ગુજરાતનાં મઠ-મિશનનાં કેન્દ્રોમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો મહોત્સવ

આખ્યાન, ભજનસંધ્યા અને વ્યાખ્યાનમાળા

રામકૃષ્ણ મિશન, વડોદરામાં વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં વડોદરાના સુપ્રસિદ્ધ માણભટ્ટ અને કથાકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ તા.૧૫-૧૬-૧૭ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પોતાની આગવી શૈલીમાં પ્રેમાનંદનાં આખ્યાનોની રસલ્હાણ રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ આખ્યાન શૈલીનો આનંદ માણ્યો હતો.

બુધવાર, ૧૮ એપ્રિલ, ૨૦૧૮ના રોજ આ સંસ્થાના સ્થાપનાદિનના ઉપલક્ષ્યમાં ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ભજનસંધ્યામાં સંસ્થાના ભક્તોએ હોંશે હોંશે ભાગ લીધો હતો.

ગુરુવાર, ૧૯ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ ભજનસંધ્યાનો કાર્યક્રમ ભક્તજનોએ માણ્યો હતો.

ત્રિદિવસીય જાહેરસભા-વ્યાખ્યાનમાળા

શુક્રવાર, ૨૦ એપ્રિલના રોજ નસ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશથ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્દોરના સચિવ સ્વામી નિર્વિકારાનંદજી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાનાં રાજશ્રી બહેન ત્રિવેદીનાં વ્યાખ્યાનો ભાવિકજનોએ માણ્યાં હતાં. શનિવાર, ૨૧ એપ્રિલના રોજ નશ્રીમા શારદાદેવી : જીવન અને સંદેશથ વિષય પર રામકૃષ્ણ મિશન, ઊટીના સચિવ સ્વામી રાઘવેશાનંદજી અને સ્વામી નિર્વિકારાનંદજીનાં શ્રીમાનાં જીવનકવન વિશેનાં પ્રેરક પ્રસંગો અને ઉક્તિઓનો આનંદ ભક્તજનોએ માણ્યો હતો. રવિવાર, ૨૨ એપ્રિલના રોજ નભગવાન શ્રીરામકૃષ્ણદેવ : જીવન અને સંદેશથ વિષય પર સ્વામી રાઘવેશાનંદજી અને શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો દ્વારા શ્રીઠાકુરની અમૃતવાણી અને સર્વધર્મ સમન્વયના ભાવને ભાવિકજનોએ શ્રદ્ધાભક્તિથી માણ્યાં હતાં.

આધ્યાત્મિક શિબિર

૨૨ એપ્રિલ, રવિવાર ૨૦૧૮ના રોજ સવારે ૮ :૩૦ થી ૧૨ :૩૦ સુધી  સ્વામી રાઘવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી નિર્વિકારાનંદજીની નિશ્રામાં યોજાયેલી આધ્યાત્મિક શિબિરમાં ભક્તજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

વિશેષ સત્સંગ

૨૩ અને ૨૪ એપ્રિલના રોજ સ્વામી રાઘવેશાનંદજી મહારાજની નિશ્રામાં નદૈનિક જીવનમાં આધ્યાત્મિકતા : રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓના આલોકમાંપ વિશે વિશેષ સત્સંગ અને પરિચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટનો વાર્ષિક મહોત્સવ

આખ્યાન, ધ્રુપદ સંગીત અને શ્રીરામકૃષ્ણ પુરાણની પાંચ દિવસની હેલી

શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેકહોલમાં ૬ મે થી ૧૩ મે, ૨૦૧૮ સુધી આઠ દિવસના વાર્ષિક મહોત્સવનું આયોજન થયું હતું. વ્યાખ્યાનમાળા પૂર્વે ૬ મે થી ૮ મે, ૨૦૧૮ના રોજ દરરોજ સંધ્યાઆરતી પછી ૭ :૪૫ કલાકે વિવેકહોલમાં ગુજરાતના સુખ્યાત માણભટ્ટ, વડોદરા નિવાસી શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ માણ અને બીજાં વાજિંત્રોના મધુર સંગીત સાથે પોતાની અદ્‌ભુત નાટ્યાત્મક શૈલીમાં નરસિંહ મહેતાના જીવનપ્રસંગો પર આખ્યાન રસ પીરસીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોનાં મનહૃદયને ડોલાવી દીધાં હતાં. ત્રણેય દિવસ જાણે કે નરસિંહ મહેતાનાં દુ :ખપીડા, ઈશ્વરપ્રેમ, પ્રભુપ્રત્યેની અમાપ શ્રદ્ધાભક્તિનાં પૂર વહેતાં રહ્યાં.

૯ મે, ૨૦૧૮ના રોજ સાંજે ૭ :૪૫ કલાકે ભોપાલના શાસ્ત્રીય સંગીતના સમર્થ કલાકાર શ્રીમનોજ કુમારની ધ્રુપદ ગાયકીની રસલ્હાણ ભાવિકોએ મગ્ન બનીને  માણી હતી.

૧૦ મે, ૨૦૧૮ના રોજ સંધ્યાઆરતી પછી શ્રી જિતુભાઈ અંતાણી, શ્રીનલિનભાઈ મહેતા વૃંદ દ્વારા નશ્રીરામકૃષ્ણ પુરાણકથાથમાંથી પસંદ કરેલા ઘટના પ્રસંગોનાં ગાન અને ચર્ચા દ્વારા વહેતા ભક્તિના પૂરને ભક્તજનોએ માણ્યું હતું.

ત્રિદિવસીય જાહેરસભા-વ્યાખ્યાનમાળા

આ વ્યાખ્યાનમાળામાં રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજી; રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુરના સચિવ સ્વામી સર્વલોકાનંદજી; રામકૃષ્ણ મિશન સિંગાપુરના નિયુક્ત અધ્યક્ષ સ્વામી સમચિત્તાનંદજી; રામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી અને રામકૃષ્ણ મિશન લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન ૧૧, ૧૨ અને ૧૩ મેના રોજ સંધ્યાઆરતી પછી ૭ :૪૫ કલાકે વિવેક હોલમાં થયું હતું.

પ્રથમ દિવસે નભગવાન શ્રીરામકૃષ્ણદેવના સંદેશની પ્રાસંગિકતાથ વિશે સભાના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, વક્તા : સ્વામી સર્વલોકાનંદજી અને સ્વામી સમચિત્તાનંદજી મહારાજનાં ભાવભક્તિ સભર વક્તવ્યોનું ભાવિકજનોએ આચમન કર્યું હતું.

બીજે દિવસે નશ્રીમા શારદાદેવીના જીવન સંદેશની પ્રાસંગિકતાથ વિશે સભાના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, વક્તા : સ્વામી સર્વલોકાનંદજી, સ્વામી સમચિત્તાનંદજી અને સ્વામી આત્મદિપાનંદજી મહારાજનાં શ્રીમાના જીવનના ઘટના પ્રસંગો તેમજ ઉપદેશોનાં જ્ઞાન-ભાવભક્તિ સભર વક્તવ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોએ માણ્યાં.

ત્રીજે દિવસે નસ્વામી વિવેકાનંદના જીવન સંદેશની પ્રાસંગિકતાથ વિશે સભાના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, વક્તા : સ્વામી સર્વલોકાનંદજી,  સ્વામી સમચિત્તાનંદજી અને સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજનાં પ્રવચનો દ્વારા સ્વામીજીની ઓજસ્વી દેશભક્તિની ભાવના જગાડતી, આજના યુવાનોને બેઠા કરતી અને રાજનીતિજ્ઞોના કાન આમળતી આહ્‌વાન આપતી સતત વહેતી રહેલી ઉદ્બોધક વાણીને ભક્તજનોએ મનભરીને માણી હતી.

ત્રિદિવસીય જપયજ્ઞ

૧૧, ૧૨ અને ૧૩ મે, ૨૦૧૮ના રોજ શ્રીરામકૃષ્ણ મંદિરમાં દરરોજ સવારના પ થી સાંજના ૭ સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક જપયજ્ઞનું આયોજન થયું હતું. આ જપયજ્ઞમાં દરવર્ષની જેમ બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં બાલભારતી જ્ઞાનયજ્ઞ

૧૮મી એપ્રિલ થી ૨૩મી એપ્રિલ, ૨૦૧૮ સુધી ૬ દિવસનો બાલભારતી જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૧૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દરરોજ ચારિત્ર્ય ઘડતર કેવી રીતે કરવું, આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી અને કમ્પ્યુટર વિશે ચર્ચા થઈ હતી. મૂવી દ્વારા સ્વામીજીના જીવનકવન વિશે એનીમેશન ફિલ્મનું નિદર્શન થયું હતું. બાળકોએ ચિત્રાંકનમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. આ ભૂલકાઓએ સુંદર મજાનું ચિત્રાંકન કર્યું હતું. એના દ્વારા આપણે બાળકમાં રહેલ કૌશલ્યનો અંદાજ કરી શકીએ છીએ.

કાર્યક્રમનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજી મહારાજે દીપ પ્રકટાવીને કર્યું હતું. આ પ્રસંગે દરરોજ સુખ્યાત વક્તાઓ, રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ વિદ્યાર્થીઓને પોતાના પ્રવચનો દ્વારા સ્વામીજીની વાણીથી પરિચિત કર્યા હતા અને એમને સ્વામીજીના જીવનમાંથી સદૈવ પ્રેરણા લેવા આહ્‌વાન કર્યું હતું.

કાર્યક્રમના અંતે સંસ્થાના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપ્યાં હતાં.

 

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.