मैया अमरकंटकवाली तुम हो भोली भाली ।
तेरे गुन गाते हैं साधु, बजा बजा के ताली ।।
निर्धनियों को धन देती है, अज्ञानी को ज्ञान ।
अभिमानी का मान घटाती, खोती नाम-निशान।।

અલીગામમાં એક મંદિર આવ્યું. એ મંદિરે દર્શન કર્યાં. એક વૃદ્ધ ગરીબ ભાવિક બહાર બેઠા હતા, તેમણે પ્રેમથી આવકાર આપ્યો. તેમણે કહ્યું, ‘પૂજારી હમણાં આવશે. તમે રોકાઈ જાઓ.’ અમે કહ્યું, ‘બપોર થવાને ઘણી વાર છે. અમે ટોકસર જઈશું.’ એમની ગરીબ અવસ્થા વગેરે જોઈને દસ રૂપિયા પ્રણામી આપી. તેઓ રાજીના રેડ થઈ ગયા. કહેવત છે ને કે ‘ન જાણે કયા વેશમાં પ્રભુ હોય!’

ફરીથી ઇષ્ટસ્મરણ કરતાં કરતાં પરિક્રમાના માર્ગે આગળ ચાલતાં ચાલતાં પૂછ્યું, ‘ટોકસર કેટલું દૂર?’

દૂર મોટા ઇલેક્ટ્રીકના હાઈવોલ્ટેજના થાંભલા બતાવીને, ‘આ પહેલો નહીં, બીજાને પાર કરી નાખો પછી ટોકસર’. ‘હેં, એટલું બધું દૂર!’ પણ પછી ‘ચરૈવેતિ, ચરૈવેતિ’ શ્લોક તથા સ્વામીજીની વાણી યાદ આવી, ‘મારા શિષ્યો! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશના ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભોે, થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે.’ ધીરે ધીરે ચાલતા ગયા અને એવું લાગ્યું કે ક્ષણમાં ઇલેક્ટ્રીકના એ વિશાળ ટાવર પાર કરી ગયા. ટોકસરમાં રામજીમંદિરે દર્શન કર્યાં. કોઈ દર્શનાર્થીએ કહ્યું, ‘હજુ એક કિલોમિટર દૂર ગોમુખ ઘાટ છે, ત્યાં પરિક્રમાવાસીઓ માટે સારી વ્યવસ્થા છે.’ એટલે અમે ગોમુખ ઘાટ તરફ રવાના થયા.

ખરેખર તપોવન! ચારે તરફ ઘેઘૂર વૃક્ષો – પીપળો, વડલો, આસોપાલવ, બકુલ વગેરે. આ મેદાનના છેવાડા તરફ ગોમુખ, જેમાંથી શીતળ અને નિર્મળ જળ વહેતું હતું. એ કુંડ નીલગંગા તરીકે ઓળખાય છે. તેને બાવળી પણ કહે છે. નીલગંગાનો જીર્ણાેદ્ધાર રાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. તે કુંડનું જળ ઔષધરૂપ મનાય છે. ત્યાં સ્નાન કરનારને કૈલાસમાં નિવાસ મળે છે, એમ મનાય છે. અહીં શ્રાદ્ધ તર્પણ કરનારના ૨૧ પિતૃઓની મુક્તિ થાય એવું કહેવાય છે. નર્મદા નદીના તટ તરફ જમણી બાજુ ભોંયતળિયા પર વિશાળ શિવમંદિર ! એ પ્રાચીન ગૌતમેશ્વર મંદિર કહેવાય છે. મંદિરના પહેલા માળે મા પાર્વતીનું મંદિર છે. અતિઅપૂર્વ મૂર્તિ! તથા મંદિરની ચારેતરફ દીવાલો પર અદ્‌ભુત કારીગરીથી શોભિત દેવીદેવતાઓનાં ચિત્રો! જાણે હમણાં આપણી સાથે વાતો કરશે! શ્રીમાના મંદિરના પટમાંથી નર્મદામૈયાનાં રમણીય દર્શન ! અહીંના શાંત રમણીય વાતાવરણમાં એક-બે દિવસ નિવાસ કરવાનું નક્કી કરી નાખ્યું.

મંદિરના પ્રાંગણમાં યજ્ઞશાળા. બંને બાજુ નાના નાના ઓરડાઓ, જેમાં મંદિરના સેવકો અને નર્મદા પરિક્રમાવાસીઓ રહે. અન્નક્ષેત્ર ચાલે, બપોરે ૧૨.૦૦ વાગ્યે અને એ જ ભોજન સાંજે ૫.૦૦ વાગ્યે પ્રસાદ-ભીક્ષારૂપે મળે. હાલના આ મંદિરની ભવ્યતા અને સેવાશુશ્રૂષા તત્કાલીન ધારાસભ્યને આભારી છે. સાંજે પરમાનંદ નામનો એક માણસ બ્રહ્મચારીના વેશમાં આવ્યો. તેણે બીજા ઓરડામાં ઉતારો લીધો અને તે પણ પરિક્રમાવાસી છે, તેમ કહ્યું.

દિવસે વિશાળ વૃક્ષરાજથી શોભતું તપોવન, રાત્રે બીજું જ સ્વરૂપ ધારણ કરે છે. થોડું ગંભીર, ભયયુક્ત! પરંતુ તપ માટે અનુકૂળ. પણ અમે થાકી ગયા હતા તેથી નિદ્રાદેવીની ગોદમાં પોઢી ગયા. પરોઢિયે નિત્ય ધ્યાનજપ-પૂજા, સ્તોત્ર આદિ કર્યાં. ‘વિશુદ્ધ વિજ્ઞાન અગાધ સૌખ્યં… પ્રકૃતિં પરમાં અભયાં વરદાં…. અનિત્ય દૃશ્યેષુ….’ તથા નર્મદામૈયાની આરતી અને અષ્ટકમ્ વગેરે નિત્યક્રમ પ્રમાણે ગવાયાં. આજે પણ આ તપોવનમાં નિવાસ કરવાનો હતો. ચા પીને નર્મદાસ્નાન કરવા ગયા. શિયાળાની સવાર. સૂર્યનારાયણની રશ્મિઓ શીતળતા આપતી હતી! સ્વચ્છ સુંદર અને સ્ફટિક સમાન કલકલ કરતું નિર્મળ જળ. આ દક્ષિણ ઘાટેથી નર્મદા નદી તરફ મોટા મોટા પથ્થરોથી બનેલ નાના ટાપુ સુધી નાનો પુલ હતો. પુલ પાર કરી મોટા મોટા ભૂખરા પથ્થરો પર પૂજાનો સામાન, ટુવાલ, ઇત્યાદિ રાખ્યાં. મા નર્મદાના અમૃતસમાન નીરમાં સ્નાન કરીને પરમ તૃપ્તિ થઈ. લલાટે ચંદન લગાવીને ભસ્મ, ચંદન, ધૂપથી શ્રી શ્રીમાની પૂજા કરી. માને ચોકલેટનો ભોગ લગાવ્યો. નર્મદા મૈયા કન્યારૂપે પણ છે ને એટલે! ત્યાં એક ફૂટડો બ્રહ્મચારી આવ્યો. તે અડધો અંતર્મુખી, અડધો બેપરવાહ – રહસ્યમય જેવો! પોતાની જાતને જાણે છુપાવતો હતો. પોતાને એક સંપ્રદાયનો કહેતો હતો.

એક સાધુ મહાત્મા કહેતા, ‘આટલી લાંબી દુર્ગમ, પ્રખર તપ માગી લેતી અને અતિ જોખમભરી નર્મદા પરિક્રમા લોકો શા માટે કરતા હશે?’ તેમણે પોતાનંુ તારણ એ આપ્યું કે મોટા ભાગના જીવનની આંટીઘૂંટીથી, સંઘર્ષથી થાકી ગયા હોય, આરો-ઓવારો ન હોય અને હવે તો આ પાર કે પેલે પાર, જીવ સટોસટીના ખેલ ખેલવા તૈયાર હોય તેવા જ લોકો આ કઠિન નર્મદા પરિક્રમા કરતા હોય છે. મારું તારણ એવું છે કે શ્રીશ્રી નર્મદામૈયા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનારાં છે. તો મોટા ભાગના લોકો સાંસારિક ચાહના માટે જ પરિક્રમા કરતા હોય છે. વળી ઘણા સાહસિકતા કે પ્રાકૃતિક સૌંદર્યપ્રેમી કે વળી ઘણા જીવનકાળયાપન કરવા માટે પરિક્રમા કરતા હોય છે. એ જે હોય તે પણ આ બટુકડો બ્રહ્મચારી હિંમતવાન ખરો. અમે જલદી જલદી સ્નાનપૂજા પતાવીને આ નાનો ટાપુ છોડીને દક્ષિણતટે આવી ગયા. કારણ કે રોજ સવારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના બે કલાક પછી અહીં નર્મદાજળની ધારા વધી જાય છે. અને પુલ પરથી પાણી વહેવા માંડે છે. જો એમાં ફસાઈએ તો સાંજ સુધી નાના ટાપુના ઊંચા ભાગ પર તડકામાં બેસી રહેવું પડે. ગોમુખના તપોવનમાં આવીને જોયું તો લોકોની ભીડ જામી હતી! આ ક્ષેત્ર અવારનવાર લગ્નપ્રસંગ કે વિવિધ ઉત્સવોમાં ભાડે અપાય છે. આજે લગ્નપ્રસંગની ભીડ.

તપાસ કરતાં ખબર પડી કે આજે આશ્રમનું અન્નક્ષેત્ર બંધ રહેશે, પરિક્રમાવાસીઓને આજે આ લગ્નપ્રસંગનું ભોજન આપવામાં આવશે. અમે તો સંન્યાસી, એટલે શ્રાદ્ધ કે લગ્નપ્રસંગનું ભોજન ન લઈ શકીએ. લગ્નપ્રસંગવાળા લોકોને જાણ થતાં તેઓએ કહ્યું કે અમે તમારા માટે અલગથી રસોઈ બનાવી દઈશું. પણ અમે ના પાડી. ૪૦૦-૫૦૦ માણસોનું રસોડું અને એમાં બે-ત્રણ સંન્યાસીઓ માટે વળી અલગથી રસોઈ શા માટે! અમે કહ્યું, ‘બપોરે ટોકસર ગામમાં ભીક્ષા કરી લાવીશું.’ સમય થતાં પરિક્રમમામાં પહેલીવાર ઝોળી અને કમંડળ લઈને નીકળી પડ્યા ભીક્ષા માટે. હું અને ‘પી’ સ્વામી અલગ અલગ વિસ્તારમાં ભીક્ષા માગવા નીકળ્યા. તૈયાર ભોજન જ માગવાનું હતું.

નિયમ પ્રમાણે ૧,૩,૫, એમ એકી સંખ્યાના સ્થાનેથી ભીક્ષા કરવાની હોય છે. અમે ત્રણ જગ્યાએ ભીક્ષા કરી. એક સ્થાને રસોઈ તૈયાર ન હતી. સંન્યાસી ગૃહસ્થના ઘરેથી ખાલી હાથે ન જાય, તેથી થોડી ખાંડ માગી લીધી. બીજે ઘરે રસોઈ તૈયાર હતી, તેમણે બહાર ઓટલા પર બેસીને ભોજન કરી લેવાનો આગ્રહ કર્યો. મેં કહ્યું, ‘મારી સાથે બીજા સ્વામીજી છે અને અમે ભગવાનને તથા નર્મદામૈયાને ભોગનિવેદન કરીને પછી જ પ્રસાદ લઈશું.’ બંનેએ ભીક્ષા ભેગી કરી. શ્રીશ્રીઠાકુર અને નર્મદા મૈયાના ફોટા સામે ભોગનિવેદન કરી ભીક્ષાગ્રહણ કરવા બેઠા. એક બટકું મોઢામાં જતાં જ કાન-નાકમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. એટલું બધું તીખું!!! બાબા રે બાબા… માંડ માંડ પાણી નાખતાં નાખતાં કોળિયા ગળે ઉતાર્યા. થોડો વિશ્રામ કરીને ટાઢા પહોરે પોતાનું આસન, જપમાળા લઈ પહેલા માળે અંબામાતાના મંદિરની પરસાળમાં બેસી જપ કર્યા.

નર્મદા પરિક્રમાના માર્ગમાં રસ્તે આવતા પ્રીતનગરના એક ભક્ત શામળિયાભાઈ અવારનવાર આ મંદિરે આવે અને પરિક્રમાવાસીઓ સાથે સત્સંગ કરે. તે ક્રમ પ્રમાણે તેઓ અમને પણ મળ્યા. તેમણે આ ક્ષેત્રના ઇતિહાસની થોડીઘણી વાતો કરી. તેઓએ અમદાવાદથી દ્વારિકાધીશની ચાલીને યાત્રા કરી છે. દ્વારિકાધીશ પ્રત્યે અપ્રતીમ પ્રીતિ. અમે સૌરાષ્ટ્રના છીએ, એ સાંભળીને તેઓ અમારા પ્રત્યે વિશેષ સ્નેહ પ્રગટ કરવા લાગ્યા. જાણે અમે દ્વારિકાધીશના ઘરેથી ન આવ્યા હોય! (આમ તો એના ઘરેથી છીએ.) આવતીકાલે જ્યારે અમો પરિક્રમા માર્ગે આગળ ચાલવાના છીએ ત્યારે પ્રીતનગરમાં તેમના ઘરે ચા પીઈને જવાનું છે, તેવું આમંત્રણ આપ્યું. (ક્રમશ 🙂

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.