બુદ્ધની આ પ્રસિદ્ધ ઉક્તિ પર મનન કરવાથી આપણને લાભ મળી શકે : ‘હવે, ભિક્ષુઓ તમને એક વાતની યાદ અપાવું છું. બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે, એટલે સદૈવ સજગ રહેજો.’ આ ઉપદેશ દૃશ્ય જગતની અનિત્યતાનો આપણને અનુભવ કરાવીને વ્યર્થ ધંધા અને અનિયંત્રિત ચિંતનને દૂર કરવામાં આપણને ઘણી સહાયતા કરે છે. આપણે પોતાના જીવનમાં નિત્ય પરિવર્તનશીલ અને સદૈવ અસંખ્ય રૂપ ધારણ કરનાર જગતને બદલે અપરિવર્તનશીલ સત્તાને વધારે મહત્ત્વ આપતાં રહેવું જોઈએ. માનવનો ચરમ પુરુષાર્થ – અહીં, આ જીવનમાં એ સત્તાનો સાક્ષાત્કાર કરવા તથા ત્યાર પછી બીજાને તેનો સાક્ષાત્કાર કરવામાં મદદ કરવામાં રહેલો છે.

જો આપણે નિરર્થક બકવાસ, અર્થહીન કાર્યો અને ચિંતનમાં નષ્ટ થતા સમયનો સમજી વિચારીને સદુપયોગ કરીએ, તો આપણને જરૂર કરતાં વધારે સમય મળશે. અભ્યાસ દ્વારા આવી ગહન વિચારશીલતાનો વિકાસ કરી શકાય છે કે બે કલાકનું સામાન્ય ચિંતન અડધા કલાકમાં કરવું. બે વાત છે – માત્રા અને ગુણવત્તા. જો તમે માત્રા ન વધારી શકો તો ગુણવત્તામાં – પોતાનાં ધ્યાન અને સ્વાધ્યાયની ગુણવત્તામાં સુધારણા કરો.

ધ્યાન, જપ અને પ્રાર્થના માટે સમય ફાળવવાની સાથે જ પ્રત્યેક વ્યક્તિ માટે નિયમિત સ્વાધ્યાયને પણ સમય દેવો આવશ્યક છે. સાધના પછી ઓછામાં ઓછી દશ મિનિટ સુધી ઉપનિષદોના કેટલાક પસંદગીના અંશોનો પાઠ કરવો જોઈએ.

પ્રમાદ અને આળસ આધ્યાત્મિક જીવનની બધી અવસ્થાઓમાં બે મહાન શત્રુ છે. મોટાભાગના લોકો શારીરિક તેમજ માનસિક નિષ્ક્રિયતાના શિકાર બની જાય છે અને તે અત્યંત ઘાતક છે. આ પ્રમાદના ભાવને આપણા પર સવાર થવા દઈએ, તો આપણને સાધના અથવા સ્વાધ્યાય કે અધ્યયન માટે સમય જરાય મળતો નથી. આવી મન:સ્થિતિમાં સમય હોવા છતાં પણ આપણને સૂઝતું નથી; આપણે એટલા બધા મૂઢ બની જઈએ છીએ કે તેનું આપણને ધ્યાન કે ભાન નથી હોતું.

ઇન્દ્રિયસંયમ આપણને ગહન ચિંતન તથા ઉત્ક્ટતા સાથે ઉદ્દેશવાળું જીવન જીવવામાં સહાયક બને છે. તો પછી શા માટે સદૈવ ઇન્દ્રિય વિષયોના જગતમાં વિચરણ કરતાં રહીએ? ઇન્દ્રિયસંયમ રહેવાથી ચિંતનના સ્તરે સરળતાથી રહી શકાય છે. બાહ્યજગતની ધોલથપાટ ખાવા શા માટે જાઓ છો? વિક્ષેપોથી દૂર રહેવાથી આપણે તીવ્રતર ચેતનાયુક્ત જીવન જીવી શકીએ તથા બધી અવસ્થાઓમાં યથાસંભવ જાગૃત અને સચેત રહી શકીએ. પરંતુ મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો લાકડા અને પથ્થરની જેમ વધારે ને વધારે જડ અને નિષ્ક્રિય બનતા જાય છે. બાહ્ય આકર્ષણો અને સાંસારિક લક્ષ્યોની પ્રેરણા હટી જવાથી તેઓ પોતાનાં સાધના અને સ્વાધ્યાય માટે ધીમે ધીમે અલ્પ સમય મેળવવા માંડે છે.

કર્તવ્ય અને આસક્તિ

આપણે પોતાનાં કર્મ- 1. વ્યક્તિઓ કે વસ્તુઓની આસક્તિને કારણે 2. કર્તવ્યજ્ઞાનથી 3. અંતર્યામી પરમાત્મા પ્રત્યેની ભક્તિને કારણે કરીએ છીએ. પ્રાય: પ્રથમ બે હેતુ એકબીજા સાથે મળી જાય છે. મોટાભાગના લોકો સાચા કર્તવ્યજ્ઞાનને આસક્તિથી અલગ કરી શકતા નથી. એ વખતે કર્તવ્ય આપણી આસક્તિઓની પૂર્તિનું બહાનું બની જાય છે. એટલે એક વિચારકે આમ કહ્યું છે: ‘કર્તવ્ય તે એ એક એવો દંડ છે કે જે આપણને આપણી આસક્તિ માટે દેવો પડે છે.’ અંતત: આ પરિભાષા વિશેષ પ્રમાણમાં વિચિત્ર અને અસંતોષજનક લાગે છે, પરંતુ તેને એક ઉચ્ચતર દૃષ્ટિકોણથી સમજવી જોઈએ. બુદ્ધ, ઈશુ, રામકૃષ્ણ વગેરે માટે કોઈપણ કર્તવ્ય નથી હોતું. તેઓ કેવળ પ્રેમપૂર્ણ સેવા કરે છે, કર્તવ્ય નહીં. એમની ક્રિયાઓમાં કોઈ બંધન નથી હોતું અને તેમને કોઈ લાભ મેળવવાની ઇચ્છા પણ નથી હોતી, સાથે ને સાથે કર્મફળની ઇચ્છા પણ નથી હોતી. સિદ્ધપુરુષનું કોઈ કર્તવ્ય નથી હોતું કે તેમને કોઈ આસક્તિ નથી હોતી. એમને માટે કોઈ કર્તવ્ય નથી હોતું- ટશ્ર્ન્રૂ ઇંળ્રૂહ્ણ ણ રુમદ્મટજ્ઞ (ઉંટિળ, 3.17) તેઓ કોઈ બંધન વિના, અહં કે મમતા વિના પૂર્ણ સ્વતંત્રતાથી પ્રેમપૂર્વક સેવા કરે છે.

પોતાના અહંકારના આ નાના સંસાર સાથે પોતાના દેહાત્મજ્ઞાનથી, પોતાના વિચારો વગેરેથી આસક્ત રહેવું કે તેને વળગી રહેવું, આને કર્તવ્ય કહેવામાં નથી આવતું. સાથે ને સાથે આસક્તિ દ્વારા કે કોઈ વાસનાની પૂર્તિ માટે કરેલ કોઈપણ કાર્યને- પછી ભલે એનું સ્વરૂપ ગમે તેવું હોય, પણ હું એને કર્તવ્યની સંજ્ઞા કે કર્તવ્યનું સ્થાન આપી શકતો નથી. આવું કર્મ આસક્તિ તથા આપણા ક્ષુદ્ર વ્યક્તિત્વના મોહનું પરિણામ છે, સ્વતંત્રતા અને કર્તવ્યની ઉચ્ચ ભાવનાનું એ ફળ તો નથી જ.

ઇન્દ્રિયસંયમ, નિ:સ્વાર્થતા, પ્રેમપૂર્ણ સેવા, ચિત્તશુદ્ધિ, ચિત્તની ઉપયુક્ત એકાગ્રતા અને આપણી બધી ક્ષમતાઓને ઉચ્ચતર દિશા આપીને સ્વયંને પરમાત્માનું યોગ્ય યંત્ર બનાવવું, એ જ વાસ્તવિક કર્તવ્ય છે. આપણે જેટલા પ્રમાણમાં પવિત્ર હોઈશું, સર્વવ્યાપી પરમાત્માની એટલી જ શ્રેષ્ઠતા અને પ્રેમપૂર્ણ સેવાના રૂપે આપણે પોતાનું કર્મ કરી શકીશું, પરંતુ આપણે એ જોવું જોઈએ કે તેમાં ક્યાંય આસક્તિ ન હોય. આસક્તિને ક્યારેય કર્તવ્યની સંજ્ઞા દેવી ન જોઈએ, પછી ભલે તે કોઈપણ પ્રકારની હોય. મોટા ભાગના લોકો ઇન્દ્રિયવિષયો પ્રત્યેનાં સૂક્ષ્મ કે સ્થૂળ વળગણને કારણે, વ્યક્તિઓ તથા વસ્તુઓની આસક્તિને કારણે પોતાનું કહેવાતું કર્તવ્ય કરે છે. પરંતુ આ કર્તવ્ય નથી. આ સંદર્ભમાં આપણે સાચી રીતે જે કોઈ ને કોઈ પ્રકારનો દૃઢમૂળ અહંકાર છે તથા જે વાસ્તવિક કર્તવ્ય છે – એ બન્ને વચ્ચેના ભેદને અત્યંત સ્પષ્ટરૂપે સમજી લેવો જોઈએ.

જ્યાં સુધી આપણે ક્ષુદ્ર અહંકાર અને તેની તુચ્છ કામનાઓ પ્રત્યે પોતાના અસ્વાભાવિક વળગણને, બધા પ્રકારના ઇન્દ્રિયભોગો તથા વસ્તુઓની અત્યધિક લાલસાને ત્યજવા તૈયાર નહીં થઈએ, ત્યાં સુધી આપણે ઉચ્ચ સપાટી પર ઊઠી શકીશું નહીં તથા આ પરિભાષા – ‘કર્તવ્ય એ એવો દંડ છે કે જે આપણે આસક્તિ માટે ચૂકવવો પડે છે’- તેનો અર્થ આપણે સમજી નહીં શકીએ. વસ્તુત: જે આપણી આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને, એ જ કર્તવ્ય છે; આ બધાને માટે સામાન્ય નિયમ છે. પોતાની દૈહિક આવશ્યકતાઓની પૂર્તિ કરીને, બીજાને મદદ કરતાં કરતાં કે પરમાત્માની સેવા(આરાધના) જેવાં વિભિન્ન કર્તવ્યોનું પાલન કરીને આપણે આધ્યાત્મિક પ્રગતિ સાધવી જોઈએ. જો આપણે આ આધ્યાત્મિક પ્રગતિ ન કરી શકીએ, તો આપણો કર્તવ્યબોધ કે જે ભાવે આપણે કાર્ય કરીએ છીએ, તેમાં કોઈ ને કોઈ ખામી હોવી જોઈએ.

એવા લોકો પણ છે કે જે ઉપેક્ષાના ભાવનું પોષણ કરવા માંડે છે. સંભવત: તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિવાય બીજી બધી વાતો પ્રત્યે ઉદાસીન રહે છે. મોટા ભાગની આ ઉદાસીનતા સ્વાર્થપરાયણતા અને આળસને કારણે ઊભી થાય છે.

આ એક તામસિક અવસ્થા છે, તેને આધ્યાત્મિક વ્યક્તિની સાચી અનાસક્તિ ન સમજવી જોઈએ. આવા આળસુ અને મૂઢ વ્યક્તિ જીવતાં કરતાં વધારે મરેલાં છે. વાસ્તવિક અનાસક્તિ સાચા સાક્ષીભાવને સજગ કરે છે અને તમે જે કરવાનો નિશ્ર્ચય કરો છો, તે બધાં કાર્યો પછી ભલે તે ધ્યાન હોય કે કર્મ – તેને તીવ્રતા અર્પે છે. (ક્રમશ:)

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.