોકો કોઈ કામ કરી શકશે ? આઠ રૂપિયા માટે પડ્યો છો ? તમારા લોકોની કંજૂસાઈ ક્યારેય નહિ જાય. તું પણ હરમોહન જેવો જ છો ! તમે લોકો ક્યારેય કોઈ બિઝનેસ (વેપાર) નહિ કરી શકો. એ પણ એક પૈસાનાં બટેટડાં લેવા માટે પચાસ દુકાનોમાં ફરતો રહેશે અને ઠગાઈને પાછો ફરશે… આવા માણસોથી કોઈ પ્રગતિ થઈ શકે ખરી ?

ત્રિગુણાતીત : ભાઈ, તમારું brain (મગજ)કેવું છે? તમારું brain (મગજ)મને આપશો ?

આ વાત સાંંભળીને વાતાવરણ હાસ્યથી ગુંજી ઊઠ્યું. બોલવાનું કૌશલ જ એવું હતું. આના પછી સ્વામીજી જરા નરમ પડ્યા અને હવે તબિયતના સમાચાર પૂછયા. તાવ માટે દવાદારૂ કરે છે કે નહિ અને દિવસમાં કાંઈ ખાધું છે કે નહિ વગેરે પ્રશ્નો કર્યા. જવાબમાં સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ કહ્યું કે સવારે થોડા સાબુદાણા લીધા છે અને આ વેળા એક શેર રબડી, અર્ધાે શેર કચોરી અને એટલા પ્રમાણમાં શાક ખાધું છે. આ સાંંભળીને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : ‘સાલા, તારું stomach (હોજરી) મને દે તો સંસારનો ચહેરો ફેરવી નાખું ! લાહોરમાં સૂરજમલે કહેલું, ‘સ્વામીજી, તમારામાં નાનકનું brain (મગજ) અને ગુરુ ગોવિંદસિંહનું heart (હૃદય) તો આવી જ ગયું છે. હવે ફક્ત જગમોહન (ખેતડીના દીવાન) જેવી હોજરીની જરૂર છે.’

આવો જ અનોખો સંબંધ હતો સ્વામીજીનો પોતાના ગુરુભાઈઓ સાથે અને આવો કઠોર સંઘર્ષ સ્વામીજીને તથા તેમના ગુરુભાઈઓને ‘ઉદ્‌બોધન’ના પ્રવર્તન માટે કરવો પડ્યો હતો. આવા અથાક પ્રયત્નો, તપસ્યા અને સંકલ્પના પરિણામે આજે ૧૨૧ વર્ષો પછી પણ આ પત્રિકા બંગાળી પત્રિકાઓમાં આગવું સ્થાન ધરાવે છે. બંગાળીમાં નિયમિત પ્રકાશિત થતી પત્રિકાઓમાં આ પ્રાચીનતમ પત્રિકા છે અને ધર્મ તથા સંસ્કૃતિ સંબંધી પત્રિકાઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. (ક્રમશ 🙂

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.